સાવધાન! કામનું પ્રેશર ક્યાંક
જીવલેણ સાબિત ન થઇ જાય!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
કામનું દબાણ આજના યંગસ્ટર્સ માટે જોખમી પુરવાર થઇ રહ્યું છે.
સ્પર્ધા સતત વધી રહી છે ત્યારે વર્ક પ્રેશરને ટેકલ કરતા પણ શીખવું પડે એમ છે.
———–
પૂણેની એકાઉન્ટ ફર્મમાં કામ કરતી 26 વર્ષની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવતી અન્ના સેબેસ્ટિયનનું કામના વધુ પડતા દબાણના કારણે મોત થયું. કામના ભારણથી કંટાળીને ચેન્નઇમાં 38 વર્ષના સોફ્ટવેર એન્જિનિયર કાર્તિકેયને વીજળીના તારને શરીરે વીંટીને વીજકરંટથી આપઘાત કરી લીધો. આ તો હમણાંની ઘટનાઓ છે, બાકી તો આવું દર થોડા દિવસે કોઇ ને કોઇ શહેરમાં બનતું જ રહે છે. આજનો યંગસ્ટર્સ વર્કલોડ નીચે એટલો બધો દબાઇ ગયો છે કે એને શાંતિથી શ્વાસ લેવાની ફુરસદ પણ નથી મળતી. કોર્પોરેટ વર્લ્ડમાં નોકરીદાતાઓની અપેક્ષાઓ સતત વધતી જ જાય છે. ગોલ, ટાર્ગેટ જેવા શબ્દો યુવાનોનું જીવવું હરામ કરી નાખે છે. કોર્પોરેટ વર્લ્ડમાં કમ્પિટિશન સતત વધી રહી છે. આ એક એવી દોડ છે, જે ક્યારેય અટકવાની તો નથી જ ઊલટું વધુ ને વધુ ખતરનાક થવાની છે. માર્કેટમાં ટકી રહેવા માટે લીડર પર પ્રેશર વધી રહ્યું છે. લીડરને જ્યારે ધાર્યું પરિણામ ન મળે ત્યારે એનું ફ્રસ્ટ્રેશન એની ટીમ પર ઊતરે છે. કામ પૂરું કરવા માટે પ્રેશર શરૂ થાય છે અને ધીમે ધીમે માણસ ગૂંગળામણ અનુભવવા લાગે છે. નવાસવા કામે લાગેલા યંગસ્ટર્સે પોતાની જાતને સાબિત કરવાની હોય છે. ફેલ્યોરના લેબલથી બચવા માટે એ આંખો મીંચીને મચી પડે છે. ખૂબ જ મહેનત કરવા છતાં જ્યારે ધાર્યું પરિણામ મળતું નથી ત્યારે હતાશાનો ભોગ બનાય છે. એવું બિલકુલ નથી હોતું કે, યંગસ્ટર્સને મહેનત કરવી નથી. એ પોતાનાથી થાય એ તમામ પ્રયાસો કરે છે, પણ જ્યાં કામ કરે છે એ કંપનીના લીડરને સંતોષ જ નથી થતો. કર્મચારીને સમજાતું નથી કે, કરું તો શું કરું? આઠ કે નવ કલાકની નોકરી હોય, પણ કામ એટલું હોય કે એ સમયમાં પૂરું જ ન થાય. આવા સંજોગોમાં વધારે સમય આપીને પણ કામ પૂરું કરવાના પ્રયાસો કરે છે. બધું કરી છૂટ્યા બાદ પણ એપ્રિસિએશનને બદલે કવેણ સાંભળવાં પડે ત્યારે હાલત કફોડી થઇ જાય છે. બધા લોકો એટલા નસીબદાર નથી હોતા કે ધારે એટલે નોકરી બદલી લે. બીજે નોકરી મેળવવી પણ ક્યાં સહેલી વાત હોય છે? માનો કે નોકરી બદલે તો ત્યાં પણ સ્થિતિ સારી હોય એની કોઇ ગેરંટી મળતી નથી.
અન્ના સેબેસ્ટિયનના મોત પછી એ વાતની ખૂબ ચર્ચા છે કે શું કામના ટેન્શનથી મૃત્યુ પણ થઇ શકે છે? એનો જવાબ છે, હા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે કે, કામનું પ્રેશર હેલ્થને ખરાબ રીતે નુકસાન પહોંચાડી શકે છે અને મોત તરફ પણ ઢસડી શકે છે. કામના પ્રેશરના કારણે જીવ ક્યાંય લાગતો નથી. ઊંઘ હરામ થઇ જાય છે. બ્રેક લઇને ફરવા જાવ તો પણ ટેન્શન ફીલ થાય છે. એમાંયે જો ઉપરી અધિકારી માથાફેરલો હોય અને વાતે વાતે ખખડાવતો હોય તો જીવવું હરામ થઇ જાય છે. સંવેદનશીલ માણસ વર્કલોડ સહન કરી શકતો નથી અને પરિણામે તે ડિપ્રેશનમાં સરી જાય છે. ઘણા કિસ્સામાં આ ડિપ્રેશન મોતનું કારણ બને છે. મરી ન જાય તો પણ માણસની માનસિક હાલત ખરાબ થઇ શકે છે. હું ફેલ્યોર છું એવું તેને લાગવા માંડે છે. એ પોતાની લાઇફમાં સેટલ જ નથી થઇ શકતો. આપણે ત્યાં સ્ટડીમાં સફળતાની જ વાતો કરવામાં આવે છે. નિષ્ણાતો એવું કહે છે કે, હવે એવો સમય આવી ગયો છે કે, યંગસ્ટર્સને વર્ક પ્રેશર ટેકલ કરતા અને નિષ્ફળતાને સહન કરતા પણ શીખવવું પડશે.
ગ્લોબલ થિંક ટેન્ક યુકેજી વર્કફોર્સ ઇન્સ્ટિટ્યૂટે માર્ચ, 2024માં એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. તેમાં જણાવાયું હતું કે, ભારતમાં 78 ટકા કર્મચારીઓ વર્કલોડથી પરેશાન છે. 64 ટકા કર્મચારીઓએ એવું કહ્યું હતું કે, થોડોક પગાર ઓછો મળે તો વાંધો નથી, પણ કામનો બોજ ઘટવો જોઇએ. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે, ભારતનો સમાવેશ એ દેશમાં થાય છે જ્યાં વર્કિંગ અવર્સ વધુ છે. ભારતમાં કર્મચારી સરેરાશ અઠિવાડિયે 48 કલાક કામ કરે છે. અમેરિકામાં વર્કિંગ અવર્સ 37 કલાક અને બ્રિટનમાં 36 કલાક છે. ભારતમાં કેટલીક કંપનીઓમાં તો નાઇન અવર્સ કમ્પલ્સરી છે. નોકરી આઠ કલાકની પણ તેમાં એક કલાકનો લંચ ટાઇમ બાદ કરી નાખવામાં આવે છે. કેટલીક કંપનીઓ તો એવી છે જ્યાં નોકરીએ આવવાનો સમય ફિક્સ છે, પણ જવાનો સમય નક્કી હોતો નથી. કામ પૂરું થાય અને બોસ રજા આપે ત્યારે જવાનું, ત્યાં સુધી નહીં. નોકરી પછીના સમયમાં પણ કામ સોંપવામાં આવે છે. ઘણી કંપનીઓના કર્મચારીઓ એવું કહે છે કે, અમારી કંપની પગાર તો બહુ સારો આપે છે, પણ એ પગાર મજાથી વાપરવાની ફુરસદ આપતી નથી. દુનિયાના સૌથી મોટા ડેટા પ્લેટફોર્મ તરીકે જાણીતા સ્ટેસ્ટિકા દ્વારા એવી વિગતો આપવામાં આવી છે કે, વર્ષ 2022માં કામના બોજના કારણે વિશ્વમાં 11486 લોકોએ આત્મહત્યા કરી હતી. આ તો નોંધાયેલો આંકડો છે, સાચો આંકડો તો ઘણો વધારે હોઈ શકે છે. મરનારનો આંકડો તો હજુ મળી રહે પણ વર્ક પ્રેશરના કારણે જેની લાઇફ ડિસ્ટર્બ થઇ ગઇ છે એની સંખ્યા તો કલ્પના બહારની છે. કામના પ્રેશરના કારણે લોકોના સંબંધો પણ કથળી રહ્યા છે. પતિ કે પત્નીને સમય આપી ન શકવાથી પ્રોબ્લેમ ઊભા થાય છે. લોકો કહે છે કે, મારી પાસે મારા માટે પણ સમય નથી તો બીજાને તો ક્યાંથી સમય આપી શકું?
વધુ પડતા કામના કારણે હાર્ટ ફેલ્યોર થયાના દાખલાઓ પણ છે. માનિસક બીમારીઓના કિસ્સાઓ તો અસંખ્ય છે. એક જ જગ્યાએ બેસીને લાંબો સમય કામ કરવાથી હાઇ બ્લડપ્રેશર થઇ શકે છે. કોલેસ્ટ્રોલ વધી શકે છે. બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ થઇ શકે છે. માંસપેશીઓ કમજોર થઇ શકે છે અને સાંધાઓ જકડાઇ શકે છે. બેક પેઇનની પણ શક્યતાઓ રહે છે. એ સિવાય પણ બીજું ઘણું બધું થઇ શકે છે. આ બધામાં સૌથી મોટો સવાલ એ છે કે, આનાથી બચવા માટે કરવું શું? એક વાત સમજવા જેવી એ છે કે, જે સ્થિતિ છે એ તમે બદલી શકવાના નથી. પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવું પડે છે. માનિસક સ્વસ્થતા પણ કેળવવી પડે છે. એના માટે જરૂરી છે કે, કામને મગજ પર હાવી થવા ન દેવું. કામ બેસ્ટ રીતે કરવાના પ્રયાસો કરવાના, પણ એનો બોજ સવાર ન થઇ જવો જોઇએ. કામને એન્જોય કરતા પણ શીખવું પડશે.
ટાઇમ મેનેજમેન્ટના નિયમોને સ્ટ્રિક્ટલી ફોલો કરવા જોઇએ. પોતાનું કામ સમયસર પૂરું કરવું જોઇએ. કામનું પ્રોયોરિટી લિસ્ટ બનાવીને જે કામ સૌથી વધુ મહત્ત્વનું હોય એ સૌથી પહેલા કરવું. કામ કરવાની વચ્ચે નાનો નાનો બ્રેક લેવો. પોતે તો સ્વસ્થ રહેવું જ જો સાથી કર્મચારી પણ હતાશ થઇ રહ્યા હોય તો એને હિંમત આપવી અને શક્ય બને તો મદદ પણ કરવી. ગોસિપથી દૂર રહેવું. પોઝિટિવ રહેવું અને કામથી ગભરાઇ ન જવું. વર્કલોડના કારણે લાઇફ સ્ટાઇલ ખરાબ ન થઇ જાય એનું પણ ધ્યાન રાખવું. આરામના સમયે આરામ જ કરવો. ઘણા કિસ્સામાં થાય છે એવું કે, કામ પૂરું કરીને ઘરે આવ્યા બાદ મોડે સુધી ટીવી, મોબાઇલ કે ઓટીટી પર લોકો કંઇક ને કંઇક જોતા રહે છે. એના કારણે ઊંઘ પૂરી થતી નથી. બીજા દિવસે તેની અસર કામ પર આવે છે. કામની સાથે એ પણ સમજવાની જરૂર છે કે, ફેમિલી સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કામના કારણે પરિવાર અને સંબંધોને અસર ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવું. જેમ જેમ આગળ વધશો એમ એમ કામ અને જવાબદારી વધતી જ જવાની છે. એ માટે માનસિક રીતે તૈયાર પણ રહેવું પડે છે. કામનું અતિશય પ્રેશર લાગતું હોય તો મનોચિકિત્સકની સલાહ લેતા પણ ખચકાવું ન જોઇએ. ખૂબ ભણી ગણીને, મહેનત કરીને નોકરી સુધી પહોંચ્યા હોઇએ ત્યારે થાકી જવું કે હારી જવું પાલવે નહીં. પરિસ્થિતિ પ્રમાણે બદલતા રહીને કામ પાર પાડવું પડે છે. કામ, સફળતા સાથે જીવવાની પણ મજા આવે એ જરૂરી છે.
———
પેશ-એ-ખિદમત
ઉસને પૂછા થા ક્યા હાલ હૈ,
ઔર મૈં સોચતા રહ ગયા,
કિસકો છોડા ખિજાં ને મગર,
જખ્મ દિલ કા હરા રહ ગયા.
-અજમલ સિરાજ
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 02 ઓકટોબર 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com