સેક્સ અપીલ અને
દાંપત્ય જીવન
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
પતિઓ આડા રસ્તે ન ચડે એ માટે ચીનમાં પત્નીઓ માટે
સેક્સ અપીલના ક્લાસ શરૂ કરાયા છે. દાંપત્ય જીવન માત્ર
સેક્સ પર નથી નભતું, એના સિવાય બીજી ઘણી સમજણની
જરૂર પડે છે. આ વાત સમજવાની વધુ જરૂર હોય છે!
———–
પતિ પત્ની વચ્ચે સંબંધોના સવાલો સતત વધી રહ્યા છે. મોટા ભાગના કપલો અત્યારે રિલેશનસીપ ક્રાઇસિસનો સામનો કરી રહ્યા છે. જે કપલ્સ સાથે રહે છે એમાંથી કેટલા એક-બીજાથી ખરેખર ખુશ અને સુખી છે એ સૌથી મોટો સવાલ છે. પડ્યું પાનું નિભાવી લેવા ખાતર ચલાવતા હોય એવા ઉદાહરણો વધુ છે. સોશિયલ મીડિયા પર મૂકાતા ફોટાઓ સાચી પરિસ્થિતિ બયાન કરતા નથી. બહારથી લાગે કે, એ બંને તો બહુ સરસ રીતે જીવે છે પણ વાસ્તવિકતા કંઇક જુદી જ હોય છે. પોતાની વ્યક્તિથી સંતોષ ન હોય એટલે માણસ બીજી વ્યક્તિ તરફ વળે છે. બહુ ઓછા સંબંધો સીધા રહ્યા છે. આડા સંબંધોના કિસ્સાઓ ઠેર ઠેર જોવા મળે છે. માત્ર પુરૂષો જ લફરા કરે છે એવું બિલકુલ નથી, સ્ત્રીઓ પણ હવે ઓછી ઉતરે એવી નથી. બધાને એવું જ લાગે છે કે, અમારા સંબંધમાં કંઇક ખૂટે છે. સપનાઓ અને અપેક્ષાઓ આસમાન આંબવા લાગે અને રિયાલિટી જ્યારે તેની સાથે મેચ ન થાય ત્યારે પ્રોબ્લેમ ઊભા થાય છે. પ્રશ્નો શારીરિક પણ છે અને માનસિક પણ છે. મનમેળ ન હોય એટલે તનમેળ થતો નથી. કેર, હૂંફ, પ્રેમ, વફાદારી, પ્રામાણિકતા અને અન્ડરસ્ટેન્ડિંગનો અભાવ દાંપત્ય જીવનનો સત્યાનાશ વાળી રહ્યા છે. મારી વ્યક્તિ મારું ધ્યાન નથી રાખતી, એની પાસે મારા માટે સમય જ ક્યાં છે, મોબાઇલમાંથી નવરો કે નવરી પડે તો મારા તરફ ધ્યાન દેને? બધું ધ્યાન રાખવાની જવાબદારી મારી જ થોડી છે? પ્રશ્નોનું લિસ્ટ બહુ લાંબુ છે. કોઇને એક સમસ્યા નડે છે તો કોઇને બીજી! કારણ ગમે તે હોય પણ સંબંધો દાવ પર લાગેલા છે. આંખો ઠરે એવા કપલ દીવો લઇને શોધવા પડે એમ છે. સાથે ઊભા હોય તો સોહામણા લાગે, જોઇને એવું થાય કે મેઇડ ફોર ઇચ અધર છે પણ ઘરની ચાર દીવાલ વચ્ચેની સ્થિતિ તદ્દન જુદી જ હોય છે.
સેક્સ આપણે ત્યાં આજની તારીખે સોશિયલ ટેબૂ છે. સેક્સનું નામ પડે એટલે ઘણાના નાકનું ટેરવું ચડી જાય છે. સેક્સ એ દાંપત્ય જીવનનો મહત્ત્વનો હિસ્સો છે. વેલ, દાંપત્ય જીવનમાં સેક્સ અપીલનું ઇમ્પોર્ટન્સ કેટલું છે? ચીનની એક ઘટના આજકાલ ટોક ઓફ ધ વર્લ્ડ બની છે. પતિ બેવફા ન બને એ માટે પત્નીઓ સેક્સ અપીલના કલાસ ભરવા લાગી છે. આવા ક્લાસમાં પતિને કેમ પોતાની તરફ આકર્ષી રાખવો તેના નુસખાઓ શીખવાડવામાં આવે છે. તમે ઇચ્છતા હોવ કે તમારો પતિ બીજી કોઇ છોકરી તરફ ન આકર્ષાય તો તમે એવા આકર્ષક બનો કે, પતિ તમારી સાથે જોડાયેલો રહે. સેક્સ અપીલ ટ્રેનિંગે દુનિયાભરમાં જાતજાતની ચર્ચાઓ જગાવી છે. મહિલા અધિકારની વાત કરનાર કેટલીક સંસ્થાઓએ એવું કહ્યું કે, સ્ત્રી કંઇ મનોરંજનનું સાધન કે રમકડું થોડી છે કે એણે પતિ માટે બની ઠનીને તૈયાર રહેવાનું? કેટલાંક પુરૂષો પણ ગંદા ગોબરા અને નજીક આવે તો સૂગ ચડે એવા હોય છે એને કોઇ કેમ કંઇ કહેતું નથી? આપણે ત્યાં હમણાં જ એક કેસ નોંધાયો છે. ઉત્તર પ્રદેશની એક યુવતીએ લગ્નના ચાલીસ દિવસમાં જ ડિવોર્સની અરજી કરી છે. કારણ એ કે, એનો પતિ નહાતો જ નથી! અઠવાડિયામાં એકાદ વાર શરીર પર ગંગાજળ છાંટી લે છે! મહિનામાં માંડ એક બે વખત નહાય છે. એ યુવતીએ ગણીને કહ્યું કે, લગ્નના ચાલીસ દિવસમાં માંડ છ વખત નાહ્યો છે. આવા પુરૂષોને કેમ કોઇ સેક્સ અપીલના પાઠ શીખવતા નથી?
માત્ર સેક્સના કારણે લગ્નજીવન ટકી જાય એ વાતમાં કેટલો માલ છે? સેક્સ વિશે એક વાત એ પણ સમજવા જેવી છે કે, સેક્સ એ માત્ર થોડીક મિનિટોની ક્રિયા છે. ફોરપ્લેથી માંડીને આફટરપ્લે સુધીની ગણતરી કરી લો તો પણ માંડ અડધો કલાક અંતરંગ ક્રિયા ચાલે છે. બાકીના સાડા ત્રેવીસ કલાકનું શું? એ વખતે તો એક-બીજા પ્રત્યનો આદર, સન્માન, લાગણી અને હૂંફ જ કામ લાગે છે. સેક્સ અપીલ ગમે એટલી જબરજસ્ત હોય પણ બીજું કંઇ ન હોય તો પ્રોબ્લેમ થાય છે. ક્લાસ શરૂ કરવા હોય તો એના કરવા જોઇએ કે, જ્યારે વાંધા પડે, માથાકૂટ થાય, ઓપિનિયન અલગ પડે અને એક બીજાની વાત ગળે ન ઉતરે ત્યારે પરિસ્થિતિને કેવી રીતે ટેકલ કરવી? આવી સમજ પણ પાછી કોઇ એક વ્યક્તિ માટે નહીં પણ સ્ત્રી અને પુરૂષ બંને માટે હોવી જોઇએ. અત્યારે કોઇનામાં જતું કરવાની ભાવના જ નથી રહી. નાનકડી વાત હોય તો પણ એક-બીજા સામે બાંયો ચડાવી લે છે. ક્યાંક જોરજબરજસ્તીથી બધું કરાવવામાં આવે છે. ક્યારેક મજબૂરીના કારણે ગાડું ગબડાવાય છે. મારી પાસે બીજો કોઇ રસ્તો નથી એટલે નીભાવું છું, બાકી આ માણસ સાથે એક દિવસ પણ રહી શકાય એમ નથી, આવું ઘણી સ્ત્રીઓના મોઢે સાંભળવા મળે છે. લગ્ન જીવનમાં સાથે બેસીને વાત કરવી પડે એવી ઘટનાઓ બનતી જ રહેવાની છે. હવેના સમયમાં પતિ પત્ની વચ્ચેનો સંવાદ જ ઘટી ગયો છે. વાત કરવા ભેગા બેસે ત્યારે પણ એક-બીજાને સમજવાની, એક-બીજાની વાત સાંભળવાની અને સાચી વાત હોય એને સ્વીકારવાની તૈયારીઓ હોતી નથી. લગ્નના થોડા સમયમાં બધું ઓસરી જાય છે અને સાથે રહેવા ખાતર રહેતા હોય અને જીવવા ખાતર જીવતા હોય એવી જિંદગી થઇ જાય છે.
સેક્સ અપીલના ક્લાસ વિશે સોયકોલોજિસ્ટોનું શું કહેવું છે? તેમનો મત એવો છે કે, સેક્સ નો ડાઉટ જરૂરી છે. સેક્સ અપીલથી પણ ફેર તો પડે જ છે. આ છોકરી છોકરી બંનને લાગુ પડે છે. કેટલીક છોકરીઓ પોતાની સુંદરતા અને સ્વચ્છતા પ્રત્યે એટલી બેદરકાર હોય છે કે, તેના તરફ આકર્ષણ જ ન થાય. ઘરમાં લઘરવઘર ફરતી સ્ત્રીઓને આપણે જોઇ હોય છે. ઘણી વખત પરિસ્થિતિ અને સંજોગો પણ સ્ત્રીને એવી રીતે રહેવા મજબૂર કરે છે. ખાસ કરીને બાળકના જન્મ પછી માતાને પોતાના માટે સમય જ નથી રહેતો. બાળકમાંથી નવરી પડે તો કંઇક કરેને? એ સિવાય ઘરની જવાબદારી પણ સ્ત્રીની ઉપર જ હોય છે. આવા સંજોગોમાં વધુ સમજવાનું તો પુરૂષોએ હોય છે. પુરૂષોને સેક્સ અપીલ ગમતી હોય છે પણ એ પોતે કેટલું ધ્યાન રાખતા હોય છે? સેક્સમાં પત્નીને શું ગમે છે એની પરવા અને એની સમજ કેટલા પુરૂષોને હોય છે? તમે તમારા પાર્ટનર પાસે માત્ર અપેક્ષાઓ ન રાખી શકો, એની અપેક્ષાઓ સંતોષવાની પણ તમારી તૈયારી હોવી જોઇએ. સેક્સ સિવાયની બાબતોનું પણ વિશેષ ધ્યાન રાખવાની જરૂર હોય છે.
સૌથી મહત્ત્વની વાત તો એ છે કે, બંનેને એક-બીજા પર લાગણી હોવી જોઇએ. આ મારી વ્યક્તિ છે. બે વ્યક્તિ ક્યારેય એકસરખી નહીં હોવાની, બંનેમાં કંઇક તો જુદું હોવાનું જ છે. પોતાની વ્યક્તિના પ્લસ અને માઇનસ બંને પોઇન્ટસ સ્વીકારવાના હોય છે. ક્યારેક કોઇ મુદ્દે વિવાદ થવાનો જ છે. એ વખતે પણ સાથે મળીને નિરાકરણ લાવવું જોઇએ. જતું કરવાની પણ તૈયારીઓ હોવી જોઇએ. જતું કરવાને બદલે જોઇ લેવાની દાનત હોય ત્યાં મુશ્કેલી સર્જાવાની જ છે. કેટલાંક કપલમાં એવો પણ હોય છે જે ભૂલતા નથી. કંઇક બન્યું તો પકડી રાખે છે. જે ગયું એ ભૂલી જવું એ દાંપત્યજીવનની સફળતાની મોટી ચાવી છે. પોતાની વ્યક્તિથી ભૂલ થઇ જાય તો માફ કરી દો અને પોતાનાથી ભૂલ થઇ જાય તો માફી માંગી લો. દાંપત્યજીવન માત્ર ક્લાસ ભરવાથી સફળ થઇ જવાનું નથી. ઘણું બધું સમજવું, ભોગવવું અને જતું કરવું પડે છે. જો આવડી જાય તો સાવ સહેલું છે અને ન આવડે તો ધ્યાન ન પડે એવું અઘરું છે. પ્રેમ સજીવન હોય તો જ દાંપત્યજીવન ધબકતું રહે છે!
———
પેશ-એ-ખિદમત
પેડોં કી ખામોશી સે ભી દિલ મેરા ઘબરાતા હૈ,
સહરા કી વીરાની દેખ કે આંખ મેરી ભર આતી હૈ,
કદમ કદમ દુખ દર્દ કે સાયે શહર હુએ વીરાને ભી,
કિસ ને દેશ કે ફૂલો પર અબ હિજ્ર કી રાખ ઉડાઇ હૈ.
-તાજ સઇદ
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 25 સપ્ટેમ્બર, 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com