શું વાંચવું? શું જોવું? પસંદગીનો પ્રોબ્લેમ – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

શું વાંચવું? શું જોવું?
પસંદગીનો પ્રોબ્લેમ

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

વાંચન અને મનોરંજનમાં અત્યારે એટલું બધું
કન્ટેન્ટ ઠલવાઇ રહ્યું છે કે, લોકોની મતિ મૂંઝાઇ જાય!
મોબાઇલ લોકોનો સમય ખાઇ રહ્યો છે અને
લોકોને ઊંધા રવાડે ચડાવી રહ્યો છે!


———–

આજના સમયમાં દરેકના મોઢે એક જ વાત સાંભળવા મળે છે કે યાર, ટાઇમ જ ક્યાં છે? એક મિનિટેય નવરાં નથી પડાતું! મરવાની પણ ફુરસદ નથી! મરવાનો સમય ન હોય ત્યારે જીવવાની ફુરસદ તો ક્યાંથી મળવાની છે? માણસે રિલેક્સ થવા માટે પ્લાનિંગ કરવાં પડે છે. તમને તમારા માટે કેટલો સમય મળે છે? જે થોડો ઘણો સમય મળે છે એમાં તમે શું કરો છો? મોબાઇલ પર બધા માછલાં ધોતા રહે છે કે, મોબાઇલ સમય ખાઇ જાય છે. સાચી વાત છે. માણસ એવરેજ દિવસના ચાર કલાક મોબાઇલ સાથે ચોંટેલો રહે છે. આજના સમયમાં સંયમી માણસ એને જ કહેવો પડે એમ છે જે મોબાઇલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરે છે. દર થોડી મિનિટે માણસ મોબાઇલ હાથમાં લઇને ચેક કરી લે છે કે, કંઇ છે તો નહીંને? ક્રિએટિવ માણસને મોબાઇલની રિંગ અને એલર્ટના બીપર સૌથી વધુ ડિસ્ટર્બ કરે છે. બહુ ઓછા ક્રિએટિવ લોકો કામ કરતી વખતે મોબાઇલ સાઇલન્ટ કરી શકે છે. બધાને એક વાતની ખબર છે કે, કંઇ અટકી જવાનું નથી તો પણ મોબાઇલ સાથે મંડાયેલા રહે છે. રીલ્સ લોકોને સૌથી વધુ લલચાવે છે. એક પછી એક રીલ ચાલતી રહે છે અને આપણને ખબર જ રહેતી નથી કે, કેટલો સમય વીતી ગયો! આપણે આપણી જાતને જ એટલી વ્યસ્ત કરી દીધી છે કે આપણને આપણા માટે જ સમય નથી મળતો!
સમય મળે ત્યારે પણ શું કરવું એ સૌથી મોટો સવાલ છે. એક સમયે લોકો માટે રીડિંગ એ રિલેક્સ થવાની સાથે પોતાની અંદર કંઇક ઉમેરવાની પ્રવૃત્તિ હતી. વાંચન વિશે પહેલેથી એવું કહેવાતું આવ્યું છે કે, જ્યારે આપણે કંઇક વાંચતા હોઇએ છીએ ત્યારે આપણે આપણી સાથે હોઇએ છીએ. જે લોકોને હાથમાં બુક લઇને વાંચવાની આદત પડેલી છે એને બુક વાંચવાથી જ સારું લાગે છે. હવેના ડિજિટલ યુગમાં લોકો ડિજિટલ ડિવાઇસ પર શિફ્ટ થઇ ગયા છે. દુનિયાનું ઉત્તમ સાહિત્ય વાંચવા મળે એવી અસંખ્ય વેબસાઇટ અને એપ્લિકેશન અવેલેબલ છે. વોટસએપ પર સારી સારી બુકની પીડીએફ ફરતી રહે છે. લોકો લિંકો ફેરવતા રહે છે અને કહે છે કે આમાં બધી બુક છે, વાંચવી હોય તો ક્લિક કરો. સોશિયલ મીડિયા પર પણ રીડિંગ મટીરિયલ પીરસાતું રહે છે. અગાઉના સમયમાં રીડિંગ મટીરિયલ મર્યાદિત હતું. હવે તો એટલું બધું કન્ટેન્ટ અવેલેબલ છે, જે જોઇને દરેક માણસને કન્ફ્યૂઝ થઇ જાય. આટલા બધામાંથી શું વાંચવું અને શું ન વાંચવું? કેટલાક લોકોએ કંઇ વાંચ્યું હોય તો એના વિશે સોશિયલ મીડિયામાં લખતા રહે છે કે, મસ્ટ રીડ! બહુ જ સુંદર લખાણ છે. સારું હોય એના વિશે લોકો વધુ લખે છે. કચરા જેવું હોય એનું સોશિયલ મીડિયા પર ઓછું લખાય છે. વાંચવા જેવાની યાદી મળી રહેશે, પણ ડોન્ટ રીડ, આટલું તો વાંચવું જ નહીં, તમારો સમય બગડશે, એવી યાદી ક્યાંય જોવા મળતી નથી. કેટલાક કિસ્સામાં એવું પણ બને છે કે, કોઇએ રેકમન્ડ કર્યું હોય એ વાંચીએ ત્યારે આપણને મજા ન આવે. આ વાત પણ સમજવા જેવી છે. બીજાને ગમે એટલે આપણને ગમે જ એવું બિલકુલ જરૂરી નથી. દરેકની ચોઇસ અલગ હોય છે. લાઇક-ડિસલાઇક વ્યક્તિગત હોય છે. ઘણા લોકો લેખકો કે મિત્રોને પૂછે છે, આજકાલ શું વાંચો છો? કઇ બુક વાંચવી જોઇએ? સાચી વાત એ છે કે, બીજા વાંચતા હોય એ, બીજાને ગમી હોય એ કે બીજા સજેસ્ટ કરે એ વાંચવાના બદલે આપણને જે ગમતું હોય એ જ વાંચવું જોઇએ. જેને આત્મકથાઓ વાંચવી ગમતી હોય એને નવલકથા નથી ગમતી. વાર્તાઓમાં પણ ઘણાને શોર્ટ સ્ટોરીઝ જ પસંદ પડે છે. મોટિવેશનલ હોય કે ઇમોશનલ, આપણને જે ગમે એ જ વાંચવું જોઇએ. વાંચન પણ સમય અને ઉંમર સાથે મેચ્યોર થતું હોય છે. આપણે નાના હોઇએ ત્યારે બાળ સાહિત્ય વાંચતા હોઇએ છીએ. મોટા થઇએ એટલે એ આપોઆપ છૂટી જાય છે. એનું કારણ એ છે કે, આપણને જુદું અને વધુ મેચ્યોર વાંચવાનું મન થાય છે. માણસ જેમ જેમ વાંચતો જાય છે એમ એમ એ વધારે મેચ્યોર અને ડેપ્થવાળું વાંચવાનું પસંદ કરવા લાગે છે. આપણને જ અમુક કિસ્સામાં એવું થાય છે કે, અગાઉ હું એવું બધું વાંચતો હતો, પણ હવે હું બીજું વાંચું છું. લોકોનું રીડિંગ ઘટી ગયું છે. આ મુદ્દે પણ કેટલાક નિષ્ણાતોએ ઇન્ટરેસ્ટિંગ વાત કરી છે. એક્સપર્ટ્સ કહે છે કે, દુનિયા અત્યારે ટ્રાન્ઝિસ્ટ પિરિયડમાંથી પસાર થઇ રહી છે. ડિજિટલ વર્લ્ડ નવું છે. લોકો અત્યારે તેમાં પરોવાયેલા છે. વહેલા કે મોડા લોકો રીડિંગ તરફ પાછા વળશે. એનું કારણ એ છે કે, સમજ, આવડત અને જ્ઞાન તો જોઇશેને? સંવેદનાને પણ જીવતી રાખવી પડશેને? એ બધું ક્યાંથી આવશે? હા, એવું બનવાનું છે કે, લોકો પ્રિન્ટેડ બુકને બદલે ડિજિટલ ડિવાઇસ પર રીડિંગ કરે, પણ રીડિંગ તો કરશે જ. સોશિયલ મીડિયા અને બીજું બધું હજુ પ્રમાણમાં નવું છે. ધીમે ધીમે લોકોને સમજાશે કે, આ તો નકામું અને સમય બગાડનારું છે. થોડો સમય લાગશે, પણ ધીમે ધીમે સમજાશે અને સાચું અને સારું છે એ અપનાવશે.
જોવાની પસંદગી તો વળી વાંચવા કરતાં પણ અઘરી છે. આપણે એવું સાંભળતા આવ્યા છીએ કે, અગાઉના સમયમાં રામાયણ, મહાભારત અને બીજી કેટલીક સિરિયલો આવતી ત્યારે રોડ પર સન્નાટો છવાઇ જતો હતો. લોકો બધું છોડીને ટીવી સામે ગોઠવાઇ જતા હતા. એનું એક કારણ એ પણ હતું કે, એ વખતે બીજું કંઇ હતું નહીં. ચોઇસ લિમિટેડ હતી. એક વખત ચાલ્યું જાય એ પાછું જોવા મળતું નહીં. આજે બધું જ ઇઝી અવેલેબલ છે અને આપણે જોવું હોય ત્યારે જોઇ શકીએ છીએ. સવાલ એ છે કે, જોવું તો જોવું શું? હવે ટીવી ચેનલ પર સિરિયલો જોવાનું ઘટતું જાય છે. લોકો ઓટીટી પ્લેટફોર્મ પર વેબ સીરિઝ જોવા લાગ્યા છે. ટીવીનું કન્ટેન્ટ પણ જુદી જુદી એપ્લિકેશનો પર જોવા મળે છે. ઓટીટી પ્લેટફોર્મ્સ સતત વધી રહ્યાં છે. રોજેરોજ ઢગલાબંધ કન્ટેન્ટ ઓટીટી પર ઠલવાતું રહે છે. આમાંથી ક્યું જોવું અને ક્યું ન જોવું એ નક્કી થતું નથી. લોકો મોટા ભાગે બીજા લોકોના અભિપ્રાય પર આધાર રાખે છે. સોશિયલ મીડિયા પર એની પણ વાતો થાય છે કે, શું જોવા જેવું છે અને શું નહીં? લોકો હવે કંઇ પણ હોય તો રેટિંગ ચેક કરે છે. જો તો રેટિંગ કેટલા છે? અત્યારે કન્ટેન્ટ જનરેટ કરવાવાળા લોકો એવું કહે છે કે, હવે પહેલા એપિસોડથી જ લોકોને જકડી રાખે એવું કન્ટેન્ટ બનાવવું પડે છે. એનું કારણ એ છે કે, લોકોને ન ગમે તો તરત જ ડાઇવર્ટ થઇ જાય છે. ફિલ્મો પણ જે ચાલે એ જ ચાલે છે, બાકી લોકો તરત જ મોઢું ફેરવી લે છે. જોવામાં પણ એ વાતનું ધ્યાન રાખવું પડે છે કે, આપણે જે જોઈએ છીએ એનાથી આપણને કંઇ મળે છે ખરું? એટલિસ્ટ આપણે એન્ટરટેઇન પણ થઇએ છીએ ખરા? મોટા ભાગની વેબ સીરિઝો જોઇને એવું થાય છે કે, ના જોઇ હોત તો ચાલત! ખોટો ટાઇમ બગાડ્યો! કંઇ વાંચતી વખતે કે કંઇ જોતી વખતે પોતાની જાતને એક સવાલ પૂછવાનો હોય છે કે, મારામાં કંઇ ઉમેરાય છે ખરું? સારું વાંચો અને સારું જુઓ. જેમ જેમ સમય જાય છે એમ એમ વધુ ચૂઝી બનવું પડે એમ છે! આરામનો અને લેઝરનો સમય પણ એન્જોય કરવા માટે હોય છે, વેડફવા માટે નહીં!


———

પેશ-એ-ખિદમત
જાતે જાતે યે નિશાની દે ગયા,
વો મેરી આંખોં મેં પાની દે ગયા,
હલ ન થા મુશ્કિલ કા કોઇ ઉસકે પાસ,
સિર્ફ વાદે આસમાની દે ગયા.
-કફીલ આજર અમરોહવી


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 11 સપ્ટેમ્બર, 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *