RIGHT TO DISCONNECT
ઓફિસનું કામ ઓફિસમાં જ,
ઘરે આવ્યા પછી કંઇ જ નહીં!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
ઓસ્ટ્રેલિયામાં એવો કાયદો લાવવામાં આવ્યો છે કે,
નોકરીનો સમય પૂરો થાય પછી કર્મચારીઓ કોઇ જવાબ આપવા બંધાયેલા નથી.
આ કાયદાના પગલે એક ચર્ચા એ પણ ચાલી છે કે,
નોકરી પર હોવ ત્યારે તમે ખરા દિલથી કામ કરો છો ખરા?
———–
નોકરી પતાવીને ઘરે આવ્યા બાદ ફ્રેશ થઇને સોફા પર જરાક આડા પડ્યા હોઇએ ત્યાં જ મોબાઇલ પર બીપર વાગે! ચેક કરીએ ત્યારે ખબર પડે કે, ઓફિસથી બોસનો અરજન્ટ ઇમેલ છે. જે કરવાનું વિચાર્યું હોય એ પડતું મૂકીને આપણે ઇમેલનો જવાબ આપવામાં લાગી જઇએ છીએ. ઘણી વખત આરામથી બેઠા હોઇએ અને અચાનક બોસ કે સિનિયરનો ફોન આવી જાય છે. જરાક આટલું કામ કરીને તાત્કાલિક મોકલોને. આપણે ના પાડી શકતા નથી. રજા પર હોઇએ અને મજા કરતા હોઇએ ત્યાં કોઇ ઇમેલ કે ફોન આવી જાય છે અને આપણી મજા બગડી જાય છે. આ તો તમારે જ કરવું પડે, અરજન્ટ છે. ઘણા કિસ્સામાં તો ઓફિસેથી એટલા બધા ઇમેલ અને મેસેજ આવે કે માણસ ઘરે પણ નવરો જ ન પડે. અગાઉ મોટા ભાગનું મહત્ત્વનું કમ્યુનિકેશન ઇમેલથી જ થતું હતું, હવે તો વોટ્સએપથી પણ ઓફિસના કામો થવા લાગ્યા છે. દરેકનું ઓફિસનું પણ એક ગ્રૂપ હોય છે. એમાં પણ કોઇને કોઇ મેસેજ આવતા જ રહે છે. તમે ઇચ્છો કે ન ઇચ્છો, જવાબ આપવા પડે છે. જવાબ આપવામાં મોડું થાય તો પણ સવાલ કરવામાં આવે છે. આપણને થાય કે, માણસ ચોવીસ કલાક કંઇ હાથમાં ફોન લઇને થોડો બેઠો હોય છે? લોકો ટોઇલેટમાં હોય ત્યારે પણ ફોન સાથે લઇ જાય છે એનું કારણ માત્ર એન્ટરટેઇનમેન્ટ નથી હોતું, ટેન્શન પણ હોય છે કે, ક્યાંક ઓફિસથી ફોન ન આવી જાય.
મોબાઇલ અને લેપટોપ આવ્યા છે ત્યારથી પર્સનલ લાઇફની વાટ લાગી ગઇ છે. ચાવીસ કલાક ઓફિસ સાથે જ હોય છે. ઘરે ગયા પછી પણ ઓફિસ અને નોકરી પીછો છોડતી નથી. આ સવાલ માત્ર આપણા દેશનો જ નથી, આખી દુનિયામાં આ ઇશ્યૂ છે. ધીમે ધીમે દુનિયાના દેશો હવે આ મામલે અવેર થવા લાગ્યા છે. ઓસ્ટ્રેલિયાએ હમણાં એક કાયદો પસાર કર્યો છે. આ કાયદાને નામ અપાયું છે, રાઇટ ટુ ડિસકનેક્ટ. મતલબ કે ઓફિસેથી નીકળ્યા બાદ તમને તમારા બોસ કોઇ ઇમેલનો જવાબ આપવાનું કે ફોન કોલ પીક કરવાનું કહી શકશે નહીં. જો બોસ કે સિનિયર એવું કરશે તો કર્મચારી તેને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી શકશે. એવું કહી શકશે કે, ઓફિસ અવર્સ પૂરા થાય પછી ફોન નહીં કરવાનો, ઇમેલ કે મેસેજ પણ નહીં કરવાનો. કોઇ બોસ કે સિનિયર આવું કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઇ શકશે. ઓસ્ટ્રેલિયાનો આ નવો કાયદો અત્યારે ટોક ઓફ ધ વર્લ્ડ છે. અલબત્ત, ઓસ્ટ્રેલિયા પહેલો એવો દેશ નથી જેણે આવો કાયદો પસાર કર્યો છે, ફ્રાંસમાં તો 2017થી રાઇટ ટુ ડિસકનેક્ટ લાગુ છે. આ ઉપરાંત ઇટાલી, સ્પેન, કેનેડા, પોર્ટુગલ, બેલ્જિયમ અને આયર્લેન્ડમાં પણ એવો કાયદો અમલમાં છે કે, ઓફિસ પછી કોઇને ડિસ્ટર્બ નહીં કરવાના. અમુક દેશોમાં આવો ઓફિશિયલ કાયદો નથી પણ એ દેશોના લોકોમાં એટલી અન્ડરસ્ટેન્ડિંગ અને મેનર્સ છે કે, કામના કલાકો પછી કોઇને હેરાન નહીં કરવાના. એને પોતાની જિંદગી જીવવા દેવાની. નોકરી કરતા હોઇએ એટલે કંઇ આખી જિંદગી લખી નથી આપી કે મન ફાવે ત્યારે કામ સોંપી દે.
રાઇટ ટુ ડિસકનેક્ટની જરૂર શા માટે પડી? અનેક સંશોધનો અને સરવેથી એવું બહાર આવ્યું કે, ઘરે આવી ગયા પછી ઓફિસના કામને લીધે લોકોની પર્સનલ લાઇફ ડિસ્ટર્બ થાય છે. પોતાના ફેમિલીને સમય આપી નથી શકતા. પતિ પત્ની અને બાળકો વચ્ચે તણાવ પેદા થાય છે. ફરવા ગયા હોય અને ઓફિસનું કામ કરવાનું હોય ત્યારે બેમાંથી એક એવું કહે છે કે, હવે અહીં તો મૂકો તમારું કામ. ઘરે ઓફિસનું કામ કરવાથી વ્યક્તિની પોતાની હેલ્થ પર પણ માઠી અસર થાય છે. અગાઉના સમયમાં જ્યારે મોબાઇલ, લેપટોપ, કમ્પ્યુટર અને ઇન્ટરનેટ નહોતા ત્યારે લોકોની લાઇફ જુદી હતી. ઓફિસેથી નીકળ્યા એટલે વાત પૂરી થઇ જતી હતી. હવે એવું નથી. ઓફિસ ભેગી ફરે છે. ક્યાંક તો બ્રેક મારવી પડશેને? આજના સમયમાં પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને બેલેન્સ કરવા માટે આવા કાયદા જરૂરી છે. એવી કંપનીઓની કમી નથી જે પોતાના કર્મચારીઓને નિચોવી લેવાનું કામ કરતી હોય. રજા માંગો તો પણ કહેશે કે, વાંધો નહીં પણ આટલું કરીને મોકલી આપજો. કોરોના સમયમાં વર્ક ફ્રોમ હોમ કરીને બધા બોસ લોકોને સારી રીતે ખબર પડી ગઇ છે કે, ઘર બેઠા પણ કામ થઇ શકે છે. ઓસ્ટ્રેલિયામાં થયેલા એક સરવેમાં એવું બહાર આવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં લોકો એવરેજ 281 કલાક ઓવરટાઇમ કરે છે અને એનું કંઇ વળતર આપવામાં આવતું નથી. જો બધાનો હિસાબ માંડીએ તો આંકડો 130 બિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર થાય છે.
આપણે વર્ક વ્હાઇલ યુ વર્ક એન્ડ પ્લે વ્હાઇલ યુ પ્લે નાના હતા ત્યારથી સાંભળતા આવ્યા છીએ પણ હવે પ્લે કે રેસ્ટના સમયે પણ કામ કરવું પડે છે. મોબાઇલ આપણને મુક્ત જ થવા દેતો નથી. રાઇટ ટુ ડિસકનેક્ટ સાથે એક ચર્ચા એ પણ ચાલી છે કે, આપણે ઓફિસમાં હોઇએ ત્યારે પૂરા ખંતથી કામ કરીએ છીએ ખરા? નિષ્ણાતો એવું કહે છે કે, તમે જો આરામના સમયે કોઇ પરેશાન ન કરે એવું ઇચ્છતા હોવ તો તમારે ઓફિસના સમયે પણ તમારું કામ પૂરી નિષ્ઠાથી કરવું જોઇએ. મોટા ભાગના કિસ્સામાં એવું પણ જોવા મળ્યું છે કે, અમુક કર્મચારીઓ કામ કરતો હોવાના ડોળ કરશે પણ ખરેખર કામ કરશે જ નહીં. ઓફિસમાં પણ મોબાઇલ લઇને સોશિયલ મીડિયા પર મંડી રહેલા લોકોની કમી નથી. પોસ્ટ અપલોડ કરી હોય એ ટાઇમ જોઇને જ સમજાય જાય કે, આ ભાઇએ ઓફિસ અવર્સ દરમિયાન જ પોસ્ટ અપલોડ કરી છે. સાથી કર્મચારીઓ સાથે ગપાટા મારવામાં અને કૂથલી કરવામાં પણ ઘણો સમય પસાર કરી દેવામાં આવે છે. ખાનગી કંપનીઓમાં તો હજુયે કેમેરા અને બીજી હાઇટેક સિસ્ટમના કારણે કર્મચારીઓએ એલર્ટ રહેવું પડે છે, સરકારી કચેરીઓમાં જે કામ થવું જોઇએ એ થતું નથી. કેટલીક કચેરીઓમાં એવું પણ જોવા મળે છે કે, જે કર્મચારી કામ કરતો હોય એ બિચારો ગધેડાની જેમ કામ જ કરતો રહે અને બાકીના બધા જલસા કરતા હોય. કેટલાંક લોકોના મોઢે એવું પણ સાભળવા મળે છે કે, ઓફિસે આવ્યા પછી જ રિલેક્સ ફીલ થાય છે! આવીને પટાવાળાને ચાનો ઓર્ડર અપાય છે. આરામથી ચા-પાણી કરીને પછી થોડુંક કામ કરવામાં આવે છે. ખાનગી કંપનીઓમાં હવે નોકરીએ આવતી અને જતી વખતે પંચ કરવું પડે છે. કોણે કેટલું કામ કર્યું એનો પણ ઓનલાઇન રેકર્ડ રહે છે. ગોલ અને ટાર્ગેટ પૂરા કરવા પડે છે.
આપણા દેશમાં રાઇટ ટુ ડિસકનેક્ટ આવે તો કેવું? દુનિયા ધીમે ધીમે બદલાઇ રહી છે એટલે આપણે ત્યાં પણ વહેલા કે મોડા એવું થવાનું જ છે. આપણે ત્યાં પણ કેટલીક કંપનીઓનો ત્રાસ ઓછો નથી, ઘરે આવી ગયા પછી પણ કર્મચારીઓને શાંતિ લેવા દેતા નથી. ઓફિસમાં હોય કે ઘરે, કર્મચારી બિચારો ટેન્શનમાં જ હોય કે હમણાં ફોન કે ઇમેલ આવી જશે. બોસ લોકોને કામની આનાકાની કરીએ તો એ સામે કહે છે કે, હું આ સમયે ઘરેથી કામ નથી કરતો? જો મારાથી થતું હોય તો તમારાથી કેમ ન થાય? મોટા ભાગે તો ના પાડી જ શકાતી નથી. નોકરી ટકાવવી હોય છે, ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશન પણ જોઇતું હોય છે, પોતાની જાતને પણ પ્રૂવ કરવી હોય છે. આ બધું કરવામાં નાકે દમ આવી જાય છે. ઓસ્ટ્રેલિયાના રાઇટ ટુ ડિસકનેક્ટ વિશે સાંભળીને એટલે જ ઘણાને એવા વિચારો આવી જાય છે કે, આપણે ત્યાં પણ આવું થઇ જાય તો કેટલું સારું!
———
પેશ-એ-ખિદમત
મુજે ઉસી એક દુખ કી લત હૈ ઉસી કો લાઓ,
મૈં તાજા જખ્મોં કી તાજગી સે ડરા હુઆ હૂં,
મૈં અપને અંદર કે શોર સે ખૌફ ખાને વાલા,
અબ અપને અંદર કી ખામોશી સે ડરા હુઆ હૂં.
-વિપુલ કુમાર
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 04 સપ્ટેમ્બર, 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com