આ વખતે મારે એને
બહુ મજા કરાવવી છે
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
આગ ઠારી એટલે ભડકો થયો, હું ય તિખારા પછી ગણતો થયો,
મેં જ મારી આંગળી પકડી અને, હું જ મારી ભીડથી અળગો થયો.
– વારિજ લુહાર
સંબંધોમાં મિલનનું માહાત્મ્ય સૌથી વધુ છે. મુલાકાતોથી અને વાતોથી જ સંબંધ સજીવન રહે છે. તમારા સંબંધને ખરા અર્થમાં માણવો હોય તો જેના પ્રત્યે લાગણી હોય એને મળતા રહો. પ્રેમ, લાગણી અને સ્નેહ હશે તો મળતા રહેવાનું મન પણ થશે. આપણા કેટલાક સંબંધો એવા હોય છે જેમાં આપણે મળવાનાં બહાનાં શોધતા હોઇએ છીએ. મુલાકાતોનો કોઇ એજન્ડા નથી હોતો, વાતોના કોઇ કારણો નથી હોતા, બસ મળવાનું હોય છે. સાથે હોઇએ ત્યારે આત્મીયતાનો અહેસાસ થતો રહે છે. મૌન હોઇએ તો પણ સાથની એક મહેક વર્તાતી રહે છે. આંખોથી કેટલીક વાતો થતી રહે છે. સાંનિધ્ય સોળે કળાએ ખીલેલું હોય ત્યારે શબ્દોની પણ ક્યાં જરૂર પડતી હોય છે? મુલાકાતને મૂડ સાથે પણ ગજબનો નાતો હોય છે. ગમતી વ્યક્તિ સાથે હોય ત્યારે મૂડ આપોઆપ બની જતો હોય છે. ગમતી વ્યક્તિનો ચહેરો જોઇને અસ્તિત્વ ઝગમગવા લાગે છે. તમારી જિંદગીમાં એવું કોણ છે જેની સાથે તમને સૌથી વધુ મજા આવે છે? જેને થોડા દિવસ પણ ન મળ્યા હોવ તો અધૂરું લાગે છે? જિંદગી ઘણી વખત આપણને આપણી રીતે જીવવા દેતી નથી. સમય જ મળતો નથી. કેટલીયે ઇચ્છાઓને દબાવી રાખવી પડે છે અને ક્યારેક ઇચ્છાઓને મારી પણ નાખવી પડે છે. બધું છોડીને ધાર્યું કરવાનું મન થાય છે પણ થઇ શકતું નથી.
જિંદગી મસ્તીથી જીવવી જોઇએ એ બધાને ખબર છે. બધાને દિલથી જીવવું પણ હોય છે. જિંદગી જીવવા દે તો ને? કામ અને જવાબદારીઓ આપણને બાંધી રાખે છે. આમ તો મજાની મજા એ જ છે કે, એ ઓછી મળે છે. કામ છે તો જ આરામનો મહિમા છે. બિઝી રહીએ છીએ એટલે જ ફ્રી ટાઇમની કદર થાય છે. બે-ત્રણ દિવસ ફરવા ગયા હોઇએ પછી એક દિવસ જાય ત્યારે એવું થાય છે કે, એક દિવસ તો પૂરો પણ થઇ ગયો. બે ફ્રેન્ડ્સની વાત છે. ફરવા ગયા હતા. એકે કહ્યું કે, તું સાથે હોય ત્યારે સમય રોકેટ બની જાય છે. હવે આપણા પાસે બે દિવસ જ રહ્યા. બીજા મિત્રએ કહ્યું, કેટલો સમય રહ્યો એ ન વિચાર, આ સમયમાં મેક્સિમમ મજા કરવી છે એવું જ વિચાર. ફરીને પાછા આવી ગયા પછી પણ એવા વિચાર આવી જ જાય છે કે, ગયા સન્ડેના એ જગ્યાએ હતા. કેવું મસ્ત વાતાવરણ હતું! ટાઇટ શિડ્યુલથી થાક્યા પછી એવો વિચાર આવ્યા વગર નથી રહેતો કે, યાર, હવે બ્રેક જોઇએ છે. કોઇ પ્રસંગ, કોઇ ઘટના, કોઇ કસોટી કે કોઇ પરિશ્રમ પછી બ્રેક મસ્ટ નીડેડ બની જાય છે. દૂર જઇ શકાય એમ ન હોય તો નજીકની કોઇ જગ્યાએ જઇને રિલેક્સ થવાનું મન થઇ આવે છે. કંઇ નથી કરવું, બસ પડ્યા રહેવું છે, શાંતિથી સૂવા માટે પણ ક્યારેક બ્રેકની જરૂર પડે છે. હવે બહુ ઓછા લોકોની આંખો સવારે કુદરતી રીતે ખૂલે છે. એલાર્મ વગર ઉઠાતું નથી. જિંદગી ઘડિયાળના કાંટે ચાલતી, દોડતી અને ભાગતી રહે છે. ક્યારેક એવા વિચાર પણ આવી જાય છે કે, આ હું શું કરું છું? આટલી બધી હાયહોયનો કોઇ મતલબ છે ખરો?
મજા કરવા માટે પણ ઘણું બધું ભૂલવું પડતું હોય છે. મન પર લદાયેલા ઘણા થરને ખંખેરવા પડે છે. હળવા થઇએ તો જ હળવાશ લાગે છે. બે મિત્રોની આ સાવ સાચી વાત છે. એક મિત્ર ખરાબ સમયમાંથી પસાર થયો હતો. તેનો મિત્ર બીજા સિટીમાં રહેતો હતો. તેણે મિત્રને કહ્યું કે, અહીં આવી જા. મજા કરીશું. મિત્રએ આવવાનું નક્કી કર્યું. તેના મિત્રએ એવું વિચાર્યું કે, આ વખતે તેને બહુ મજા કરાવવી છે. તેણે પોતાના દોસ્ત માટે ઘણા બધા પ્લાનિંગ કરી રાખ્યા. મિત્ર આવ્યો. બંને ફરવા ગયા. મિત્રની ચોઇસનું તેના મિત્રએ બરાબર ધ્યાન રાખ્યું હતું. મિત્રને મજા કરાવવાના તેણે ખૂબ પ્રયાસો કર્યા. જોકે, તેના મિત્રના ચહેરા પર કંઇ સારું વર્તાતું નહોતું. મિત્રને એમ થયું કે, તેની બધી મહેનત પાણીમાં ગઇ, તેની દરેક મહેચ્છા અધૂરી રહી. મિત્રને મજા કરાવવી હતી, એવી ઇચ્છા હતી કે તે ખુશ થાય અને બધા વિચારોથી મુક્ત થઇ જાય. મિત્ર ગયો. જે મિત્રએ ઇન્વાઇટ કર્યો હતો તેણે તેની પત્નીને કહ્યું કે, મેં મારાથી બનતા તમામ પ્રયાસો કર્યા, પણ એ મજામાં રહી જ ન શક્યો. તેની પત્નીએ કહ્યું કે, મજામાં રહેવા માટેની પણ તૈયારી હોવી જોઇએ. તમે કોઇને ધરાર મજામાં રાખી ન શકો. તારા ઇરાદા નેક હતા, પણ આપણે ઇચ્છીએ એમ દરેક વખતે નથી થતું, તું અફસોસ ન કર. એની સાથે જે બન્યું હતું એ એને ભૂલવા જ તૈયાર ન હતો તો તું શું કરી શકે?
કોઇ આપણા માટે કંઇ કરતું હોય ત્યારે આપણને એની કેટલી પરવા હોય છે? આપણી ખુશીની કોઇને પડી હોય એ નાનીસૂની વાત નથી. આપણે ભારે રહીએ તો એમાં વાંક આપણો હોય છે. કોઇ એનો સમય આપણને આપતું હોય ત્યારે એની કદર કરવી જોઇએ. આજે કોઇને કોઇના માટે ફુરસદ જ ક્યાં છે? દરેક માણસ પોતાનામાં વ્યસ્ત હોય છે. એ એનું બધું છોડીને આપણા માટે સમય કાઢતા હોય છે. આપણી એના માટે કેટલી તૈયારી હોય છે? આપણે કોના માટે બધું કરવા તૈયાર હોઇએ છીએ? આપણે કોઇને સરપ્રાઇઝ આપવા માટે દિવસો સુધી તૈયારીઓ કરી હોય એ પછી જ્યારે સામેથી પ્રતિસાદ ન મળે ત્યારે અઘરું લાગે છે. અપેક્ષા હોય રણકારનો અને બોદો પ્રતિસાદ મળે ત્યારે એમ થાય કે, મારે ડાહ્યા થવાની કંઇ જરૂર નહોતી.
તમને મજા કરતા આવડે છે? બધા લોકોને મજા કરતા નથી આવડતું. મજા કરવા ગયા હોય ત્યારે પણ એ કંઇક ને કંઇ લઇને બેઠા હોય છે. આપણે કહેવું પડે કે, છોડને યાર બધું, અત્યારે મજા કરને! કેટલાક પોતે તો મજા નથી કરતા, બીજાની મજા પણ બગાડી નાખે છે. આપણી સાથે પણ ક્યારેક એવું બન્યું હોય છે. એન્જોય કરવાનો ખૂબ જ સરસ મૂડ હોય ત્યારે સાથે હોય એ એવું કંઇક કરે છે કે, આપણા મૂડની પથારી ફરી જાય. અમુક સમયે આપણે આપણો મૂડ બગડવા પણ ન દેવો જોઇએ. આપણો સમય અને આપણી મજાની આપણને વેલ્યૂ હોવી જોઇએ. મજા કરી જાણવી એ જિંદગી જીવતા આવડતું હોવાનું ઉદાહરણ છે. જેને મજા કરતા નથી આવડતી એ જિંદગીના ભાર નીચે દબાયેલા જ રહે છે. તમે કોઇના માટે ગમે તે કરો પણ એને મજામાં ન જ રહેવું હોય તો તમે તેને કોઇ પણ રીતે મજામાં રાખી ન શકો!
છેલ્લો સીન :
તમે કોઇને સમજાવી શકો, મદદ પણ કરી શકો, પણ સામેની વ્યક્તિ જો પોતે જ બદલવા ન ઇચ્છતી હોય તો તમે કંઇ ન કરી શકો. જેને સમજવું જ ન હોય એ કોઇ કાળે સમજવાના નથી! -કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 25 ઓગસ્ટ, 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com