ગિલ્ટ ટ્રીપિંગ :
ભૂલને વારે વારે યાદ
કરાવનારથી ચેતી જવું!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
કેટલાક લોકો એવા હોય છે, જે આપણને અપરાધભાવનો અહેસાસ કરાવતા રહે છે.
સાચો સંબંધ એ છે જે ભૂલને ભૂલવામાં મદદ કરે,
નહીં કે ભૂલને વારેવારે યાદ અપાવે!
———–
આપણી જિંદગીમાં કેટલીક વખત એવો લોકો આવી જાય છે, જે આપણી ભૂલને માફ તો કરી દે છે, પણ ભૂલને ભૂલવા નથી દેતા. કોઇ ને કોઇ રીતે એકની એક વાત યાદ કરાવીને આપણને ગિલ્ટ ફીલ કરાવતા રહે છે. આપણે સમજણા થયા ત્યારથી એક વાત સાંભળતા આવ્યા છીએ, કે માણસ માત્ર ભૂલને પાત્ર. દરેક માણસથી ક્યારેક તો કોઇ ભૂલ થઇ હોય છે. કોઇ ભૂલ હળવી હોય છે અને કોઇ ભૂલ ગંભીર પણ હોય છે. ઘણી વખત આપણે કંઇક કરતા હોઇએ ત્યારે આપણને એ ખબર નથી હોતી કે, આપણે ભૂલ કરી રહ્યા છીએ. કેટલીક ભૂલો અજાણતાં જ થઇ જતી હોય છે. આપણે કોઇના પર ભરોસો મૂક્યો હોય અને એ વ્યક્તિ આપણને છેતરે પછી આપણને ભાન થાય છે કે એની સાથે સંબંધ રાખીને મેં ભૂલ કરી. જાણે અજાણે આપણાથી નાની મોટી ભૂલો થતી રહે છે. ભૂલોના કારણે આપણામાં એક અપરાધભાવ પણ પેદા થતો હોય છે. આપણને ગિલ્ટ પણ થાય છે. મારાથી આવું થઇ ગયું? મારે આવું કરવું નહોતું. કેટલાક કિસ્સામાં તો આપણે આપણી જાતને કોસતા પણ હોઇએ છીએ. ઘણા લોકોથી પોતાની ભૂલ જ સહન થતી નથી. મારાથી આવું થાય જ કેમ? અરે ભાઇ, થઇ જાય. ભગવાને પણ ભૂલો કરી છે, આપણે તો માણસ છીએ! ભૂલો વિશે એક વાત યાદ રાખવા જેવી છે કે, ભૂલને બને એટલી ઝડપથી ભૂલી જવી. બીત ગઇ સો બાત ગઇ. ગિલ્ટમાંથી પણ બહાર નીકળવું પડે છે. પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે આપણી નજીકના લોકો જ આપણને આપણી ભૂલ ભૂલવા નથી દેતા.
એક છોકરીની આ સાવ સાચી વાત છે. તેને એક છોકરા સાથે પ્રેમ થયો. એ છોકરી એની સાથે ફરવા લાગી. છોકરીનો એક દોસ્ત હતો. તેણે છોકરીને કહ્યું કે, એ માણસ સારો નથી. તું એની સાથે સંબંધ રાખીને ભૂલ કરે છે. છોકરીએ પોતાના મિત્રની વાતને ગણકારી નહીં. તેણે મિત્રને મોઢામોઢ કહી દીધું કે, મારું સારુંનરસું હું સારી રીતે જાણું છું. તું મિત્ર છે એમાં ના નહીં, પણ એક હદથી વધારે મારી પર્સનલ લાઇફમાં માથું ન માર. મિત્રએ કહ્યું, તારું ભલું ઇચ્છું છું એટલે તને કહું છું, બાકી તારી મરજી, જે કરવું હોય એ કર. થોડા સમયમાં એવું થયું કે, છોકરીને તેના બોયફ્રેન્ડનો ખરાબ અનુભવ થયો. તેણે બ્રેકઅપ કરી નાખ્યું. છોકરીના દોસ્તને આ વાતની ખબર પડી ત્યારે તેણે કહ્યું, હું તને પહેલેથી કહેતો હતો, પણ તારે કોઇ વાત સમજવી જ નહોતી. પસ્તાવું પડ્યુંને? છોકરીએ કહ્યું, તારી વાત સાચી છે. મેં તારી વાત માની નહોતી. એ વાત પતી ગઇ. એ પછી થતું એવું કે, છોકરી બીજા કોઇ પણ છોકરા સાથે બોલે કે તરત જ તેનો ફ્રેન્ડ કહે કે, ધ્યાન રાખજે હોં, પેલા જેવું ન થાય. એક ભૂલ કરી છે, બીજી ન કરતી. છોકરીએ એક હદ સુધી તો મિત્રની વાત સાંભળી લીધી, પણ આખરે તેને કહી દીધું કે, વારેવારે તું મને એ વાત યાદ ન કરાવ. હું માંડ ભૂલું છું ત્યાં તું મને એ વાત યાદ કરાવે છે. વારેવારે આવું કહીને તું શું સાબિત કરવા માંગે છે? પેલા મિત્રની જેમ ગિલ્ટ ટ્રેપિંગમાં લેનારા આપણી આસપાસ જ હોય છે. એવા લોકોથી સાવચેત રહેવું પડે છે. એને જો કંટ્રોલ ન કરીએ તો એ આપણને હંમેશાં અપરાધભાવમાં જ રાખે છે.
ઘણાં મા-બાપ પણ સંતાનોથી થઇ જતી ભૂલોને વારે વારે યાદ કરાવીને ટોકતાં રહે છે. એના કારણે બાળક સતત અપરાધભાવમાં રહે છે અને એક તબક્કે પોતાને દોષી પણ સમજવા લાગે છે. બાળકના માનસિક વિકાસને એનાથી મોટો ધક્કો પહોંચે છે. ઘણા લોકો જાણીજોઇને અપરાધભાવનો અહેસાસ કરાવતા રહે છે. એમાં એને સેડેસ્ટિક પ્લેઝર મળતું હોય છે. કેટલાકને ખબર જ નથી હોતી કે, હું જે કરું છું એ ગિલ્ટ ટ્રિપિંગ છે. એનો ઇરાદો ભલે ખરાબ ન હોય, પણ એ આપણું મગજ બગાડી નાખતા હોય છે. એવા લોકોને પણ સ્પષ્ટ શબ્દોમાં કહેવું પડે કે, વારે વારે મને એકની એક વાત કહેવાની જરૂર નથી. એક વાર કહ્યું એમાં આવી ગયું. હવે બંધ થા.
ગિલ્ટ ટ્રિપિંગની એક બીજી રીત પણ છે. કોઇએ આપણને મદદ કરી હોય પછી એ આપણને સતત યાદ કરાવ્યા રાખે. તને ખબર છે ને, જ્યારે તને જરૂર હતી ત્યારે હું તારી પડખે ઊભો રહ્યો હતો. ભૂલી ન જતો. મદદ નાની હોય કે મોટી, એ આપણને ભૂલવા જ નથી દેતા! ક્યારેક એવું થાય કે આની મદદ લઇને મેં જિંદગીની સૌથી મોટી ભૂલ કરી છે. ઘણા લોકો સર્કાસ્ટિક કમેન્ટ કરીને પણ આપણામાં અપરાધભાવ પેદા કરે છે. કેમ ભૂલી ગયો પેલી ઘટના? તારી મને બધી ખબર છે! આ અને આવા શબ્દો વાપરીને એ ટિપ્પણીઓ કરતા રહે છે. ક્યારેક તો આવી ઘટનાઓ ગાળાગાળી અને મારામારી સુધી પહોંચી જાય છે. ગિલ્ટ ટ્રિપિંગથી સંબંધો બગડ્યા હોવાના અનેક કિસ્સાઓ છે. આપણને જ ઘણી વખત એવું થાય છે કે, હવે એની સાથે સંબંધ જ નથી રાખવો!
કેટલાક કિસ્સામાં વાંક બે વ્યક્તિનો હોય છે, પણ ચાલાક વ્યક્તિ સાથેની વ્યક્તિ પર દોષનો ટોપલો ઢોળી દે છે. જે થયું છે એ તારા કારણે થયું છે એવું કહીને એ પોતાની જાતને નિર્દોષ સાબિત કરી દે છે. છટકી અને સરકી જવાવાળા લોકોની કમી નથી. એ આપણો તો વાંક કાઢે જ છે, બીજાના મોઢે પણ એવું જ કહે છે કે, મારો કોઇ વાંક નહોતો, જે કર્યું એ એણે જ કર્યું હતું. સંબંધોમાં અમુક બાબતોની સ્પષ્ટતાઓ જરૂરી બની જાય છે. આપણે કંઇ ન બોલીએ કે જતું કરીએ એને પણ ઘણી વખત આપણી કમજોરી સમજી લેવામાં આવે છે. મૌન રહેવું સારી વાત છે, પણ અમુક સમયે ચૂપ રહેવું પણ જોખમી હોય છે. કેટલાક લોકોને રોકડું પરખાવો ત્યારે જ એને ભાન થતું હોય છે. સારા એની સાથે જ રહેવાય જે સારા હોય, ખરાબ સાથે સારા રહેવા ન જવાય. અમુક લોકો માટે મર્યાદાની રેખા દોરવી પડતી હોય છે અને એ કહેવું પણ પડતું હોય છે કે, આ હદને વટતો નહીં!
બાય ધ વે, આપણે ક્યારેય એવું વિચારીએ છીએ કે, હું તો ક્યાંય કોઇને અપરાધભાવનો અહેસાસ કરાવતો કે કરાવતી નથીને? ક્યારેક જાણે તો ક્યારેક અજાણે આપણાથી આવું ન થઇ જાય એની પણ કાળજી રાખવી પડતી હોય છે. સાચો સંબંધ એ છે જે પોતાની વ્યક્તિથી કંઇ ભૂલ થઇ ગઇ હોય તો એને માફ કરે અને ભૂલને ભૂલી જવામાં પણ મદદ કરે. કોઇ એવી વાત જ નહીં કાઢવાની કે જૂની ઘટના તાજી થઇ જાય. આપણી વ્યક્તિ જેવી હોય એવી એને સ્વીકારવી એ જ સાચો સંબંધ છે. આપણી વ્ચક્તિની ભૂલ પણ સ્વીકારવી જોઇએ. આપણા લોકો આપણને પણ માફ કરતા હોય છે. માફ ન કરવા જેવી ભૂલો પણ માફ કરી દેતા હોય છે. સંબંધને જાળવવા અને સંબંધને જીવવા માટે કેટલીક બાબતો સમજવી જરૂરી હોય છે. એમાંની જ એક વાત છે કે, હું મારી વ્યક્તિને ક્યારેય એનાથી થયેલી ભૂલને વાગોળીશ નહીં, એને ગિલ્ટ તો ફીલ નહીં જ કરાવું. એ પોતે જ જો ગિલ્ટમાં હશે તો પણ એને ગિલ્ટથી મુક્ત કરવામાં મદદ કરીશ.
———
પેશ-એ-ખિદમત
બરસોં સે એડિયાં હી રગડતે રહે હૈં ખ્વાબ,
તબ હી તો મેરી આંખ સે છાલે નહીં ગયે,
સૌ બાર છાંટને કા જતન કર ચૂકા હૂં મૈં,
કુછ લોગ જિંદગી સે નિકાલે નહીં ગયે.
– નદીમ અસગર
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 31 જુલાઇ, 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com