તું તારા મગજમાંથી
ખોટા ફડકા કાઢી નાખ
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
જે પણ સ્વરૂપે આવી, મેં જિંદગીને માણી,
સૂરજ ડૂબી ગયો, તો મેં સાંજને વખાણી,
વર્ષોથી એ રહે છે, જાકારો ક્યાંથી આપું?
દુ:ખ-દર્દ સાથે મારી યારી છે બહુ પુરાણી.
-પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ
ડર, ભય, ચિંતા, ઉપાધિ ક્યારેક માણસ પર સવાર થઈ જાય છે. માણસ કોઈ ને કોઈ ફફડાટમાં જીવતો હોય છે. અનેક ફડકા માણસના અસ્તિત્ત્વ સાથે રહે છે. આમ થશે તો? તેમ થશે તો? મને નુકસાન જશે તો? મારી નોકરી ચાલી જશે તો? મારી વ્યક્તિ મારી નહીં રહે તો? મેં જે ધાર્યું છે એ નહીં કરી શકું તો? મારી પાસે જે છે એ નહીં રહે તો? મોટા ભાગના માણસો વાસ્તવિકતા કરતાં વધુ જો અને તો માં અટવાતા રહે છે. અમુક સંજોગોમાં ટેન્શન થાય અને ભય રહે એ સમજી શકાય એવી વાત છે, પણ માણસ જો સતત કોઈ ને કોઈ ભયમાં જીવવા લાગે તો જિંદગીની મજા જ માણી શકતો નથી. એક યુવાનની આ વાત છે. સવારે ઊઠતાંવેંત એને એવા જ વિચાર આવે કે, આજે મારે શું કરવાનું છે? જે કરવાનું હોય એ યાદ આવે એની સાથોસાથ એવો વિચાર આવે કે, મારાથી એ નહીં થઈ શકે તો? એ પોતાના કામને લઈને રોજેરોજ ટેન્શનમાં જ હોય! એક દિવસ તેણે તેના મિત્રને વાત કરી કે, મને સતત ટેન્શન રહે છે. મિત્રએ કહ્યું કે, તું ટેન્શનને વળગીને જ રહે તો ટેન્શન ક્યાંથી દૂર થવાનું છે? તને એ વાતનું ટેન્શન રહે છે કે, મારે જે કામ કરવાનું છે એ નહીં થાય તો? એના બદલે તું એવો વિચાર કરને કે, મારે જે કામ કરવાનું છે એ થઈ જ જશે, ન થવાનું કોઈ કારણ જ નથી. તું રોજ કરે છે એ જ તારે કરવાનું છે પછી ન થવાનો કોઈ સવાલ જ નથી. આપણી આજુબાજુમાં જ એવા ઘણા લોકો હોય છે, જેના પર કોઈ ને કોઈ ચિંતા સવાર જ હોય છે. ટ્રેનમાં જવાનું હોય તો એને ટેન્શન રહે છે કે, સમયસર નહીં પહોંચાય તો? એકાદ વખત ટ્રેન ચુકાઈ ગઈ હોય તો પછી એનો ફડકો કાયમ ઘર કરી જાય છે. આપણે કહેવું પડે છે કે રિલેક્સ, હજુ ઘણો સમય છે, નથિંગ ટુ વરી.
ડર પર નજર રાખવી પડે છે. જો ધ્યાન ન રાખીએ તો ડર આપણો સ્વભાવ બની જાય છે. ડર માણસની શક્તિઓ મર્યાદિત કરી નાખે છે. ડર માણસનો પોતાના પરનો ભરોસો જ ખતમ કરી નાખે છે. ઘણા લોકો એવા ભયમાં જીવે છે કે, કંઈ નવું શરૂ કરતા પહેલાં જ એવી વાત કરે છે કે, નહીં થાય! એક યુવાનની આ વાત છે. તેના બે મિત્રોએ તેને ઓફર કરી કે, આપણે સાથે મળીને કોઈ બિઝનેસ કરીએ. એ મિત્રે પહેલેથી જ નેગેટિવ વાત કરવા માંડી. આપણે ત્યાં કોણ આવશે? માર્કેટ જ મંદ છે! આપણે કેવી રીતે મેનેજ કરીશું? તેના મિત્રોએ કહ્યું, પહેલાં તું હા તો પાડ, બાકીનું બધું પછી જોયું જશે. ઘણા લોકોને પોતાના પર તો ભરોસો હોતો નથી, બીજાના ભરોસા પર એ પાણી ફેરવી દે છે. એક યુવાનની આ વાત છે. કંઈ પણ હોય, એ તરત હા જ પાડી દે. તેના એક મિત્રએ તેને પૂછ્યું, તને કોઈ વાતનો ભય નથી લાગતો? એ યુવાને કહ્યું કે, થઈ થઈને શું થઈ જવાનું? થોડુંક નુકસાન જશે, આર્થિક ગેરફાયદો થશે, આભ તો ફાટી પડવાનું નથીને? સાહસ વગર સિદ્ધિ નથી અને જ્યાં ભય છે ત્યાં સાહસ નથી.
કંઈ નવું કરવું હોય ત્યારે જે લોકો નેગેટિવ હોય એનાથી દૂર જ રહેવું. આમ તો એવું જ કહેવાય છે કે, આપણી પ્રકૃતિને જે નબળી પાડે એવા લોકો સાથે બહુ રહેવું નહીં. સંગ એવો રંગ. કેટલાક લોકો એવા હોય છે, જે પોતે તો કંઈ ન કરે, આપણે કંઈ કરતા હોય તો પણ કરવા ન દે. એવડો મોટો ભય પેદા કરી દે કે, આપણે પણ વિચારતા થઈ જઈએ. ભય વિશે રસપ્રદ વાત એ છે કે, માણસ વાસ્તવિક ભય કરતાં કાલ્પનિક ભયથી વધુ થથરતો હોય છે. મોટા ભાગના ડર આપણે ખોટા વિચારો કરીને પેદા કર્યા હોય છે. ભૂત હોતું નથી, પણ ઘણાએ ભૂતના એવા અને એટલા વિચારો કર્યા હોય છે કે એને સપનામાં પણ ભૂત આવે છે! માણસ જેવા વિચારો કરે છે એવો જ એ બને છે. રોજ રાતે એ વિચારવાની જરૂર હોય છે કે, મને આજે જે વિચારો આવ્યા તેમાં એવા કેટલા વિચારો હતા, જે મને નબળો પાડે છે?
માણસ મોટા ભાગે ખોટો ડરતો હોય છે. એમ કંઈ નથી થઈ જવાનું. બીજી વાત એ કે, જ્યારે કંઈ થાય ત્યારે ચિંતા કરજોને, પહેલેથી ડરવાની કંઈ જરૂર હોતી નથી. એવું કરો જ નહીં કે કોઈ ભય પેદા થાય. એક યુવાનની આ વાત છે. તેણે કહ્યું કે, હું કોઈ વાતથી ડરતો નથી, એનું કારણ એ છે કે, ડરવું પડે એવું હું કંઈ કરતો જ નથી. કુદરતે માણસને ગજબની શક્તિઓ આપેલી છે. જિંદગીમાં ક્યારેક તો કોઈ મુસીબત આવવાની જ છે. જ્યારે મુસીબત આવે છે ત્યારે કુદરત તેનો સામનો કરવાની અને તેને સહન કરવાની શક્તિ પણ સાથોસાથ આપી દેતી હોય છે. એક છોકરીની આ વાત છે. એને એક મુદ્દે ભય લાગતો હતો કે, આમ થશે તો? એ વિચાર આવતો ત્યારે એ થથરી જતી હતી. એક દિવસ ખરેખર તેને જે વાતનો ડર હતો એવું થયું. એ છોકરીએ મક્કમતાથી એનો સામનો કર્યો. વાત પૂરી થઈ પછી એ છોકરીને જ એવો વિચાર આવ્યો કે, હું જેટલું ડરતી હતી એટલા ડરવાની જરૂર નહોતી. આપણે કારણ વગર ભયના રાક્ષસને મોટો ને મોટો કરતા રહીએ છીએ અને આપણે જ પેદા કરેલા ભયના રાક્ષસથી આપણે જ ડરતા રહીએ છીએ. એક ફિલોસોફર હતો. કોઈ ડરની વાત કરે ત્યારે એ કહેતો કે, જિંદગીમાં હકીકતે ડર જેવું કંઈ હોતું જ નથી. ડર તો માત્ર ને માત્ર આપણી કલ્પના છે. આપણે ભ્રમો પેદા કરીએ છીએ અને પછી એમાં જ અટવાયેલા રહીએ છીએ. ભય આપણી જીવવાની મજા મારી નાખે છે. સાવચેતી દરેક વાતની રાખો પણ ડર કોઈ વાતનો ન રાખો. મુશ્કેલીનો સામનો કરવાની તૈયારી રાખો, પણ જ્યાં સુધી કોઈ મુશ્કેલી ન આવે ત્યાં સુધી તેના બહુ વિચારો ન કરો. કાર લીધા પછી આપણે જો એવા જ ભયમાં રહીએ કે, એક્સિડન્ટ થશે તો? કાર અથડાશે તો? એવા જ વિચાર કરતા રહીએ તો ક્યારેય કાર ચલાવી જ ન શકીએ. ધ્યાન રાખીએ તો એક્સિડન્ટ થવાનો જ નથી. ડરવાનું નથી, ધ્યાન રાખવાનું હોય છે. પાણી પહેલાં પાળ બાંધો, પણ પાણી ન આવે ત્યાં સુધી એના ભયમાં ન રહો. જે ડરતો રહે છે એ જિંદગીને જીવતો હોતો નથી, પણ વેડફતો હોય છે!
છેલ્લો સીન :
જિંદગીને ચોક્કસપણે સિરિયસલી લેવી જોઈએ, પણ જિંદગીને એટલી બધી ગંભીરતાથી પણ નહીં લેવાની કે જિંદગીમાં હળવાશ જેવું જ કંઈ ન રહે. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 21 જુલાઈ, 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com