`રાઇટ ટાઇમ’ની રાહ જોવા
બેસીશ તો મેળ જ નહીં પડે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
કોઈ બોલાવે નહીં ને તોય એ આવી શકે,
એ મને સાથે જવા છેવટમાં સમજાવી શકે,
એની હરકતો પર હજારો વાર ગુસ્સે થાઉં છું,
કોઈ એવું છે – જે એને રૂબરૂ લાવી શકે?
-ચીનુ મોદી
જિંદગી ક્યારેક એવા મુકામ પર આવીને ઊભી રહે છે જ્યારે આપણે કોઇક નિર્ણય લેવો પડે છે. વાત કરિયરની હોય કે રિલેશન્સની હોય, અમુક વખતે ડિસિઝન લેવાં પડતાં હોય છે. ક્યારેક ન ગમે એવા નિર્ણયો પણ કરવા પડતા હોય છે. સામે જ્યારે બે રસ્તા હોય ત્યારે એક રસ્તે તો આગળ વધવું જ પડે છે. એક રસ્તે જવા માટે બીજો રસ્તો છોડવો પડતો હોય છે. એ વખતે એવો વિચાર આવવાનો જ છે કે, જે રસ્તો છોડું છું એ છોડવા જેવો જ છેને? જે રસ્તે આગળ વધવાનું વિચારું છું એ સારો તો હશેને? આ અવઢવના કારણે કેટલાંક લોકો નિર્ણયો લેવામાં મોડું કરતા હોય છે. નિર્ણયો રાઇટ ટાઇમે લેવાવા જોઇએ. રાઇટ ટાઇમ એટલે કેવો સમય? એની કોઈ વ્યાખ્યા ખરી? રાઇટ ટાઇમ એટલે એવો સમય જ્યારે પ્લસ અને માઇનસ બધા પોઇન્ટ્સના વિચાર કરીને ફાઇનલ ડિસિઝન પર આવી જવાની ઘડી. કોઈ પણ મહત્ત્વનો નિર્ણય લેતા પહેલાં પૂરો વિચાર કરવો જ જોઇએ પણ કેટલો વિચાર કરવો એ દરેકે નક્કી કરવું પડે છે. મોડો નિર્ણય ઘણી વખત ખોટો સાબિત થતો હોય છે. ઘણા લોકોનાં મોઢે આપણે એવું સાંભળીએ છીએ કે, એ સમયે એ કામ કરી નાખ્યું હોત તો સારું હતું! એને કહેવાનું મન થાય કે, એ સમયે તમને કોણ રોકતું હતું? તમે જ હિંમત નહોતા કરતા. તમે જ વધુ પડતું વિચારતા હતા.
એક યુવાનની આ સાવ સાચી વાત છે. એ જોબ કરતો હતો. બધું ફાઇન ચાલતું હતું. કામમાં કોઇ ઇશ્યૂ નહોતો. એવામાં બીજી કંપનીમાંથી તેને એક સારી ઓફર આવી. એ મૂંઝાયો કે હવે શું કરવું? સેલેરી ખૂબ સારી હતી પણ જવાબદારી વધુ હતી. તે નક્કી કરી શકતો નહોતો. તેણે પિતાને બધી વાત કરી. પિતાએ કહ્યું કે, જેટલા વધુ વિચાર કરીશ એટલો વધુ ગૂંચવાઇશ. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું સહેલું તો નથી પણ બીજે સારું નહીં હોય એવું માની લેવાની પણ જરૂર નથી. આવી ઓફર આપણને આપણી જાતને માપવાની પણ તક આપતી હોય છે. આપણને પણ આપણી ક્ષમતાની ખબર પડે કે આપણે કેટલામાં છીએ. બહાર જ ન નીકળીએ તો ક્યારેય ખબર જ નથી પડવાની. ચેલેન્જ સ્વીકારવાની તૈયારી હંમેશાં હોવી જોઇએ. નિર્ણય સાચો હતો કે ખોટો એ પરિણામ આવે એ પછી જ ખબર પડતી હોય છે. હા, નિર્ણય ન લેવો એના કરતાં ખોટો નિર્ણય વધુ બહેતર હોય છે. ક્યારેક એવું પણ બને જ્યારે આપણને એવું લાગે કે મારાથી ખોટો નિર્ણય લેવાઇ ગયો હતો. એ સમયે પણ એક વાત યાદ રાખવી કે, નિર્ણય જ્યારે લીધો હોય છે ત્યારે તો એ સાચો જ હોય છે. પરિબળો અને પરિસ્થિતિઓ બદલાય ત્યારે આપણું ધાર્યું હોય કે આપણે જે વિચાર્યું હોય એવું ન પણ થાય. લીધેલા નિર્ણયનો ક્યારેય અફસોસ પણ ન કરવો જોઇએ. એક નિશાનબાજ હતો. એક પાટિયા પર નિશાન તાકીને એ તીર ચલાવતો. તેણે કહ્યું કે, દરેક વખતે તીર ધાર્યાં નિશાન પર જ લાગે એવું જરૂરી નથી. ક્યારેક નિશાન ચુકાઈ પણ જાય. પહેલી વખત તો તીર પાટિયાની બહાર જ ગયું હતું. એ વખતે જો મેં નિશાનબાજી જ છોડી દીધી હોત તો હું ક્યારેય ટાર્ગેટ સુધી પહોંચી શક્યો ન હોત. આવું જ નિર્ણયનું છે. તીર તો છોડવાનું જ, નિર્ણય તો લેવાનો જ!
સંબંધો પણ ક્યારેક એ કક્ષાએ ઊભા રહી જાય છે કે, આપણે કોઈ નિર્ણય લેવો પડે. આની સાથે આગળ વધુ કે ન વધુ? ક્યારેક એવી નોબત પણ આવે છે કે, સંબંધ તોડવા પડે. છેડો ફાડવો પડે. રસ્તો બદલવો પડે. હાથમાં જે હાથ હોય એ ગળા સુધી પહોંચી જાય ત્યારે હાથ છૂટવાની ચિંતા ન કરવી જોઇએ. એક યુવતીની આ વાત છે. એણે લવમેરેજ કર્યા હતા. પતિ જ્યાં સુધી પ્રેમી હતો ત્યાં સુધી તો બહુ જ સારો હતો. પતિ બન્યા પછી એનું પોત પ્રકાશ્યું. એ મારઝૂડ સુધી પહોંચી ગયો. પત્નીએ લવમરેજ કર્યા હતા એટલે બધા શું કહેશે એ વિચારે એ સહન કરતી હતી. આખરે થાકી ગઇ અને એક દિવસ છૂટા પડી જવાનું નક્કી કર્યું. એક વખત તે એની ફ્રેન્ડ સાથે વાત કરતી હતી. તેણે કહ્યું કે, મને એવું થાય છે કે એનાથી છૂટા પડવાનો નિર્ણય મેં પહેલાં કેમ ન કર્યો? શા માટે હું ચૂપ રહી અને સહન કરતી રહી? ઘણી વખત આપણને એમ થતું હોય છે કે, બધું સારું થઇ જશે. કેટલાંક સંજોગોમાં આપોઆપ કંઇ સારું થતું નથી, સારું કરવું પડે છે. સમય દરેક દર્દનું ઓસડ છે એવું વિચારીને દર્દની સારવાર જ ન કરવી એ મૂર્ખામી છે.
નિર્ણય લેવા મુદ્દે એક વાત એવી પણ કહેવામાં આવે છે કે, જ્યારે કોઈ નિર્ણય લઇ શકાતો ન હોય ત્યારે છેલ્લે દિલની વાત સાંભળવી અને દિલ જેમ કહે એમ કરવું. સાચી વાત છે. આપણું દિલ આપણને સાચા રસ્તે દોરતું હોય છે. અલબત્ત, દરેક વખતે માત્ર દિલની વાત સાંભળવી પણ જોખમી બનતી હોય છે. દિલની વાત સાંભળો પણ એ પહેલાં દિમાગ શું કહે છે એ પણ જોઇ લો. ઘણા લોકો દિલના નામે પોતાને અનુકૂળ હોય એવા નિર્ણયો કરી લેતા હોય છે. હવે તો એવા લોકો થઇ ગયા છે જે દિલ પાસે પણ પોતાનું ધાર્યું કરાવી લે. અમુક વખતે તમને કોઇ કહેતું નથી કે, હવે તું કંઇક નિર્ણય કરી લે. આપણે જ આપણી સ્થિતિ વિશે વિચારતા રહેવું પડે છે કે, હું શું કરું છું? હું ખરેખર ખુશ તો છુંને? જો પોતાને જ એવું લાગે કે, મને મજા નથી આવતી, હું ખોટા રસ્તે છું, મને મારી લાઇફ જેવું કંઇ લાગતું નથી, તો એવા સમયે માણસે કોઇ નિર્ણય લેવા માટે વિચારવું પડે છે. છોડી દેવું બહુ અઘરું નથી પણ છોડતા પહેલાં શું સારું અને શું ખરાબ એ વિચાર પણ કરી લેવો પડતો હોય છે. કોઇના ખાતર કંઇ પણ કરો પણ કોઇને તાબે ન થઇ જાવ. આપણે આપણી ઇચ્છાથી કોઇના માટે ઘસાઇએ એમાં વાંધો નથી પણ કોઇ આપણને ઘસતા રહે અને આપણને છોલાતા હોય એવું લાગે ત્યારે કંઇક નિર્ણય લેવો પડે. એ નિર્ણય પણ સમયસર લેવાવો જોઇએ. દરેક વખતે ખરાબ જ વાત હોય એવું જરૂરી નથી, જિંદગી ક્યારેય સારી ઘટનાઓ પણ સામે લઇ આવતી હોય છે. એને લાંબું વિચાર્યા વગર વધાવી લેવી એ પણ એક નિર્ણય જ છે. એક વાત યાદ રાખો આપણી જિંદગી છેલ્લે તો આપણે કેવા નિર્ણયો લઇએ છીએ તેના પર જ આધાર રાખતી હોય છે!
છેલ્લો સીન :
કોઇ વાતમાં સમય બગાડવો ન જોઇએ. વધુ પડતા વિચારો કરવામાં પણ નહીં. કંઈ પણ કરવામાં વિચાર કર્યા વગર કૂદી પડવું જેટલું જોખમી છે એટલું જ ખતરનાક વધુ પડતું વિચારવું છે. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 02 જૂન 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com