ઇન્ટરનેટની સ્પીડ અને
મગજની તણાતી નસો!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
લોકોને બધું જ આંખના પલકારામાં પતી જાય એવું જોઇએ છે.
અપલોડ થવામાં થોડુંકેય મોડું થાય તો લોકો અપસેટ થઇ જાય છે.
સ્પીડ વધી ગયા પછી પણ માણસને સંતોષ થશે ખરો?
———–
દુનિયાના તમામ લોકો માટે હવે ઇન્ટરનેટ જીવન જરૂરિયાતની ચીજ બની ગયું છે. ઇન્ટરનેટ વગરની દુનિયા જ કલ્પી શકાય એમ નથી. આપણા બધાના હાથમાં આખો દિવસ મોબાઇલ હોય છે. આપણી સવાર મોબાઇલથી પડે છે અને રાતે સૂતા પહેલા પણ મોબાઇલ જોઇ લીધા વગર ચાલતું નથી. ઇન્ટરનેટની જ્યારથી શોધ થઇ છે ત્યારથી ટેક્નો વર્લ્ડમાં જો સૌથી વધુ કોઇ કામ થયું હોય તો એ ઇન્ટરનેટની સ્પીડ વધારવાનું છે. એક સમય હતો જ્યારે ઇન્ટરનેટની સ્પીટ તદ્ન ઓછી હતી. નાની સરખી ફાઇલ કે ઇમેજ ડાઉન લોડ કરવી હોય તો પણ લાંબા સમયની રાહ જોવી પડતી હતી. ધીમે ધીમે સ્પીડ વધતી ગઇ. થ્રી-જી, ફોર-જી અને હવે ફાઇવ-જીમાં દુનિયા પ્રવેશી ગઇ છે. અમેરિકા અને ચીન સહિત કેટલાંક દેશો તો સિક્સ-જી, સેવન-જી સુધી પહોંચી ગયા હોવાના દાવાઓ કરી રહ્યા છે. એક તરફ ઇન્ટરનેટની સ્પીડ સતત વધી રહી છે ત્યારે બીજી તરફ લોકોની ધીરજ સતત ખૂટતી રહી છે. લોકોને વધુને સ્પીડ જોઇએ છે. આંખના પલકારામાં બધું થઇ જવું જોઇએ. ઇન્ટરનેટની સ્પીડ વિશે જેટલા સર્વે થયા છે એમાં મોટા ભાગના લોકોએ એવું કહ્યું છે કે, હજુ વધારે સ્પીડની જરૂર છે! ઘણી વખત નેટવર્ક ઇશ્યૂના કારણે બહુ પ્રોબ્લેમ થાય છે. કંઇ ખૂલતા કે ડાઉનલોડ થતા થોડોક વધુ સમય લાગે તો લોકો હાંફળા ફાંફળા થઇ જાય છે!
ઇન્ટરનેટની સ્પીડ સંબંધિત બીજા ઘણા સાયકોલોજિકલ સર્વે અને રિસર્ચ પણ થયા છે. આ રિસર્ચના જે પરિણામો છે એ જોઇને એક્સપર્ટસ કહે છે કે, જરાક તો નિરાંત રાખો, આટલી બધી ઉતાવળ કરીને કરવું છે શું? તમને ક્યારેય વિચાર આવે છે કે, તમે તમારી જ હેલ્થ સાથે ચેડાં કરી રહ્યા છો? થોડા સમય પહેલા જ થયેલો એક અભ્યાસ લોકો સામે લાલબત્તી ધરે એવો અને ઘણું બધું વિચારવા પ્રેરે એવો છે. લોકોને ઇન્ટરનેટની સ્પીડ ન મળે તો ભવાં તંગ થઇ જાય છે. મગજની નસો ખેંચાવા લાગે છે. આમ તો આવા અનુભવો આપણે બધાએ કર્યા જ હોય છે. ક્યારેક કોઇ સોશિયલ મીડિયા સાઇટ ખૂલવામાં કે કંઇક ડાઉનલોડ થવામાં વાર લાગે તો અપસેટ થઇ જવાય છે. થોડીક સેકન્ડની પણ રાહ જોઇ શકાતી નથી. મોબાઇલ કે લેપટોપ પર ઇન્ટરનેટ ન મળવાના કારણે ફરતું ચકરડું જોઇને તમને શું થાય છે એનો વિચાર તમે ક્યારેય કર્યો છે? આ મુદ્દે સાઇકોલોજિસ્ટ્સ એવું કહે છે કે, ઇન્ટરનેટની સ્પીડની અસર તમારા પર ન થવા દો, કંઇ નહીં ખૂલે કે ડાઉનલોડ નહીં થાય તો કોઇ આભ ફાટી પડવાનું નથી પણ તમારી અંદર જે થાય છે એ તમારી હેલ્થ બગાડવા માટે કારણભૂત બની શકે એમ છે.
આપણી ઇન્ટરનેટ પ્રોવાઇડર કંપનીઓ ભલે ગમે એવા દાવા કરે પણ હજુયે એમના કહ્યા મુજબની સ્પીડ તો મળતી જ નથી. વાઇ-ફાઇનું પણ એવું જ છે. ગમે ત્યારે ઇન્ટરનેટ ડાઉન હોય છે. દરેક શહેરના અનેક વિસ્તારોમાં નેટવર્કના ધાંધિયા હોય છે. મોટા ભાગના ઘરોમાં એકાદ ખૂણો એવો હોય છે જ્યાં ઇન્ટરનેટનું નેટવર્ક સ્લો હોય અથવા તો હોય જ નહીં. એ ખૂણા સાથે ઘરના લોકો જ ઓરમાયું વર્તન કરવા લાગે છે. ટ્રાવેલિંગ વખતે પણ નેટના ઇશ્યૂ સૌથી વધુ નડતા હોય છે. ટ્રેનમાં હોઇએ કે બાય રોડ જતા હોઇએ ત્યારે વાત કરતી વખતે વારેવારે વોઇસ કટ થાય છે. બધાએ એક કરતા વધુ એવું કહ્યું જ હશે કે, હાઇવે પર છું એટલે વોઇસ ક્રેક થાય છે. ઇન્ટરનેટની સ્પીડ ન મળે એના ઘણા કારણો છે, જો કે આપણે એ કારણોમાં નથી પડવું, વાત કરવી છે ઇન્ટરનેટની સ્પીડના કારણે માણસને થતી માનસિક અસરોની.
ઘણી વખત કોઇ અરજન્ટ કામ હોય, કંઇક મોકલવાનું હોય એ સમયે ઇન્ટરનેટ સ્લો હોય તો માણસનો મગજ બગડે છે. માણસ જો બોલી શકે એમ હોય તો જાહેરમાં અને ન બોલી શકે એમ હોય તો મનમાંને મનમાં ગાળ બોલી દે છે. અલબત્ત, એનાથી કંઇ ફેર નથી પડતો. આપણા ગમે એટલા ઉકળાટથી સ્પીડ વધી જવાની નથી. સાઇકોલોજિસ્ટ્સ કહે છે કે, લોકો દિવસેને દિવસે વધુને વધુ ઉતાવળિયા થઇ રહ્યા છે. ઇન્ટરનેટની વાત તો છે જ, એ સિવાય પણ નાની નાની વાતોમાં લોકોના મગજ ફાટફાટ થવા લાગે છે. લિફ્ટ આવવામાં એક બે મિનિટની વાર લાગે તો લોકો ઉશ્કેરાઇ જાય છે. પંદરમા કે વીસમા માળેથી લિફ્ટમાં નીચે જતા હોઇએ અને વચ્ચે જો બે ચાર વખત જુદા જુદા માળ પર લિફ્ટ રોકાય તો પણ લોકોના મોઢા મચકોડાય જાય છે. ટ્રાફિક સિગ્નલ પાસે રેડ સિગ્નલ હોય ત્યારે પણ લોકો ઊંચા નીચા થતા રહે છે. ગ્રીન સિગ્નલ થાય એ પછી આગળના વાહનવાળો ન હલે એટલે હોર્ન મારવા લાગે છે. કેટલાંક કિસ્સામાં તો ગાળાગાળી અને મારામારી પણ થઇ જાય છે. જરાક ચેક કરજો, ક્યાંક તમે તો આવું નથી કરતાને? જો કરતા હોવ તો ચેતી જજો, તમે બ્લડ પ્રેશર, સુગર અને હાઇપરટેન્શનને આમંત્રણ પાઠવી રહ્યા છે.
હવે એક બીજા અભ્યાસની વાત કરીએ. ઇન્ટરનેટની સ્પીડ સતત વધી રહી છે અને હજુ છે એના કરતા વધારવાના પ્રયાસો પણ ચાલી જ રહ્યા છે. ટેક્નો એક્સપર્ટસ છે કે, એક સમયે કોઇને કલ્પના પણ ન હોય એટલી સ્પીડ હશે. તમે ટચ કરશો એટલે તરત જ જે જોઇએ એ મળી જશે. અલબત્ત, એનાથી પણ લોકોને હાશ થશે એવું નથી, એ વખતે પણ લોકોને કોઇને કોઇ પ્રોબ્લેમ તો થવાના જ છે. આપણે ત્યાં જ ઇન્ટરનેટના ઇશ્યૂઝ છે એવું નથી. અમેરિકા જેવા અમેરિકામાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્ક પ્રોબ્લેમ છે. એ બધું તો સોલ્વ થશે, આપણે એટલું ધ્યાન રાખીએ કે કોઇ વાતથી આપણે અપસેટ ન થઇએ. અનેક સંતો, મહંતો અને બૌદ્ધિકો એવું કહી ગયા છે કે, જે આપણા હાથમાં ન હોય એના માટે ઉત્ત્પાત ન કરવો. ઉધામા મચાવશો તો પણ એનાથી કોઇ ફેર તો પડવાનો જ નથી. ઉલટું ઉશ્કેરાટમાં કંઇક ન કરવાનું કરી બેસશો. ઇન્ટરનેટના કિસ્સામાં સાયકોલોજિસ્ટો પાસે એવા કિસ્સાઓ પણ આવ્યા છે કે, નેટ ન મળે ત્યારે માણસે મોબાઇલનો છુટ્ટો ઘા કર્યો હોય! પેશન નામનું તત્ત્વ દિવસેને દિવસે ગૂમ થતું જાય છે. હવે ટેલિવિઝન ચેનલ હોય કે કોઇ ઓટીટી પ્લેટફોર્મની વેબ સીરિઝ હોય, બધું જ મોબાઇલ પર જોવાય છે. લોકો દિવસનો મોટા ભાગનો સમય મોબાઇલમાં વિતાવવા લાગ્યા છે, એટલે જ ડિજિટલ ડિસિપ્લિનની વધુને વધુ આવશ્યકતા વર્તાઇ રહી છે. ટેક્નોલોજીની વિપરીત અસરો માણસના મન અને મગજને બગાડી રહી છે. આ બધાનું સમાધાન એક જ છે કે, બધું જ દિલ કે દિમાગ પર ન લો, તમે જેટલી તીવ્રતાથી બધું લેશો એટલી વધુ અસર થવાની છે. બને તો દિવસના થોડા કલાકો મોબાઇલથી દૂર રહો. સોશિયલ મીડિયા અને બીજું બધું જુઓ, એમાં કશું ખોટું નથી પણ તેમાં ડૂબી જવાની કોઇ જરૂર નથી. ઇન્ટરનેટ સ્પીડની વિપરીત અસરોની અભ્યાસની સામે કેટલાંક નિષ્ણાતો એવી પણ આગાહી કરે છે કે, આ મુદ્દે વધુ પડતી ચિંતા કરવાની પણ જરૂર નથી, એનું કારણ એ છે કે માણસ આ બધાથી પણ એક સમયે થાકવાના છે. આ બધું માથાનો દુખાવો છે એવું બધું માણસજાતને વહેલું કે મોડું સમજાવાનું જ છે. જેટલું વહેલું સમજાય એટલું સારું છે. અત્યારે પણ ઘણા લોકો સમજી ગયા છે, ન સમજ્યા હોય એ વહેલી તકે સમજી જાય એ એના જ હિતમાં છે!
———
પેશ-એ-ખિદમત
વો નીંદ અધૂરી થી ક્યા ખ્વાબ ના-તમામ થા ક્યા,
મૈં જિસકો સોચ રહા થા ખયાલ-એ ખામ થા ક્યા,
મિલું તો કૈસે મિલું બે-તલબ કિસી સે મૈં,
જિસે મિલું વો કહે મુઝ સે કોઇ કામ થા ક્યા.
-સાબિર જફર
(ના-તમામ/અધૂરું. ખયાલ-એ-ખામ/નિરર્થક વિચાર. બે-તલબ/કારણ વગર)
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 01 મે 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com