તને ખબર નથી, મેં બહુ સ્ટ્રગલ કરી છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તને ખબર નથી, મેં

બહુ સ્ટ્રગલ કરી છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ઝાંઝવાંનો પાક લણવાની એ તૈયારી કરે,

જેમણે રણની ધરાને રાત-દી ખેડી હશે,

સાવ ખુલ્લી જેલનો એ કેદી હોવો જોઇએ,

હાથ-પગ છૂટા હશે અને શ્વાસમાં બેડી હશે.

-કરશનદાસ લુહાર

જિંદગી પાસેથી તમે કેવી અપેક્ષા રાખો છો? આપણે જો એમ માનતા હોઇએ કે, જિંદગી આપણે ઇચ્છીએ એ જ રીતે ચાલે તો એવું કંઇ થવાનું નથી. ઘણી વખત તો આપણે જિંદગી ચાલે એમ ચાલવું પડતું હોય છે. જિંદગી પર ક્યારેય કોઇ કંટ્રોલ કરી શક્યું નથી, હા જે પરિસ્થિતિ પેદા થાય એને હિંમતવાન માણસ કંટ્રોલ કરી શકતો હોય છે. માણસ દરેક સંજોગોમાં કેટલો સ્વસ્થ રહે છે તેના પરથી જ એ ખબર પડે છે કે એ કેટલો શક્તિશાળી છે. ઘણા લોકો નાનકડી આફત આવે તો પણ રોદણાં રડવા બેસી જાય છે. ફરિયાદો કરવા લાગે છે. શું ધાર્યું હતું અને શું થઇ ગયું! મારા નસીબ જ વાંકા છે! છેલ્લે કંઇ બહાનું ન મળે તો એવું પણ કહે છે કે, કોઇની નજર લાગી ગઇ! નજર કોઇની લાગતી નથી. અમુક સમયે તો આપણો પણ કોઇ વાંક હોતો નથી. પરિસ્થિતિ જ એવી નિર્માણ થાય છે કે, આપણી બધી ગણતરીઓ ખોટી પડે. એક યુવાનની આ વાત છે. તેણે પોતાના ગામ નજીકના રોડ પર એક હોટલ બનાવી. હોટલ સરસ ચાલતી હતી. એને એવું લાગતું હતું કે, આપણને હવે વાંધો નહીં આવે, ધંધો ચાલી જશે. એ યુવાન સખત મહેનત પણ કરતો હતો. બધું મસ્ત ચાલતું હતું. અચાનક એ રોડથી થોડે દૂર નવો એક્સપ્રેસ હાઇવે બનાવવાનું નક્કી થયું. નવો રોડ બની ગયો એટલે બધો ટ્રાફિક એ રોડ પર ડાયવર્ટ થઇ ગયો. રોડ પરથી કોઇ નીકળે તો હોટલ ચાલેને? યુવાન ડિસ્ટર્બ થયો. જો કે, પછી એને જ વિચાર આવ્યો કે, મારો કોઇ વાંક ક્યાં છે? નસીબને દોષ દેવો પણ વાજબી નથી, કારણ કે સારા નસીબ હતા એટલે તો હું આ હોટલ બનાવી શક્યો હતો. સંજોગો બદલ્યા છે, સ્થિતિ બદલી છે, નવી સ્થિતિ મુજબ મારે પણ બદલવું પડશે. કંઇક નવું કરવું પડશે. સંજોગો પ્રમાણે જે બદલતા નથી એ જ ફરિયાદો કરતા રહે છે. એક માછીમારે કહ્યું હતું કે, પવન બદલે એટલે સઢ ફેરવી નાખવી પડતી હોય છે. તમે પવનને ફેરવી શકવાના નથી. જિંદગીનું પણ આવું જ છે, સ્થિતિ સાથે સમજૂતી કરીને રસ્તો શોધવો પડતો હોય છે. જે રસ્તો શોધે છે એને રસ્તો મળી પણ જાય છે.

જિંદગીની મજા એ જ છે કે, આપણી સામે જે ચેલેન્જ આવે છે એને આપણે કેવી રીતે ટેકલ કરીએ છીએ. તમે કોઇપણ વ્યક્તિને પૂછજો, તમે તમારી જિંદગીમાં કેટલી અને કેવી સ્ટ્રગલ કરી છે? એ ડિટેઇલમાં તમારી સામે બધી વાત કરશે. હું સવારથી મોડી રાત સુધી કામ કરતો, મેં કાળી મજૂરી કરી છે, સાવ નાનકડા અને સુવિધા વગરના ઘરમાં હું મોટો થયો છું, મારા મા-બાપ પાસે ફી ભરવાના પણ રૂપિયા નહોતા, બે ટંક માંડ પેટ ભરીને ખાવાનું મળતું, આવી બધી વાતો સાંભળવા મળશે. જે પૈસેટકે સુખી છે એ પણ એવું તો કહેશે જ કે, સખત મહેનત કરી છે એટલે અહીં સુધી પહોંચ્યા છે. કોઇ એમ કહેવાનું છે કે, મને તો વગર મહેનતે બધું મળી ગયું છે? આપણે તો કોઇ સંઘર્ષ કરવો જ પડ્યો નથી? દરેક પાસે કહેવા માટે પોતાની કથા હશે જ! હોવી જ જોઇએ, એ ન હોય તો પછી જિંદગીની મજા શું છે? સંઘર્ષની કથા એ જ જિંદગીની મજા છે. જેટલો સંઘર્ષ કઠીન, કથા એટલી સંગીન. વાત સાંભળીને કોઇને એમ થવું જોઇએ કે, વાહ શું વાત છે, આ માણસે સફળ થવા માટે હસતા મોઢે દરેક સંઘર્ષને ઝીલ્યા છે.

એક કલાકારની આ વાત છે. સિરિયલમાં કામ કરવા માટે એ પોતાનું ગામ છોડીને મુંબઇ આવ્યો હતો. પેઇંગ ગેસ્ટ તરીકે બીજા લોકો સાથે રહ્યો. કામ મળતું નહોતું. પાઉંવડું ખાઇને દિવસો કાઢવા પડતા હતા. રૂમમાં સાથે રહેતા હતા એ બધા પણ સ્ટ્રગલર જ હતા. કોઇ એકાદાને કામ મળે તો એ બીજાનું ધ્યાન રાખતો હતો. અચાનક એ યુવાનને સીરિયલમાં કામ મળી ગયું. જોતજોતામાં તો એ પોપ્યુલર થઇ ગયો. સારું એવું કમાવવા લાગ્યો. પોતાનો ફ્લેટ પણ લઇ લીધો. તેના ઇન્ટરવ્યૂ થવા લાગ્યો. એક વખત એ યુવાનને પૂછવામાં આવ્યું કે, તમારી સ્ટ્રગલની વાત કરો. બધાને એમ હતું કે, હમણાં આ વાતો માંડશે કે ખાવાના પૈસા નહોતા, રહેવાની સુવિધા નહોતી, હું તો દુ:ખી દુ:ખી હતો. એ યુવાને કહ્યું કે, સાવ સાચું કહું? મેં તો મોજ કરી છે. એક રૂમમાં પાંચ લોકો રહેતા હતા ત્યારે પાંચેય મજા કરતા હતા. કોઇ ચા પીવડાવે તો પણ સારું લાગતું હતું. સારું જમવાનું મળી જાય તો મોજ પડતી હતી. એ સમય તો અમે એન્જોય કર્યો છે. હવે બીજી વાત, સફળતા કંઇ એમ જ મળી જવાની છે? હું એવી અપેક્ષા રાખું કે, હું મુંબઇ આવું એટલે મારી રાહ જોવાતી હોય અને સીરિયલવાળા મન કામ દેવા લાઇનમાં ઊભા હોય તો મારા જેવો મૂરખ કોઇ નથી. મને ખબર જ હતી કે, સ્ટ્રગલ કરવાની જ છે. સફળ થઇ જઇએને પછી એ બધી સ્ટ્રગલ લાગતી હોય છે, બાકી હોય ત્યારે તો એ સમય પણ એન્જોય કર્યો જ હોય છે. જે લોકો સાથે રહેતા હતા એની સાથેની દોસ્તી ક્યારેય ભૂલાઇ એવી નથી. એ બધા મળે ત્યારે એમ થાય છે કે, આ લોકો જ મારી સાચી સંપત્તિ છે.

સ્ટ્રગલ કરો તો જ મેળ પડવાનો છે એ બધાએ સમજી લેવું જોઇએ. ઘણા કિસ્સામાં તો સ્ટ્રગલ કર્યા પછી પણ ઘણાને ધાર્યું કામ અને સ્થાન નથી મળતું. એક સફળ યુવાને કહ્યું કે, કરૂણતા એ વાતની પણ છે કે, સંઘર્ષની કથા એને જ પૂછવામાં આવે છે જે સફળ છે. દુનિયામાં ઘણા એવા લોકો છે જેને આખી જિંદગી સંઘર્ષ કર્યો છે છતાં પણ જે ધાર્યું હોય એ નથી કરી શક્યા. દરેક સંઘર્ષ સફળ થાય એવું પણ જરૂરી નથી. એક યુવાનની આ સાવ સાચી વાત છે. એ યુવાન પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટ્રાય મારવા મુંબઇ ગયો હતો. ખૂબ હેરાન થયો પણ ક્યાંય એનો મેળ પડ્યો નહીં. આખરે એ પોતાના ગામ પાછો આવી ગયો. ગામ આવીને તેણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો. એ બિઝનેસ એવો ચાલ્યો કે, ચારે તરફ એનું નામ ચર્ચાવા લાગ્યું. જે મુંબઇ શહેરથી એ વીલા મોઢે પાછો ફર્યો હતો એ જ મુંબઇમાં તેણે પોતાની બ્રાંચ શરૂ કરી. તેણે કહ્યું કે, સંઘર્ષ તો મેં પહેલા પણ કર્યો હતો અને પછી પણ કર્યો, ક્યારેક આપણને ખબર નથી હોતી કે આપણે શેના માટે સર્જાયા છીએ! આ બધા વચ્ચે એક હકીકત એ છે કે, જે કરતા હોઇએ એ દિલથી અને પૂરી મહેનતથી કરવું. આપણા પ્રયાસોમાં કચાશ ન રહેવી જોઇએ. મહેનતનું ફળ મળતું જ હોય છે. ક્યારેક વહેલું તો ક્યારેક મોડું પણ ફળ તો મળે જ છે. સંઘર્ષ હોય કે સફળતા, જે હોય તેને કેટલું એન્જોય કરો છો એ સૌથી વધુ મહત્ત્વનું છે. સફળતાની સૌથી સરળ વ્યાખ્યા એ જ છે કે, આપણે જે કંઇ કરતા હોઇએ એ પૂરી પ્રામાણિકતાથી અને થઇ શકે એટલી મહેનતથી કરવાનું, પરિણામનો પણ બહુ વિચાર નહીં કરવાનો. પ્રયાસા પૂરતા હશે તો પરિણામ પણ સારું જ આવવાનું છે. ઘણા કિસ્સામાં તો સફળતા કરતા સંઘર્ષની મજા અનોખી હોય છે. સંઘર્ષના કાળમાં સફળ થવાનું એક ઝનૂન હોય છે. કંઇ કરી બતાવવાના ઇરાદા હોય છે. તક મળે ત્યારનો એક આનંદ હોય છે. સફળતા પછી ટકવાની ચિંતા હોય છે. જિંદગીને ફીલ કરવા માટે સૌથી વધુ જરૂરી એ જ હોય છે કે, જે સ્થિતિ છે એને એન્જોય કરવાનો પ્રયાસ કરીએ! ફરિયાદો કરવાની કે રોદણાં રડીને નબળા દેખાવવા કરતા પડકારોના સામનો કરીને ટટ્ટાર ઊભા રહેવામાં જ ખુમારી છે!

છેલ્લો સીન :

પોતાની જાતને ક્યારેય અંડરએસ્ટિમેટ કરવી નહીં. આપણે જે ફૂટપટ્ટીથી આપણને માપતા હોઇએ એ જ ફૂટપટ્ટી લોકો વાપરતા હોય છે. જે પોતાને નબળા સમજે એને લોકો ક્યાંથી સબળા સમજવાના છે?   -કેયુ. 
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 28 એપ્રિલ 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *