સ્લીપ ડિવૉર્સ
આ વળી એક નવા જ
પ્રકારના છૂટાછેડા છે!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
કામના વધુ કલાકો, બંનેની જુદી જુદી આદતો,
નસકોરાંનું ન્યૂસન્સ અને બીજા કેટલાંક કારણસર
ઘણાં કપલ્સ હવે સ્લીપ ડિવૉર્સ લેવા લાગ્યાં છે!
શારીરિક સંબંધ પૂરતાં સાથે રહેવાનું પછી
પોતપોતાના રૂમમાં જઈને સૂઈ જવાનું!
———–
સમયની સાથે બધું બદલાતું હોય છે એ વાત આપણે હજાર વખત સાંભળી છે, પરંતુ કેટલાંક બદલાવ એવા હોય છે જેના વિશે જાણીને આપણને એવો વિચાર આવ્યા વગર ન રહે કે, આવું થોડું હોય? યંગ કપલ્સમાં આજકાલ એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે, અને એ છે સ્લીપ ડિવૉર્સ! આમાં જુદાં પડવાની વાત નથી પણ જુદાં સૂવાની વાત છે. શારીરિક સંબંધ પૂરતું એક બેડ પર રહેવાનું, બાકી પોતપોતાના રૂમમાં જઇને સૂઈ જવાનું! જે રીતે સ્લીપ ડિવૉર્સના કિસ્સાઓ વધી રહ્યા છે તે જોઈને મનોચિકિત્સકો તેના ફાયદાઓ અને ગેરફાયદાઓ જણાવી રહ્યા છે. મોટા ભાગના નિષ્ણાતો સ્લીપ ડિવૉર્સને દાંપત્યજીવન માટે જોખમી ગણાવે છે. કેટલાંકને તેમાં કશું ખોટું લાગતું નથી. એક સવાલ એ પણ છે કે આખરે સ્લીપ ડિવૉર્સની જરૂર જ કેમ ઊભી થઈ? મનોચિકિત્સકો પાસે જે કિસ્સાઓ આવ્યા છે તેનાથી જ આખી વાતને સમજવા જેવી છે.
એક કપલ છે. બંને ફુલટાઇમ જોબ કરે છે. ઓફિસ અવર્સ કામ પર આધારિત રહે છે. કામ હોય તો ક્યારેક મોડું પણ થઇ જાય. ઘણી ઓફિસોમાં હવે એવું થઇ ગયું છે કે, આવવાનો સમય નક્કી હોય છે, જવાનો કોઇ ફિક્સ ટાઇમ હોતો નથી! કામ પતે ત્યારે જવાનું. પત્નીનું કામ એવું હતું. પતિ પણ પોતાની જોબમાં બિઝી રહેતા હતો. રાતે બંને ભેગાં થાય. સૂવામાં ઈશ્યૂ થવા લાગ્યા. પતિને મોડી રાત સુધી વેબ સીરિઝ જોવી હોય અને પત્નીને સૂઈ જવું હોય. બંને વચ્ચે ઝઘડા થતા હતા. પત્ની કહેતી કે, મારે સવારે વહેલા ઊઠીને રસોઈ પણ બનાવવાની હોય છે અને ટિફિન પણ તૈયાર કરવાનું હોય છે. સમયસર સૂઈ જઈએ તો જ સમયસર ઊઠી શકાય. ઊંઘ પૂરી નથી થતી એટલે હું ઓફિસમાં સરખું કામ કરી શકતી નથી. ક્યારેક ઝોકાં આવવાં લાગે છે. પતિથી મોડે સુધી જાગવાની આદત છૂટતી નહોતી. આખરે બંનેએ સ્લીપ ડિવૉર્સ લેવાનું નક્કી કર્યું. બંનેને ફિઝિકલ થવાની ઇચ્છા હોય ત્યાં સુધી સાથે રહે પછી પોતપોતાના રૂમમાં ચાલ્યા જાય. પત્ની આરામથી સૂઈ જાય અને પતિને મન થાય ત્યાં સુધી જાગે પછી એ પણ સૂઇ જાય. આ તો એક કિસ્સો છે. બીજી એક ઘટનામાં એવું થયું કે, પત્ની રાતે ઊંઘમાં નસકોરાં બોલાવે છે. એના કારણે પતિને ઊંઘ આવતી નથી. આખરે પતિએ કહ્યું કે, આપણે હવેથી અલગ અલગ સૂવાનું રાખીએ. એક બીજા કિસ્સામાં બાળકના કારણે સ્લીપ ડિવૉર્સની ઘટના બની છે. બાળક આવ્યું પછી એ રાતે રડતું, એના કારણે પતિની ઊંઘ પૂરી થતી નહોતી. આ સિવાયનાં પણ બીજાં ઘણાં કારણો છે. મને તારી સ્મેલ નથી ગમતી, તું રાતે બહુ પડખાં બદલે છે, એમ કહીને અલગ અલગ સુનારાં કપલ્સ પણ છે. આખરે બંનેએ જુદા જુદા સૂવાનું નક્કી કરી નાખે છે. એક વ્યવસ્થા તરીકે ઘણાને કદાચ આમાં કંઈ અયોગ્ય ન લાગે પણ હકીકત એ છે કે, સ્લીપ ડિવૉર્સના કારણે દંપતી એકબીજાથી ધીમે ધીમે દૂર થતાં જાય છે.
સ્લીપ ડિવૉર્સ વિશે નિષ્ણાતો કહે છે કે, દાંપત્યજીવનમાં પ્રેમ, હૂંફ, લાગણી અને એકબીજાની ફિકર બહુ જરૂરી છે. સાથે સૂવાના ઘણા ફાયદા છે. શારીરિક સંબંધ એ એક બાબત છે પણ એ સિવાય પણ સાથે સૂવાથી આત્મીયતામાં વધારો થાય છે. જુદાં જુદાં સૂવાથી એકબીજા સાથે જે સંવેદનાના તાર હોય એ ધીમેધીમે છૂટા પડવા લાગે છે, કનેક્શન તૂટતું જાય છે અને ગેપ આવી જાય છે. આપણે એવાં કપલ્સની વાતો ખૂબ સાંભળી છે કે, એક પડખું ફરે તો પણ બીજાની ઊંઘ તરત ઊડી જાય, એને એમ થાય કે બધું બરોબર છેને? એને ક્યારેય એવો વિચાર ન આવે કે, આના કારણે મારી ઊંઘ બગડે છે! ઘણા કિસ્સા એવા છે કે પોતાની વ્યક્તિ નજીક ન હોય તો ઊંઘ ન આવે! એક એટેચમેન્ટ હોય છે જેના વગર અધૂરું જ લાગે. ક્યારેક કોઇ સંજોગોના કારણે જુદાં સૂવું પડે એમાં કોઈ ઇશ્યૂ ન હોય પણ નિયમિત રીતે આવું કરવું એ બંનેને સ્વાર્થી બનાવે છે. સાચું દાંપત્યજીવન એ છે જેમાં એકબીજાની ચિંતા હોય.
સ્લીપ ડિવૉર્સ વિશે સેક્સોલોજિસ્ટ્સ પણ એવું કહે છે કે, સ્લીપ ડિવૉર્સથી સેક્સલાઇફ ડિસ્ટર્બ થાય છે. શારીરિક સંબંધ માટે પ્લાનિંગ કરવાનાં ન હોય, એ તો સહજ હોય. સ્લીપ ડિવૉર્સમાં તો નક્કી કરવું પડે છે કે, આજે તને અનુકૂળ છે? આ વાત જ વાહિયાત છે. સારા શારીરિક સંબંધ માટે સંવાદ, સ્પર્શ અને માહોલ પણ જરૂરી છે. શારીરિક સંબંધ સાથે પ્રેમ અને પોતાની વ્યક્તિના સહવાસનો અહેસાસ હોવો જોઇએ, એ ન હોય ત્યારે ડિસ્ટન્સ વધવાનું જ છે. આજના સમયમાં વર્કિંગ કપલ્સની સંખ્યા મોટી છે. બંને આખો દિવસ કામ કરે છે, રાતનો સમય જ એવો હોય છે જ્યારે બંને સાથે હોય છે. એ સમયે પણ બંને જુદાં જુદાં સૂવા લાગે તો પછી સાથે ક્યારે રહેવાનાં છે? સ્લીપ ડિવૉર્સની એક સાઇકોલૉજિકલ ઇફેક્ટ પણ થાય છે. બંને અથવા તો બેમાંથી એક ઇનસિક્યોરિટીથી પીડાવા લાગે છે. એને એમ થાય છે કે, ક્યાંક ત્રીજી વ્યક્તિ તો અમારી વચ્ચે નહીં આવી જાયને? રાતના સમયે પોતાના પાર્ટનર કોઇની સાથે વાત કે ચૅટિંગ તો નહીં કરતો હોયને?
બીજી મહત્ત્વની વાત એ છે કે, માનો કે બંનેને અથવા બેમાંથી એકને ઊંઘ રિલેટેડ પ્રોબ્લેમ છે તો બંનેએ સાથે મળીને તેનો એવો રસ્તો કાઢવો જોઇએ કે બંને સાથે પણ રહે અને પૂરતો આરામ પણ મળે. પોતાની વ્યક્તિની ઊંઘ ન બગડે એ માટે રાતે ઇયર પ્લગ વાપરીને મોબાઇલ જોનારાઓની સંખ્યા પણ કંઈ નાનીસૂની નથી. આપણા દેશમાં ઊંઘના સવાલો સતત વધી રહ્યા છે. જીઆઇએસએસ એટલે કે ગ્રેટ ઇન્ડિયન સ્લીપ સ્કોરબોર્ડે તેના 2022ના રિપોર્ટમાં એવું જણાવ્યું હતું કે, આપણા દેશમાં પંચાવન ટકા લોકો રાતના અગિયાર વાગ્યા પછી સૂવા જાય છે. એક હેલ્થ કંપનીનો ડેટા કહે છે કે, 93 ટકા લોકો પૂરતી એટલે કે આઠ કલાકની ઊંઘ લેતા નથી. થઇ રહ્યું છે એવું કે, પથારીમાં પડ્યા પછી પણ લોકોને ઊંઘ આવતી નથી. સવારે ઊઠે ત્યારે રિલેક્સ ફીલ કરવાને બદલે લોકોને થાકનો અનુભવ થાય છે. મોટા ભાગના લોકોની એવી ફરિયાદ હોય છે કે, રાતે સરખી ઊંઘ નથી આવતી. અપૂરતી ઊંઘના કારણે લાઇફસ્ટાઇલ ડિસીઝમાં વધારો થવા લાગ્યો છે. કોરોનાના સમયમાં લોકોને મોડે સુધી જાગવાની આદત પડી ગઇ હતી. આજની તારીખે તેની અસરો વર્તાઈ રહી છે. પૂરતી ઊંઘ જરૂરી છે એનો જરાયે ઇનકાર ન થઇ શકે પણ એનો મતલબ જરાયે એવો નથી કે, પોતાના પાર્ટનરથી દૂર કે જુદાં સૂવા જવાનું. સૂતી વખતે જ પતિ-પત્ની સુખ, દુ:ખની વાતો કરતાં હોય છે. ઘણા કિસ્સાઓમાં તો બેડરૂમમાં જ બંને એકલાં પડતાં હોય છે. આ સમય જ બે વ્યક્તિનો પોતાનો હોય છે. એ નહીં હોય તો ધીમે ધીમે ગેપ આવવાનો અને ગેપ આવી ગયા પછી ગેપ વધવાનો ખતરો રહે છે. ન્યૂ જનરેશન કપલ્સને એક્સપર્ટ્સ સાવચેત કરે છે કે, ધ્યાન રાખજો, સ્લીપ ડિવૉર્સ ક્યાંક રિયલ ડિવૉર્સનું કારણ બની ન જાય!
હા, એવું છે!
સ્લીપ ડિવૉર્સની જેમ બીજા પણ એક પ્રકારના ડિવૉર્સ છે, એ છે મેન્ટલ ડિવૉર્સ. આ પ્રકારના ડિવૉર્સમાં બે વ્યક્તિ સાથે રહેતી હોય છે, એકબીજાની જરૂરિયાતો પણ પૂરી કરતી હોય છે પણ એ સિવાય બંનેમાંથી કોઇ ને કોઇની ચિંતા કે ફિકર હોતી નથી. નિભાવવા ખાતર જ મેરેજ નિભાવાતા હોય છે. સમાજ અને પરિવારની શરમના કારણે આવાં લગ્નો નિભાવાતાં હોય છે. આવાં કપલને ઇમોશનલી ડિવૉર્સ્ડ પણ કહેવામાં આવે છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 20 માર્ચ 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com