શું ખરેખર માણસ અઘરો અને ભેદી બનતો જાય છે? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

શું ખરેખર માણસ અઘરો
અને ભેદી બનતો જાય છે?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?
દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?
હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?
-આદિલ મન્સૂરી



બધું ખાડે ગયું છે. કોઇનો ભરોસો કરવા જેવું કંઈ રહ્યું જ નથી. આખી દુનિયા સ્વાર્થી છે. બધા મતલબથી જ સંબંધ રાખે છે. સારા સમયમાં બધા નજીક હોય છે. ખરાબ સમયમાં બધા દૂર થઇ જાય છે. પહેલાં આવું નહોતું, હવે બધું બગડી ગયું છે. અગાઉના સંબંધોમાં સત્ત્વ હતું, હવે સ્વાર્થ સિવાય કંઇ નથી. આ અને આના જેવું આપણે બધા બોલતા, કહેતા અને સાંભળતા હોઇએ છીએ. આપણને કોઈ ખરાબ અનુભવ થાય ત્યારે આવા વિચારો આવતા હોય છે. વાત ખોટી પણ નથી હોતી. જેને પોતાના સમજ્યા હોય, જેના પર ભરોસો મૂક્યો હોય, જેના માટે ગળા સુધીની ખાતરી હોય એ માણસ મોઢું ફેરવી લે, ત્યારે સંબંધો સામે સવાલો તો થવાના જ છે. એક માણસ સંત પાસે ગયો. તેણે સંતને કહ્યું, મારો સારો સમય હતો ત્યારે બધા મારી આગળ પાછળ ફરતા હતા, ખરાબ સમય આવ્યો તો કોઇ નજીક પણ ફરકતું નથી. આવું કેમ? સંતે કહ્યું, ફરીથી તારો સમય સારો થશે એટલે પાછા બધા તારી આગળ પાછળ ફરવા લાગશે. સંતે પછી કહ્યું, સંસારના કેટલાંક વણલખ્યા નિયમો હોય છે, એને કોઈ બદલાવી નથી શકતું. કોઈ પાસે હવે સંબંધ રાખવા માટે પણ સમય ક્યાં છે? સંબંધમાં સમય આપે એને પણ માણસ ઇન્વેસ્ટમેન્ટ જ ગણે છે. બધું જ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ ગણાતું હોય ત્યારે એ વળતર મળે ત્યાં સુધી જ ટકવાનું છેને? એ વાત બધાએ સમજી અને સ્વીકારી લેવાની હોય છે. આપણે કંઈ ન હોઇએ, આપણે કોઇને કંઇ કામના ન હોઇએ તો કોઇ સંબંધ શા માટે રાખે? સંતે પછી એ માણસને પૂછ્યું, હવે તારા દિલ પર હાથ મૂકીને મારા સવાલનો જવાબ આપજે, તેં કયાં ઉદ્દેશથી સંબંધો બાંધ્યા હતા? જરૂર પડશે ત્યારે કામ લાગશે એટલા માટે જને? દુનિયા જે રીતે ચાલે છે એ જ રીતે ચાલવાની છે. આપણે ખોટા અફસોસ કે ફરિયાદો કરવાની જરૂર જ હોતી નથી. એક માણસ હતો. તે એક હોદ્દા પર હતો. હોદ્દાની મુદત પૂરી થઈ. લોકો તેની પાસે આવતા બંધ થઇ ગયા. એક વખત તેના મિત્રએ કહ્યું, હવે તારી પાસે કોઈ આવતું નથી. એ માણસે કહ્યું, તે ન જ આવેને? હવે મારી પાસે શું દાટ્યું છે? મને એ વાતની ખબર જ હતી કે જ્યાં સુધી હોદ્દો છે ત્યાં સુધી બધું છે, જેવો હોદ્દો ગયો કે વાત ખતમ! હું કોઈ ભ્રમમાં હતો જ નહીં. આપણે ઘણી વખત ખોટા ભ્રમો પાળી લેતા હોઇએ છીએ. એ ભ્રમ તૂટે ત્યારે આઘાત લાગે છે. બેસ્ટ વૅ એ જ છે કે, ભ્રમ નહીં પણ વાસ્તવિકતાને પાળીએ.
હા, જિંદગીમાં ક્યારેક એવું થતું હોય છે જ્યારે આપણને એવું લાગે કે માણસ અઘરો થઇ ગયો છે. સમજાતો નથી. માણસનું પણ ઘણી વખત ગણિતના દાખલાઓ જેવું હોય છે. દાખલો જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી અઘરો જ લાગતો હોય છે. આવડી જાય એટલો સહેલો થઇ જાય છે. માણસો અઘરા જ રહેવાના છે, માણસ પણ આવડી જવા જોઈએ. એનો અર્થ એ કે, માણસને સમજતા શીખી જવું પડે. સમજવાની સીધીસાદી રીત એ જ છે કે, એ કામ છે ત્યાં સુધી જ સંબંધ રાખવાનો છે. હા, જે પોતાના છે એ પોતાના જ રહેવાના છે. ગમે એ સ્થિતિ આવે એ ક્યારેય દૂર જવાના નથી. મજાની વાત એ છે કે, આપણો સારો સમય હોય ત્યારે આપણે ઘણી વખત તેને ઇગ્નોર કરતા હોઇએ છીએ. આપણને ખબર હોવી જોઇએ, આપણને એટલું ભાન હોવું જોઇએ કે કોણ ખરેખર આપણું છે? કોને ખરેખર આપણી ફિકર છે? કોને આપણું પેટમાં બળે છે? જ્યારે કોઈ નહીં હોય ત્યારે કોણ હશે એની પણ આપણને ખબર હોવી જોઇએ. જો એટલી ખબર ન હોય તો એ આપણી સમજણનો અભાવ છે. માણસ જો એકલો પડી જતો હોય તો એનું કારણ એ જ હોય છે કે, એને માણસને ઓળખતા નથી આવડ્યું હોતું. જે પોતાના ન હોય એને પોતાના માની લો અને જે પોતાના છે એને પારકા માની લો તો છેલ્લે એકલા પડી જવાનો જ વારો આવે. ઘણા માણસ તો એવા હોય છે, જેને આપણે ઇગ્નોર કર્યા હોય, જેને આપણે જરાયે ગંભીરતાથી ન લીધા હોય એ જ આપણા ખરાબ સમયમાં આપણી પડખે રહ્યા હોય. એણે જ આપણને કહ્યું હોય કે, કોઈ વાતની ચિંતા ન કરીશ, હું બેઠો છુંને!
દુનિયા કે માણસની વાત કરતી વખતે આપણે આપણા વિશે પણ થોડુંક વિચારવું જોઇએ. હું બધાની વાત કરું છું પણ હું પોતે કેવો છું કે કેવી છું? આપણે સારા હોય તો એ પૂરતું છે. આપણે દુનિયાને બદલી શકવાના નથી. આપણે ધારીએ તો આપણી જાતને ચોક્કસ બદલી શકીએ છીએ. માન્યતા અને માનસિકતામાં બાંધછોડ કરવાની તૈયારી હોય તો બહુ વાંધો આવતો નથી. જિંદગી સાથે પણ થોડુંક ફ્લેક્સિબલ રહેવું સારું અને જરૂરી છે. જડની જેમ કોઇ માન્યતા બાંધી લેવાની જરૂર નથી. એક માણસની આ વાત છે. એકદમ જિદ્દી અને જડસુ. તે પોતે એવું કહે કે, હું જે કહી દઉં એ ફાઇનલ, આપણે કહ્યા પછી ન ફરીએ, ગમે તે થાય હું મારું ધાર્યું જ કરું. એક વખત તેના મિત્ર સાથે એ વાત કરતો હતો. તેણે કહ્યું કે, હું એક વખત બોલી દઉં પછી તેને વળગી જ રહું છું. તેના મિત્રએ કહ્યું સાચી વાત છે પણ બોલતાં પહેલાં તું શું બોલે છે એના પર જરાક વિચાર કરતો જા. તું બોલીને ફરતો નથી પણ તું બોલે છે જ ખોટું અને અયોગ્ય. આપણે સાચા હોવા જોઈએ. તારી વાતોમાં તો જીદ, અહમ અને દુરાગ્રહ જ હોય છે. વાત ખોટી હોય તો એ કોઇ હિસાબે સાચી ઠરતી નથી. સત્ય આપણા પક્ષે હોવું જોઇએ. આપણે કહીએ એ જ સત્ય હોય એવું જરૂરી નથી. તમે ગમે તે કહો અને પછી એના પર જ સત્યનો સિક્કો મારી દો એ ન ચાલે!
માણસ ભલે ગમે એટલો અઘરો થાય આપણા માટે એ પૂરતું હોય છે કે, આપણે સહેલા રહીએ. સહેલા રહેવામાં આપણો જ ફાયદો છે. કોઇ જાતનો ભાર ન હોય તો જ જિંદગી જીવવાની મજા આવવાની છે. જિંદગી સરળ જ છે, જો આપણે તેને સરળ રહેવા દઇએ તો. સમસ્યા કુદરતી રીતે આવે એ ઠીક છે પણ આપણે હાથે બેઠી કરેલી ન હોય એ જોવાનું રહે છે. દુનિયાની બહુ ચિંતા કરવા જેવું નથી, કારણ કે આપણે ગમે એટલી ચિંતા કરીએ એનાથી કોઇ ફેર પડવાનો નથી. આપણું પહેલું ધ્યાન આપણાં સુખ, આપણી શાંતિ અને આપણી સંવેદનાઓ પર રહેવું જોઇએ. જો આપણે પોતે જ સ્થિર અને સક્ષમ હોઈશું તો જ બહારની સ્થિતિ સમજી શકીશું અને જરૂર પડ્યે તેનો સામનો પણ કરી શકીશું! બધા માણસોને સમજવાની પણ જરૂર નથી. જે આપણી નજીક છે, જે આપણને પ્રેમ કરે છે, એને સમજી લઇએ અને જરૂર પડ્યે એને સાચવી લઇએ તો પૂરતું છે. ક્યારેક એવું પણ થવાનું છે કે, આપણી નજીકની વ્યક્તિથી જ કોઇ ભૂલ થઇ જાય, એ જ કંઇક ન કરવાનું કરી બેસે, એવા સમયે પણ જતું કરીને તેને સાચવી લેવામાં માલ હોય છે. પોતાની વ્યક્તિને સાચવી રાખો, પારકાની બહુ ચિંતા ન કરો, ખુદ સહેલા રહો અને દુનિયા જેવી છે એવી રહેવા દો. આપણે સારા હોઇએ તો એટલિસ્ટ આપણા પૂરતી તો દુનિયા સારી રહે છે!
છેલ્લો સીન :
બુદ્ધિશાળી હોવાનો અર્થ જરાયે એવો નથી કે વધુ પડતા વિચારો કરવા! સમજુ, ડાહ્યો અને બુદ્ધિશાળી માણસ એ છે જે ન કરવા જેવા નક્કામા વિચારો કરતો નથી. વિચારને પણ જો વિરામ આપવામાં ન આવે તો વિકાર પેદા થાય છે! -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 03 માર્ચ 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *