તરડાઈ ગયેલા શ્વાસ સાથે
જીવવાનો કોઈ અર્થ નથી!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
બાગમાં ટહુકા છળે તો શું કરું? લાગણી ભડકે બળે તો શું કરું?
આપણા સંબંધની આ રિક્તતા, જો બધે જોવા મળે તો શું કરું?
-મેઘબિંદુ
આપણે હસીએ કે રડીએ, જિંદગી ચાલતી રહેવાની છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જે કાયમ રોદણાં જ રડતા હોય, તેના મોઢે ક્યારેય સારી વાત સાંભળવા જ ન મળે. આખી દુનિયા સામે તેને ફરિયાદ હોય. કોઇનું સારું ન બોલે અને કોઇનું સારું જોઇ પણ ન શકે. આપણને એમ થાય કે, આનો સૂર કેમ નકારાત્મક જ હોય છે? કોઇનાં વિચિત્ર વાણી અને વર્તન જોઇને આપણે એવું પણ કહેતા હોઇએ છીએ કે, એની પ્રકૃતિ જ એવી છે! આપણે એવું નથી વિચારતા કે, આખરે એની પ્રકૃતિ એવી કેમ છે? દુનિયામાં જેટલા માણસ છે એટલી પ્રકૃતિ છે. માણસ પણ આખરે તો પ્રકૃતિનો જ અંશ છે. કુદરતે ઘડેલી પ્રકૃતિને ધ્યાનથી જોશો તો ખબર પડશે કે, એમાં ફૂલ પણ છે અને કાંટા પણ છે, એમાં પથ્થર પણ છે અને પાણી પણ છે, એમાં ઊંડાણ પણ છે અને ઊંચાઇ પણ છે. માણસમાં પણ એવું જ છે. સારા પણ છે અને ખરાબ પણ છે, ભેજાબાજ પણ છે અને ભેજાગેપ પણ છે, ઉમદા પણ છે અને આકરા પણ છે, સંસ્કૃત પણ છે અને વિકૃત પણ છે. આપણા માટે સવાલ એ છે કે, હું કેવો છું? મારી પ્રકૃતિ કેવી છે? મને જીવતા આવડે છે? મારો આખો દિવસ કેવો જાય છે? તમારે વર્ષને માણવું છે, તો ક્ષણો પર નજર રાખો. જિંદગી ભલે દાયકાઓની હોય પણ જીવન ક્ષણોનું છે. હાથમાંથી સરકતી ક્ષણોને આપણે જોઈ શકતા નથી પણ જો આવડત હોય તો માણી ચોક્કસ શકીએ છીએ! જિંદગીને માણવા માટે માણસે પોતાને જાણવા પડે છે!
તમે ક્યારેય તમારા દિવસ પર નજર કરી છે? ચોવીસ કલાકમાં તમે કેટલું હસ્યા? કેટલા ખુશ રહ્યા? આપણો મોટા ભાગનો દિવસ ચિંતા, ઉપાધિ, ટેન્શન અને વેદનામાં જ પસાર થઇ જાય છે. મજા માટે આપણે પ્લાનિંગ કરવું પડે છે, એનું કારણ એ છે કે, દરેક કામમાંથી આપણને આનંદ લેતા આવડતું નથી. આપણે આપણી રોજિંદી ક્રિયાને પણ કામ જ સમજી લઇએ છીએ. નહાવું આમ તો ફ્રેશ થવાની એક ક્રિયા છે. આપણે તો નહાવાને પણ કામ સમજવા લાગ્યા છીએ. જરાક ચેક કરજો, નહાતી વખતે તમે કેટલા રિલેક્સ હોવ છો? આપણે દરેક બાબતમાં ટેન્શન લેતા થઇ ગયા છીએ. લિફ્ટને આવવામાં થોડી વાર લાગે એમાં આપણે હાંફળા ફાંફળા થઇ જઇએ છીએ. રોડ પર રેડ સિગ્નલ થવાનું કાઉન્ટ જોઇને આપણે ગાડી ભગાવીએ છીએ. મિનિટ બે મિનિટના ફેર માટે આપણે જીવને પણ જોખમમાં મૂકી દેતા હોઇએ છીએ. આખરે આટલો બધો ઉચાટ અને ઉત્પાત કેમ છે? શું અટકી જવાનું છે? કંઇ અટકી ગયું નથી અને કંઇ અટકવાનું પણ નથી, બસ, આપણે ભટકી ગયા છીએ. એક યુવાનની આ વાત છે. તે એના એક વડીલને મળવા માટે ગયો હતો. તેને ઝડપથી નીકળી જવું હતું. વડીલ સાથે વાત કરતી વખતે બેઠાં બેઠાં પણ તે વારંવાર ઘડિયાળમાં જોયે રાખતો હતો. આખરે વડીલે કહ્યું કે, તું તારે નીકળ, મને કંઈ ખરાબ નહીં લાગે. બીજી એક વાત કે, જ્યાં તું હાજર ન હોય ત્યાં જવાનું રહેવા દેજે! યુવાને સવાલ કર્યો કે, તમારી વાત હું સમજ્યો નહીં, તમે શું કહેવા માંગો છો? વડીલે કહ્યું, તું અહીં આવ્યો છે, મારી સામે છે પણ તું અહીં હાજર નથી! તારો જીવ તો બીજે ક્યાંક છે. આપણે જ્યાં હોઇએ ત્યાં હન્ડ્રેડ પર્સન્ટ હોવા જોઇએ. માનસિક હાજરી શારીરિક હાજરી કરતાં વધુ મહત્ત્વની છે.
દરેકની જિંદગીમાં ક્યારેક એવું થવાનું જ છે જેની આપણે ક્યારેય કલ્પના કરી ન હોય! એક યુવાનને જોબમાંથી કાઢી મૂકવામાં આવ્યો. તે એક સંત પાસે ગયો. સંતને તેણે કહ્યું, મેં તો સપનામાંયે એવી કલ્પના કરી નહોતી કે, મને નોકરીમાંથી આ રીતે કાઢી મૂકવામાં આવશે. સંતે કહ્યું, જિંદગીમાં કલ્પના કરી હોય એવું જ બને એવું જરૂરી નથી! બીજી વાત એ કે, દરેક માણસે એવી માનસિક તૈયારી રાખવી જ જોઇએ કે, ક્યારેક તો કંઇક અણધાર્યું થવાનું જ છે. આપણી જિંદગીમાં સારું પણ ઓચિંતાનું જ થાય છે. ખરાબ પણ અણધાર્યું જ થવાનું છે. ક્યારેક સંબંધો તૂટે છે, ક્યારેક જેને સાવ નજીકના સમજ્યા હોય એ જ દગો કરે છે, દોસ્ત માન્યા હોય એ જ દુશ્મનોને સારા કહેવડાવે એવાં કરતૂતો કરે છે. આપણને આઘાત એટલા માટે લાગે છે કે, આપણે કોઇ દિવસ એવી કલ્પના જ કરી હોતી નથી કે આવું પણ થઇ શકે છે! એક છોકરીની આ સાવ સાચી વાત છે. તેને એક છોકરા સાથે પ્રેમ હતો. છોકરીના ઘરે પણ બધાને ખબર હતી. એ છોકરાએ એક દિવસ છોકરીને કહી દીધું કે, હું તારી સાથે મેરેજ કરવાનો નથી. છોકરી આઘાતમાં સરી ગઇ. પિતાથી દીકરીની સ્થિતિ સહન થતી નહોતી. પિતાએ કહ્યું કે દીકરા, જિંદગીમાં આવું થતું હોય છે. આપણે જેના પર ભરોસો મૂક્યો હોય એ મોઢું ફેરવી શકે છે. જિંદગી જીવવા માટે એ પણ શીખવું પડે છે કે, આવા સંજોગોમાં આપણી જાતને કેવી રીતે સંભાળવી? તરડાયેલા શ્વાસો સાથે જીવવાનો કોઇ મતલબ હોતો નથી. જે થયું છે એમાંથી તારે જ બહાર આવવું પડશે. આઘાત લાગે એ સ્વાભાવિક છે પણ આપણે આપણા ભાગનું પેઇન ભોગવીને મુક્ત થવું જ પડે. જેને આપણી પરવા ન હોય, જેને આપણી લાગણીની કદર ન હોય એના માટે કેટલું દુ:ખી થવું એ આપણે નક્કી કરવાનું હોય છે.
જિંદગીમાં હતાશા, નિરાશા, ઉદાસી અને આફતનો સમય આવવાનો જ છે. સાચો માણસ એ જ છે જે એનો મક્કમતાથી સામનો કરે. એક યુવાનની આ વાત છે. તેને બિઝનેસમાં મોટું નુકસાન ગયું. જે કંઇ પ્લાનિંગ કર્યાં હતાં એ બધા ઊંધાં વળી ગયાં. ધંધાનું પતન થઇ ગયું છતાં એ માણસ રિલેક્સ હતો. તેના મિત્રએ કહ્યું કે, તને કંઇ થતું નથી? તું ફના થઇ ગયો છે તો પણ તું આટલો હળવો કેવી રીતે રહી શકે છે? આ વાત સાંભળીને એ યુવાને કહ્યું કે, હું અત્યારે માથું પકડીને રડવા બેસું તો એનાથી મારી પરિસ્થિતિમાં કોઇ ફેર પડવાનો છે? બધા પાસે હું મારાં દુખડાં રડવા બેસું એનાથી કોઇ બદલાવ આવવાનો છે? ઉલટું જો હું સ્વસ્થ હોઇશ તો વહેલો મોડો આ સંકટમાંથી બહાર આવી જઇશ. હારી જઇશ તો ધનથી તો ગયો, તનથી પણ જઇશ. ધંધામાં તો આવું ચાલ્યા રાખે. ખોટ જ ગઇ છેને? જિંદગી કંઇ પૂરી નથી થઇ ગઇ! કરી લઈશું, લડી લઈશું! આપણે એવા લોકો જોયા છે જે લોકો તમામ રીતે તૂટી ગયા હોય તો પણ ટટ્ટાર ઊભા હોય છે. ગણતરીઓ ઊંધી પડતી હોય છે, ઇરાદો ન હોય તો પણ ભૂલો થઇ જતી હોય છે, થથરી જવાથી, ડરી જવાથી કંઇ વળતું નથી. લાઇફમાં ચેલેન્જીસ તો આવવાની જ છે. કોઈ પણ વ્યક્તિને પૂછજો કે, તારી લાઇફમાં સૌથી કપરી પળ કઇ હતી? તેની પાસે કહેવા માટે પોતાની કથા હશે જ! બધા પાસે હોય જ છે. જિંદગીને દરેક સંજોગોમાં બને એટલી સારી રીતે જીવવી એ જ ડહાપણ છે. સમજણ એ બીજું કશું જ નથી પણ દરેક કપરી પળને કેવી રીતે ટેકલ કરવી તે તેની આવડત છે. ભાંગી પડવાથી ભુક્કો જ થવાનો છે, સામનો કરવાથી જ ટકી રહેવાય છે. ક્યાંય ભાગવાની જરૂર જ નથી. જે સ્થિતિ, જે સંજોગ, જે સમસ્યા સામે આવે એની જીવી જાણો, માણવા જેવી ક્ષણોને માણી જાણો અને ટાળવા જેવી ક્ષણોને ટાળી જાણો. આપણી જિંદગી આપણે કેવી રીતે જીવવી એ આપણા હાથમાં છે અને આપણે જ એ નક્કી કરવું પડે કે મારે કેમ જીવવું છે!
છેલ્લો સીન :
ઉદાસી સ્વભાવ બની જાય તો જિંદગી ગમગીન થઈ જાય છે. ક્યારેક કોઇ ચોક્કસ કારણસર ઉદાસ અને બેચેન થઈ જવાય પણ એ સ્થિતિ જો સતત રહે તો સાવચેત થઇ જવું પડે! -કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 25 ફેબ્રુઆરી 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com