તણાવથી બચવું છે?
દેખાદેખીથી દૂર રહો!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
આખી દુનિયામાં દેખાદેખીનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે એ જોઈને માનસશાસ્ત્રીઓ ચિંતામાં મુકાયા છે. તેઓ કહે છે કે, હવે લોકો પોતાના માટે બહુ ઓછું કરે છે અને બીજાને દેખાડવા માટે ઘણું બધું કરે છે. નિજાનંદનો ખ્યાલ લોકો ભૂલી રહ્યા છે!
———–
દુનિયાના મોટા ભાગના લોકો અત્યારે કોઈ ને કોઈ માનસિક તણાવનો ભોગ બનેલા છે. શારીરિક વ્યાધિઓનો તો ઇલાજ છે પણ માનસિક ઉપાધિઓ માણસને કોતરી ખાય છે. બહારથી રૂડો રૂપાળો દેખાતો માણસ અંદરથી સાવ ખોખલો થઇ ગયો હોય છે. વિચારોની ક્ષમતા ક્ષીણ થતી જાય છે. ખુમારી અને મક્કમતા શોધવા જવી પડે એમ છે. દરેક કોઇ એવી દોડમાં છે જેનો કોઇ અંત જ નથી. સૌથી મોટો સવાલ એ જ છે કે, આખરે આ બધું શું થઇ રહ્યું છે? આટલો બધો ઉચાટ અને ઉકળાટ કેમ છે? દરેક માણસ કેમ પરેશાન છે? અમેરિકામાં આ વિશે હમણાં એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. સ્ટડીનો સબ્જેક્ટ હતો કે, તણાવનું સૌથી મોટું કારણ શું? એનો જવાબ હતો, દેખાદેખી! બધાને બીજાની થાળીનો રોટલો મોટો લાગે છે. પોતાની થાળીમાં પોતાનું પેટ ભરાય એવડો રોટલો હોય તો પણ એને સંતોષ થતો નથી.
અગાઉના સમયમાં આજે છે એટલી જરૂરિયાતો નહોતી. જૂના જમાનામાં કહેવાતું કે, માણસની પાયાની જરૂરિયાત ત્રણ જ છે, રોટી, કપડાં અને મકાન. હવે એવું નથી. હવે આ લિસ્ટ લાંબું થઇ ગયું છે. માત્ર રોટી નહીં પણ જાતજાતનાં ભોજન જોઇએ છે. કપડાંથી કબાટ ભરાયેલો હોય તો પણ સંતોષ થતો નથી. ઘર પણ જેવુંતેવું નહીં, આલીશાન હોવું જોઇએ. ઘરમાં તમામ રાચરચીલું પણ જોઇએ જ. ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, એસી, સોફા વગેરે તો મસ્ટ થઇ ગયું છે. કાર વગર કોઇને ચાલતું નથી. કારમાં પણ હવે તમારી પાસે કઇ કાર છે એનાથી તમારી હેસિયત નક્કી થાય છે. મોબાઇલ દર વર્ષે બદલવા જોઇએ છે. સ્માર્ટ વોચ વગર ચાલતું નથી. સ્માર્ટ ન હોઈએ તો કંઈ નહીં, સ્માર્ટ દેખાવવા તો જોઇએ જ! અધૂરામાં પૂરું, સોશિયલ મીડિયાએ દાટ વાળ્યો છે. સોશિયલ મીડિયા પર બીજાના ફોટા જોઇને એમ થાય છે કે, એ તો ક્યાંનો ક્યાં ફરે છે, એની તો જબરજસ્ત પોપ્યુલારિટી છે, તેને મસ્ત કમેન્ટ્સ મળે છે. માણસ પોતાની હેસિયત હવે બીજાના આધારે નક્કી કરવા લાગ્યો છે. કેટલા લોકોને એ જે હોય એનું ખરેખર ગૌરવ હોય છે? જે છે તે, પણ એનાથી કંઇ મારી કિંમત ઘટતી નથી. માણસને માપવાના લોકોનાં કાટલાં પણ બદલાઇ ગયાં છે. વૅલ, દુનિયાનો જે ટ્રેન્ડ છે એને આપણે બદલી શકતા નથી પણ આપણે જો ધારીએ તો આપણા પોતાનામાં તો બદલાવ લાવી જ શકીએ! સવાલ એ થાય કે, એ કેવી રીતે?
આપણી પાસે જે છે એનાથી સંતોષ માનીને! એનો મતલબ જરાયે એવો નથી કે, વધુ કમાવાની અને સારી સુવિધાઓની ઇચ્છા ન રાખવી. બેસી રહેવાથી સપનાં પૂરાં થવાનાં નથી, મહેનત તો કરવી જ પડે. અહીં જે વાત છે એ બીજા સાથે સરખામણી ન કરવાની છે. આપણા પાસે ગમે એટલું હોય તો પણ કોઈ પાસે તો આપણાથી વધુ હોવાનું જ છે. જેની પાસે બધું છે એને આપણે સુખી કે નસીબદાર માની લઇએ છીએ. એવું હોતું નથી. દરેક પોતપોતાની તકલીફો અને પડકારોનો સામનો કરતા જ હોય છે. બે ઘડી માની લો કે કોઇ ખરેખર બહુ સુખી છે તો પણ આપણને શું ફેર પડે છે? આપણને ફેર માત્ર એનાથી જ પડવો જોઇએ કે, હું કેટલો સુખી છું? સુખ માટે બહાર જોવા કરતાં અંદર નિહાળવાની જરૂર હોય છે. અંગ્રેજીમાં બે શબ્દ છે. એન્જોયમેન્ટ અને પ્લેઝર. પહેલી નજરે બંને સમાન શબ્દો લાગે પણ બંનેમાં તાત્ત્વિક ભેદ છે. જે મજા બહારી સાધનોથી મળે છે એ એન્જોયમેન્ટ છે અને જે ખુશી અંતરથી મળે છે એ પ્લેઝર છ. આનંદ અને નિજાનંદનું પણ એવું જ છે. લોકો હવે નિજાનંદ માણવાનું ભૂલી રહ્યા છે. માણસને પોતાની જ અનુભૂતિ થતી નથી. મજા, આનંદ અને ખુશી માટે દોડતો માણસ થાકી જાય છે.
આમ તો માણસ પહેલેથી જ પોતાની સરખામણી બીજા સાથે કરવાની ભૂલ કરતો રહ્યો છે પણ આજના હાઇટેક યુગમાં તેનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. તમે કંઈ કરો ત્યારે થોડુંક એટલું વિચારજો કે, આ હું મારા માટે કરું છું કે પછી કોઇને દેખાડવા માટે? મોટા ભાગે લોકોને સીન મારવો હોય છે અને વટ પાડવો હોય છે. બીજાને ઇમ્પ્રેસ કરવા માટે માણસ કંઈ પણ કરવા લાગ્યો છે. માણસ જે કરતો હોય છે એને પૂરેપૂરું એન્જોય પણ કરતો નથી. ફરવા ગયા હોય ત્યાં પણ ધ્યાન તો ફોટા પાડવા અને સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં જ હોય છે. લોકો હવે એવું માનવા લાગ્યા છે કે, ફોટા વગર કંઈ થાય જ નહીં. ખાસ ફોટા માટે ઇવેન્ટ યોજવામાં આવે છે. બીજું કંઇ થાય કે નહીં, ફોટો પડી જાય એટલે હાશ! આવું પણ આપણે એટલા માટે કરતા હોઇએ છીએ, કારણ કે આપણે સોશિયલ મીડિયામાં બીજાના ફોટા જોતા હોઇએ છીએ. કોઇનો ફોટો જોઇને આપણને જેવું ફીલ થાય છે એવું જ આપણા ફોટો જાઇને કોઇને ફીલ થાય એવું ઇચ્છીએ છીએ. આપણે કોઇનાથી કમ નથી એવું સાબિત કરવાના પ્રયાસો સતત ચાલુ જ હોય છે.
માનસશાસ્ત્રીઓ કહે છે કે, તમે ક્યારેય માર્ક કર્યું છે કે, સોશિયલ મીડિયા પર કોઇના ફોટા જોઇને ખરેખર તમને શું થાય છે? કેટલા ફોટા જોઇને આપણે રાજી થતા હોઇએ છીએ? લાઇક કરતી વખતે ખરેખર આપણે ખુશી અનુભવતા હોઇએ છીએ? મનમાં કેવા વિચારો ચાલતા હોય છે? બહુ ઓછા લોકો રિયલ સેન્સમાં રાજી થતા હોય છે. ફોટા પરથી પણ આપણે કોઇને જજ કરતા રહીએ છીએ. કોઇ વિશે અનુમાનો બાંધી લઇએ છીએ અને જાણેઅજાણે આપણી સરખામણી પણ તેની સાથે કરતા રહીએ છીએ. એ કરે છે એવું આપણાથી તો થાય જ નહીં! એની ચોઇસ જ કેવી ભંગાર છે? એને તો કોઇ જાતની શરમ જ નથી! આપણે દિવસે ને દિવસે વધુ ને વધુ જજમેન્ટલ થતા જઇએ છીએ. એના કારણે બીજાને તો કોઈ ફેર પડવાનો નથી, આપણું મગજ ખરાબ થાય છે. દરેક માણસે એક વાત યાદ રાખવા જેવી છે કે, હું યુનિક છું, મારા જેવું કોઇ હોઈ જ ન શકે. મારે મારા ભાગે આવેલું કામ કરવાનું છે. જેને જે કરવું હોય એ કરે. બીજી એક વાત એ કે, આખો દિવસ દરમિયાન એટલિસ્ટ થોડીક મિનિટ માટે પોતાને ગમતું હોય એવું કંઇક કરો. કોઈ પણ એવી પ્રવૃત્તિ જેનાથી તમને હળવાશ લાગે. જિંદગી જિવાતી હોય એવું લાગે. આપણે હવે પોતાના માટે પણ સમય કાઢવો પડે એવું છે. એટલા બિઝી ન રહો કે પોતાના માટે જ ટાઇમ ન રહે, આપણો સમય મહત્ત્વનાં કામોમાં જ પસાર થાય છે એવું નથી, આપણો મોટા ભાગનો સમય નક્કામાં કામોમાં જ અને ખાસ તો મોબાઇલ લઇને બેસવામાં જ જાય છે. એનાથી પણ છેલ્લે તો સ્ટ્રેસ જ લાગે છે. બાકી બધું છોડો અને પોતાના વિશે વિચારો! માણસ બીજા વિશે જ વિચારતો રહે છે. આપણી વાતોમાં પણ બીજાની જ વાત હોય છે. બીજાને જે કરવું હોય એ કરવા દો, પોતાના ઉપર વોચ રાખો. આજના સમયમાં માણસે સૌથી વધુ ધ્યાન પોતાનું જ રાખવું પડે એમ છે, કારણ કે ધ્યાન ભટકાવી દેનારાં પરિબળોની કમી નથી. હતાશાનો ભોગ ન બનવું હોય તો ભૂલેચૂકેય તમારી કમ્પેરિઝન કોઇની સાથે ન કરો અને નિજાનંદ માટે કંઇક ને કંઇક કરતા રહો!
હા, એવું છે!
સાઇબર વર્લ્ડ દુનિયાના લોકોને અને ખાસ તો યંગસ્ટર્સને સાઇબર સીક કરી રહ્યા છે. લોકો મોબાઇલ અથવા તો કોઇ ને કોઇ ગેજેટ સાથે એવા ચોંટેલા રહે છે કે, એને બીજું કશું ભાન જ રહેતું નથી!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 03 જાન્યુઆરી 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com