દિવાળી અવસરે જિંદગીને થોડીક
વધુ જીવવા જેવી બનાવીએ
-કૃષ્ણકાંત ઉનડકટ
દુનિયાની તમામ ફિલોસોફી એવું જ કહે છે કે, વર્તમાનમાં જીવો. જે છે એ આજ જ છે
તહેવારો આપણી એકધારી જિંદગીમાં તાજગી પૂરે છે. એમાંયે રંગ અને પ્રકાશનું પર્વ દિવાળી તો માણસને થોડાક પોતાની અને પોતાના લોકોની નજીક લઇ જાય છે. આજના સમયમાં દરેક માણસ બહુ બિઝી થઇ ગયો છે. કોઇને પણ પૂછશો તો એવું જ સાંભળવા મળશે કે, મને મારા માટેય ટાઇમ મળતો નથી ત્યારે બીજા માટે સમય કાઢવાનો તો સવાલ જ ક્યાં છે? તહેવારો આપણને સમયની સાથે સાથે એ શીખ પણ આપે છે કે, જરાક બ્રેક લો, જિંદગીને રિફ્રેશ કરો, પોતાના લોકોની નજીક જાવ અને જે સમય મળ્યો છે એને પૂરેપૂરો એન્જોય કરો. દિવાળીની તૈયારીઓ ઘણા સમય પહેલાંથી શરૂ થઈ જાય છે અને દિવાળીની અસરો લાભપાંચમ સુધી રહે છે. આ દિવસોમાં દરેક વ્યક્તિએ એ વિચારવું જોઇએ કે, મારામાં ગયા વર્ષ દરમિયાન શું ફેર પડ્યો? મારામાં જે બદલાવ આવ્યો છે એ પોઝિટિવ છે કે નેગેટિવ? બિઝનેસના હિસાબો માટે હવે વર્ષ ભલે એપ્રિલથી શરૂ થતું હોય પણ આપણે દિવાળી અવસરે ચોપડાપૂજન કરીએ છીએ. આ તહેવારે થોડોક પોતાનો હિસાબ પણ માંડવાની જરૂર રહે છે. ગયા વર્ષનો સમય ખોટમાં તો નથી ગયોને? તમારા સંબંધો ગયા વર્ષ દરમિયાન કેવા રહ્યા? કોઈ હાથ અને કોઇનો સાથ છૂટી તો નથી ગયોને? માનો કે હાથ છૂટ્યો છે તો પણ એ વિચારી લેવું કે, હાથ મેં તો નથી છોડી દીધોને? એક વર્ષ દરમિયાન સરવાળે જિંદગીમાં કંઈ ઉમેરાયું છે કે જિંદગી થોડીક ખાલી થઇ છે?
દર વખતે દિવાળી આવે ત્યારે એવો વિચાર આવ્યા વગર રહેતો નથી કે, એક વર્ષ થઈ ગયું, ખબર પણ ન પડી. સમય ક્યાં જાય છે એ જ સમજાતું નથી. સમય સરકતો રહે છે. એને તમે રોકી શકતા નથી. સમય એક જ એવી ચીજ છે જેને સંગ્રહી શકાતો નથી. એ તો ગયો એટલે ગયો. સમય માટે આપણે એટલું જ નક્કી કરી શકીએ કે, મેં મારો સમય વેડફ્યો તો નથીને? મારો સમય સાર્થક રહ્યો છેને? મારી દિશા બરાબર રહી છેને? મંઝિલ ભલે ન મળી હોય પણ સફર તો બરાબર આગળ વધી રહી છેને? દિવાળી અને નવું વર્ષ આપણને પોતાની અંદર જોવાની તક આપે છે. ઘણા લોકો એવું બોલતા હોય છે કે, તું તો રહેવા જ દે, તારા કરતાં મેં વધુ દિવાળી જોઈ છે. કેટલી દિવાળી જોઈ છે એના કરતાં પણ વધુ મહત્ત્વની વાત એ છે કે, કેવી દિવાળી જોઈ છે? અનુભવનું જે ભાથું છે એ જિંદગીને તરોતાજા રાખવું જોઈએ, જિંદગીમાં દર દિવાળીએ કંઇક ઉમેરાવું જોઇએ, તો જ તહેવારો ખરા અર્થમાં ઉજવાયા કહેવાય!
દિવાળી ગુજરાતીઓ માટે વિશેષ છે, કારણ કે એની સાથે જ આપણું નવું વર્ષ આવે છે. જિંદગીમાં કંઈ પણ નવું હોય એ આપણામાં થોડોક રોમાંચ પેદા કરે છે. મોટા ભાગના લોકો એવું વિચારતા હોય છે કે, હવે મારે મારામાં થોડોક બદલાવ કરવો છે. ન્યૂ યર રિઝોલ્યૂશનનું પોતાનું ઇમ્પોર્ટન્સ છે. એ વાત સાચી છે કે, ન્યૂ યર રિઝોલ્યૂશન લાંબાં ટકતાં નથી પણ મહત્ત્વનું એ છે કે, આપણને આપણામાં કંઇક સુધારો અને વધારો કરવા જેવું લાગે છે. તમે આ વખતે શું નવું કરવાનું વિચારી રહ્યા છો? નવા વર્ષનો દિવસ આપણને આપણા લોકોની નજીક જવા માટે પણ મોકો આપે છે. ક્યારેક કોઇનાથી ડિસ્ટન્સ આવી ગયું હોય તો આ તહેવાર તમને એ દૂરી સમાપ્ત કરવાનો ચાન્સ આપે છે. જિંદગી ચાલતી રહેવાની છે. તહેવારો પૂરા થશે એ પછી આપણે બધા જ પાછા રોજિંદી ઘટમાળમાં ગૂંથાઇ જવાના છીએ. આ દિવસો દિલ ભરીને માણી લઇએ. થોડાક હળવા થઇએ. નવી ચેલેન્જીસનો સામનો કરવા માટે નવી ઊર્જા ભરીએ. જિંદગીનું સૌથી મોટું સત્ય હોય તો એ વર્તમાન છે. દુનિયાની તમામ ફિલોસોફી અંતે તો એવું જ કહે છે કે, વર્તમાનમાં જીવો. ગઈકાલની બહુ ચિંતા ન કરો અને આવતીકાલને માથે લઇને ન ફરો, જે છે તે આજ છે. દરેકની દિવાળી શુભ રહે અને નવા વર્ષમાં નવાં સપનાં સાકાર થાય એવી શુભકામનાઓ.