સો, દોઢસો વર્ષ જીવી શકાશે
પણ ક્વોલિટી લાઇફ મળશે ખરી?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
મેડિકલ સાયન્સમાં જે નવાં નવાં સંશોધનો થઇ રહ્યાં છે તેના આધારે એવું કહેવામાં આવે છે કે,
આગામી સમયમાં માણસ આરામથી સો દોઢસો વર્ષ જીવી શકશે.
ખુશી થવા જેવી વાત છે પણ એ જિંદગી ખરેખર જીવવા જેવી તો હશેને?
———–
`પૂછ એને કે જે શતાયુ છે, કેટલું ક્યારે ક્યાં જિવાયું છે,
આંખમાં કીકીની જેમ સાચવતું, આંસુ ક્યાં દોસ્ત ઓરમાયું છે’
સો વર્ષ જીવવાની વાત હોય ત્યારે આપણી ભાષાના કવિ મનોજ ખંડેરિયા યાદ આવ્યા વગર ન રહે. આજની તારીખે કોઈ વ્યક્તિ સો વર્ષ જીવે તો એની ચર્ચા થાય છે. હવે મેડિકલ સાયન્સના નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે, આગામી સમયમાં માણસ સો દોઢસો વર્ષ જીવે એમાં કોઈ નવાઈની વાત નહીં હોય. તબીબી વિજ્ઞાને જે પ્રગતિ સાધી છે અને જે રીતે સ્વાસ્થ્ય ક્ષેત્રે જબરજસ્ત કામ થઇ રહ્યું છે એનાથી લોકોનો લાઇફ સ્પાન વધારી શકાશે. ખુશી થવા જેવી વાત છે. લાંબું જીવવું કોને ન ગમે? મેડિકલ એક્સપર્ટની આ વાત સાથે એ ચર્ચા પણ શરૂ થઇ છે કે, જિંદગી લાંબી હોવાની સાથે સારી હશે ખરી? અત્યારે કેટલા લોકો જિંદગી જીવે છે અને કેટલા લોકો જિંદગી વેંઢારે છે? જિંદગી જે રીતે જીવવી જોઇએ એ રીતે કોણ જીવે છે?
જેમ જેમ સમય જાય છે એમ એમ માણસનું સરેરાશ આયુષ્ય વધતું જાય છે. એક સમયે માણસ પચાસ સાઠ વર્ષ માંડ જીવતો હતો. હવે સિત્તેર એંસી વર્ષ કોમન ગણાય છે. સ્ટેમ સેલ થેરાપીના કારણે માણસનું અત્યારનું જે આયુષ્ય છે એનાથી ડબલ થઇ જાય તો પણ નવાઇ પામવા જેવું નહીં હોય. અમેરિકાના ડૉ. અન્સર્ટ વોન શ્ર્વાર્ઝે હમણાં કહ્યું કે, સ્ટેમ સેલ થેરાપી ક્રાંતિકારી પરિણામો લાવશે. ડૉ. અન્સર્ટ અમેરિકાના કેલિફોર્નિયામાં ટ્રિપલ બોર્ડ પ્રમાણિત હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે. તેમના નામે ઘણાં મેડિકલ રિસર્ચ બોલે છે. તેમણે સિક્રેટ ઓફ ઇમ્મોર્ટાલિટી અને ધ સિક્રેટ વર્લ્ડ ઓફ સ્ટેમ સેલ થેરાપી જેવાં પુસ્તકો લખ્યાં છે. તેમના ઇન્ટરવ્યૂઝની ચર્ચાઓ આખી દુનિયામાં થાય છે. તેઓ કહે છે કે, મેડિકલ સાયન્સ ચમત્કાર સર્જવા જઈ રહ્યું છે. અત્યાર સુધી એવું કહેવાતું રહ્યું છે કે, ટ્રાન્સપ્લાન્ટના કારણે લોકો લાંબું જીવી શકશે. કિડની ટ્રાન્સપ્લાન્ટ સહિત કેટલાંક અંગોનું ટ્રાન્સપ્લાન્ટ બહુ કોમન થઇ ગયું છે. ઘણા લોકો તો ત્યાં સુધીની વાત કરવા લાગ્યા છે કે, શરીરનું કોઈ અંગ બગડે તો બદલી નાખવાનું! આવી વાતો ભલે થતી હોય પણ કોઇ પણ અંગનું ટ્રાન્સપ્લાન્ટેશન એ સહેલી વાત નથી. આખી જિંદગી જ બદલાઈ જાય છે. એટલી બધી પરેજી પાળવી પડે છે કે માણસને જિંદગીમાંથી રસ જ ઊડી જાય.
સ્ટેમ સેલની દુહાઈ દેનાર ડૉ. અન્સર્ટ પણ છેલ્લે તો એવું જ કહે છે કે, લાંબું જીવવા માટે આહાર અને વિહાર પ્રત્યે તો માણસે જાગ્રત રહેવું પડશે. ઘણા લોકો મોટી ઉંમરે તબિયતનું ધ્યાન રાખવાનું શરૂ કરે છે. ડૉક્ટર કહે ત્યારે ચાલવા જવાનું સ્ટાર્ટ કરે છે. ડૉ. અન્સર્ટ કહે છે કે, 30 વર્ષની ઉંમરે જ જે માણસ હેલ્થ પ્રત્યે અવેર થઇ જાય છે એ સારી જિંદગી જીવી શકે છે. જિંદગીના ત્રણ દાયકા પૂરા થાય એ સાથે માણસે પોતાની લાઇફસ્ટાઇલ બદલી નાખવી જોઇએ. બધા માણસો એક જેવા છે પણ દરેકના શરીરની ફિતરત જુદી જુદી હોય છે. દરેક માણસે પોતાની ટેન્ડેન્સીના આધારે લાઇફસ્ટાઇલ નક્કી કરવી જોઇએ. જો માણસ પોતે જ પોતાનું ધ્યાન ન રાખે તો ડૉક્ટર્સ પણ એક હદથી વધુ કંઈ કરી શકતા નથી.
દુનિયામાં એક તરફ જિંદગી લંબાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે બીજી તરફ લોકો હાથે કરીને જિંદગી ટૂંકી થાય એવા ધંધાઓ કરી રહ્યા છે. લાઇફસ્ટાઇલ બેફામ થઇ ગઇ છે. લોકો અડધી રાત સુધી જાગતા રહે છે, મોબાઇલ લઇને બેઠા હોય છે, વેબ સીરિઝો જોતા રહે છે. બીજી વાત ખાવા પીવાની છે. જંક ફૂડે દાટ વાળ્યો છે. લોકો પિઝા, બર્ગર અને બીજાં ફાસ્ટફૂડ બિન્ધાસ્ત આરોગે છે. એ બધું છેલ્લે તો બીમારીને આમંત્રણ જ આપવાનું કામ કરે છે. અગાઉના જમાનાના લોકોની જિંદગી કેવી હતી અને અત્યારે લોકો કેવી રીતે જીવી રહ્યા છે એની સરખામણી કરો તો ખબર પડે કે, અત્યારનો દરેક માણસ કોઇ ઉચાટમાં જીવે છે. એક એવી દોડમાં તમામ લોકો લાગેલા છે જેનો કોઇ અંત જ નથી. બીજા દેશની વાત જવા દો, આપણા જ દેશની વાત કરીએ તો ભારતમાં 18.83 કરોડ લોકો હાઇપર ટેન્શનથી પીડાઇ રહ્યા છે. થોડા દિવસો અગાઉ જાહેર થયેલા ગ્લોબલ રિપોર્ટ ઓન હાઇપર ટેન્શન : ધ રેસ અગેઇન્સ્ટ સાઇલન્ટ કિલરમાં જણાવાયું છે કે, ભારતમાં જો બ્લડ પ્રેશરને અંકુશમાં રાખવામાં આવે તો ચાર કરોડ લોકોના જીવ બચાવી શકાય એમ છે. કરુણતા એ વાતની છે કે, માત્ર ત્રીસ ટકા લોકો જ બ્લડ પ્રેશરની સારવાર લે છે. તમને ખબર છે તમારું બ્લડ પ્રેશર કેટલું રહે છે? મોટા ભાગના લોકોને ખબર જ નથી પડતી કે, તેમને બીપી કે ડાયાબિટીસ છે. કંઈક પ્રોબ્લેમ થાય ત્યારે મેડિકલ રિપોર્ટ્સ કરાવ્યા બાદ ખબર પડે છે કે, આપણને તો આ પ્રોબ્લેમ છે. હાઇપર ટેન્શનની સારવાર કરતાં પણ મહત્ત્વની વાત એ છે કે, એવું થાય છે કેમ? આપણે નાની ઉંમરના યંગસ્ટર્સના મોતના ખબર સાંભળતા રહીએ છીએ. આપણને એમ થાય કે, આ તે કંઈ મરવાની ઉંમર છે? સાચી જિંદગી શરૂ થાય એ પહેલાં જ મોત આવી જાય છે.
મેડિકલ સાયન્સ તો એનું કામ કરશે જ. તબીબી વૈજ્ઞાનિકો લોકોનાં સ્વાસ્થ્ય માટે રાત-દિવસ એક કરી રહ્યા છે. સામા પક્ષે લોકો પોતાની હેલ્થનો દાટ વાળી રહ્યા છે. જિંદગી લાંબી થાય એ સાથે જિંદગી એવી પણ રહેવી જોઇએ કે, જિંદગી જીવતા હોઇએ એવું લાગે. મોટા ભાગના યંગસ્ટર્સ વીસી અને ત્રીસી વચ્ચે જ થાકેલા લાગે છે. જે ઝનૂન જોવા મળવું જોઇએ એ દેખાતું જ નથી. યુવાનોની આંખોમાં ચમક અને હાથપગમાં થનગનાટ જોઇએ, એ જોવા મળે છે? દુનિયાના સમાજશાસ્ત્રીઓ અને માનસશાસ્ત્રીઓ કહે છે કે, દરેક માણસે સારી રીતે જીવીને મેડિકલ સાયન્સને પણ આડકતરી મદદ કરવાની છે. બુઢ્ઢા થવાય એમાં વાંધો હોઈ ન શકે બુઠ્ઠા, નક્કામા અને બોજ ન બની જવાય એની કાળજી રાખવાની જવાબદારી તો દરેક વ્યક્તિની પોતાની છે. બીજાની વાત છોડો, તમે તમારી જિંદગીનું જ અવલોકન કરજો. તમે જે રીતે જિંદગી જીવવી જોઈએ એ રીતે જીવો છો? તમારા જીવને શાંતિ હોય છે? તમારું મગજ ઠેકાણે રહે છે? તમે તમારી જાતને સમય આપો છો ખરા? તમારા સંબંધો સજીવન તો છેને? મોટા ભાગના લોકો રિલેશનશિપ ક્રાઇસીસમાંથી પસાર થઇ રહ્યા છે. દરેક પાસે ફરિયાદોનું લાંબું લિસ્ટ છે. બહુ ઓછા લોકોના ચહેરા પર હાસ્ય કે ખુશી જોવા મળે છે. જિંદગી તો ડૉક્ટર્સ લંબાવી આપશે પણ ક્વોલિટી લાઇફ તો દરેક માણસે પોતે જ સર્જવી પડશે. સૌથી સરળ ઉપાય એ છે કે, હળવા રહો. બહુ ભાર લઇને ફરશો તો પોતાના બોજ નીચે જ દબાઇ જશો. વર્તમાનમાં જીવો. ભૂતકાળમાં બનેલી ઘટનાઓને માથે લાદીને ફરશો અથવા તો આવતી કાલની ઉપાધિ જ કરતા રહેશો તો તમે ક્યારેય સુખી થવાના નથી. જિંદગી ફીલ થવી જોઇએ, એ ત્યારે જ શક્ય બને જો આપણે ખુશ હોઇએ. ઘણા નિષ્ણાતો કહે છે કે, ભવિષ્યમાં લાંબું જીવી શકાશે એ વાતમાં ના નહીં પણ લાંબી જિંદગી કેવી રીતે જીવી શકાય એ લોકોએ શીખવું પડશે. જો એ નહીં આવડે તો જિંદગી હશે પણ એનો કોઈ અર્થ રહેશે નહીં!
હા, એવું છે!
લાઇફ અને લાઇફસ્પાન એટલે તે જિંદગી અને આવરદા વિશે થયેલું એક સંશોધન એવું કહે છે કે, માણસ પોતાના આયુષ્યમાંથી ખરેખર કેટલો સમય જીવે છે એ સૌથી મોટો સવાલ છે! ઘણા લોકો જિંદગી જાણે બોજ હોય એ રીતે જીવતા હોય છે. જીવતી લાશોની સંખ્યા સતત વધતી રહી છે.
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 04 ઓક્ટોબર, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com