સાચ્ચે જ? અરેન્જ કરતાં લવમેરેજ
કરનારાઓના ડિવૉર્સ વધુ થાય છે?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
લગ્ન વિશે એવું કહેવાતું આવ્યું છે કે, જોડીઓ ઉપરથી જ
નક્કી થઈ ગઈ હોય છે. મેરેજ ગમે એ રીતે થયા હોય,
લગ્ન ટકાવવા માટે કેટલીક સમજણ તો જરૂરી છે જ!
———–
ડિવૉર્સ, છૂટાછેડા, તલાક, ફારગતિ એટલે તું તારા રસ્તે અને હું મારા રસ્તે. જુદાં પડવું સહેલું નથી પણ જ્યારે સાથે રહેવું વધુ અઘરું બની જાય ત્યારે બીજો કોઈ રસ્તો બચતો નથી. ડિવૉર્સ વિશે હળવાશમાં ઘણું બધું કહેવાયું છે. ડિવૉર્સનું સૌથી મોટું કારણ કયું? એનો જવાબ છે, મેરેજ! એ વાત જુદી છે કે, ડિવૉર્સનાં ઘણાં કારણો હોય છે. સાવ ક્ષુલ્લક કારણોથી માંડીને ગંભીરમાં ગંભીર કારણોથી ડિવૉર્સ થતા હોય છે. કોઇ છોકરા છોકરીએ લવ મેરેજ કર્યાં હોય અને એના ડિવૉર્સ થાય ત્યારે લોકો એવું કહેતા હોય છે કે, એણે તો લવમેરેજ કર્યા હતા તો પણ આવું થયું બોલો! લવમેરેજ એ દાંપત્યજીવન સફળ જ રહેશે એની કોઈ ગેરંટી આપતા નથી. પ્રેમમાં હોઇએ ત્યારની પરિસ્થિતિ, માનસિકતા, ઉત્કટતા અને સંજોગો જુદા હોય છે. મેરેજ પછી માણસ તો એના એ જ હોય છે પણ બીજું ઘણું બધું બદલાતું હોય છે.
શું એરેન્જ મેરેજની સરખામણીમાં લવમેરેજના કિસ્સાઓમાં ડિવૉર્સની ઘટનાઓ વધી રહી છે? થોડા દિવસ પહેલાંની વાત છે. સુપ્રીમ કોર્ટમાં ડિવૉર્સનો એક કેસ ચાલી રહ્યો હતો. એ કેસ સંદર્ભે જસ્ટિસ બી. આર. ગવઈએ એવું કહ્યું કે, પ્રેમલગ્ન કરનારાં દંપતીઓમાં છૂટાછેડાનું પ્રમાણ વધારે છે. તેઓએ આ કયા આધારે કહ્યું તેનું કોઈ પ્રમાણ આપ્યું નહોતું પણ કદાચ કોર્ટમાં આવતા ડિવૉર્સના કેસોને ધ્યાનમાં લઇને તેમણે આવું કહ્યું હશે. આપણા દેશમાં ડિવોર્સનું પ્રમાણ 1.1 ટકા જેટલું છે. બીજા ઘણા દેશોની સરખામણીમાં આપણા દેશમાં છૂટા પડવાનું પ્રમાણ ઓછું છે. અમેરિકા, બ્રિટન અને બીજા દેશોમાં રોજબરોજની જિંદગી અને જુદા જુદા ઇશ્યૂઝને લઇને જેટલાં સરવૅ, સંશોધનો અને અભ્યાસો થાય છે એની સરખામણીમાં આપણે ત્યાં આવા સરવૅ ઓછા થાય છે એટલે એ કહેવું અઘરું છે કે, એક્ઝેક્ટ કેટલી સંખ્યામાં લવમેરેજ કરનારાઓના કે એરેન્જ મેરેજ કરનારાના ડિવૉર્સ થાય છે?
મેરેજની નોંધણી આપણે ત્યાં ફરજિયાત થઇ ગઇ છે પણ નોંધણી કરાવતી વખતે એ નથી પુછાતું કે તમે લવમેરેજ કર્યા છે કે એરેન્જ મેરેજ? આવું પૂછી પણ ન શકાય. ડિવોર્સ લેતી વખતે પણ આવી ચોખવટ કરવાની કોઇ જરૂર નથી. જ્યાં સુધી લવમેરેજની વાત છે ત્યાં સુધી થોડા દિવસો અગાઉ આપણા દેશમાં વેડિંગ વાયર ઇન્ડિયા દ્વારા એક સરવૅ કરવામાં આવ્યો હતો. તેમાં એવું બહાર આવ્યું હતું કે, ભારતમાં લવમેરેજનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લાં ત્રણ વર્ષમાં એરેન્જ મેરેજના પ્રમાણમાં 24 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 2020માં જ્યારે આવો સરવૅ કરવામાં આવ્યો ત્યારે 68 ટકા કપલોએ કહ્યું હતું કે, તેમના એરેન્જ મેરેજ છે. 2023માં જ્યારે સરવૅ કરવામાં આવ્યો ત્યારે 44 ટકા કપલોએ કહ્યું હતું કે, તેમણે એરેન્જ મેરેજ કર્યા છે. લવમેરેજની સંખ્યા વધે ત્યારે ડિવોર્સ કરનારાઓની સંખ્યા પણ વધે એવું પણ બનવાજોગ છે.
લિવ ઇનમાં રહેનારાઓની વાત તો વળી સાવ જુદી જ છે. લિવ ઇનમાં રહેવાનું પસંદ કરનાર છોકરો કે છોકરી આખરે શું વિચારીને લિવ ઇનમાં રહેતા હશે? ન ફાવે તો આસાનીથી છૂટાં થઇ શકાય એ માટે? કે પછી પોતાને જ ભરોસો નથી હોતો કે હું કોઇની સાથે રહી શકીશ કે કેમ? મેરેજ કરીએ તો કમિટેડ રહેવું પડે છે. ન ફાવ્યું તો? અલબત્ત, લિવ ઇનના કિસ્સામાં એવું પણ જોવા મળ્યું છે કે, છોકરો અને છોકરી કહે કે, આખરે મેરેજની જરૂર જ શું છે? એકબીજા પર વિશ્વાસ હોય અને પ્રેમ હોય એ પૂરતું છે. જોકે, વિશ્વાસ ક્યારે ભંગ થઈ જાય અને પ્રેમ ક્યારે અલોપ થઇ જાય એ કોઇ કહી શકતું નથી.
મેરેજ પછી એ લવમેરેજ હોય કે એરેન્જ મેરેજ હોય, સાથે રહેવા માટે કેટલીક સમજણની જરૂર પડતી હોય છે. લવ અને એરેન્જ બંનેના ફાયદા અને ગેરફાયદા છે. લવમેરેજમાં બંને પાત્રો એકબીજાને ઓળખતાં હોય છે. એકબીજાની લાઇક્સ ડિસલાઇક્સ ખબર હોય છે. જોકે, ઘણા કિસ્સામાં મેરેજ પછી જ માણસ વર્તાતો હોય છે. પતિ કે પત્નીનું પોત પ્રકાશે ત્યારે ખબર પડે છે કે, કોણ કેવો કે કેવી છે? અનેક કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે, જેટલો સમય પ્રેમમાં રહ્યાં હોય એના કરતાં અડધો સમય પણ મેરેજ ટક્યાં ન હોય. એરેન્જ મેરેજમાં લગ્ન પછી બંનેને એકબીજાની ખરી ઓળખ થાય છે. ઘણી વખત ધાર્યું હોય એના કરતાં વધુ સારું પણ નીકળે છે અને ક્યારેક સાવ ઊંધું પણ થાય છે. સગાંવહાલાં કે જાણીતાઓનો અભિપ્રાય મેળવીને છોકરા અને છોકરીનાં મા-બાપ લગ્ન નક્કી કરે છે. ઘણા કિસ્સા એવા પણ નીકળે છે કે, સમાજમાં ઇમેજ બહુ સારી હોય પણ લાઇફ પાર્ટનર તરીકે સાવ ગયેલા કે ગયેલી હોય. એમાં ઊંધું પણ હોય શકે. ગામમાં ફેમિલીની છાપ સારી ન હોય પણ પતિ-પત્ની બહુ જ સરસ રીતે રહેતાં હોય. કહેવાનો મતલબ એ છે કે, આ બધું ભર્યા નાળિયેર જેવું છે. નાળિયેર અંદરથી કેવું નીકળશે, પાણી મીઠું હશે કે મોળું, એ કોઇ કહી શકતું નથી. મેરેજનું પણ એવું જ છે. ઘણી છોકરીઓ સાવ બિન્ધાસ્ત હોય છે. એને જોઈને એવી વાતો થતી હોય છે કે, આ સાસરે કેવી રીતે ટકવાની છે? સાસરે ગયા પછી એનામાં એટલું પરિવર્તન જોવા મળે છે કે, ખુદ એનાં મા-બાપને જ માન્યામાં નથી આવતું!
સરવાળે વાત એ છે કે, દાંપત્યજીવનને સારી રીતે જીવવા માટે એકબીજાને સમજવાં બહુ જરૂરી છે. દાંપત્યની શરૂઆત પ્રેમથી થઇ હોય કે નક્કી કરીને એટલે કે એરેન્જ મેરેજથી થઈ હોય. એકબીજા પર શ્રદ્ધા, વિશ્વાસ, પ્રામાણિકતા, કમિટમેન્ટ અને વફાદારી સૌથી મહત્ત્વની વાત છે. તમારે વ્યક્તિ જેવી છે એવી એને સ્વીકારો. આપણામાં બધાને પોતાની વ્યક્તિ પોતાના જેવી જોઇએ છે. પતિ કે પત્ની એકબીજાને બદલવાના પ્રયાસો કરે છે એમાં એકબીજા જેવાં પણ રહેતાં નથી. સમયનો અભાવ અને કામનો બોજ પણ હવે ડિસ્ટન્સ માટે કારણભૂત બનતો જાય છે. તમારી વ્યક્તિને પૂરો સમય આપો. કામમાં બિઝી રહેવું પડતું હોય તો ક્વોલિટી ટાઇમ કાઢતા શીખો. સાથે હોવ ત્યારે સાથે જ રહો. હવે થાય છે એવું કે, પતિ પત્ની હોય છે એક સાથે પણ બંને મોબાઇલ લઇને પોતપોતાનામાં પડ્યાં હોય છે. પાસે હોય છે પણ સાથે નથી હોતાં. બંનેનાં સુખ અને બંનેનાં દુ:ખ એક બની રહે તો જ જિંદગી સરળ રહે. બંને અથવા તો બંનેમાંથી એક માત્ર પોતાનું જ વિચારે તો ગાડું લાંબું ચાલે નહીં. જિંદગી જીવવા માટે છે, ઝઘડવા માટે નહીં. લગ્ન સાથે રહેવા માટે છે, જુદાં પડવાં માટે નહીં. લગ્ન વિશે એક હકીકત એ પણ છે કે, કોઈ લગ્ન છૂટાં પડવા માટે થતાં હોતાં નથી. લગ્ન કર્યાં પછી ઘણુંબધું સમજાય છે. આધિપત્ય જમાવવાના પ્રયાસ થાય છે, કોનું ધાર્યું થાય છે અને કોનું ચાલે છે એવા વિચારો થાય છે. શરૂઆત જ જો સારી ન હોય તો આગળ જતા મુશ્કેલી ઊભી થવાની જ છે. ઇગો અને એટિટ્યૂડ કંટ્રોલમાં રાખો. પોતાની વ્યક્તિને આદર આપો. પ્રેમ જોઇએ છે તો પ્રેમ કરો. કોઇ ભૂલ થાય તો માફ કરતાં શીખો અને થોડુંક જતું કરવાની આદત પણ કેળવો. કોઈ વાતને એટલી ન ખેંચો કે તૂટી જાય. પોતાની વ્યક્તિ જ પ્રાયોરિટી હોવી જોઈએ અને એવી લાગણી બંને પક્ષે હોવી જોઇએ. જો એવું ન હોય તો પછી રસ્તા ડિવૉર્સ સુધી જ પહોંચે છે પછી મેરેજ પ્રેમ કરીને થયા હોય કે એરેન્જ મેરેજ કર્યાં હોય!
હા, એવું છે!
ભારતમાં છૂટાછેડાનું સૌથી મોટું કારણ શું છે? આ વિશે થયેલા એક અભ્યાસમાં એવું બહાર આવ્યું હતું કે, લાઇફસ્ટાઇલ એટલે કે કેવી રીતે રહેવું કે જીવવું એ બાબતે મતભેદ અને એટિટ્યૂડના કારણે સૌથી વધુ ડિવૉર્સ થાય છે. જ્યારે બંને વ્યક્તિ એકબીજાથી તદ્દન જુદું જ વિચારતાં હોય ત્યારે સાથે રહેવું અઘરું બની જાય છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 12 જુલાઈ, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com