કે’વું પડે યાર, અમારે
તારા જેવું સરખું નથી!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ટકોરા મારવા દે, શક્ય છે એનું ઊઘડવું પણ,
તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે,
નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉં છું,
ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!
-હેમંત પૂણેકર
દરેક પાસે પોતાના પૂરતું સુખ હોય જ છે. આપણું સુખ ઘણી વખત આપણને દેખાતું હોતું નથી. એનું કારણ એ હોય છે કે, આપણી નજર સુખ પર હોતી જ નથી. આપણે દુ:ખને જ પંપાળતા રહીએ છીએ. મજા કરવાની જગ્યા હોય ત્યાં પણ ચિંતાઓ જ કરતા હોઇએ છીએ. હસવાની વેળા હોય ત્યારે રોદણાં રડતા હોઇએ છીએ. એક યુવાનની આ વાત છે. એ યુવાન સંત પાસે ગયો. સંતને તેણે કહ્યું કે, મારી પાસે બધું જ છે પણ સુખ જેવું લાગતું નથી. સુખને ફીલ કરવા માટે શું કરવું જોઇએ? સંતે જવાબ આપ્યો, તારાં જે કંઈ દુ:ખ હોય, ચિંતા હોય, ઉપાધિ હોય એના પરથી નજર હટાવીને સુખ તરફ માંડી દે, તો જ સુખ ફીલ થશે. સુખ તો સનાતન છે. દુ:ખ આપણે નોતરીએ છીએ. સંતે કહ્યું, એક માણસ મારી પાસે આવ્યો હતો. મેં તેને પૂછ્યું, બધું બરાબર છેને? તેણે કહ્યું, હા બધું બરાબર છે. સારું ઘર છે. ઘરમાં બધી સુવિધા છે. પત્ની ડાહી અને સમજુ છે. બાળકો પણ કહ્યાગરાં છે. એક જ પ્રોબ્લેમ છે. ભાઈઓ સાથે માથાકૂટો ચાલતી રહે છે. એના વિચારો મગજમાંથી ખસતા નથી. સંતે કહ્યું, પ્રોબ્લેમ એક જ છે અને ખુશ થવાનાં કારણો અનેક છે. પ્રોબ્લેમને ભૂલી જા અને જે છે એને એન્જોય કર. આપણે બધા એવું જ કરતા હોઇએ છીએ. જે નથી એની પાછળ દોડતા રહીએ છીએ એટલે જે છે એ પાછળ છૂટતું જાય છે.
આપણે એક ભૂલ વારંવાર કરતા હોઇએ છીએ. કોઇને ખુશ, સુખી અને મજામાં જોઇને આપણી જાતને દુ:ખી માની લેતા હોઇએ છીએ. બે મિત્રોની આ સાવ સાચી વાત છે. એક મિત્ર વેપારી હતો અને બીજો નોકરી કરતો હતો. વેપારી મિત્રે પોતાને ત્યાં એક ચોક્કસ વ્યવસ્થા ગોઠવી અને નક્કી કર્યું કે, હવે મારે અઠવાડિયામાં બે દિવસ ગુરુવારે અને રવિવારે રજા રાખવી છે. આ બંને દિવસે આરામ અથવા ગમતું કામ જ કરવું છે. તેણે એવું કરી પણ નાખ્યું. એક વખત તેના નોકરિયાત મિત્ર સાથે વાતો કરતો હતો ત્યારે તેણે કહ્યું કે, હવે મેં અઠવાડિયામાં બે દિવસ રજા રાખવાનું નક્કી કર્યું છે. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, કે’વું પડે યાર, અમારે તારા જેવું સરખું નથી! બીજા દિવસે એનો એક મિત્ર મળવા આવ્યો. એની પરિસ્થિતિ સારી નહોતી. અઠવાડિયાના સાતે સાત દિવસ કામ કરવું પડતું હતું. મિત્રએ તેને કહ્યું કે, તારી હાલત તો બહુ ખરાબ છે યાર, આખું વીક કામ કરવું પડે છે. એ મિત્રએ કહ્યું, ચાલે, દરેક વખતે આપણું ધાર્યું નથી થતું. સાચું કહું, તને જોઇને ખુશ થાઉં છું કે, તું વીકમાં એક દિવસ રજા એન્જોય કરે છે. તું ખૂબ ખુશ રહે એવી તેને શુભકામના. આ વાત સાંભળીને તેને તરત જ એમ થયું કે, પેલા મિત્રએ જ્યારે અઠવાડિયાના બે દિવસ રજા રાખવાની વાત કરી ત્યારે મને કેમ એવો વિચાર નહોતો આવ્યો? મને કેમ એની ઇર્ષા થઈ હતી? મારે તો એને એમ કહેવાની જરૂર હતી કે યાર, હું તારા માટે બહુ ખુશ છે. તું તારી બે રજાને બરાબર માણજે! કોઇનું સુખ જોઇને સુખી કે ખુશ થવાની એક અલૌકિક મજા છે. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે, આપણે કોઇના સુખને આપણા સુખ સાથે સરખાવીએ છીએ અને દુ:ખી થઇએ છીએ!
કોઇ તમને એમ કહે કે, દુનિયામાં દુ:ખ જેવું કંઇ છે જ નહીં તો તમે માનો ખરા? આપણે મોટા ભાગે આપણા જીવનમાં બનતી ઘટનાને દુ:ખ માની લેતા હોઇએ છીએ. કોઇ કંઈ બોલી ગયું અને આપણે દુ:ખી થઇ જઇએ છીએ. આપણે દુ:ખી તો એટલે થયાને કે આપણે એની વાત મગજમાં લીધી? આપણે પાછા એક વખત દુ:ખી નથી થતા, એકની એક વાતો યાદ કરીને વારે વારે દુ:ખી થતા રહીએ છીએ. આપણે સુખને વાગોળીને વારે વારે સુખી નથી થતા પણ દુ:ખને યાદ કરીને દુ:ખી તરત થઇ જઇએ છીએ. તમે એક વસ્તુ માર્ક કરજો. આપણે મોટા ભાગે બીજા લોકોના કારણે દુ:ખી થતાં હોઇશું. એણે મારી સાથે આવું કર્યું, એણે મને હર્ટ કર્યો, એ મને આવું બોલી ગયો, એણે મને છેતર્યો. બધું એણે કર્યું અને આપણે શું કર્યું? આપણે દુ:ખી થયા!
દુ:ખને દૂર રાખતા અને દુ:ખ આવી પડે ત્યારે એને હડસેલી નાખતા આવડવું જોઇએ. એ ન આવડે તો દુ:ખ દૂર થતું જ નથી. કોઇ ઘટના બને ત્યારે વેદના થાય એ સ્વાભાવિક છે. વેદના થવી જ જોઇએ. વેદના પણ એ સાબિત કરે છે કે, આપણામાં સંવેદના જીવે છે. વેદનાને થોડીક ક્ષણો જીવી લઇને એને પણ ખંખેરી નાખવી જોઇએ. એક છોકરીની આ વાત છે. તે એક છોકરાને પ્રેમ કરતી હતી. તેને એવી ખબર પડી કે, આ છોકરો તો બદમાશ છે. તેણે પોતાના પ્રેમીને સમજાવવાની અને સુધારવાની કોશિશ કરી. પેલામાં કંઈ ફેર ન પડ્યો. પોતાના વિશે બધી ખબર પડી ગઇ એવું એ છોકરાને સમજાઇ ગયું એટલે એ છોકરાએ જ બ્રેકઅપ કરી નાખ્યું. છોકરી બહુ ડિસ્ટર્બ થઇ. તેને અપસેટ જોઇને તેની ફ્રેન્ડને ચિંતા થતી હતી. બીજા દિવસે એ છોકરી મળી ત્યારે એકદમ રિલેક્સ હતી. તેની ફ્રેન્ડે પૂછ્યું, તું ઓકે છેને? એ છોકરીએ કહ્યું, હું બિલકુલ ઓકે છું. મેં જેટલું રડવાનું હતું એટલું રડી લીધું છે, જે અફસોસ કરવાનો હતો એ કરી લીધો છે. એ બધું પત્યું એટલે હું તેમાંથી બહાર આવી ગઇ છું. મારે એમાં ને એમાં પડ્યું રહેવું નથી. આપણે પણ એ નક્કી કરવાનું હોય છે કે, કોઇ વાતમાં ક્યાં સુધી પડ્યા રહેવું અને ક્યારે નીકળી જવું? રાઇટ ટાઇમે વેદના, પીડા અને દુ:ખમાંથી પણ બહાર નીકળી જવું જોઇએ. જો ન નીકળીએ તો એમાં જ અટવાઇ જઇએ છીએ. હતાશા એને જ આવે છે જે વેદનામાંથી બહાર નથી નીકળતા. એક વ્યક્તિ ખરાબ મળી, એક ઘટના ખરાબ બની, એક અમથી નિષ્ફળતા મળી એમાં થઇ થઇને કેટલું દુ:ખી થવાનું? એક છોકરાની આ વાત છે. તેને એક છોકરી સાથે પ્રેમ થયો. એક મહિનો જ થયો હતો ત્યાં એને ખબર પડી કે, આ છોકરી ભરોસાપાત્ર નથી, લાભ લેવા માટે અને ફાયદો ઉઠાવવા માટે એ બીજા ઘણા છોકરાઓ સાથે સંબંધ રાખે છે. એ છોકરાને જબરજસ્ત આઘાત લાગ્યો. છોકરીથી તો એ દૂર થઇ ગયો પણ જે આઘાત લાગ્યો હતો એમાંથી બહાર નીકળતો નહોતો. આમ ને આમ બેત્રણ મહિના થઇ ગયા. તેના મિત્રએ તેને કહ્યું કે, એ છોકરી સાથે તારો સંબંધ માંડ એક મહિનો રહ્યો છે અને તું એના કારણે દુ:ખી ત્રણ મહિનાથી છે. તને નથી લાગતું કે, તું ખોટનો ધંધો કરે છે. એ પોતાના સુખ માટે તને છેતરતી હતી, તું તારા સુખ માટે એણે જે કર્યું એ વિચારો પણ ખંખેરી શકતો નથી? આપણે આપણું સુખ હાથવગું રાખવું પડતું હોય છે. કોઇ સુખી હોય કે દુ:ખી એની સાથે પોતાની સરખામણી કરવાની કંઈ જરૂર હોતી નથી અને કોઇ કંઈ કરે તો એને વાગોળતા રહેવાની પણ કોઈ આવશ્યક્તા હોતી નથી. આપણે યાદ રાખવું જોઇએ કે, મારા માટે શું સારું છે. મનને સ્વસ્થ રાખવા માટે એ જરૂરી છે કે, કોઈ નકારાત્મક ઘટનાની વધુ પડતી અસર આપણા પર ન થઇ જાય. સુખ છે એને માણતા રહીએ અને દુ:ખને ખંખેરતા રહીએ તો જ જિંદગી સારી રીતે જીવી શકાય!
છેલ્લો સીન :
કોઈને પ્રેમ, લાગણી, સ્નેહ અને દરકારના ભ્રમમાં રાખવા કરતાં છોડી દેવામાં વધુ ગૌરવ છે. ભ્રમ જ્યારે તૂટે છે ત્યારે એવું લાગે છે કે, આપણે જેને પોલાદી સમજતા હતા એ સંબંધ તો સાવ તકલાદી હતો! -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 18 જૂન, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com