DEPRESSION
શું શહેર અને ગામડાંના લોકોની
હતાશામાં કોઈ ફેર હોય છે ખરો?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
અત્યારના આધુનિક અને હાઇટેક જમાનામાં ડિપ્રેશનનું પ્રમાણ આસમાન આંબી રહ્યું છે
ડિપ્રેશનના મામલે વાદવિવાદો અને ચર્ચાઓ પણ ખૂબ ચાલતી રહે છે!
———–
પર્સનલ અને પ્રોફેશનલ કારણસર કોઇ ને કોઇ કોન્ટ્રોવર્સીમાં રહેતા ફિલ્મ કલાકાર નવાઝુદ્દીન સિદ્દીકી હમણાં સોશિયલ મીડિયા પર જબરજસ્ત ટ્રોલ થયા હતા. નવાઝુદ્દીને એક ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું કે, ડિપ્રેશન જેવી બીમારી ગામડાઓમાં હોતી નથી, આવું બધું શહેરોમાં હોય છે! તેમની આ વાત સાંભળીને ઘણા લોકોએ કહ્યું કે, એ ભાઈ, તમે કઈ દુનિયામાં જીવો છો? વેબ સીરિઝના જાણીતા કલાકાર ગુલશન દૈવેયાએ તો નવાઝુદ્દીન સિદ્દીકીની આ વાતને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી સિન્ડ્રોમનું નામ આપ્યું હતું. તમારી આંખો બંધ હોય અને તમને કંઈ ન દેખાય એનો મતલબ જરાયે એવો નથી કે, કોઈ વસ્તુ કે બીમારીનું અસ્તિત્વ નથી! ડિપ્રેશન યુનિવર્સલ છે. એ માણસના વિચારો, માનસિકતા, માન્યતાઓ, સંજોગો, વાતાવરણ અને પરિસ્થિતિ પર આધાર રાખે છે. ડિપ્રેશન કોઈને પણ થઇ શકે છે. ડિપ્રેશન થવાનાં હજાર કારણો છે. તમે તેને શહેર કે ગામડા સાથે સરખાવી ન શકો. નવાઝુદ્દીન સિદ્દીકી પર ભલે માછલાં ધોવાતાં હોય પણ એ મુદ્દે ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે કે, ગામડાંમાં રહેતા અને શહેરોમાં વસતા લોકોની હતાશામાં કોઈ ફર્ક હોય છે ખરો? સૌથી પહેલી વાત તો એ કે, ગામડાંના લોકો ડિપ્રેશનનો ભોગ નથી બનતા એ વાત સાવ ખોટી છે. અલબત્ત, હમણાંના એક અભ્યાસમાં એવું ચોક્કસ બહાર આવ્યું છે કે, શહેરોની સરખામણીમાં ગામડાંઓમાં રહેતા લોકોમાં ડિપ્રેશનનું પ્રમાણ ઓછું રહે છે. એટલું જ નહીં, શહેરોમાં પણ માણસ ક્યાં રહે છે અને કેવી લાઇફ જીવે છે એના પર પણ ડિપ્રેશનનો મોટો આધાર રહે છે. માણસની આજુબાજુનું વાતાવરણ પણ માણસની હતાશા અને ઉત્સાહમાં મોટો ભાગ ભજવે છે.
ડિપ્રેશન વિશે અમેરિકાની યેલ યુનિવર્સિટી, સ્વીડનની સ્ટોકહોમ યુનિવર્સિટી અને ડેનમાર્કની કોપનહેગન યુનિવર્સિટીના રિસર્ચરોએ સાથે મળીને અમેરિકા અને પશ્ચિમ યુરોપના દેશોમાં અભ્યાસ કર્યો હતો. સાયન્સ એડવાન્સ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા આ અંગેના અહેવાલમાં એવું જણાવાયું હતું કે, ગામડાંના લોકો શાંતિનો વધુ અનુભવ કરે છે, તેના કારણે ડિપ્રેશનના ચાન્સીસ ઘટે છે. શહેરમાં ગીચ વસતી, ઘોંઘાટ, પ્રદૂષિત હવા અને ઓછા ઉજાસવાળાં રહેણાકોના કારણે માણસ બહુ ઝડપથી હતાશાનો ભોગ બને છે. દરિયાકિનારે રહેતા લોકો પણ હતાશાનો ભોગ ઓછા પ્રમાણમાં બને છે. ગામડાંનું વાતાવરણ ખુલ્લું અને ખુશનુમા હોય છે. લોકોમાં ઉચાટનું પ્રમાણ પણ ઓછું જોવા મળે છે. તેની સરખામણીમાં શહેરોમાં ભાગાભાગી અને ટેન્શનનું પ્રમાણ વધુ હોય છે. કેટલાંક શહેરોના લોકોને ધ્યાનથી જોશો તો એવું લાગ્યા વગર નહીં રહે કે, આ બધા લોકો જાણે કોઈ અજાણ્યા ભાર નીચે જીવે છે.
ડિપ્રેશન માટે મનોવૈજ્ઞાનિકો અને સમાજશાસ્ત્રીઓ બીજાં અનેક કારણો પણ આપે છે. લોકોની ઇચ્છાઓ અને અપેક્ષાઓમાં જબરો વધારો થયો છે. સંતોષની ફિલોસોફી લોકોને હવે ઓછી ગળે ઊતરે છે. લોકોને બધું જ જોઇએ છે અને બહુ ઝડપથી જોઇએ છે. લોકોમાં ધીરજનો અભાવ છે. હરીફાઇ પણ વધી છે. યુવાનોને સતત એ ભય લાગે છે કે, જો વધુ મહેનત નહીં કરીએ તો ફેંકાઈ જઈશું. ગોલ અને ટાર્ગેટ એચિવ કરવા માટે સખત અને સતત મથ્યા રહેવું પડે છે. સોશિયલ મીડિયાએ તણાવમાં વધારો કર્યો છે. સોશિયલ મીડિયામાં લોકો મોજમજા કરતા હોય, મોંઘી મોંઘી ગાડીઓમાં ફરતા હોય અને વિદેશપ્રવાસ કરતા હોય એવા ફોટા અપલોડ કરતા રહે છે. એ જોઇને સામાન્ય વર્ગની વ્યક્તિને એમ થાય છે કે, બધા સુખી છે, માત્ર હું જ દુ:ખી છું. બધા મજા કરે છે, મારાં નસીબે જ મજૂરી લખેલી છે. એ ધીમે ધીમે પોતાની જાતને અને પોતાના નસીબને દોષ દેવા લાગે છે. અંતે એ ડિપ્રેશનમાં સરી જાય છે.
ડિપ્રેશનનાં કારણોમાં એક સૌથી મોટું કારણ રિલેશનશિપ ક્રાઇસીસ છે. સંબંધોનાં પોત એટલાં પાતળાં પડી ગયાં છે કે, એ ગમે ત્યારે તૂટી જાય છે. હવે પ્રેમ કરતાં બ્રેકઅપ વધુ થાય છે. લોકોને એવું લાગવા માંડે છે કે, મારું કોઈ નથી. હું સાવ એકલો પડી ગયો છું કે એકલી પડી ગઇ છું. હવે લોકો વાતો ઓછી અને ચૅટ વધુ કરવા લાગ્યા છે. માણસનો માણસ સાથેનો સંપર્ક ઘટતો જાય છે. બધાને વાત કરવી છે પણ એ સવાલ સતાવે છે કે, કોની સાથે વાત કરવી? સોશિયલ મીડિયામાં તો સારું સારું જ લખવાનું હોય છે. જિંદગીમાં કંઈક ખરાબ કે અજુગતું બને ત્યારે શું? ફેમિલી નાનાં થઈ ગયાં છે. ધનિકોના ઘરમાં સભ્યો ઓછા અને બંગલામાં રૂમ વધુ હોય છે. એક જ ઘરમાં રહેતા લોકો પણ ઓછી વાત કરે છે. પ્રાઇવસીના નામે જે ચાલી રહ્યું છે એણે માણસને એકલો પાડી દીધો છે. દરેક માણસની અંદર એક ઉકળાટ જોવા મળે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ એવું કહે છે કે, ભારતમાં દર ત્રણમાંથી એક માણસ ડિપ્રેશનમાં જીવી રહ્યો છે. હદ તો એ વાતની છે કે, હવે નાનાં બાળકો પણ ડિપ્રેશનનો ભોગ બની રહ્યાં છે. બાળકોમાં ખુલ્લામાં રમવાનું અને મિત્રો સાથે ધિંગામસ્તી કરવાનું ઘટી રહ્યું છે. બાળકો પણ મોબાઇલ લઇને બેઠાં રહે છે અને ગેઇમ રમ્યા રાખે છે. એક સમયે એ કંટાળી જાય છે. આ કંટાળો વધતો જાય છે અને ધીમેધીમે એ ચીડિયાં બનતાં જાય છે.
શહેરોની સરખામણીમાં ગામડાંના લોકો ડિપ્રેશનનો ભોગ ઓછો બને છે એ વાત સાચી પણ હવે ગામડાંના લોકોમાં પણ ધીમેધીમે મેન્ટલ હેલ્થના પ્રશ્નો વધતા જાય છે. નાનાં નાનાં ગામડાંઓમાં પણ હવે મોબાઇલ ફોન તો આવી જ ગયા છે. ગામડાંના લોકો પણ બધું જુએ છે. એને એવું લાગે છે કે, શહેરમાં લોકો ખૂબ મોજમજા કરે છે, અહીં તો કંઇ નથી! ગામડાંમાં રહેતો યુવાવર્ગ શહેરનાં છોકરા-છોકરીઓ કરતાં પાછળ રહી ગયાંનું પણ અનુભવે છે. હવે એક નવી સમસ્યા પણ ખડી થઇ છે. યંગસ્ટર્સ નાનાં ગામોમાં રહેવા જ તૈયાર નથી. હેરાન થવું પડે તો ભલે પણ બધાને રહેવું તો શહેરમાં જ છે. ગામડામાં બધી સગવડ હોય તો પણ એ છોડીને શહેરના નાનકડા ફ્લેટમાં રહેવા જશે. છોકરીઓ તો હવે ગામડાના છોકરા સાથે પરણવા જ તૈયાર નથી. ખેતી અને ઘરકામ કરવાને બદલે એ ભણીગણીને શહેરમાં જોબ કરવા ઇચ્છે છે. છોકરીઓમાં ભણવાનું પ્રમાણ વધ્યું છે. છોકરીઓ પણ હવે કરિયર ઓરિએન્ટેડ થઇ ગઇ છે એટલે સ્વાભાવિક રીતે જ તેનાં સપનાં પણ ઊંચાં રહેવાનાં છે. ગામડાંના છોકરાઓને પણ શહેર આકર્ષે છે. લગ્ન કરવા માટે શહેરમાં રહેવું જરૂરી છે. છોકરાઓ શહેરમાં આવીને જેવી મળે એવી નોકરી કે નાનોસૂનો ધંધો કરી લે છે. સપનાં પૂરાં થતાં નથી એટલે હતાશ થાય છે. ગામડાંઓમાં મોટી ઉંમરના લોકો એકલા પડતા જાય છે. સંતાનો દૂર હોય છે. એ લોકોને એવો સવાલ પજવતો રહે છે કે, આખરે આ બધું કોના માટે? જે લોકો માટે જિંદગી ખર્ચી નાખી એ તો છોડીને ચાલ્યા ગયા છે. હતાશ થવાનાં દરેક પાસે પૂરતાં કારણો છે. માણસના વિચારો વીજળીની ગતિથી ચાલે છે. વિચારો કંટ્રોલમાં રહેતા નથી. એક એવી દોડ ચાલે છે જેનો કોઈ અંત નથી. આ દોડ આખરે માણસને ડિપ્રેશનમાં ઢસડી જાય છે. દુનિયા જેમ જેમ આધુનિક થતી જાય છે એમ એમ સુખ વધવાને બદલે ઘટી રહ્યું છે. કોઈને શાંતિ નથી. દરેકના મોઢે કોઈ ને કોઈ ફરિયાદ છે. કોઇ ને કોઇ ઉચાટ છે. યોગ કરે તો પણ શાંતિ વળતી નથી. યોગમાં પણ ઓતપ્રોત તો થવું પડેને? સવાલો વધતા જાય છે અને જવાબ જડતા નથી. દરેક વ્યક્તિ અલગ છે, દરેકની સમસ્યા જુદી છે, દરેકે પોતે જ પોતાની શાંતિ અને સુખના રસ્તા શોધવા પડે એમ છે. રસ્તો ચૂક્યા તો હતાશા તરત જ પકડી લેવાની છે, પછી તમે શહેરમાં રહેતા હો કે ગામડાંમાં!
હા, એવું છે!
માણસ માણસથી જેમ જેમ દૂર જતો જશે એમ એમ એ વધુ ને વધુ હતાશા તરફ ઢસડાતો જશે. માનસિક સ્વસ્થતા સંબંધો સાથે સીધી રીતે જોડાયેલી છે. મજામાં અને સાજાનરવા રહેવું હોય તો તમારા સંબંધોને મરવા ન દો. સંબંધ મરી જશે તો આપણે જીવતાં હોઈશું તો પણ એકલતા જ અનુભવવાના છીએ!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 07 જૂન, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com