SELF LOVE
સેલ્ફ લવનો અર્થ એવો નથી
કે બીજા કોઈને પ્રેમ ન કરવો!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
દુનિયામાં પોતાની જ પરવા કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે, એના કારણે
માણસ દિવસે ને દિવસે એકલો થતો જાય છે!
———–
તમારી જિંદગી પર સૌથી પહેલો અધિકાર તમારો પોતાનો છે. જિંદગી મળી છે તો એને ભરપૂર જીવી લો. કશું જ કાયમી નથી એટલે ખાવ, પીઓ અને મોજ કરો. એકલા ફરો અને તમારા પોતાના વજૂદને ફીલ કરો. સોલો ટ્રાવેલની મજા ક્યારેય માણી છે? એકલા ફરવા જાવ અને તમારી પોતાની જાત સાથે રહો. લાઇફ, હેપ્પીનેસ અને સેલ્ફ લવની વાત છેલ્લા થોડા સમયથી માત્ર આપણા દેશમાં જ નહીં, આખી દુનિયામાં બહુ ચાલી છે. આજકાલ ધર્મ, ફિલોસોફી, સંસ્કૃતિ, પરંપરા જેવી વાતોમાં જે કન્ટેન્ટ હોય છે એના વિશે ધ્યાનથી વિચારજો, મોટા ભાગના પોતાને પ્રેમ કરવા વિશેના હોય છે. એક રીતે જોવા જઇએ તો એમાં નયા ભારનું ખોટું નથી, ઉલટું સારું છે. દરેક માણસે પોતાની જાતને પ્રેમ કરવો જ જોઇએ. પ્રોબ્લેમ એ વાતનો છે કે, યંગસ્ટર્સ હવે સેલ્ફ લવના ચક્કરમાં બીજા કોઇને પ્રેમ કરવાથી અને કોઇનો પ્રેમ પામવાથી દૂર થઇ રહ્યા છે! છોકરા-છોકરીઓ મળે છે, હરેફરે છે પણ કમિટમેન્ટથી ભાગે છે. મેરેજની વાત આવે તો ના પાડી દે છે. છોકરો હોય કે છોકરી, બંને સાથે હોય તો પણ પોતાની મજા માટે સાથે હોય છે. જેવું એને લાગે કે, હવે મજા નથી આવતી એટલે એનામાં તરત બદલાવ આવી જાય છે. તું તારા રસ્તે અને હું મારા રસ્તે. અગાઉના સમયમાં પોતાનાં પ્રેમી કે પ્રેમિકા માટે માણસ કંઇ પણ કરી છૂટતો, હજુ કરે છે પણ જ્યાં સુધી પોતાને મજા આવે ત્યાં સુધી! હવે પ્રેમ ઓછો થાય છે અને બ્રેકઅપ વધુ થઇ રહ્યાં છે!
યુવાનો હવે વધુ ને વધુ સ્વકેન્દ્રી થઇ રહ્યા છે. અમેરિકાનો એક સરવૅ તો એવું કહે છે કે, માત્ર પ્રેમી કે પ્રેમિકાની જ વાત નથી, હવે તો મા-બાપ કે ફેમિલીના બીજા કોઈ લોકોની પણ યુવાનો પરવા કરતા નથી. મોટી મોટી કંપનીઓ પણ યુવાનોને સેલ્ફ લવની વાતો કરીને ભોળવી રહી છે. અનેક કંપનીઓએ પોતાની બ્રાન્ડના પ્રમોશન માટે ઇન્ફલુઅન્સરોને રોક્યા છે. જેના ફોલોઅર્સ વધારે હોય, જેને વધુ લાઇક મળતી હોય એવા લોકોને રીતસર એવું કહેવામાં આવે છે કે, તમે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આવી આવી વાતો કરો, અમે તમને રૂપિયા આપીશું. વાતો પણ પાછી સારી લાગે એવી હોય. પોતાની જિંદગી જીવવાની અને ધાર્યું કરવાની વાત કોને ન ગમે? યંગસ્ટર્સને એ વાતની સમજ નથી પડતી કે, પોતાની સાથે રહેવામાં એ બીજા બધાથી દૂર થતો જાય છે!
ખુદને પ્રેમ કરવાથી થતા ફાયદા ગણાવવામાં આવે છે. તમારું શરીર સુંદર હશે તો તમને જીવવાની મજા આવશે, એના માટે આ ડાયટ ફૂડ વાપરો, ચાલવામાં આ પ્રકારનાં બૂટ પહેરો, કપડાં સિઝન અને સમય મુજબ પહેરો, સગવડ હોય તો ઘરમાં જિમ બનાવો. ન હોય તો જિમમાં જાવ. તબિયત સ્વસ્થ હશે તો તમારું કામ પણ મસ્ત રહેશે. ઓફિસવર્કથી માંડીને સેક્સ સુધીમાં તમે બેસ્ટ પરફોર્મ કરી શકશો. તમે માર્ક કરજો, આવું બધું કરીને સરવાળે એ લોકો પોતાની ચીજો જ વેચતા હોય છે. માણસ પોતાની જ પસંદ-નાપસંદમાં અટવાયેલો રહે એવા સતત પ્રયાસો થઇ રહ્યા છે. પોતાનામાંથી નવરો પડે તો બીજાનો વિચાર કરેને? બાકી હતું એ મોબાઇલે પૂરું કર્યું છે. સોશિયલ મીડિયામાં પણ મૂકવામાં આવતા ફોટોગ્રાફ્સ, રીલ્સ કે ક્લિપ્સ સરવાળે તો સેલ્ફ લવનું જ પ્રદર્શન કરે છે! મનોચિકિત્સકો કહે છે કે, સેલ્ફ લવ કરો, નો ઇશ્યૂઝ પણ સાથોસાથ તમારી જિંદગી સાથે બીજા લોકો પણ જોડાયેલા છે એ વાત ન ભૂલો.
સેલ્ફ લવના કારણે યંગસ્ટર્સ એકલતાનો ભોગ બની રહ્યા છે એવું અમેરિકામાં સિગ્ના દ્વારા થયેલા એક સરવૅમાં બહાર આવ્યું છે. 18થી 24 વર્ષની ઉંમરના 80 ટકા યંગસ્ટર્સ અત્યારે એકલતાનો ભોગ બની ગયા છે. આવું શા માટે થયું છે એનાં કારણોની પણ ત્યાં તપાસ આદરવામાં આવી હતી. તેમાં જ એવું જણાયું કે, યુવાનો હવે માત્ર પોતાની ખુશી પર જ બધું ધ્યાન આપે છે. જે કંઇ કરે છે એના કેન્દ્રમાં છેલ્લે પોતે જ હોય છે. છોકરીઓમાં આ પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. બીજા કરતાં સુંદર દેખાવા માટે કંઈ પણ કરે છે. અંદરખાને તેને સતત એ ભય સતાવે છે કે મને જેટલી લાઇક અને કમેન્ટ મળે છે એટલી નહીં મળે તો? મારી સુંદરતા ઘટી જશે કે ખતમ થઇ જશે તો? વાત કરવા માટે કોઇ નજીકની વ્યક્તિ તો છે નહીં એટલે છોકરો કે છોકરી અંદર ને અંદર ધૂંધવાયા રાખે છે અને એકલતા, ડિપ્રેશન અને વ્યસનનો ભોગ બને છે!
એકલતા, લોનલીનેસ એ આજના સમયની સૌથી મોટી સમસ્યા બનતી જાય છે. એક તબક્કે એવું લાગે છે, મારું કોઇ જ નથી. હું આખા જગતમાં સાવ એકલો કે એકલી છું. હોય છે બધા પણ પોતે દૂર થઇ ગયાં છે એવી સમજ એનામાં હોતી જ નથી. જો એ જાય તો એના લોકો એની રાહ જોઇને જ બેઠા હોય છે પણ જવા તો જોઇએને? પોતાના ખયાલોમાં જીવતા લોકોની સંખ્યા વધી રહી છે. અમુક દેશોમાં તો એવાં કેમ્પેન ચાલી રહ્યાં છે કે, તમારા સંબંધોને ઓળખો અને એ પહેલાં તમે તમારી જાતને જાણો. દુનિયાના જાણીતા મનોચિકિત્સકો એવું કહે છે કે, જે માણસ માત્ર પોતાને જ પ્રેમ કરતો હોય છે એ ઘણી વખત બીજાને પ્રેમ કરી શકતો નથી. જે માણસ બીજાને પ્રેમ કરે છે એ આપોઆપ પોતાને પ્રેમ કરવા લાગે છે. છોકરો કે છોકરી કોઇના પ્રેમમાં હોય ત્યારે એ પોતાની પ્રિય વ્યક્તિ માટે સુંદર દેખાવાનો પ્રયાસ કરે છે. કોઇના માટે શણગાર સજવા અને પોતાના માટે જ દેખાવડા થવું એ બંનેમાં બહુ મોટો ફેર હોય છે.
જિંદગી સંબંધોથી જિવાય છે. સુખમાં હોઇએ કે દુ:ખમાં કોઇનો સાથ હોય તો બહુ વાંધો નથી આવતો. ગમે એવી ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પણ ટકી જવાય છે. વર્ચ્યુઅલ વર્લ્ડના રિલેશન્સ અને ખરી જિંદગીના સંબંધો વચ્ચેનો ભેદ જો નહીં સમજાય તો અટવાઇ જવાશે. અત્યારે એક એવો વર્ગ પણ ઊભો થયો છે જે એવા ભ્રમમાં છે કે, મારે ઘણાબધા મિત્રો છે. બધું સારું ચાલતું હોય ત્યારે બધા હોય છે પણ જ્યારે મુશ્કેલી આવે ત્યારે ઊભા રહે એવા દોસ્તો છે ખરા? સોશિયલ મીડિયા એન્જોય કરો, ફેન ફોલોઅર્સ વધારો, લાઇક અને કોમેન્ટ્સ વધુ મળે એવા પ્રયાસો પણ કરો, કંઈ વાંધો નથી, બસ, પોતાના લોકોથી દૂર ન જાવ. કોઇ નહીં હોય ત્યારે જવા માટે કોઇક તો જગ્યા હોવી જોઇએને? માણસ માત્ર પોતાના માટે નથી જીવતો હોતો, માણસ પોતાના લોકો માટે પણ જીવતો હોય છે. ખુદનાં મા-બાપ અને વડીલોની જિંદગી પર નજર કરજો, એના સંબંધોનું સત્ત્વ જોજો અને વિચારજો કે તમારી પાસે એવા સંબંધો છે ખરા? હોય તો એને છટકવા કે સરકવા નહીં દેતા! છેલ્લે એક સાવ સાચી ઘટના, એક પાંસઠ વર્ષના ભાઇને તેના જૂના બે મિત્રો મળવા આવ્યા. એ ત્રણેય પોતાની વાતોમાં ખોવાઇ ગયા. એ ભાઇનો દીકરો અને વહુ બધું જોતાં હતાં. દીકરાએ એની પત્નીને કહ્યું, પપ્પાને આટલા ખુશ ક્યારેય નથી જોયા, નહીં? પત્નીએ કહ્યું, સાચી વાત છે પણ આપણે બંનેએ એ વિચારવાની જરૂર છે કે, આપણે બંને સાઠ-પાંસઠનાં થઈશું ત્યારે આપણી પાસે પપ્પાને છે એવા કોઇ મિત્રો હશે ખરા? પોતાની જિંદગીમાં એટલા ન ખોવાઇ જઇએ કે બીજાનો કશો વિચાર જ ન આવે. હાથ અને સાથ નસીબવાળાને જ મળતો હોય છે, આપણે જ ઘણી વખત એ હાથ છોડી દેતા હોઇએ છીએ. એકલું લાગવા માંડે અને એકલતા પરેશાન કરવા લાગે એ પહેલાં પોતાના લોકોને પ્રેમ કરતાં શીખી જવાનો સમય આવી ગયો છે એવું નથી લાગતું?
હા, એવું છે!
એવું જરાયે નથી કે માણસને પોતાની ભૂલો સમજાતી નથી. પ્રોબ્લેમ એ છે કે, ભૂલો સમજાય ત્યાં સુધીમાં બહુ મોડું થઇ ગયું હોય છે. લોકોની રફતાર એટલી વધી ગઇ છે કે, એને ખુદને એ વાતની સમજ પડતી નથી કે જ્યાં રોકાવાનું હતું એ પણ છૂટી ગયું છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 26 એપ્રિલ, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com