તમે અજાણ્યા માણસ સાથે
છેલ્લે ક્યારે વાત કરી હતી?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
એક સમય હતો જ્યારે લોકો બસ, ટ્રેન કે પ્લેનમાં સફર કરતી વખતે
બાજુમાં બેઠેલી વ્યક્તિ સાથે આરામથી વાત કરતા હતા.
હવે લોકો વાત કરવાનું અવોઇડ કરે છે! વાત કરવાને બદલે
મોબાઇલ લઈને બેઠા હોય છે!
———–
જેમ જેમ સમય થઇ રહ્યો છે એમ એમ માણસને માણસ પરનો ભરોસો અને વિશ્વાસ ઘટતો જાય છે. આપણા સંબંધોનું વર્તુળ નાનું ને નાનું થતું જાય છે. હવે આપણે સિલેક્ટેડ અને ટેસ્ટેડ લોકોને જ આપણા સર્કલમાં દાખલ થવા દઇએ છીએ. મોટા ભાગના લોકો એવું માનવા લાગ્યા છે કે, સ્ટ્રેન્જર્સ આર ડેન્જરસ! તમે યાદ કરો, છેલ્લે તમે ક્યારે કોઇ અજાણ્યા માણસ સાથે વાત કરી હતી? જેને આપણે ઓળખતા ન હોઇએ, જેની સાથે આપણને કંઈ લાગતુંવળગતું ન હોય એની સાથે વાત કરવાનું લોકો ટાળી રહ્યા છે. એક સમય હતો જ્યારે માણસ બસ, ટ્રેન કે પ્લેનમાં મુસાફરી કરતી વખતે બાજુમાં બેઠેલી વ્યક્તિ સાથે આરામથી વાતો કરવા લાગતો હતો. સફર પૂરી થાય ત્યાં સુધીમાં તો સંબંધ ગાઢ બની ગયો હોય એવા કિસ્સાઓ પણ બન્યા છે. પેલી ગઝલ છેને કે, બાત નિકલેગી તો બહોત દૂર તલક જાયેગી…પણ વાત નીકળવી તો જોઇએને? વાત શરૂ તો થવી જોઇએને? હવે સાથે સફર કરનાર વ્યક્તિ વાત કરવાનું તો દૂર, સામે જોવાનું પણ ટાળવા લાગ્યા છે!
મોબાઇલે માણસનું લાઇવ કમ્યુનિકેશન ઘટાડી દીધું છે. એક ભય તો એવો વ્યક્ત થઇ રહ્યો છે કે, આવું જ ચાલ્યું તો લોકો આર્ટ ઓફ એક્સપ્રેશન જ ગુમાવી દેશે! હું ભલો અને મારી દુનિયા ભલી એવું માનવાવાળાની સંખ્યા સતત વધી રહી છે. વૅલ, પોતાની દુનિયામાં મસ્ત રહેવામાં કશું ખોટું નથી પણ મન થાય અને મોકો હોય ત્યારે વાત કરવામાં પણ કંઈ વાંધો ન હોવો જોઇએ. હવે તો માણસ કંઈ વાત કરતાં પહેલાં સો વાર વિચાર કરે છે. એક ભાઇ વિમાનમાં સફર કરવાના હતા. તેને સિગારેટ પીવાની આદત હતી. એરપોર્ટ ગયા. બધી વિધિ પતાવી એ સ્મોકિંગ રૂમ તરફ ગયા. સ્મોકિંગ રૂમમાં ગયા પછી તેને ખબર પડી કે સિગારેટ તો લેવાની જ રહી ગઇ છે! સ્મોકિંગ રૂમમાં ઘણા લોકો સિગારેટ પીતા હતા. તેને મન તો થયું કે, કોઇની પાસેથી એક સિગારેટ માંગી લઉં પણ એવો વિચાર આવ્યો કે, અજાણી વ્યક્તિ સાથે વાત કેમ કરવી? કદાચ કોઇ પાસે સિગારેટ માંગી હોય તો કોઇ ના ન પાડે પણ માંગવી કઇ રીતે? ઘણી વખત તો જેન્યુઇન હેલ્પની જરૂર હોય છે અને આપણે કહી શકતા નથી કે, મને મદદ કરો. ડર એ વાતનો પણ રહે છે કે, ખબર નહીં કોણ કેવો હોય?
આપણે નાના હોઈએ ત્યારથી મા-બાપ આપણને કહે છે કે, અજાણ્યા લોકો સાથે વાત નહીં કરવાની, કોઇ કંઈ આપે તો નહીં લેવાનું. એમાંયે દીકરીઓને તો ગોખાઇ જાય ત્યાં સુધી આવી વાતો કહેવામાં આવે છે. આ વાત સાચી અને સારી છે. બાળકોને એવું સમજાવવું જ પડે કે, અજાણ્યાનો ભરોસો ન કરવો. બહુ ઓછાં મા-બાપ સંતાનોને એવું કહે છે કે, જરૂર હોય ત્યારે કોઇની મદદ માંગતા પણ અચકાવું ન જોઇએ. એ વાતથી જરાયે ઇનકાર ન થઇ શકે કે બધા માણસો સારા નથી હોતા પણ તેની સાથે એક સત્ય એ પણ છે કે, બધા માણસો ખરાબ પણ નથી હોતા. નવા અને અજાણ્યા લોકો સાથે વાત કરવાથી આપણું પોતાનું એક્સપોઝર વધે છે. દુનિયામાં જુદી રીતે વિચારવાવાળા અને અનોખી રીતે જીવવાવાળા લોકો પણ છે એ એની નજીક જઇએ તો જ ખબર પડે. ઘણા લોકો કોઇ પણ જાતના સંકોચ વગર આરામથી વાત શરૂ કરી શકે છે, ઘણાને તો એ જ પ્રશ્ન હોય છે કે, વાત શરૂ કેવી રીતે કરવી? હાય, હાઉ આર યુ? કેમ છો? એમ કહી શકાતું જ નથી. વિદેશમાં વાતની શરૂઆત એવી રીતે પણ કરવામાં આવે છે કે, શું હું તમારી સાથે વાત કરી શકું? કોઇ અજાણ્યાને તમે આ સવાલ કરી જોજો. લગભગ તો કોઇ એવું નહીં જ કહે કે, ના તમે મારી સાથે વાત ન કરો! આપણે ત્યાં તો હવે પડોશીઓ પણ ઓછી વાતો કરવા લાગ્યા છે. એક જ બિલ્ડિંગમાં રહેતા હોય અને લિફ્ટમાં મળી જાય તો પણ હાય હલો નહીં કરે. ફ્લેટમાં નીચે નેઇમ પ્લેટના લિસ્ટમાં નામ વાંચીએ ત્યારે ખબર પડે છે કે, એક દીવાલને અડીને આવેલા ફ્લેટમાં રહેતી વ્યક્તિનું નામ શું છે!
લોકો પોતાની બિલ્ડિંગના વોચમેન કે માળી સાથે પણ વાત કરવાનું ટાળી રહ્યા છે. એ કોણ છે, ક્યાંથી આવે છે, એનું થિંકિંગ કેવું છે, એનાથી લોકોને કોઇ મતલબ નથી હોતો! લોકો એવું પણ માનવા લાગ્યા છે કે, કોઇની જિંદગી સાથે આપણને શું મતલબ છે? દરેકને પોતાના પ્રોબ્લેમ્સ, પોતાના ઇશ્યૂઝ અને પોતાની વિચારસરણી છે. માણસ ધીમેધીમે એકલસૂડો થતો જાય છે. સેલ્ફ સેન્ટર્ડ થતો જાય છે. એના કારણે જ ઘણી વખત એ લોન્લી ફીલ કરે છે. ઘણી વખત આપણને એકલતા લાગતી હોય છે એના માટે જવાબદાર પણ આપણે જ હોઇએ છીએ. આપણે કોઇનામાં રસ જ લઇ શકતા નથી! જે લોકો અજાણ્યા સાથે વાત કરી શકે છે, કોઇના વિચારો જાણી શકે છે અને પોતાના વિચારો શૅર કરી શકે છે એ વધુ સુખી અને ખુશ હોય છે એવું એક અભ્યાસ કહે છે! જર્નલ ઓફ એક્સપેરિમેન્ટલ સોશિયલ સાઇકોલોજીમાં પ્રસિદ્ધ થયેલું એક રિસર્ચ એવું કહે છે કે, અજાણ્યા લોકો સાથે વાત કરવાથી હળવાશ લાગે છે. તેનાથી આરોગ્ય પણ સારું રહે છે. માણસ સામાજિક પ્રાણી છે. સમાજનો હિસ્સો છે. સમાજના દરેક અંગ સાથે તેને લાગેવળગે છે. માલકમ ગ્લેડવેલ નામના લેખકે ટોકિંગ ટુ સ્ટ્રેન્જર્સ નામની બુક લખી છે. આ બુકમાં અજાણ્યા લોકો સાથે વાતોની અસરો વિશે સરસ વિગતો આપવામાં આવી છે. આ જ એટલે કે ટોકિંગ ટુ સ્ટ્રેન્જર્સ નામની જ એક નવલકથા સાઇકોલોજિસ્ટ ગિલિયન એમ. સેન્ડસ્ટોર્મ નામના લેખકે લખી છે. આ પુસ્તકમાં એવું જણાવાયું છે કે, શા માટે આપણે અજાણી વ્યક્તિ સાથે વાત કરવી જોઇએ? એનું એક તારણ તો એવું છે કે, અજાણ્યા લોકો સાથે વાત કરવાથી આપણો કોન્ફિડન્સ વધે છે. કોઇ વ્યક્તિ અજાણી લાગતી નથી. જો કેહાનેએ લખેલા પુસ્તક ધ પાવર ઓફ સ્ટ્રેન્જર્સમાં પણ એવું જ કહેવાયું છે કે, અજાણ્યા સાથે કોઇ પણ વિષય પર વાત કરો, સારું લાગશે. ક્યારેક તો અજાણી વ્યક્તિ સાથે એવો સંબંધ બંધાઈ જશે જે આખી જિંદગી તમારી સાથે રહેશે. એટલી બધી ઘટનાઓ, કિસ્સાઓ અને વાતો સાંભળવા મળશે જેની તમને કલ્પના પણ નહીં હોય!
ઘણી વખત આપણને વાત કરવાનું મન થાય છે પણ વાતની શરૂઆત ક્યાંથી કરવી એ નક્કી થતું નથી. તેના વિશે એવું કહે છે કે, વાતની શરૂઆત વિશે લાંબો વિચાર કરવાની જરૂર નથી. તમે બસ વાત શરૂ કરી દો. બે છોકરીની વાત છે. બંને સાથે સફર કરતી હતી. એક છોકરીએ કહ્યું કે, હાય, તમારો ડ્રેસ બહુ સરસ છે. પેલી છોકરીએ કહ્યું કે, આ તો હું સ્પેન ગઇ હતી ત્યારે લઇ આવી હતી. અચ્છા, સ્પેન બહુ ફાઇન છે નહીં? વાતો શરૂ થઇ અને ક્યાંની ક્યાં પહોંચી ગઇ. તમે માર્ક કરજો, કોઇ વાત કરવાવાળું હોય ત્યારે ઘણી વખત આપણને એ ખબર પણ નથી પડતી કે, સફર ક્યાં પૂરી થઇ ગઇ!
કોઇની વાતોમાં રસ લઇએ ત્યારે એને પણ સારું લાગતું હોય છે. એને એમ લાગે છે કે, કોઇ છે જે મારી વાત સાંભળે છે. હવે તો એવો સમય આવતો જાય છે કે, માણસને એવું લાગે છે કે, મારી વાતોમાં કોઇને કંઇ રસ જ નથી. ક્યારેક કોઇની સાથે વાત કરતી વખતે એ પણ ખબર પડે છે કે, એ માણસે પોતાની જિંદગીમાં કેટલું કામ કર્યું છે. ક્યારેક કોઇ અજાણી પ્રેરણા પણ મળી જાય છે. છેલ્લે એટલી જ વાત કે વાતો કરતા રહો, એકલું નહીં લાગે, બધા જ મિત્રો અને સ્વજનો લાગશે! કોઇ આપણાથી દૂર નથી હોતું, મોટા ભાગે તો આપણે જ બધાથી દૂર ભાગતા હોઇએ છીએ!
હા, એવું છે!
એક સવાલ આજની તારીખે રહસ્યમય છે કે, માણસ આખરે ક્યાં સુધી મૂંગો રહી શકે? ક્યાં સુધી એને બોલ્યા વગર ચાલે? મૌનવ્રત લેવાની વાત નથી પણ સામાન્ય સંજોગોમાં માણસ ક્યાં સુધી ચૂપ રહી શકે? એક અભ્યાસ એવું પણ કહે છે કે, વધુ પડતું ચૂપ રહેવું સારું નથી. વાત કરવાનું મન થતું હોય તો કરી નાખવી જોઇએ. અંદર ને અંદર ગૂંગળાયેલા રહેવું ઘણી વખત જોખમી સાબિત થતું હોય છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 15 માર્ચ 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com