અમે મળ્યાં નથી પણ
એના વિશે સારું સાંભળ્યું છે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ઘણું સપનાથી સુંદર છે, અમે જાગીને જોયું છે,
નવું છે કૈંક, નવતર છે, અમે જાગીને જોયું છે,
ઘણાંને કોણ જાણે કેમ કંઈ નજરે નથી પડતું,
ન જોવું એ જ નીંદર છે, અમે જાગીને જોયું છે.
-બાબુલાલ ચાવડા `આતુર’
સજ્જન માણસની સાવ સરળ વ્યાખ્યા કરવી હોય તો શું કહી શકાય? જે દરેક પરિસ્થિતિમાં એકસરખો રહે એ સજ્જન માણસ. બહુ ઓછા લોકો દરેક સ્થિતિમાં એકસરખા રહી શકે છે. માણસ ઘડીકમાં બદલાઈ જાય છે. હાથ જોડીને કાલાવાલા કરતો માણસ બીજી જ ક્ષણે હાકલા-પડકારા કરવા લાગે છે. બૂમબરાડા પાડતો માણસ જરાકેય ફસાય કે તરત જ ગરીબડો બની જાય છે. માણસના ખરેખર કેટલા રંગ છે અને કેવા ઢંગ છે એ કળવું મુશ્કેલ છે. આપણે લોકો વિશે જાતજાતના અભિપ્રાયો લઇને ફરીએ છીએ. દુનિયાના દરેકે દરેક માણસ માટે આપણી પાસે અભિપ્રાય હોય છે. આપણને કોઇ દિવસ મળ્યા ન હોય, આપણને કોઇ દિવસ મળવાના પણ ન હોય એવી વ્યક્તિ માટે પણ આપણી પાસે અભિપ્રાય હોય છે. ક્યારેક કોઇ પાસેથી કંઈ સાંભળ્યું હોય, ક્યાંક કોઇના વિશે કંઈ વાંચ્યું હોય, કોઇને કોઇ સારું કે ખરાબ કૃત્ય કરતાં જોયા હોય અથવા તો કોઇના વિશે કંઈ ધારી લઇને આપણે અભિપ્રાય બાંધી લેતા હોઇએ છીએ! આપણો અભિપ્રાય કેટલો સાચો હોય છે? આપણા અભિપ્રાયમાં આપણે કેટલા પ્રામાણિક હોઇએ છીએ?
હમણાંનો એક કિસ્સો છે. થોડાક મિત્રો ભેગા થયા. ગપ્પાં મારતા હતા. વાત વાતમાં એક વ્યક્તિની વાત નીકળી. એ ભાઇ વિશે એક મિત્રએ કહ્યું કે, હું એને મળ્યો નથી પણ મેં એના વિશે સારું સાંભળ્યું છે. એ સારો માણસ છે. આ વાત સાંભળીને બીજાએ કહ્યું કે, તારી માન્યતા સાવ ખોટી છે. એ તો એક નંબરનો બદમાશ માણસ છે. તું એના વિશે કોઇ ભ્રમમાં ન રહીશ. પેલા મિત્રએ સામો સવાલ કર્યો, તને એનો કોઇ અનુભવ છે? પેલાએ કહ્યું, ના અનુભવ તો નથી, હું તો તેને મળ્યો પણ નથી, આ તો મેં તેના વિશે જે સાંભળ્યું છે એ તને કહું છું. કરવા ખાતર કરાતી વાતોમાં પણ કેરફુલ રહેવું જોઇએ! આપણે કેટલી એવી વાતો કરતા હોઇએ છીએ જે આપણે માત્ર સાંભળી હોય છે? સારો અને સાચો માણસ એ છે જે કોઈ અનુભવ કે કોઇ ઘટના વગર કોઇના વિશે કંઈ અભિપ્રાય આપતો નથી.
એક યુવાન હતો. તેના મિત્રને એક વ્યક્તિનું કામ હતું. મિત્રએ તેને પૂછ્યું, એ કેવો માણસ છે? તું તો એને મળ્યો છે. એ યુવાને કહ્યું કે, હા હું એને મળ્યો છું. મને એનો સારો અનુભવ નથી. જોકે, તારે એને મળવા જવું જ જોઇએ. એનું કારણ એ છે કે, મને જે અનુભવ થયો એ તને ન પણ થાય. માણસ બદલાતો રહેતો હોય છે. બનવાજોગ છે કે, હું જ્યારે મળ્યો ત્યારે એ મજામાં ન હોય, કોઇ ટેન્શનમાં હોય! આપણે ઘણી વખત કોઇની પાસે જઇએ છીએ, કંઇક ખાસ વાત કરવી હોય છે પણ એનો મૂડ અને એનું વર્તન જોઈને માંડી વાળીએ છીએ. આપણને એવું લાગે છે કે, અત્યારે રાઇટ ટાઇમ નથી. અત્યારે વાત કરીશું તો એ સિરિયસલી નહીં લે! કઇ વાત ક્યારે કરવી એના માટે પણ મૂડ અને માહોલ જોવો પડતો હોય છે!
આપણા સંબંધો ધીમે ધીમે બહુ પ્રોફેશનલ થતા જાય છે. સંબંધમાં ગણતરીઓ મંડાવા લાગે ત્યારે બધું મપાવા લાગતું હોય છે. એણે મારા માટે શું કર્યું હતું? એણે જેવું કર્યું છે એવું જ હું એની સાથે કરીશ. બીજા ભલે આવું કરતા હોય, આપણે એ ચેક કરતા રહેવાનું કે, ક્યાંક હું તો એવું નથી કરતોને? એક સાવ સાચી ઘટના છે. એક છોકરીને તેની બહેનપણીનું એક કામ પડ્યું. અગાઉ એ બહેનપણી સાથે તેણે જ બહુ ખરાબ વર્તન કર્યું હતું. કામ પડ્યું ત્યારે એને વિચાર આવ્યો કે, એ થોડી મારું કામ કરવાની છે? એ તો મને દાઢમાં રાખીને જ બેઠી હશે. મોકાની રાહ જોતી હશે કે, ક્યારે હાથમાં આવે અને ક્યારે સંભળાવી દઉં? એ છોકરીની સ્થિતિ એવી હતી કે, કહ્યા વગર છૂટકો જ નહોતો. જે થશે એ જોયું જશે એવું વિચારીને તે પોતાની બહેનપણી પાસે ગઇ. તેણે પોતાનું કામ કહ્યું. બહેનપણીએ કહ્યું કે, અરે, એમાં શું મોટી વાત છે, હમણાં થઇ જશે. પેલી છોકરીને આશ્ચર્ય થયું. તેણે કહ્યું કે, મને કલ્પના નહોતી કે, તું મારું કામ કરી દઇશ. મને તો ડર લાગતો હતો કે ક્યાંક તું મને અપમાનિત કરીશ. તેની બહેનપણીએ કહ્યું કે, હા, તેં જ્યારે મારી સાથે મિસબિહેવ કર્યું હતું ત્યારે મને ગુસ્સો આવ્યો હતો પણ પછી મેં બધું ખંખેરી નાખ્યું. તારા પર દયા ખાઇને નહીં પણ મેં મારો વિચાર કરીને તારા વર્તનને જતું કરી દીધું હતું. તારા વિશે નબળા વિચારો કરીને મારે મારું મગજ ખરાબ કરવું નહોતું. આપણે જે વિચારીએ છીએ એની સૌથી મોટી અસર આપણને થાય છે. મારે તારું ખરાબ વિચારવું જ નહોતું. તું યાદ આવે ત્યારે ઉલટું હું એવો વિચાર કરતી કે, ભવિષ્યમાં મળવાનું થશે ત્યારે હું પ્રેમથી મળીશ. આપણે ક્યારેક એટલો બેગેજ લઇને ફરતા હોઇએ છીએ કે આપણાથી જ સહન ન થાય.
એક મેન્ટલ હોસ્પિટલ હતી. આ હોસ્પિટલમાં એક ડૉક્ટર હતા. એ માનસિક બીમાર લોકોની સારવાર કરતા હતા. એક વખત ડૉક્ટરના મિત્રએ તેને સવાલ કર્યો કે, આ બધા પાગલ લોકોને કેવા માણસો સાથે પનારો પડ્યો હશે કે, બધાનાં મગજ ખરાબ થઇ ગયાં! આ વાત સાંભળીને મનોચિકિત્સકે કહ્યું કે, માણસ કોઇના કારણે નહીં પણ પોતાના કારણે જ પાગલ થતો હોય છે. તમારા પર તમારો કાબૂ ન હોય ત્યારે તમે માનસિક સંતુલન ગુમાવો છો. બીજાને દોષી ઠેરવી દેવા એ સૌથી સરળ કામ છે. પોતાનો વાંક કોઇ જોઇ શકતા નથી. તબીબના મિત્રએ પૂછ્યું, પણ કોઈ ખરાબ માણસ ભટકાઇ જાય તો? મનોચિકિત્સકે કહ્યું, ખરાબ માણસ તો ભટકાવાના જ છે. ક્યારેક તો એ આપણા બહુ નજીકના લોકો પણ હોઈ શકે. એ સમયે તમારામાં એ આવડત હોવી જોઇએ કે એનાથી છુટકારો કેવી રીતે મેળવવો? આપણને કોઈ ગુલામ ત્યારે જ બનાવી શકે જ્યારે આપણે આપણી સ્વતંત્રતા એના હાથમાં આપી દઇએ!
દુનિયામાં સુખી કરવાવાળા કરતાં દુ:ખી કરવાવાળાની સંખ્યા વધુ જ રહેવાની છે. દરેક માણસ તમારું સારું જોઈ શકવાનો નથી. ઇર્ષા કરવાવાળા, ટાંટિયા ખેંચવાવાળા, ખરાબ બોલવાવાળા અને મેળ પડે તો તમારી હાલત ખરાબ કરી દેવાવાળા લોકો હોવાના જ છે. આપણા માટે એ સવાલ હોય છે કે, આપણે એ બધાથી દૂર કેવી રીતે રહેવું? એનો બેસ્ટ રસ્તો એ છે કે, એના વિશે બહુ વિચારો જ ન કરો. આપણે નક્કામા લોકોના વિચારો કરીને એને આપણા મગજમાં જગ્યા આપી દેતા હોઈએ છીએ. એના એટલા બધા વિચારો કરતા રહીએ છીએ કે, એ આપણને કનડતા જ રહે છે. તમને જે વ્યક્તિ ન ગમતી હોય એના વિચારો કરવાનું બંધ કરો એટલે તમને એનાથી મુક્તિ મળી જશે. આપણી મુક્તિ આપણા હાથમાં હોય છે અને આપણે એવું માનતા અને કહેતાં રહીએ છીએ કે, એના કારણે મારી હાલત ખરાબ થઇ છે! તમે ડિસ્ટર્બ છો? જો હોવ તો જરાક ચેક કરી લો કે, એનું કારણ તમે તો નથીને? આપણને બહુ લાગી આવે છે. થાય એવું, લાગી આવે, આપણે માણસ છીએ પણ કોઇનું કે કોઇની વાતનું એટલું લાગી જવું ન જોઇએ કે આપણે એમાંથી બહાર જ ન નીકળી શકીએ. દુનિયા જેવી છે એવી જ રહેવાની છે. દુનિયા પહેલાં પણ આવી જ હતી અને ભવિષ્યમાં પણ આવી જ રહેશે. આપણે આ દુનિયામાં આપણા સુખનું સ્થળ શોધવાનું છે અને એ સ્થળ આપણે આપણી અંદર જઇશું તો જ મળશે. બહાર સુખ શોધીશું તો ફાંફા જ મારતા રહીશું!
છેલ્લો સીન :
કોઈની હાજરીમાં બોલવા કરતાં કોઈની ગેરહાજરીમાં કંઈ બોલવામાં વધુ ધ્યાન રાખવાની જરૂર હોય છે. આપણે બોલતા કોઇના વિશે હોઇએ છીએ પણ ઓળખ આપણી છતી થતી હોય છે. જે માણસ કોઈનું સારું ન બોલી શકે એને કોઈ સારું કહેતું નથી! -કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 05 ફેબ્રુઆરી ૨૦૨૩, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com