પાણી : કેટલું પીવું? ક્યારે પીવું? ક્યા કરે ક્યા ના કરે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

પાણી

કેટલું પીવું? ક્યારે પીવું?

ક્યા કરે ક્યા ના કરે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

પાણી પીવા વિશે એવું કહેવાતું હતું કે, રોજ ઓછામાં ઓછું આઠ ગ્લાસ પાણી પીવું જોઇએ.

વોટર ડ્રિન્કીંગ વિશેનો લેટેસ્ટ સ્ટડી એવું કહે છે કે, આઠ ગ્લાસ પાણી પીવું જ એવું જરૂરી નથી! 

તમે રોજ કેટલું પાણી પીવો છો?​ ​

જમતી વખતે પાણી પીવાય કે નહીં? જમ્યા પછી ક્યારે પાણી પીવાય? 

સવારે ઉઠીને ખાલી પેટે પાણી પીવું સારું કે નહીં? આ વિશે જાતજાતની થિયરીઓ ચાલી રહી છે.

આપણે નક્કી ન કરી શકીએ કે આખરે કરવું શું?

———–​​

તમે બ્રુસ લીનું નામ સાંભળ્યું છેને? માર્શલ આર્ટમાં તેના જેવો માસ્ટર કોઇ થયો નથી! આંગળીના ટેરવા મારીને માણસને બેવડો વાળી દેવાની તાકાત તેનામાં હતી. 20મી જુલાઇ 1973ના દિવસે હોંગકોંગમાં રહસ્યમય સંજોગોમાં બ્રુસ લીનું મૃત્યુ થયું ત્યારે આખી દુનિયાએ આંચકો અનુભવ્યો હતો. હમણાં બ્રુસ લીના મોત વિશે એવો રહસ્યસ્ફોટ થયો કે, બ્રુસ લીનું મોત બીજા કોઇ કારણોસર નહીં પણ વધુ પડતું પાણી પીવાના કારણે થયું હતું! તેને હાઇપોટ્રેમિયા કહે છે. ક્લિનિકલ કિડની જર્નલમાં બ્રુસ લીના મોત વિશેનો અભ્યાસ લેખ પ્રસિદ્ધ થયો છે. વધુ પાણી પીવાથી લોહીમાં સોડિયમનું પ્રમાણ ઘટી જાય છે. પાણીમાં સોડિયમ ઓગળી જાય છે. તેના કારણે મગજની કોશિકાઓમાં સોજો આવી જાય છે. આ સોજાને મેડિકલ લેન્ગવેજમાં સેરિબ્રલ ઓઇડેમા કહે છે. આ બીમારી જીવલેણ સાબિત થઇ શકે છે, વેલ, તો શું બ્રુસ લી વધુ પાણી પીતા હતા? વધુ એટલે કેટલું?

માણસે આખરે કેટલું પાણી પીવું જોઇએ? આ મુદ્દે જેટલા મોઢા એટલી વાતો જેવો ઘાટ ઘડાયો છે. અત્યાર સુધી એવું કહેવાતું હતું કે, દરરોજ સરેરાશ આઠ ગ્લાસ પાણી પીવું સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. લીટરમાં વાત કરીએ તો રોજ દોઢથી પોણા બે લીટર પાણી પીવું જોઇએ. હવે હમણાં જ થયેલો અભ્યાસ એવું કહે છે કે, દરરોજ આઠ ગ્લાસ પાણી પીવું જ જોઇએ એવું જરૂરી નથી. 23 દેશોના પાંચ હજારથી વધુ લોકો પર પાણી પીવા વિશે થયેલો અભ્યાસ ‘વેરિએશન ઇન હ્યુમન વોટર ટર્નઓવર એસોસિએટેડ વીથ એન્વાયર્મેન્ટલ એન્ડ લાઇફ સ્ટાઇલ ફેકટર્સ’ સાયન્સ જર્નલમાં પ્રસિદ્ધ થયો છે. લોકો પર થયેલા સંશોધન બાદ એવું બહાર આવ્યું હતું કે, દરેક માણસની પીવાના પાણીની જરૂરિયાત જુદી જુદી હોય છે. ખેતરમાં કામ કરતા ખેડૂતને પીવા માટે વધુ પાણી જોઇએ છે. તેની સરખામણીમાં એરકન્ડિશન્ડ ચેમ્બરમાં બેસીને કામ કરતા માણસને ઓછા પાણીની જરૂર પડે છે. બહાર ખુલ્લામાં અને પરસેવો પડે એવું કામ કરનારના શરીરને પાણીની વધુ જરૂર પડે છે. જુદી જુદી રમત રમતા છોકરા છોકરીઓને પાણી વધુ પીવું પડે એ સમજી શકાય એવી વાત છે. પાણી અને ઉંમરને પણ મોટો સંબંધ છે. યુવાનોને પાણીની વધુ જરૂર પડે છે. તેની સરખામણીમાં વૃદ્ધો ઓછું પાણી પીવે છે. પાણીના કિસ્સામાં જેન્ડરને પણ અવગણી શકાય એમ નથી. સ્ત્રીઓની સરખામણીમાં પુરૂષો થોડું વધુ પાણી પીતા હોવાનું આ અભ્યાસમાં જણાયું હતું. પાણીને અને પર્યાવરણને પણ સીધો સંબંધ છે. જ્યાં વધુ ટેમ્પરેચર રહેતું હોય ત્યાં પાણીની જરૂરિયાત વધુ રહે છે. ઠંડા વાતાવરણવાળા વિસ્તારોમાં પાણીની તરત બહુ લાગતી નથી.

આ બધી વાતનો મતલબ સરવાળે એ થાય છે કે, પાણીની જરૂરિયાત વ્યક્તિએ વ્યક્તિએ જુદી જુદી હોય છે. એટલે આટલું જ પાણી પીવું એવી કોઇ ગાંઠ બાંધી લેવાની જરૂર નથી. સામાન્ય રીતે તો એવું કહેવાય છે કે, તરસ લાગે અને મન થાય ત્યારે પાણી પીવું. પાણી બાબતે ઘણા તો એટલા બધા એલર્ટ હોય છે કે, પાણી પીવાનું યાદ રાખવા માટે એલાર્મ મૂકી રાખે છે. મોબાઇલ બોલે છે કે, ઇટ્સ વોટર ટાઇમ! ઘણા લોકો તો હવે પાણી પણ પોતાના ડાયટિશ્યનને પૂછીને પીવે છે. વધુ તરસ લાગે તો પણ ગભરાઇ જાય છે કે, આજે કેમ મને પાણીનો શોષ પડે છે? અરે ભાઇ, સિઝનથી પણ ફેર પડે છે. શિયાળા અને ચોમાસાની સરખામણીમાં ઉનાળામાં પાણીની તરસ વધુ જ લાગવાની છે.

હવે પાણી વિશે જે વિચિત્ર ગણતરી માંડવામાં આવે છે એની વાત. વધુ પાણી પીશો તો આર્થિક નુકશાન પણ જશે અને દેશનું રિસોર્સ પણ વપરાશે! આશ્ચર્ય થાય એવી વાત છે પણ વાત સાવ ખોટીયે નથી. દુનિયાના ઘણા દેશોમાં પીવાના પાણીની અછત સર્જાતી જાય છે. ઘણા દેશોના વિસ્તારો એવા છે જ્યાં પીવાનું પાણી પહોંચાડવું એ મોટો પડકાર છે. ઘણા વિસ્તારોમાં પાણી છે પણ એ પીવાલાયક નથી. હવે આવા સંજોગોમાં લોકો જો વધુ પાણી પીવે તો પાણીની જરૂરિયાત વધે અને ખર્ચ પણ વધે. આ વિશે બ્રિટનના પ્રોફેસર જોન સ્પીકમેને કહ્યું કે, પુખ્ત વયના ચાર કરોડ લોકો રોજ જરૂર કરતા અડધો લીટર પાણી વધુ પીવે તો 200 લાખ લીટર પીવાલાયક સ્વચ્છ પાણીની જરૂર પડે! જરૂર હોય એટલું પીવે એનો વાંધો નથી પણ વધારે પીવે તો ફટકો પડે! અગેઇન અહીં એ સવાલ થાય કે, મારા શરીરને આજે કેટલા પાણીની જરૂર છે એ માપવું કંઇ રીતે? એનું કોઇ મીટર તો છે નહીં?

પાણી પીવાના મામલે કન્ફ્યુઝનો કંઇ ઓછા નથી. કેટલું પાણી પીવું એ સવાલની સાથે બીજા પણ ઘણા સવાલ છે. જેમ કે, પાણી ક્યારે પીવું? આ પ્રશ્નનો સામાન્ય જવાબ એવો છે કે, તરસ લાગે ત્યારે! પાણી કેટલું પીવું એ સવાલનો જવાબ એવો છે કે, તરસ છીપાય એટલું અથવા તો સંતોષ થાય એટલું! જમતી વખતે અથવા તો જમીને તરત જ પાણી પીવું સારું કે નહીં? આ મુદ્દે પણ મતમતાંતર છે. ઘણા લોકો જમતી વખતે વચ્ચે પાણી પીતા નથી. પાણી પીએ તો ઓછું ખવાય! ઘણા લોકો ઓછું ખાવા માટે જ વચ્ચે પાણી પીવે છે! જમીને તરત જ પાણી પીવાથી પાચન ક્રિયામાં મુશ્કેલી પેદા થાય છે એવું માનવાવાળા ઘણા લોકો જમીને અડધો પોણા કલાક પછી પાણી પીવે છે. ઘણાને જમીને તરત જ પાણી ન પીવે તો સંતોષ જ થતો નથી! આવી જ અસમંજસ રાતના સમયે પાણી પીવાની છે. રાતની સૂતી વખતે પાણી પીવું જોઇએ કે નહીં? પીવું તો કેટલું પીવું? સવારે નરણા કોઠે પાણી પીવા વિશે પણ એવુ કહેવામાં આવે છે કે, ઉઠીને કંઇ ખાધા કે પીધા વગર પાણી પીવું સારું છે.

તમે રોજ કેટલું પાણી પીવો છો? મોટા ભાગના લોકો પાણી માપીને પીતા નથી. આપણું શરીર જ આપણી પાસે પાણીની ડિમાન્ડ કરતું રહે છે. પાણીની પણ આદત પડી જતી હોય છે. અમુક લોકોને ઘૂંટડો ઘૂંટડો પાણી પીવાની આદત હોય છે. એ ગ્લાસ કે પાણીની બોટલ પોતાની નજીક જ રાખે છે એને થોડા થોડા સમયે ગળું ભીનું કરતા રહે છે. અમુક લોકો પાણી ગટગટાવી જાય છે. દરેકની પોતાની રીત હોય છે. પાણીની બાબતમાં પણ હવે લોકો ચૂઝી થઇ ગયા છે. પાણી ચોખ્ખું હોવું જોઇએ. ચોખ્ખા પાણીનું હવે અબજોનું માર્કેટ છે. પાણી વિશે બીજું જે હોય તે પણ એક વાત સાચી છે કે, મોટા ભાગના રોગ પાણીના કારણે થાય છે. પાણીજન્ય રોગ વિશે વાત કરવા બેસીએ તો લાંબું થાય એમ છે. અમુક બીમારી વખતે ડોકટરો વધુ પાણી પીવાની સલાહ આપે છે તો કેટલાંક રોગમાં પાણી ઓછું અને માપી માપીને પીવાની સલાહ પણ આપવામાં આવે છે. માણસને બધા વગર ચાલે પણ પાણી વગર ચાલતું નથી. જીવન જરૂરિયાતની ચીજોમાં આપણે રોટી, કપડા ઔર મકાન કહીએ છીએ, જ્યારે સાચી વાત તો એ છે કે, જીવતા રહેવા માટે અને જીવન ટકાવવા માટે બે વસ્તુ સૌથી મહત્ત્વવની અને એવી છે જેના વગર ચાલે જ નહીં, એ છે હવા અને પાણી!

હા, એવું છે!
માણસના શરીર વિશે એવું કહેવાતું આવ્યું છે કે, યથા પિંડે તથા બ્રહ્માંડે. જે શરીરમાં છે એ જ બ્રહ્માંડમાં છે અને જે બ્રહ્માંડમાં છે એ જ આપણામાં મોજુદ છે. શરીર પંચ મહાભૂત એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનું બનેલું છે. આપણા શરીરમાં સૌથી મોટો હિસ્સો પાણીનો જ હોય છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 07 ડિસેમ્બર, 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *