તને મારી કોઈ ચિંતા
હોય એવું લાગતું નથી
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
તમે ક્યાં બહાર શોધો છો છુપાયો શખ્સ અંદર છે,
ગગન પર્વત અને ધરતીથી સવાયો શખ્સ અંદર છે,
તું આંખો આયના સામે ધરી શું જોયે છે ઓ મૂર્ખ,
ન તારાથી કદી જાણી શકાયો શખ્સ અંદર છે.
-નીલેશ પટેલ
આપણે જેને પ્રેમ કરતા હોઇએ એની ચિંતા થવી સ્વાભાવિક છે. ચિંતા, ફિકર, સંભાળ એ પ્રેમનો જ એક ભાગ છે. તું પહોંચીને ફોન કરી દેજે. ફોન ન કરી શકે તો મેસેજ મૂકી દેજે. સમયસર જમી લેજે. ખોટી દોડધામ કરીશ નહીં. ઊંઘ બરાબર કરજે. આપણી વ્યક્તિ ફરવા ગઈ હોય તો પણ પૂછ્યા વગર નથી રહેવાતું કે, બધું કમ્ફર્ટેબલ છેને? રૂમ સારો છે? ફૂડ કેવું છે? ખાવા-પીવામાં ધ્યાન રાખજે. આપણને ખબર હોય કે, એ મજા કરવા જ ગયો છે કે ગઇ છે તો પણ એવું કહેવાઈ જાય છે કે, મજા કરજે! માંડ તારો બહાર જવાનો મેળ પડ્યો છે. કોઈ વાતની ચિંતા ન કરીશ. બધું ભૂલીને મોજ કરજે. કોઇનો કંઈ વિચાર જ નહીં કરતો. એન્જોય યોર ટાઇમ. માણસના મનનું પણ એક રડાર હોય છે. પોતાની વ્યક્તિ એ રડારમાં જ રહે એવી ઘણાની ઇચ્છા હોય છે. વાત કોઇ શંકાની નથી હોતી, માત્ર ને માત્ર ફિકર હોય છે. આપણે જેને ચાહતા હોઇએ એને કંઈ ન થાય. એ મજામાં રહે. એને દરેક સગવડ મળે.
એક પતિ-પત્ની હતાં. તેમને એક દીકરી હતી. દીકરી મોટી થઇ. સ્ટડી માટે મોટા શહેરમાં જવું પડે એમ હતું. શહેરમાં દીકરીને એડમિશન અપાવ્યું. હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરી. દીકરી તો ભણવા ચાલી ગઇ પણ માને ચેન પડતું નહોતું. એને ત્યાં ફાવતું તો હશેને? જમવાનું ભાવતું તો હશેને? દીકરી કૉલેજમાં હોય કે સ્ટડી કરતી હોય તો પણ મા ફોન કર્યે રાખે. એને એ વિચાર ન આવે કે, દીકરી એના કામમાં હશે. દીકરી દરેક વખતે એમ કહે કે, મને કોઇ પ્રોબ્લેમ નથી. કંઇ હશે તો તમને કહીશ. તમને નહીં કહું તો બીજા કોને કહેવાની છું? એક વખતે તો દીકરીએ પિતાને ફોન કરીને કહ્યું કે, માને કહો, આટલી બધી ઉપાધિ ન કરે. ઊલટું મને ટેન્શન થાય છે. પતિએ તેની પત્નીને બેસાડીને કહ્યું કે, એક વાત સમજ, ઘરથી દૂર ગઇ છે એટલે કંઇક તો તકલીફ પડવાની જ છે. એ હવે નાની નથી. મેનેજ કરી લેશે. એ સમયે માએ એક વાત કરી. તેણે કહ્યું કે, હું નાની હતીને ત્યારે મેં બહુ તકલીફ ભોગવી છે. હું નથી ઇચ્છતી કે મારી દીકરીને પણ એ તકલીફ પડે! એ સમયે એના પતિએ કહ્યું કે, દરેકના ભાગે કેટલીક તકલીફો લખેલી જ હોય છે. આપણી કોશિશ એ તકલીફોથી એને બચાવવા કરતાં એનો સામનો કરતા શીખવવાની વધુ હોય છે. તું વિચાર કર કે, તને તકલીફ પડી ન હોત તો તારામાં આટલી સમજ આવી હોત? દરેક તકલીફ આપણને કંઇક શીખવતી હોય છે. દીકરીને પણ શીખવશે. ચિંતા થાય એ સ્વાભાવિક છે પણ તું એની એટલી ચિંતા પણ ન કર કે એને તારી ચિંતા થવા લાગે.
આપણને ઘણી વખત આપણી વ્યક્તિ પર ભરોસો હોય છે કે કંઈ થશે તો એ ફોડી લેશે. એક પ્રેમી-પ્રેમિકાની આ વાત છે. પ્રેમિકા પહેલી વખત એકલી બહાર જતી હતી. તેના પ્રેમીએ કહ્યું કે, ક્યાંય અટકે કે કંઈક પ્રોબ્લેમ હોય તો તરત જ ફોન કરજે. પ્રેમિકાએ કહ્યું કે, નયા ભારની ચિંતા કરતો નહીં. હું લડી લઇશ. પ્રેમિકા ગઇ. એ ખરેખર પહોંચી વળે એવી હતી. તેના પ્રેમીએ આખો દિવસ ફોન ન કર્યો. રાત પડી એટલે પ્રેમિકાનો ફોન આવ્યો, તને મારી કંઈ ચિંતા હોય એવું લાગતું નથી. માણસ એક ફોન તો કરે કે તું ઓકે છેને? પ્રેમીએ કહ્યું, પણ તેં જ કહ્યું હતું કે, આઇ વિલ મેનેજ. કોઇ ટેન્શન રાખતો નહીં. એ સમયે પ્રેમિકાએ કહ્યું, હા એ તો સાચું, મેં બધું મેનેજ કરી જ લીધું છે છતાં પણ તેં ફોન કર્યો હોત તો મને ગમ્યું હોત! આવું થતું હોય છે. આપણે ગમે એટલા પહોંચેલા હોય, બધું બરાબર હોય, તો પણ એવું થાય છે કે, આપણી વ્યક્તિ આપણને પૂછે કે બધું બરાબર છેને? માણસને પોતાની વ્યક્તિ પાસેથી અપેક્ષા હોય છે. અપેક્ષા રહેવાની જ છે. એક પતિ-પત્ની હતાં. પતિ ઓફિસના એક ફંક્શનમાં હતો. ફોન પર વાત થઇ શકે એવું નહોતું એટલે બંને મેસેજથી વાત કરી લેતાં. લંચ બ્રેક પડ્યો એટલે પતિએ મેસેજ કર્યો કે લંચ બ્રેક છે. પત્નીએ સામો મેસેજ કર્યો કે, બરાબર જમી લેજે. લંચ બ્રેક પછી મેળ પડ્યો એટલે પતિએ ફોન કર્યો. પત્નીનો પહેલો સવાલ એ હતો કે બરાબર જમ્યો હતોને? આપણને બધી ખબર હોય તો પણ આપણાથી પુછાઇ જાય છે. એ જ તો પ્રેમ છે.
દરેકને એવું જોઇતું હોય છે કે કોઈ તેની ફિકર કરવાવાળું હોય. કોઇ એને પૂછે કે તું ઠીક છેને? એક ભાઇની આ સાવ સાચી વાત છે. ખૂબ જ ધનવાન માણસ. આખી દુનિયામાં એને ફરવાનું હોય. પત્ની ઘર સંભાળતી. પહેલાં તો એ બાળકોને મોટાં કરવામાં બિઝી રહેતી. સંતાનો મોટાં થઇ ગયાં પછી એ પોતાના કામમાં પરોવાયેલી હતી. એ માણસ એક વખત એક દેશમાં ગયો. ત્યાં એનો એક મિત્ર રહેતો હતો. એ મિત્રના ઘરે ગયો. મિત્રની પત્નીએ તેના માટે સરસ જમવાનું બનાવી રાખ્યું હતું. મિત્રની પત્ની પતિ અને એના મિત્ર બંનેનું ધ્યાન રાખતી હતી. બંને મિત્રોએ જમી લીધું પછી વાતો કરતા હતા. પેલા ભાઇએ તેના મિત્રને કહ્યું કે, તમને બંનેને જોઇને ખુશી થઇ. મારી વાઇફને તો એ પણ ખબર નહીં હોય કે હું ક્યાં છું? ક્યારેક તો એવો પણ વિચાર આવી જાય છે કે, મને કંઇક થઇ જાય તો કોને ફેર પડે છે? આપણને બધાને ક્યારેક એ વિચાર આવ્યો હોચ છે કે, મને કંઇક થાય તો કોને ફેર પડે છે?
એક વખત એક કાર્યક્રમમાં એક સવાલ પૂછવામાં આવ્યો. માનો કે તમે મરી રહ્યા છો, એવા સમયે કોણ તમારી નજીક હોય એવું તમે ઇચ્છો છો? બધાએ જે ઇચ્છતા હતા એનાં નામ આપ્યાં. એ પછી બીજો સવાલ એ પૂછવામાં આવ્યો કે હવે એ વિચારો કે તમે જેનાં નામો આપો છે એની તમે કેટલી ચિંતા કરો છો? એની લાઇફમાં શું ચાલી રહ્યું છે એની તમને ખબર છે? ન હોય તો રાખો. આપણી જેને ચિંતા હોય છે એવા લોકોની સંખ્યા બહુ ઓછી હોય છે. આપણને ઘણી વખત તેની દરકાર હોતી નથી.
આપણે એવું ઇચ્છીએ છીએ કે. આપણને કંઇ થાય અથવા તો આપણને કોઇ જરૂરિયાત હોય તો આપણી નજીકના લોકો તરત જ હાજર થઇ જાય. આવો વિચાર આવે એ સ્વાભાવિક છે પણ એવા સમયે એ વિચાર પણ કરવો જોઇએ કે, હું કોઈના માટે હાજર હોવ છું ખરો? આપણને જે અપેક્ષાઓ હોય એ ત્યારે જ પૂરી થાય જ્યારે આપણે કોઇની અપેક્ષાઓ સંતોષી હોય. સાચા અને સારા સંબંધો સારાં નસીબની નિશાની છે. તમારી ચિંતા કરવાવાળું કોઇ હોય તો એનું જતન કરજો. એની પણ થોડીક ચિંતા કરજો. દરેક વખતે આપણને કોઇની જરૂર પડે એવું જરૂરી નથી. સંબંધો માત્ર જરૂર પડે ત્યારે કામ લાગે એટલા માટે પણ ન હોવા જોઇએ. સંબંધો બસ હોવા જોઇએ, સંબંધો બસ જિવાવા જોઇએ એટલા માટે કે જિંદગીમાં જિંદગી જેવું કંઇક લાગે! કોઇ યાદ આવે, કોઇ યાદ કરે, કોઇ પાસે જવાનું મન થાય, કોઇને બોલાવવાની ઇચ્છા થાય, એની સાથે ખોવાઈ જવાય. ઓતપ્રોત કરી દે એવી આત્મીયતા આયખાને ભર્યું ભર્યું રાખે છે! જીવી તો બધા જાય છે, જે જીવી જાણે છે એ જ જિંદગીને માણે છે!
છેલ્લો સીન :
સંબંધમાં જે નાટક કરતા રહે છે એના સંબંધનો અંત ક્યારેય સુખદ હોતો નથી! -કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 16 ઓક્ટોબર,૨૦૨૨, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com