ભગવાન કરે એના વિશે હું ખોટો પડું! : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

ભગવાન કરે એના
વિશે હું ખોટો પડું!

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ


રોમાંચ ત્યાં ગયા એ સુધીનો જ હોય છે,
ઊંચાઈનું ઈનામ તો ખીણો જ હોય છે,
ભૂલા પડી જવાયું એ જુદી છે વાત પણ,
સાચો હંમેશ માર્ગ તો સીધો જ હોય છે.
-હેમેન શાહ

 
સંબંધમાં આપણે ઘણી વખત આપણી નજીકની વ્યક્તિનું ગમે એટલું ભલું ઇચ્છીએ તો પણ ભલું કરી શકતા નથી. આપણે કોઇને એક હદ સુધી સમજાવી શકીએ પણ એને જો માનવું જ ન હોય તો આપણે કંઇ કરી શકતા નથી. આપણને ખબર હોય કે એ જે કરે છે એ મૂર્ખામી છે. આપણે તેને રોકવાનો પ્રયાસ કરીએ છીએ. આપણા શબ્દો તેને કોઇ અસર કરતા નથી. આપણને દુ:ખ પણ થાય છે કે, દીવા જેવી ચોખ્ખી વાત આને કેમ નથી સમજાતી? એના રસ્તે મોટો ખાડો છે એનું એને કેમ ભાન પડતું નથી? કેટલાંક લોકોને જ્યાં સુધી ઠોકર વાગતી નથી ત્યાં સુધી સમજ પડતી નથી. અમુક લોકો એવા હોય છે જેને બીજું કોઇ સાચું લાગતું જ નથી. પોતાને ડાહ્યા સમજવામાં કંઇ ખોટું નથી પણ ડાહ્યો માણસેય ભૂલ ન જ કરે એવું જરૂરી નથી. એક યુવાનની આ વાત છે. તેણે એક ધંધો શરૂ કર્યો. થોડાક દિવસમાં જ તેને એક વાત સમજાઇ ગઇ કે, આ આપણું કામ નથી. તે એક વડીલ પાસે ગયો અને મુશ્કેલીની વાત કરી. વડીલે કહ્યું કે, ભલા માણસ કોઇ ધંધો શરૂ કરતા પહેલાં જરાક પુછાય તો ખરા? ફસાઇએ ત્યારે ઉકેલ શોધીએ એના કરતાં પહેલેથી થોડુંક વિચારવું જોઇએ કે, આવું કરવામાં ફસાઇ નહીં જઇએને?
બધું વિચારીને કર્યું હોય, પ્લસ માઇન્સ પોઇન્ટ્સની ગણતરી કરીને કેલક્યુલેટેડ રિસ્ક લીધું હોય એ પછી પણ મુશ્કેલી સર્જાય એવું શક્ય છે. દરેક સ્થિતિ, દરેક સંજોગ અને દરેક પરિબળો આપણા હાથમાં હોતા નથી. આંધળુંકિયાં કરીએ તો પસ્તાવાનો વારો આવવાની શક્યતાઓ અનેકગણી વધી જાય છે. એક યુવાનની આ વાત છે. એ એવું માનતો કે જિંદગીમાં જોખમ લીધા વગર તો કંઇ થતું જ નથી. હિંમતે મર્દા તો મદદે ખુદાની ફિલોસોફીમાં માનનારા પણ ઘણા હોય છે. સાચી વાત છે, જોખમ લેવામાં ડરવું જોઈએ નહીં પરંતું જોખમ લેતા પહેલાં ગણતરી તો કરવી જ જોઇએ. ઘણા કિસ્સાઓમાં આપણને ખબર હોય છે કે, આ કામમાં આટલું રિસ્ક છે. એ કામમાં ખોટ જાય કે પછડાટ ખાઇએ ત્યારે પણ આપણને એટલો અહેસાસ તો હોય જ છે કે આપણને આ રિસ્કની ખબર હતી. એનો અફસોસ ન થાય. ઠીક છે. એવું થાય.
પડશે એવા દેશું એવી થિયરી દરેક વખતે કામ લાગતી નથી. ઘણા લોકોનાં મોઢે એવી વાત સાંભળીએ છીએ કે, જો આટલી તૈયારી કરી છે, બાકી તો પડશે એવા દેશું. આ વાત હજુ સમજી શકાય એમ છે કે, આપણાથી થાય એટલી તૈયારી કરી છે પછી કુદરતે જે ધાર્યું કર્યું હશે એ થશે. કુદરત પર ત્યારે જ છોડવું જોઇએ જ્યારે એ આપણા હાથ બહારની વાત હોય. આપણાથી થઇ શકે એટલી તૈયારી આપણે કરી લેવાની, જોખમ પારખવાનો પ્રયાસ કરવાનો, થઇ થઇને શું થઇ શકે છે એનો વિચાર કરવાનો, પૂરતી મહેનત કરવાની અને બાકીનું બધું ઉપરવાળા પર છોડી દેવાનું. પહેલેથી બધું ઉપરવાળા પર પણ છોડવાનું નહીં. ભગવાને ધાર્યું હશે એમ થશે એવું વિચારીને આડેધડ નિર્ણયો કરનાર એક યુવાન સંત પાસે ગયો. સંતને બધી વાત કરી. સંતે તેને કહ્યું કે, ભાઇ બધું ભગવાન જ કરવાનો હોત તો તારું કામ જ શું છે? પહેલાં તું તારાથી થાય એટલું તો કર. આપણે આપણાથી થાય એટલું જોર કરી લેવું જોઇએ. જરૂર હશે ત્યારે ભગવાન ધક્કો મારવા આવી જ જવાનો છે.
આપણી નજીકના જે લોકો હોય છે એની ચિંતા આપણને હોવાની જ છે. આમ છતાં આપણે આપણી નજીકની વ્યક્તિના વિચારો અને ઇચ્છાઓને કંટ્રોલ કરી શકતા નથી. એવું કરવું પણ ન જોઇએ. એક હદ પછી માણસે પોતાનાં સંતાનોને પણ મુક્ત કરવાં જોઇએ. એનો બીજો અર્થ એવો પણ થાય કે, આપણે પોતે પણ મુક્ત થઇ જવું જોઇએ. એક સાવ સાચો કિસ્સો છે. એક ભાઇને એકની એક દીકરી હતી. દીકરી મોટી થઇ. એક સમયે દીકરીએ કહ્યું કે, તેને એક છોકરા સાથે પ્રેમ છે. પિતાએ શાંતિથી વાત સાંભળી. પિતાએ દીકરીના પ્રેમીને મળવા બોલાવ્યો. એની સાથે વાતો કરી. છોકરાના ફેમિલી વિશે તપાસ કરી. દીકરીની પસંદગી પિતાના ગળે ઊતરતી નહોતી. આખરે પિતાએ દીકરી સાથે બેસીને પોતાની મૂંઝવણ કહી. પિતાને જે લાગ્યું હતું એ ખુલ્લાદિલે દીકરીને કહ્યું. છેલ્લે દીકરીને એમ કહ્યું કે, તારી ખુશીથી વધારે કંઇ નથી. ફાઇનલ ડિસિઝન તારું હશે. તું ખુશ એમાં અમે ખુશ. દીકરીએ કહ્યું કે મારી ઇચ્છા તેની સાથે જ મેરેજ કરવાની છે. પિતાએ કહ્યું, ફાઇન દીકરા, જેમ તું કહે એમ. દીકરી ગઇ એ પછી તેણે પત્ની સાથે બધી વાત કરી. મને નથી લાગતું કે આ બંને સરખી રીતે રહી શકે. પિતા પછી બોલ્યા કે, ભગવાન કરે કે, હું ખોટો પડું. આપણે પોતે ઘણી વખત એવું ઇચ્છતા હોઇએ છીએ કે હું ખોટો પડું તો સારું.
આવો જ એક બીજો કિસ્સો પણ છે. એક દીકરાએ પિતાને કહ્યું હતું કે, દસમા ધોરણ પછી મારે સાયન્સ લેવું છે. પિતાને એમ લાગતું હતું કે, દીકરો સાયન્સ માટે કેપેબલ નથી. પિતાએ દીકરાને જેમ કરવું હતું એમ કરવા દીધું. સમય પસાર થયો. દીકરામાં ગજબનો બદલાવ આવ્યો. એ ખૂબ મહેનત કરવા લાગ્યો અને સાયન્સમાં સારા માર્ક્‌સ મેળવવા લાગ્યો. પિતાએ દીકરાને પછી કહ્યું કે, મેં તને વાત નહોતી કરી પણ મને એવું લાગતું હતું કે તું સાયન્સમાં સારું પરફોર્મ નહીં કરી શકે પણ તેં કરી બતાવ્યું. મને એ વાતની ખુશી છે કે, હું ખોટો પડ્યો. ખોટા પડવાની પણ એક મજા હોય છે. આપણે ઘણી વખત આપણા લોકોને અંડરએસ્ટિમેટ કરતા હોઇએ છીએ.
માણસે પોતાના લોકોને ભૂલ કરવાનો અધિકાર પણ આપવો જોઇએ. માણસની ફરજ એટલી જ છે કે પોતાને જે સાચી લાગે એ વાત કરે પણ કોઇ નિર્ણય ઠોકી ન બેસાડે. સલાહ, માર્ગદર્શન પણ જ્યારે પૂછે ત્યારે જ આપવાનાં. ખબર ન પડતી હોય ત્યારે પ્રેમથી કહી દેવાનું કે તું બીજા કોઇને પૂછ, મને એ વાતમાં ટપ્પો પડતો નથી. આપણે મોટા ભાગે એવું જ માનતા હોઇએ છીએ કે, આપણને બધું આવડે છે. એમાંયે જ્યારે કોઇ અભિપ્રાય પૂછે કે એડવાઇઝ માંગે ત્યારે તો આપણે આપણી જાતને ઓથોરિટી માનવા લાગીએ છીએ અને સલાહ આપી જ દઇએ છીએ. ઘણી વખત વાતો થતી હોય ત્યારે માર્ક કરજો, ઘણા લોકો એવું કહે છે કે હું એવું માનું છું કે આમ થવું જોઇએ. દરેકને પોતે જે માનતા હોય એ માનવાનો અધિકાર છે, ધ્યાન એટલું જ રાખવાનું હોય છે કે આપણી માન્યતા બીજા પર ઠોકી નહીં બેસાડવાની. સંબંધ ગમે તે હોય, સંબંધની પણ કેટલીક મર્યાદાઓ હોય છે એ મર્યાદા ચુકાય ત્યારે સંબંધ દાવ પર લાગી જાય છે. આપણને ગળા સુધીની ખાતરી હોય કે, હું સોએ સો ટકા સાચો છું તો પણ એક તબક્કે જીદ છોડી દેવી એમાં જ ડહાપણ છે. જેને જે કરવું હોય એ કરવા દેવું, માનો કે એ ભૂલ કરશે તો એમાંથી પણ કંઇક શીખશે. ઠોકર, પછડાટ, નિષ્ફળતા અને અપમાનથી માણસ જેટલું શીખે છે એ કોઇ ભણતરથી શીખતો નથી. અમુક પાઠ આપણને જિંદગી જ શીખવતી હોય છે. શાળા-કૉલેજના પાઠ તો વહેલા કે મોડા ભુલાઈ જાય છે પણ જિંદગી જે પાઠ શીખવે છે એ જિંદગીભર ભુલાતા નથી. કોઇની ભૂલની પણ બહુ ટીકા નહીં કરવાની, એનું કારણ એ છે કે આપણે પણ આપણી જિંદગીમાં ઓછી ભૂલો કરી હોતી નથી!
છેલ્લો સીન :
ઘણી વખત આપણી પાસે બે ઓપ્શન જ બચે છે. સાચા ઠરવું છે કે સંબંધ બચાવવો છે? સંબંધ જ નહીં રહે તો પછી સાચા હોઈશું તો પણ શું બચશે?                   -કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 09 ઓક્ટોબર,૨૦૨૨, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *