તમારા બંનેની વચ્ચે મારો મરો થાય છે! : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

તમારા બંનેની વચ્ચે
મારો મરો થાય છે!

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ


જિંદગી, તું આમ થાકી જાય એ ચાલે નહીં,
ચાર ડગલાં માંડ તારે ચાલવાનાં હોય છે,
એ ફરી તૂટી શકે છે ખાસ કંઈ કારણ વિના,
સગપણોને તે છતાંયે સાંધવાનાં હોય છે.
-ડૉ. મુકેશ જોશી


જિંદગી અને સંબંધ બંને એવી ચીજ છે જે ક્યારેય એકસરખાં રહેતાં નથી. ચડાવ-ઉતાર અને અપ-ડાઉન એની ફિતરત છે. કોઈ માટે ગમે એવા ઊંચા પ્રકારની લાગણી હોય તો પણ ક્યારેક તો એની સાથે કોઇ વાતે માથાકૂટ થવાની જ છે. આપણે ઘણી વખત આપણા લોકો માટે એવા શબ્દો વાપરતા હોઇએ છીએ કે એ તો મને જીવ જેવો વહાલો કે વહાલી છે. અલબત્ત, જીવ પણ ક્યારેક મૂંઝાતો જ હોય છેને? દરેક સંબંધ વન ટુ વન નથી હોતા. ઘણા સંબંધો એક કરતાં વધુ વ્યક્તિ સાથે જોડાયેલા હોય છે. પરિવારમાં મા-બાપ અને ભાઇ-બહેન એ સંબંધોનું એક ઝૂમખું છે. મિત્રોનું પણ એક સર્કલ હોય છે. બધા ભેગા હોય ત્યારે બેલેન્સ મેન્ટેન કરવું પડતું હોય છે. એકાદાનો નેચર જો જુદો હોય તો તેની સાથે સાચવીને રહેવું પડતું હોય છે. દરેક સંબંધ કાપી શકાતા નથી. લોહીના સંબંધો સાચવવા અને ભોગવવા પણ પડતા હોય છે. એ સંબંધમાં સ્વીકાર જ સૌથી મોટો ઇલાજ છે. મિત્રો સિવાયના સંબંધમાં ચોઇસ મળતી નથી. ફ્રેન્ડસર્કલમાં પણ એકાદો છટકેલા મગજનો હોય તો આપણે તેને ટેકલ કરી લેતા હોઈએ છીએ.
બેલેન્સ જાળવવું અને તટસ્થ રહેવું એ ક્યારેય સહેલું હોતું નથી. ત્રાજવાના કાંટાની હાલત સૌથી વધુ કફોડી હોય છે. એ ક્યારેક એક તરફ તો ક્યારેક બીજી તરફ નમતો રહે છે. એક પરિવારની આ સાવ સાચી ઘટના છે. ઘરનું કંઇ પણ કામ હોય કે કોઇ બાબતે નિર્ણય લેવાનો હોય ત્યારે પતિ-પત્નીનાં મંતવ્ય જુદાં જ હોય. ક્યાંય જવાનું હોય તો પણ એક કહે કે, ફ્લાઇટમાં જવું છે, તો બીજો કહે કે, ના કાર લઇને બાય રોડ જવું છે! એ બંનેને એક દીકરો. દીકરો સમજુ થયો એ પછી તો મા-બાપની વચ્ચે પડતો જ નહીં. એ બંનેને જે કરવું હોય એ કરે. ગમે એવી તડાતડી ચાલતી હોય તો પણ એ ચૂપચાપ જે કરતો હોય એ જ કરે! આવામાં દીકરાનો બર્થ ડે આવ્યો. સામાન્ય સંજોગોમાં તો ઘરમાં જ બર્થ ડે સેલિબ્રેટ કરતા હતા પણ આ વર્ષે મા-બાપ બંનેને એમ થયું કે, કંઈક મોટા પાયે કરીએ. બંને એમાં એકબીજા સાથે સંમત થયાં પણ પછી બબાલ શરૂ થઇ. મમ્મી કહે કે, કોઈ સારી હોટલમાં સેલિબ્રેટ કરીએ. પપ્પાએ કહ્યું કે, એના કરતાં બધાને ઘરે બોલાવીએ! એ બહાને બધા આપણા ઘરે તો આવે! બંને જાતજાતની દલીલો કરતા હતા. દીકરો ચૂપચાપ બેઠો હતો. એવામાં પપ્પાએ પૂછ્યું, તું શું કહે છે? દીકરો મૂંઝાયો. એણે છેલ્લે એવું કહ્યું કે, તમે બંને નક્કી કરી લો. મને બેમાંથી એકેયમાં વાંધો નથી. આમ તો એને કહેવાનું મન થઈ ગયું કે, બર્થ ડે કોનો છે? મારે જે કરવું હોય એ કરવા દો, પણ એ ન બોલ્યો. ક્યાંય વાત આડી ફંટાઇ ન જાય એ ડરે એ મૌન જ રહ્યો. ઘણાં ઘરોમાં છોકરાઓની હાલત આવી થતી હોય છે.
એક છોકરી હતી. તેનાં મા-બાપ રોજેરોજ કોઇ ને કોઇ મુદ્દે ઝઘડતાં રહેતાં. દીકરીને ક્યારેક મમ્મીનો તો ક્યારેય પપ્પાનો વાંક લાગતો. મા-બાપ બંને દીકરીને બહુ જ સરસ રીતે રાખતાં. જોકે, મા-બાપ ઝઘડે એ દીકરીથી સહન થતું નહોતું. એક વખત એ દીકરી એક સંત પાસે ગઈ. સંતને તેણે પોતાની મુશ્કેલી કહી. સંતે કહ્યું કે, આપણે કોઇને બદલી શકતા નથી. એ ગમે એટલા નજીકના હોય તો પણ આપણે તેની પ્રકૃતિમાં ખાસ કોઈ ફેર કરી શકતા નથી. દરેકની પોતાની એક સમજ હોય છે. એ સાચી પણ હોય શકે અને ખોટી પણ હોય શકે. આપણને એની પ્રકૃતિ ખોટી લાગે પણ એને તો સાચી જ લાગતી હોય છે. એ બંનેને સમજવું હશે તો એ પોતાની રીતે જ સમજશે. તું એના કારણે દુ:ખી ન થા. જિંદગીમાં ઘણી વખત એવું બનતું હોય છે કે, આપણે કંઈ કરતા ન હોઇએ, આપણે બધાનું સારું જ ઇચ્છીએ અને આપણો કોઇ વાંક ન હોય છતાં પણ એવું બને કે, આપણે દુ:ખી થઇએ. એનું કારણ એ હોય છે કે, આપણે બંને તરફ એકસરખા જોડાયેલા હોઇએ છીએ. આપણે જુદાં પણ થઈ શકતાં નથી, કારણ કે આપણે પણ તેનો જ એક હિસ્સો હોઇએ છીએ.
જિંદગીની એક વિડંબણા એ છે કે, આપણે ગમે એવા સમજુ હોઇએ તો પણ ઘણી વખત આપણી સમજ કોઇ કામ લાગતી નથી. બહારના લોકો આપણી સલાહ લેતા હોય, આપણું કહ્યું માનતા હોય પણ ઘરના લોકો આપણી વાત સાંભળવા પણ તૈયાર હોતા નથી. એક યુવાનની આ વાત છે. એ ખૂબ જ હોશિયાર અને સિન્સિયર હતો. તેનો ભાઇ એક નંબરનો ગિલિંડર. કોઇ ઢંગનું કામ ન કરે. રોજેરોજ નવા ઉધામા કરે. એક વખત એ યુવાનના મિત્રએ કહ્યું કે, તું તારા ભાઇને કેમ કંઈ સમજાવતો નથી? તેણે સહજતાથી કહ્યું, કારણ કે એ કોઇ દિવસ સમજવાનો નથી. મેં એક હદ સુધી તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પણ પછી છોડી દીધું. તમે જો સંબંધ રાખવા ઇચ્છતા હોવ તો એક તબક્કે તમારે સમજાવવાનું પણ બંધ કરવું પડે છે. હવે એને જ્યારે કામ પડે અને એ મને કહે ત્યારે મારાથી થાય એમ હોય તો હું કરી દઉં છું, બાકી હું એના કશામાં પડતો નથી. તમારે ક્યારે અને ક્યાં ઇન્વૉલ્વ થવું એ પણ નક્કી કરવું પડતું હોય છે.
સંબંધને ટકાવવા માટે સંબંધને સમજવો જરૂરી છે. જે સંબંધ સાચવી રાખવાના હોય છે એના માટે ઘણું જતું પણ કરવું પડતું હોય છે. આપણે આપણા લોકો માટે કેટલા બધા કોમ્પ્રોમાઇઝ કરતા હોઇએ છીએ. હશે, જવા દે, એ ખુશ તો હું રાજી. મને એનાથી વધારે કશું નથી. આપણે આપણા લોકોના ચહેરા પર ખુશી જોવા માટે કેટલું બધું કરતા હોઇએ છીએ? આવું કરીશ તો એને ગમશેથી માંડીને શું કરું તો એને ગમે ત્યાં સુધીનું આપણે વિચારતા હોઇએ છીએ. એક પડઘાની પણ આપણને અપેક્ષા હોય છે. આપણે સરપ્રાઇઝ પ્લાન કર્યું હોય અને જેને સરપ્રાઇઝ આપ્યું હોય એને જરાયે ખુશી ન થાય ત્યારે આઘાત પણ લાગતો હોય છે. દરેક વખતે આપણે ઇચ્છીએ એવો પડઘો ન પણ પડે. એવા સમયે પણ એવું વિચારવું પડે છે કે, મેં તો સારી દાનત અને ઉમદા ઇચ્છાથી કર્યું હતુંને? સંબંધમાં પણ સરવાળે તો આપણે શું કરવું જોઇએ, આપણને શું સારું અને સાચું લાગે એ જ વિચારવું પડે છે. સંબંધ સાચો હશે તો પડઘો પડવાનો જ છે. ક્યારેક આપણી વ્યક્તિનો મૂડ ન હોય, ક્યારેક એ જુદી માનસિકતામાંથી પસાર થતાં હોય એવું બનવાજોગ છે. જો દર વખતે સામા છેડેથી સન્નાટો જ હોય તો વિચારવું પડે. સંબંધો નાજુક હોય છે. સંબંધ કાચના વાસણ કરતાં પણ વધુ માવજત માંગી લે છે. જિંદગીમાં કેટલાંક સંબંધો એવા હોય છે જેમાં બહુ વિચારવાનું હોતું નથી. એમાં એક જ લીટીનો નિયમ લાગુ પડતો હોય છે કે, એના માટે કંઈ પણ! બેલેન્સ રાખવું પડે તો બેલેન્સ રાખીને પણ એ સંબંધ નિભાવી લેવાનો હોય છે. જિંદગીમાં સુખની સાચી અનુભૂતિ સાચા અને સારા સંબંધોથી જ થતી હોય છે. આપણું દુ:ખ આપણું પોતાનું હોય છે પણ આપણું સુખ સહિયારું હોય છે. આપણે એવું ઇચ્છતા હોઇએ છીએ કે જે આપણા સુખમાં ભાગીદાર હોય એ આપણા દુ:ખમાં પણ સાથે રહે. આપણે જેને સુખમાં સાથે રાખતા હોઇએ એને દુ:ખમાં સાથે રહેવાનું કહેવું જ પડતું નથી, એ હોય જ છે. પાર્ટીમાં આમંત્રણ આપવું પડે છે પણ પીડા વખતે જે પાસે હોય છે, પાસે આવી જાય છે, એ જ સાચા સંબંધ હોય છે. એવા સંબંધો જથ્થાબંધ હોતા નથી, થોડાક એવા સંબંધો હોય તો પૂરતું અને ઘણું છે!
છેલ્લો સીન :
ભૂલ ન હોય છતાં પણ ભૂલ સ્વીકારવી એ પણ ભૂલ જ છે. સાચા હોઈએ ત્યારે પણ સજ્જ અને સક્ષમ રહેવું પડતું હોય છે. – કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા.04 સપ્ટેમ્બર,૨૦૨૨, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)

Kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *