તું હવે તારું બકબક કરવાનું બંધ કરીશ? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તું હવે તારું બકબક

કરવાનું બંધ કરીશ?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ડહાપણનું ટીલું કપાળે કર્યું’તું, કોઇનીયે પાછળ ન પાગલ થવાયું,

ભર્યું ત્યાં સુધી તો અધૂરા રહ્યા પણ, કરી મનને ખાલી છલોછલ થવાયું!

-મેહુલ ભટ્ટ

દરેક શબ્દનું એક સૌંદર્ય હોય છે. આપણે જે રીતે બોલીએ છીએ એના પરથી એ નક્કી થાય છે કે, આપણે એ સૌંદર્યને નિખારીએ છીએ કે પછી બગાડીએ છીએ? શબ્દના સૌંદર્યને મેકઅપની જરૂર પડતી નથી, માધુર્યની જરૂર પડે છે. માણસની ઓળખ બે રીતે થાય છે, એક તો એ જેવો દેખાય છે એનાથી અને બીજી એ જે બોલે છે અને જેવું બોલે છે એના પરથી. આપણા શબ્દો આપણી ઓળખ બનતા હોય છે. માણસનું મૂલ્ય એ જે શબ્દો વાપરે છે એના પરથી નક્કી થાય છે. ઘણા લોકો એટલું સરસ બોલતા હોય છે કે આપણને સાંભળતા જ રહેવાનું મન થાય. ઘણા બોલતા હોય તો એવું થાય કે, હવે આ બંધ થાય તો સારું! તમને ખબર છે કે, તમે કેવું બોલો છો? આપણે બધા આપણા દેખાવની ખૂબ પરવા કરીએ છીએ. ચહેરા ઉપર જરાકેય કંઇક થાય તો તરત જ કાળજી લઇએ છીએ. વાળ વારંવાર સેટ કરાવીએ છીએ. સૌંદર્ય પ્રસાધનો વાપરીએ છીએ પણ આપણે કોઇ દિવસ એના પર વિચાર કરીએ છીએ કે, હું કેવી રીતે બોલું છું? મારું બોલવું લોકોને કેવી અસર કરે છે? મારી વાત કોઇને ગમે છે કે નહીં? આપણા બોલવાના ટોન ઉપરથી આપણી ઇમેજ નક્કી થાય છે. એક નંબરનો તોછડો છે કે તોછડી છે. એને તો બોલવાનું કોઇ ભાન જ નથી. બોલવામાં અને બાફવામાં ફેર છે. વાતચીતમાં અને વાટવામાં ફર્ક છે. ઘણા લોકો બોલતા નથી હોતા, કકળાટ કરતા હોય છે. ઘણા લોકો એટલા મૃદુભાષી હોય છે કે, એના શબ્દો સાથે મીઠાશ ઝરતી હોય છે.

દેખાવ સારો હોય પણ બોલવાની તમીઝ ન હોય તો સૌંદર્યથી પણ લોકો દૂર ભાગે છે. દેખાવ તમને કોઇની નજીક લાવી શકે પણ તમને જકડી તો તમારો સંવાદ જ રાખી શકે. સંવાદ ત્યારે જ સજીવન રહે જો એમાં સંવેદના અને સાત્ત્વિકતા હોય. સંવાદ એટલે જ્યાં કોઇ વાદ નથી. સંવાદ એટલે જ્યાં કોઇ વિવાદ નથી. સંવાદ એટલે જ્યાં કોઇ ફરિયાદ નથી. સંવાદ એટલે જ્યાં સ્પેસ છે. સંવાદ એટલે જ્યાં માત્ર કાન ખુલ્લા છે એટલું જ નહીં, દિલ પણ ખુલ્લા છે. મન પણ મુક્ત છે. સંવાદમાં સ્વીકાર છે. આપણે જે બોલીએ છીએ એ માત્ર ઝીલાતું નથી, જીવાય પણ છે. મોટા ભાગના ઝઘડાઓ માત્રને માત્ર બોલવાથી થાય છે. પતિ પત્નીને જો સારી રીત બોલતા આવડતું હોય તો મોટા ભાગના ઝઘડાઓ થાય નહીં. આપણે બધું શીખીએ છીએ પણ બોલતા શીખતા નથી. જન્મ બાદ મોટા થઇએ એટલે બોલતા તો આપોઆપ આવડી જાય છે પણ સારી રીતે બોલતા શીખવામાં આખો જન્મારો નીકળી જતો હોય છે.

ઘણા લોકો બોલે ત્યારે આપણને એવો સવાલ થાય છે કે, આમ બોલાય? આ તે કોઇ રીત છે? પતિ પત્ની જે રીતે વાત કરતા હોય છે એના પરથી મપાઇ જાય છે કે, બંને વચ્ચે કેટલો પ્રેમ છે. દાંપત્ય જીવનને જો જીવતું રાખવું હોય તો તમારી વ્યકિત સાથે પ્રેમથી વાત કરો. એક પતિ પત્નીની આ વાત છે. પતિ એક નંબરનો તોછડો. સીધી રીતે વાત જ ન કરે. પત્નીના મનમાં ફફડાટ જ રહે કે હમણાં આ કંઇક બોલશે. પતિ બહાર ગયો હોય ત્યારે પણ એને પતિના ભણકારા વાગતા. હાલત એ થઇ કે, પતિની ટક ટકથી પત્ની ડિપ્રેશનમાં આવી ગઇ. પતિના મિત્રોએ કહ્યું કે, એને મનોચિકિત્સકની સારવારની જરૂર છે. પતિ તેને સાઇકોલોજિસ્ટ પાસે લઇ ગયો. સાઇકોલોજિસ્ટે બંનેને બેસાડ્યા. પત્નીએ સાયકોલોજિસ્ટને કહ્યું, તમને ખબર છે આપણી સોસાયટીનો પ્રોબ્લેમ શું છે? સાઇકોલોજિસ્ટે પૂછ્યું કે, શું? યુવતીએ કહ્યું કે, આપણે જેને સારવાર કરાવવાની હોય છે એની નથી કરાવતા પણ ભોગ બનનારની કરાવીએ છીએ! સારવારની તો આને જરૂર છે. એનો મગજ જ ઠેકાણે રહેતો નથી. તમારી ટ્રીટમેન્ટથી હું તો સાજી થઇ જઇશ પણ આનું શું? એનામાં થોડો કોઇ ફેર પડવાનો છે? મારી તમને વિનંતી છે કે, મારા પહેલા એની સારવાર કરો. મારી પછી કરજો. પહેલા એને સાજા થવાની જરૂર છે. એ સાજો થઇ જશે તો હું ઓટોમેટિક સારી થઇ જઇશ. હું મનોરોગી છું એમાં ના નહીં પણ રોગનું મૂળ તો મારા પતિમાં જ છે! આપણી જિંદગીમાં પણ અમુક લોકો આપણા રોગના મૂળ જેવા હોય છે. એ આપણને શાંતિ જ લેવા દેતા નથી. આપણને સતત ટેન્શનમાં રાખે છે. દૂર હોય તો પણ આપણને એનો ભય લાગે છે. ભૂતાવળનો ભાસ થતો હોય એમ એક ફફડાટ મનમાં રહે છે.

એક છોકરીની આ સાવ સાચી વાત છે. એના ઘરમાં માતા, પિતા અને ભાઇ સહિત બધા એક બીજાને વડચકે જ લેતા હતા. ઘરના બોઝિલ વાતાવરણમાં જ એ મોટી થઇ હતી. આખરે તેના લગ્ન થયા. તેનો પતિ ખૂબ જ સમજુ હતો. ઘરમાં પણ બધા બહુ શાંતિથી વાત કરતા હતા. એ છોકરીએ કહ્યું કે, આટલી શાંતિથી પણ વાતો થઇ શકે એ મને મારા સાસરે આવીને જ ખબર પડી. હું પણ તોછડી હતી પણ પતિ અને સાસરિયાઓ સાથે રહીને હું પણ બોલવામાં નમ્ર બની. મેં તો ઘરમાં કોઇને શાંતિથી વાત કરતા જોયા જ નહોતા. બધા સાથે બેસીને હસે, બોલે, મસ્તી કરે તો પણ મર્યાદા ન ચૂકે એવું મેં જોયું જ નહોતું. ઘણી યુવતીઓને સાસરે આવીને સમજાય છે કે, પિયરમાં જે ચાલતું હતું એ અયોગ્ય હતું. એ યુવતીએ ત્યાં સુધી કહ્યું કે, બધાને વિચિત્ર લાગશે પણ સાચું કહું તો પિયર વિશે મને એવું થાય છે કે, છૂટી એ ઘરમાંથી!

અમુક સમયે તો એવી હાલત થાય છે કે, આપણે એવું કહી પણ નથી શકતા કે, ભાઇસાબ બંધ થાને હવે! તારું બકબક બંધ કરને! ખબર છે તારામાં બહુ હોશિયારી છે! કેટલાંક વડીલો અને આપણા સિનિયરો વિશે પણ આપણને એવું થતું હોય છે કે, આ તો સાંભળવું પડે એટલે સાંભળીએ છીએ બાકી તો મોઢામોઢ ચોપડાવી દઇએ કે, તારી ફાંકા ફોજદારી બંધ કર! આપણો ટોન સારો ન હોય તો આપણી વાતમાં ગમે એવો દમ હોય તો પણ આપણી વાત સામી વ્યક્તિને ગળે ઉતરવાની નથી. સારા શબ્દોમાં કહેવાયેલી ઘણી વાતો માત્ર સંભળાય છે કે સ્પર્શી જાય છે? સાચો સંવાદ એ છે જે સીધેસીધો સ્પર્શે. જેમાં એવું ફીલ થાય કે, આ જે કહેશે એ સાચું અને સારું જ હશે! ઘણા લોકો માટે આપણે જ એવું સ્ટેટમેન્ટ કરતા હોઇએ છીએ કે, એ એવું કરે જ નહી! એ કોઇને ગાળો દે જ નહીં! આપણે કહીએ છીએ કે, મેં તેને ઊંચા અવાજ બોલતો ક્યારેય સાંભળ્યો નથી. આપણા ઊંચા અવાજથી આપણું માપ નીકળતું હોય છે. અવાજ જેટલો ઊંચો માણસ એટલો નીચો. નીચા અને નીચ વચ્ચે બહુ ઓછો ભેદ હોય છે. અવાજ એટલો જ હોવો જોઇએ કે સામેવાળો માણસ સાંભળી શકે. અવાજ જો ઊંચો હશે તો માણસ સાંભળશે પણ નહીં, સમજશે પણ નહીં અને સ્વીકારશે પણ નહીં! અમુક લોકો પાસે જવાનું થાય ત્યારે આપણને ખબર જ હોય છે કે, આજે સાંભળવાનું જ છે. આવા લોકો પાસે આપણે સાંભળવાની તૈયાર સાથે જ જતા હોઇએ છીએ, સમજવાની નહીં!

તમારા શબ્દોને એટલા શાર્પ ન બનાવો કે કોઇને ખૂંચે. તમારા શબ્દોને એટલા સ્મૂધ બનાવો કે કોઇને સ્પર્શે. શબ્દો ટાઢક આપવા જોઇએ, તાપ નહીં. શબ્દો સાંત્વના આપવા જોઇએ, સંતાપ નહીં. શબ્દો આશ્વાસન આપવા જોઇએ, આઘાત નહીં. શબ્દો શાંતિ આપવા જોઇએ, સનેપાત નહીં. શબ્દો દવાનું કામ કરે છે, જો આપણામાં શબ્દોને અકસીર બનાવવાની આવડત હોય તો! તમારા સંબંધો સરખા ન હોય તો એ ચેક કરજો કે તમારો સંવાદ કેવો છે? તમારી નિકટતા તમારી વાણી જ નક્કી કરે છે. જેને વાત કરતા નથી આવડતી એ ભણેલો હોય શકે, ગણેલો નહીં. જ્ઞાન ગમે એટલું હશે પણ જો વાણી સારી નહીં હોય તો તમારું જ્ઞાન પણ ગાંડપણમાં ખપી જશે! સારો એ જ લાગશે જેને સારી રીતે બોલતા આવડે છે. સરખી રીતે વાત ન કરતો હોય એને એવું જ સાંભળવું પડતું હોય છે કે, બંધ થા હવે, જરાયે સારો નથી લાગતો!

છેલ્લો સીન :

શબ્દો મોંઘી મૂડી જેવા છે. તમે તેને કેવી રીતે વાપરો છો તેના પરથી તેનું મૂલ્ય નક્કી થાય છે. વાપરતા ન આવડે તો શબ્દોની કિંમત કોડીની થઇ જાય છે!         –કેયુ.

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 17 એપ્રિલ 2022, રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “તું હવે તારું બકબક કરવાનું બંધ કરીશ? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *