NEW LOOK : દેખાવની દુનિયા
તમે ક્યારેય તમારો
લુક ચેન્જ કર્યો છે?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
ન્યૂ લુક ધારણ કરવો સાવ સહેલો નથી, તરત જ એવો વિચાર આવ જાય કે લોકોનો રિસ્પોન્સ કેવો હશે?
બધા લોકો એવું કહેશે કે, આ શું વેશ કાઢ્યા છે તો?
હેર સ્ટાઇલ ચેન્જ કરવી એ છોકરીઓ માટે જેટલી ઇઝી છે એટલી છોકરાઓ માટે નથી.
છોકરાઓ દાઢી મૂછમાં જોખમ લેતા થયા છે!
ન્યૂ લુકથી ફ્રેશનેસ આવે છે. અલબત્ત, કોઇને ન ગમે કે કોઇ ટીકા કરે તો ડિસ્ટર્બ નહીં થવાનું.
જેને જેવું લાગવું હોય એવું લાગે, તમને ગમે એટલે બસ!
———–
આપણા દેશની સંસદમાં હમણા એક સરસ મજાની ઘટના બની ગઇ. સંસદ સભ્ય સુરેશ ગોપી પોતાની વાત કહી રહ્યા હતા ત્યારે પીઠાધીશ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયાનાયડુએ પહેલા તો તેમને ટીકી ટીકીને જોયા અને પછી રહેવાયું નહીં એટલે પૂછી જ લીધું કે, આ તમારા ચહેરા ઉપર શું છે? માસ્ક છે કે દાઢી છે? સુરેશ ગોપીએ હળવાશથી જવાબ આપ્યો કે, દાઢી છે સર, માય ન્યૂ લુક! 63 વર્ષના સુરેશ ગોપી મલયાલમ એકટર છે અને તેમણે પોતાની નવી ફિલ્મ માટે ન્યૂ લુક અપનાવ્યો છે.
દરેક માણસને ક્યારેકને ક્યારેક તો પોતાનો લુક ચેન્જ કરવાનું મન થયું જ હોય છે. મોટા ભાગના લોકોએ પોતાના દેખાવ સાથે કંઇકને કંઇક પ્રયોગો કર્યા પણ હોય છે. ઘણાને જોખમ લીધા પછી પસ્તાવો પણ થયો હશે કે, આ મેં શું કરી નાખ્યું? માણસને પોતાની ઇમેજ પ્રત્યે પ્રેમ હોય છે. એ જરાકેય ખંડિત થાય તો માણસને લાગી આવે છે. એક સાવ સાચો કિસ્સો છે. એક યુવાનને મૂછ આવી ત્યારથી એ મૂછ રાખતો હતો. એક સમયે તેને મૂછો કાઢી નાખવાનું મન થયું. હિંમત કરીને તેણે પોતાની મૂછો કઢાવી નાખી. થાતા તો થઇ ગયું પણ પછી મૂછો વગરનો પોતાનો ચહેરો પોતાને જ ન ગમ્યો. અફસોસનો પાર ન રહ્યો. અધૂરામાં પૂરું, મોટા ભાગના મિત્રોએ કહ્યું કે, આ તેં શું કર્યું? ભંગાર લાગે છે! યુવાના પાસે પાછી મૂછ ન ઉગે ત્યાં સુધી રાહ જોવા સિવાય કોઇ વિકલ્પ નહોતો. એણે તો પણ એક રસ્તો શોધી કાઢ્યો. કાજળ લઇને મૂછો દોરી લીધી. એના કારણે બધા એની વધારે મજાક ઉડાવી! આવું ઘણા સાથે થયું હશે. એક બીજો કિસ્સો સાંભળો. એક છોકરાએ વાળ વધાર્યા હતા. પોની આવી જાય એટલા લાંબા વાળ કર્યા. આખરે એક દિવસે તેણે વાળ કપાવી નાખ્યા. બધા મિત્રોએ કહ્યું કે, કેવા મસ્ત લાગતા હતા. શા માટે કપાવ્યા? એ યુવાને કહ્યું કે, ધ્યાન મારે રાખવું પડતું હતું. ગરમીમાં તો હાલત ખરાબ થઇ જતી હતી. જેવો લાગુ એવો, મને કોઇ ફેર પડતો નથી. ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ રમવાનું શરૂ કર્યું ત્યારે લાંબા વાળ રાખ્યા હતા. ધોની પાકિસ્તાન રમવા ગયો ત્યારે બળવો કરીને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બની ગયેલા જનરલ પરવેઝ મુશર્રફ મેચ જોવા આવ્યા હતા. ભારત મેચ જીત્યું હતું. મુશર્રફે ધોનીને ગ્રાઉન્ડ પર જાહેરમાં કહ્યું હતું કે, ધોની તને આ હેર સ્ટાઇલ સરસ લાગે છે. વાળ કપાવતો નહીં! એ વાત જુદી છે કે, ધોનીએ બાદમાં લોંગ હેર કટ કરાવી નાખ્યા હતા.
આપણો લુક જોવા માણસની આંખો ટેવાઇ ગઇ હોય છે. લુક ચેન્જ થાય કે તરત જ એને ટેવ અને ઓળખને ધક્કો પહોંચે છે. કોઇને ન ગમે ત્યારે લુક ચેન્જ કરનાર જ કહે છે કે, એ તો નવું નવું છે એટલે, થોડા દિવસમાં તમારી આંખો ટેવાઇ જશે! આંખોની પણ અનોખી ટેવો હોય છે, આંખોને પણ કેટલીક આદતો પડી ગઇ હોય છે. આંખોને પણ ઘણું બધું પચાવતા વાર લાગે છે.
છોકરાઓ વધુ લુક ચેન્જ કરે છે કે છોકરીઓ એ સંશોધનનો વિષય છે. છોકરીઓ હેર સ્ટાઇલમાં નવા નવા પ્રયોગો કરતા હોય છે. હેર સ્ટાઇલથી છોકરીઓનો આખો લુક તદ્દન ચેન્જ થઇ જાય છે. હવે છોકરાઓ પણ પ્રયોગો કરતા થયા છે. છોકરીઓ માટે હળવાશમાં એવું પણ કહેવાય છે કે, જે છોકરીઓના વાળ કર્લી છે એને સ્ટ્રેઇટ કરાવવા છે અને જેના સ્ટ્રેઇટ છે એને કર્લીનો મોહ જાગે છે. પુરષો માટે તો વાળ ટકી રહે એ જ મોટી વાત છે. છોકરાઓમાં આજકાલ બિયર્ડ ઇનથિંગ છે. મોટા ભાગના છોકરાઓ દાઢી રાખે છે. એક સમયે દાઢી રાખનારાઓને એદીમાં ખપાવી દેવામાં આવતા હતા. ક્લિન શેવ જ સારી ગણાતી. છોકરીઓ પાસે ડ્રેસિંગની ઢગલાબંધ ચોઇસ છે. છોકરાઓ માટે પેન્ટ અને ઉપર કાં તો શર્ટ અને કાં તો ટીશર્ટ સિવાય વધુ ચોઇસ નથી. એક છોકરીની આ સાવ સાચી વાત છે. કાયમ ફૂલ ડ્રેસ એટલે તે ચૂડીદારમાં જ દેખાતી એક છોકરી અચાનક એક દિવસ સ્લીવલેસ શોર્ટ મીડી પહેરીને આવી ત્યારે તેના છોકરા મિત્રોએ કમેન્ટ કરી હતી કે, આ જુઓ મણીબેન અચાનક મિસ વર્લ્ડ બની ગયા છે! શોર્ટ પહેરવી એ દરેક છોકરીનું સપનું હોય છે. ઘણી છોકરીઓ પિયરમાં કે પછી સાસરિયામાં શોર્ટ પહેરી શકતી નથી. એનું દિલ દુભાતું હોય છે. એક છોકરીએ કહ્યું હતું કે, શોર્ટ પહેરવી એ આઝાદી અને ફ્રિડમનું પ્રતીક છે! સાસરિયામાં અમુક પ્રકારના ડ્રેસ પહેરી ન શકતી હોય એ પતિ સાથે ફરવા જાય ત્યારે બોલ્ડ ડ્રેસ પહેરવાની મજા માણી લે છે. જે છોકરીઓને મનગમતા ડ્રેસીઝ પહેરવાની છૂટ મળે છે એને વેસ્ટર્ન ડ્રેસ પહેરી ન શકતી છોકરીઓની વેદના ક્યારેય સમજાતી નથી.
લુક ચેન્જની સાયકોલોજિકલ ઇફેક્ટ પણ સમજવા જેવી છે. દેખાવમાં બદલાવ કરવાથી ફ્રેશનેસ અને કોન્ફીડન્સ આવે છે. ભલે કોઇ સારું બોલે કે નરસું પણ લોકો નોંધ તો લે છે? અભિપ્રાય તો આપે છે. એ બહાને પણ લોકો નોટિસ તો કરે છે. અમુક લોકોને તો થોડા થોડા સમયે લુકમાં કોઇ ચેન્જ ન કરે તો કંઇક ખૂટતું હોય એવું લાગે છે. લુક ચેન્જથી મૂડમાં બદલાવ આવે છે એ તો હકીકત છે. બદલાવ લાવ્યા પછી બીજા દિવસે સવારે અરિસામાં આપણું મોઢું જોઇએ ત્યારે આપણને પોતાને પણ હળવો આંચકો લાગે છે અને એવો પણ વિચાર આવી જાય છે કે, હું જ છુંને? એક મોટો વર્ગ એવો છે જે એવું માને છે કે, માણસે સમયે સમયે લુક બદલાવવો જ જોઇએ. એક જ ઇમેજમાં જકડાઇ જવાની કોઇ જરૂર નથી. માણસે પોતાને પણ સરપ્રાઇઝ આપતી રહેવી જોઇએ.
લોકોને કેવું લાગશે, લોકો શું ધારી લેશે, એવું વિચારીને ઘણા ઇચ્છતા હોવા છતાં લુકમાં નાનો સરખો બદલાવ પણ કરતા નથી. એ લોકો પોતાની ઇમેજમાં જ એવા બંધાઇ ગયા હોય છે જેનાથી છૂટી શકતા નથી.
માણસ વર્ષો પછી મળે ત્યારે મોટા ભાગે દેખાવ વિશે કમેન્ટ કર્યા વગર રહેતો નથી. અરે, તું કેટલો બદલી ગયો કે કેટલી બદલી ગઇ? એના મન અને મગજમાં છેલ્લી વાર મળ્યા હોય એ જ ઇમેજ જડાઇ ગઇ હોય છે. ઉંમરની સાથે માણસમાં બદલાવ તો આવે જ ને? ઉંમરના પડાવ પાસે માણસનું કઇ ચાલતું નથી. પહેલી વખત માથામાં ધોળો વાળ આવે ત્યારે માણસ એ ખેંચી કાઢે છે. એક સમયે એટલા ધોળા વાળ થઇ જાય છે કે, વાળ ખેંચવા કરતા કલર કરવા વધુ સરળ લાગે છે. નેણમાં પણ સફેદ વાળ આવી જાય એ પછી માણસ ધીમે ધીમે ઉંમરના પડાવને સ્વીકારવા લાગે છે. જેમ જેમ ઉંમર વધે એમ એમ માણસને નાના દેખાવવાનો મોહ પણ વધતો જાય છે. મોટી ઉંમરે પણ મોટા જેવા ગ્રેસફૂલ ન્યૂ લુકનો અવકાશ હોય જ છે. મોટી ઉંમરે માણસ એવું કહીને વાત ટાળે છે કે, હવે કોને બતાવવું છે? સાચી વાત એ છે કે, કોઇને બતાવવા માટે નહીં પણ પોતાને મજા આવે એ માટે બધું કરવું જોઇએ. હોય એના કરતા નાના અને હોઇએ એના કરતા વધુ સ્માર્ટ દેખાવવાનો દરેકને અધિકાર છે. જિંદગીને પણ લાડ લડાવવા જોઇએ. યંગ હોઇએ કે ઓલ્ડ ગમે એમ કરવામાં કશું જ ખોટું નથી. પહેલા કોઇ મોટી ઉંમરની લેડી બની ઠનીને નીકળે તો એવું કહેવાતું કે, ગલઢી ઘોડીને લાલ લગામ, હવે ચેન્જ આવ્યો છે. હવે લોકો કહે છે કે, લાઇફ તો એ મસ્ત રીતે જીવે છે. કોણ શું કરશે એની ચિંતા કરનારા મસ્તીથી જીવી શકતા નથી. ઘણા મા-બાપ પોતે લુક ચેન્જ કરવાની હિંમત કરી શકતા ન હોય એ છોકરાઓને નવી નવી સ્ટાઇલો કરાવીને મન મનાવતા હોય છે. આજના યંગસ્ટર્સ વધુ એક્સપેરિમેન્ટ કરે છે અને પોતાને ગમતું હોય એ કરવામાં જરાયે અચકાતો નથી. જિંદગી વિશે દરેકની પોતાની ફિલોસોફી હોય છે. ઘણા જીવી લેવામાં માને છે અને ઘણા જોખમ લેવાનું ટાળે છે. મરજી અપની અપની ખયાલ અપના અપના! જે કંઇ કરો એ દિલથી અને મસ્તીથી કરો. કોને કેવું લાગશે એવું વિચારીને મન મારીને રહેવાનો કોઇ મતલબ હોતો નથી!
હા, એવું છે!
એક અભ્યાસ એવું કહે છે કે, માણસ પોતાના જેવી દેખાતી વ્યક્તિ પ્રત્યે આકર્ષિત થાય છે. લાઇક માઇન્ડેડ એમ જ તો ભેગા નહીં થઇ જતા હોયને? મૂડીને મૂડી અને ક્રેઝીને ક્રેઝી મળી જ જાય છે!
(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 06 એપ્રિલ 2022, બુધવાર, ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com