એ બદલે એટલે આપણે
પણ બદલી જવાનું ?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
સમંદર ના થયો મીઠ્ઠો કદીયે, વલણ બદલ્યું નહીં તો પણ નદીએ,
રહ્યો સીધો સરળ જણ છેક સુધી, અહીંયા થાપ ખાધી મુત્સદ્દીએ.
-અશોકપુરી ગોસ્વામી
નાટકની ફાવટ હોય એવા લોકોની સંખ્યા સતત વધતી જાય છે. માણસ સતત એક અવઢવમાં જીવતો રહે છે કે, કોનો ભરોસો કરવો અને કોનો ભરોસો ન કરવો? કોણ સાચું બોલે છે અને કોણ ખોટું? બધું ચકાસવાની શોધ માણસે કરી લીધી છે, એક માણસ જ ચકાસી શકાતો નથી. પીળી ઘાતું પિત્તળ છે કે સોનુ એની ખબર પડી જાય છે પણ માણસ ખોખલો છે કે ખડતલ એની ખબર પડતી નથી. અત્યારના સમયમાં બોદા માણસોની બહુમતી છે. સારો માણસ મળે તો બધાને આશ્ચર્ય થાય છે કે, આજના સમયમાં પણ આવા લોકો છે હોં! માણસ નાનું અમથું કંઇક સારું કરે તો એ વાઇરલ થઇ જાય છે. જમાનાની વાત નીકળે ત્યારે આપણે સમયને વચ્ચે લાવીએ છીએ. આપણે કહીએ છીએ કે, હવે પહેલા જેવો સમય જ ક્યાં છે? સમય બોલી શકતો નથી. જો એ બોલી શકતો હોત તો એવું કહેત કે, હું નથી બદલ્યો. માણસ બદલ્યો છે. હું તો જેવો પહેલા હતો એવો જ અત્યારે છે. હું કેવી રીતે બદલું? ઘડીયાળ અને કેલેન્ડર જોઇ લો, હું જરાયે બદલતો નથી. દરેક ક્ષણ એક સરખી ગતિએ કાપું છું. બદલ્યા તો તમે છો! મને શા માટે બદનામ કરો છો?
દરેક માણસને પોતે સારો જ લાગતો હોય છે. પોતાની જાતને પોતાનું જ સર્ટિફિકેટ આપવું બહુ સહેલું છે. આપણે ક્યારેય કોઇને પૂછતા નથી કે, હું કેવો માણસ છું? એવું પૂછીએ તો પણ સાચો જવાબ મળે કે કેમ એ સવાલ છે! માણસ સાચો અભિપ્રાય આપતા પણ ડરે છે. આને ક્યાં કહેવું કે, તારામાં બુદ્ધિ જેવું કંઇ છે જ નહીં! તારી છાપ એવી છે કે, તારાથી જેટલું બને એટલું દૂર જ રહેવું! મોઢે તો બધા સારું જ કહે છે. સૌથી નઠારા માણસના સૌથી વધારે વખાણ થાય છે એનું કારણ એ છે કે, એનું જરાકેય ખરાબ બોલીએ તો વારો ચડાવી દે! લોકો મનમાં એવું કહેતા હોય છે કે, તારું ખરાબ બોલીને મારે મરવું છે? સારો માણસ હોય એને એ સાબિત કરવું પડતું નથી કે એ સારો માણસ છે. આમ તો કોણ કેવો છે એ બધાને ખબર જ હોય છે. આપણી એક ઇમેજ શહેરમાં અને સમાજમાં ફરતી જ હોય છે. આપણને કોઇ દિવસ મળ્યા ન હોય, કોઇ દિવસ વાત સુદ્ધાં ન કરી હોય એ માણસ પણ આપણો અભિપ્રાય લઇને ફરતો હોય છે.
માણસના એવા કેટલાંયે ચહેરા હોય છે જે દેખાતા નથી. હા, એ ચહેરા ક્યારેકને ક્યારેક વર્તાઇ ચોક્કસ આવતા હોય છે. દેખાય છે માત્ર એક જ ચહરો, એ ચહેરા પાછળ અનેક ચહેરાઓ હોય છે. ચહેરાના રંગ બદલતા રહે છે, માણસના ઢંગ બદલતા રહે છે. આપણે જેને નખશીખ સજ્જન માન્યો હોય એ શેતાન નીકળે છે. જેને શેતાન સમજતા હોઇએ એ સંત સાબિત થાય છે. એક માણસની વાત છે. તે એવું કહેતો કે, હું ક્યારેય માણસને ઓળખવાનો પ્રયાસ નથી કરતો. તેના મિત્રએ પૂછ્યું કે, કેમ? તેણે કહ્યું કે, એનું કારણ એ છે કે, માણસને ક્યારેય ઓળખી જ ક્યાં શકાય છે? આપણે માણસને ઓળખવાની ખોટી મહેનત કરતા હોઇએ છીએ. આપણે કોઇને સારો માની લઇએ છીએ અને અનુભવ થાય પછી કહીએ છીએ કે, મને તો કલ્પનાય નહોતી કે, આ માણસ આવો નીકળશે! કોઇ માણસ વિશે કંઇ માની લેવું નહીં, કારણ કે એ બદલતો રહે છે. અભિપ્રાય બાંધવામાં મોટું જોખમ રહે છે.
તકલીફ એ નથી કે માણસ બદલી જાય છે. મુશ્કેલી એ છે કે, માણસ જેમ બદલે એમ આપણે પણ બદલી જઇએ છીએ. માણસ હવે જેવા સાથે તેવાના સિદ્ધાંતમાં માનવા લાગ્યો છે. હું જેવો છું એવો જ રહીશ એવું માનતો નથી. માણસ બોલે છે કે, હું જ્યાં સુધી સારો છું ત્યાં સુધી સારો છું, બાકી મને ખરાબ થતા પણ આવડે છે! આવું કોઇ કહે ત્યારે એને એક સવાલ કરવાનું મન થઇ આવે કે, પહેલા એ કહે કે, તું ખરેખર છે કેવો? સારો કે ખરાબ? લોકો હવે એવું પણ કહેવા લાગ્યા છે કે, સારા થવામાં બહુ માલ નથી. લોકો આપણો ઉપયોગ કરીને ફેંકી દે છે. લોકો હવે સારા માણસને નબળો માનવા લાગ્યા છે. તમે કંઇ સારું કરશો તો પણ લોકો પાછળથી એવું બોલશે કે, મૂરખ છે સાવ! આપણે સારું કરીએ તો પણ લોકોને શંકા જાય છે કે, એનો કંઇક સ્વાર્થ હોવો જોઇએ! કોઇ કોઇના ભલા ખાતર કે લાગણી ખાતર કંઇક કરે તો પણ લોકોને ભેદી લાગે છે. એનું કારણ એ છે કે બધા જે કંઇ કરે છે એની પાછળ કોઇને કોઇ મતલબ હોય છે.
આપણે શબ્દો પણ સારું લગાડવા માટે વાપરીએ છીએ. કોઇના વખાણ કરતી વખતે પણ અંદરથી તો દાંત કચકચાવતા હોઇએ છીએ. આપણે પગે લાગીએ છીએ અને અંદરથી તો પાટું મારવાની ઇચ્છા થતી હોય છે. હાર પહેરાવતી વખતે પણ વિચારીએ છીએ કે, એક વાર હાથમાં આવને, તને તો આખેઆખો ઉઘાડો પાડી દઇશ! આપણે દુનિયા પાસેથી પ્રામાણિકતાની આશા રાખીએ છીએ પણ આપણે પોતે આપણી જાત સાથે જ ઓનેસ્ટ નથી હોતા! દુનિયા બગડી ગઇ છે એવું બોલતી વખતે કેટલા લોકો એવું વિચારે છે કે, શું હું નથી બગડ્યો? મારા દરેક વર્તનમાં દંભ નથી? જો હું પોતે એવો છું તો સમાજને દોષ દેવાનો મને શું અધિકાર છે? આપણે સમાજ તરફ આંગળી ચિંધતી વખતે એ વાત ભૂલી જઇએ છીએ કે, આપણે પણ અંતે તો એ સમાજનો જ હિસ્સો છીએ!
એક બાપ-દીકરો હતા. પિતાને પરિવારના તમામ લોકોએ હેરાન કર્યા હતા. પિતાનો સારો સમય હતો ત્યારે બધાએ તેનો લાભ લેવામાં કંઇ બાકી રાખ્યું નહોતું. ખરાબ સમય આવ્યો ત્યારે તમામ લોકોએ મોઢું ફેરવી લીધું. દીકરો બચપણથી બધું જોતો હતો. જે લોકો પિતાને ભાઇસાબ બાપા કરતા હતા એ જ લોકો તેના વિશે ખરાબ બોલતા હતા. એક દિવસ દીકરાથી રહેવાયું નહીં. તેણે પિતાને કહ્યું કે, આ બધા લોકો આવું કરે છે એ તમને દેખાતું નથી? જમાનો સારા રહેવાનો રહ્યો નથી. તમે બધાનું ભલું કર્યું પણ તમને શું મળ્યું? પિતાએ બધું શાંતિથી સાંભળ્યું. દીકરો શાંત પડ્યો એ પછી પિતાએ કહ્યું, બેટા તને ખબર છેને કે જમાનો ખરાબ છે? દીકરાએ કહ્યું કે, હા, જમાનો ખરાબ છે. પિતાએ બીજો સવાલ કર્યો કે, તારો પિતા ખરાબ છે? દીકરાએ કહ્યું કે, ના તમે ખરાબ નથી. પિતાએ પૂછ્યું, તો શું એ પૂરતું નથી? દુનિયા બદલે એટલે આપણે બદલી જવાનું? દુનિયા સારી નહીં હોય તો આપણે તેને સુધારી શકવાના નથી, અલબત્ત આપણે બગડવું નહીં હોય તો કોઇ આપણને બદલી કે બગાડી શકે નહીં. ઘણા લોકો મૂરખ બનાવી ગયા છે. છેતરી ગયા છે, પણ તને એક વાત કહું દીકરા, બદમાશ બનવા કરતા મૂરખ બનવું મને મંજૂર છે! ઘણી વખત તો મને ખબર જ હોય છે કે, આ માણસ જે બોલે છે એ પાળવાનો નથી. એવા લોકોને જોવ છું ત્યારે હું વધારે દ્રઢ બનું છું કે, હું જે બોલીશ એ પાળીશ. કોઇ બદમાશ માણસને જોવ છું ત્યારે હું વિચારું છું કે, હું તો ક્યાંક એના જેવો થઇ નથી ગયોને? મને જ્યારે એવી ખાત્રી થાય છે કે, હું એના જેવો થયો નથી ત્યારે મને શાંતિ થાય છે! સરખામણી કરીએ તો પણ સારી વાતની કરીએ. સારા માણસને જોઇને આપણને સારા બનવાનો વિચાર આવે તો સમજવું કે આપણામાં સારપ હજુ બચી છે. આપણને શક્તિશાળી, બદમાશ અને બધા જેનાથી ડરતા હોય એવા બનવાનું મન થઇ જાય છે પણ સારા માણસને જોઇને સારા બનવાનું મન કેમ થતું નથી? દુનિયા જેવી છે એવી જ રહેવાની છે. કોઇપણ યુગમાં લોકોએ ક્યારેય દુનિયાને સારી કહી જ નથી. આપણે માત્ર આપણી દુનિયાનું ધ્યાન રાખવાનું હોય છે. આપણે આપણી દુનિયા રચવાની હોય છે અને બસ એટલું જ ચેક કરતા રહેવાનું હોય છે કે, મારી દુનિયા તો સારી છેને? તમારી દુનિયા સારી હશે તો જ જિંદગી જીવવા જેવી લાગશે. તમારી દુનિયા તમે પોતે બનાવો અને કાળજી રાખો કે આપણી દુનિયા બીજા બધાની દુનિયા કરતા બેસ્ટ હોય!
છેલ્લો સીન :
જેને પોતાના શબ્દની કિંમત નથી હોતી એ માણસ ક્યારેય મૂલ્યવાન બની શકતો નથી. -કેયુ.
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 20 માર્ચ 2022, રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com