હવે કોઇ જોખમ લેવાની
હિંમત જ થતી નથી!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
રંગ કાળો, પીળો થયો જ નહીં, એના દિલમાં દીવો થયો જ નહીં,
બાકી રાખી દીધું વરસવાનું, એણે ને હું ભીનો થયો જ નહીં.
-ભરત વિંઝુડા
દરેકના મનમાં એક સપનું જીવતું હોય છે. સુખનું સપનું, શાંતિનું સપનું, સંબંધનું સપનું, કરિયરનું સપનું દરેક માણસ જોતો હોય છે. જિંદગીનું બીજું નામ જ ખ્વાહિશ, ઇચ્છા અને તમન્ના છે. દરેક માણસને કંઇક મેળવવું હોય છે, પોતાની જાતને સાબિત કરવી હોય છે. એ ઝનૂન જ જિંદગીને જીવવા જેવી બનાવે છે. જિંદગીના જુદા જુદા મુકામે સવાલ પણ થતો રહે છે કે, હું સાચા રસ્તે તો છુંને? જે કરું છું એ બરાબર તો છેને? ક્યારેક એવું લાગે છે કે, જેટલી મહેનત કરું છું એટલું મળતું નથી. હું વધુ ડિઝર્વ કરું છું. ક્યારેક હતાશા પણ થાય છે. ક્યારેક કોઇ નાની અમથી સફળતા નવું જોમ પણ ઉમેરી દે છે. જિંદગીની સફળતાનો સૌથી મોટો આધાર એના પર છે કે, પડકારો સામે તમે કેટલા ટકી રહો છો? ઘણા લોકો બહુ જલ્દી હારી જાય છે, થાકી જાય છે. એ જ લોકો નિષ્ફળ જાય છે જે નિષ્ફળતાને સ્વીકારી લે છે. સફળતા ક્યારેય એક ઝાટકે મળતી નથી.
એક યુવાન હતો. ઘણી મહેનત કરી છતાં તેને કામયાબી મળતી નહોતી. શું કરવું એની સમજ પડતી નહોતી. એક વખત તે બગીચામાં બેઠો હતો. ઉદાસી ચહેરા પર ચાડી ખાતી હતી. માળીએ તેને જોયો. માળી તેની પાસે ગયો અને પૂછ્યું કે, કેમ આટલો ઉદાસ છે? યુવાને વાત કરી કે, રાત દિવસ મહેનત કરું છું તો પણ મેળ પડતો નથી. માળીએ હસીને કહ્યું કે, સપનું જેટલું મોટું હશે, સંઘર્ષ એટલો જ મોટો હોવાનો. જિંદગી ક્યારેક આપણને ચકાસતી હોય છે કે, આપણે ક્યાં સુધી ટકી શકીએ છીએ? માળીએ બગીચાના એક છોડ પર ઉગેલા ફૂલો તરફ આંગળી ચિંધીને કહ્યું, જો આ ફૂલ કેટલું સુંદર છે? એ ફૂલ રાતોરાત ઉગ્યું નથી. મને બરાબર યાદ છે, જ્યારે મેં બી વાવ્યું હતું ત્યારે આ ફૂલની કલ્પના કરી હતી. મને ખબર હતી કે, કૂંપળ ફૂટશે, છોડ ઉગશે, કળી બનશે, કળી ખીલશે અને પછી ફૂલ ઉગશે. સુગંધ સમય માંગતી હોય છે. ધાર્યું ફળ મેળવવા માટે મહેનત તો કરવી જ પડે છે. તારા પ્રયત્નો ચાલુ રાખ. સફળતા મળશે જ.
એક વૈજ્ઞાનિકની આ વાત છે. તે આખો દિવસ લેબોરેટરીમાં પડ્યો રહેતો અને જે શોધ કરવી હતી એના માટે મહેનત કરતો હતો. તેની એક પ્રેમિકા હતી. એ એને જોતી રહેતી કે, ગજબનો ક્રેઝી માણસ છે આ, જરાયે થાક્યા કે હાર્યા વગર પોતાના કામમાં લાગેલો જ રહે છે. વૈજ્ઞાનિકને પોતાની શોધમાં સફળતા મળતી નહોતી. એક દિવસે તેની પ્રેમિકાએ પૂછ્યું, તું આટલા વર્ષોથી મહેનત કરે છે પણ સફળતા તો મળતી નથી? વૈજ્ઞાનિકે કહ્યું, મળશે, આજે નહીં તો કાલે મળશે, કાલે નહીં તો પરમ દિવસે મળશે. સફળતા નહીં મળે એવું મારે શા માટે માનવું જોઇએ? હું તો એવો જ વિચાર કરું છું કે, જ્યાં સુધી સફળતા નહીં મળે ત્યાં સુધી હું પ્રયાસો ચાલુ રાખીશ. મારું કામ મહેનત કરવાનું છે. હું મારી મહેનત એન્જોય કરું છું. રોજ રાતે એટલું જ વિચારું છું કે, મેં પૂરી મહેનત તો કરી હતીને? મારા પ્રયાસોમાં કોઇ કચાશ હતી નહીંને? હું મારી જાત સાથે તો વફાદાર હતોને? મને એનો જવાબ હા મળે છે! હું વેઠ ઉતારતો નથી. હું પ્રયત્નોથી ભાગતો નથી અને જરાયે થાકતો નથી એ જ મારા માટે મહત્ત્વનું છે. બે ઘડી માની લે કે, આખી જિંદગી મહેનત કર્યા પછી પણ મને સફળતા ન મળી તો પણ હું કોઇ અફસોસ કરીશ નહીં, અફસોસ તો જ થશે જો હું પ્રયત્નો કરવાનું છોડી દઇશ. સાચી વાત શ્રદ્ધાની છે. મને શ્રદ્ધા છે કે, એક દિવસ હું સફળ થવાનો છું. હું રોજ મહેનત કરું છું અને સફળતા મળતી નથી એનો અર્થ હું એવો કાઢું છું કે, મારે હજુ વધુ મહેનત કરવાની જરૂર છે. મારી મહેનતમાં હજુ કશુંક ખૂટે છે! સફળતા સામેથી ચાલીને આવતી નથી. સફળતા પાસે જવું પડે છે અને તેના સુધી પહોંચવા માટે સંઘર્ષ પણ કરવો જ પડે છે.
ઘણી વખત માણસ જે મળે એનાથી સંતોષ માની લેતો હોય છે. થોડુંક મળી જાય પછી એ એને સાચવી રાખવામાં પડ્યો રહે છે. દરેક માણસની લાઇફમાં ક્યારેકને ક્યારેક કમ્ફર્ટ ઝોન આવતો હોય છે. બધું સેટ થઇ ગયેલું લાગે છે. એવો પણ વિચાર આવી જાય છે કે, આ બધું આમને આમ ચાલતું રહે તો બસ, આનાથી વધારે કંઇ નથી જોઇતું. સંતોષ સારી વસ્તુ છે પણ જ્યાં સુધી શક્યતાઓ હોય ત્યાં સુધી સંતોષ ન માનવો જોઇએ. જિંદગી નવી નવી તકો આપતી જ હોય છે. એક યુવાનની આ વાત છે. તે કલાર્ક હતો. તેનું કામ ખૂબ સારી રીતે કરતો હતો. એ પોતાના કામથી ખુશ પણ હતો. ઓફિસમાં પણ તેના કામના વખાણ થતા હતા. તેના બોસે એક દિવસ તેને બોલાવ્યો અને પ્રમોશનની ઓફર કરી. તેને એક વિભાગનો હેડ બનાવવાનો ઓપ્શન આપ્યો. એ યુવાને ના પાડી અને કહ્યું કે, હું જે છે એનાથી ખુશ છું. મારે નવી પળોજણમાં પડવું નથી. એ વખતે એના બોસે કહ્યું કે, તું જે કરે છે એનું એ જ કરતા રહેવું બહુ સહેલું છે. તું સારું જ કરે છે, એમાં તને કંઇ વાંધો નથી આવવાનો. સવાલ એ છે કે, તું તારી જાતને શા માટે રોકે છે? તારી શક્તિઓને શા માટે મર્યાદિત આંકે છે? બનવા જોગ છે કે, તું ડિપાર્ટમેન્ટના હેડ તરીકે પણ સારું કામ કરી શકે. તેં તો તારી જાત પર જ લગામ તાણી દીધી છે. દરેક માણસે જિંદગીમાં જેટલી શક્યતાઓ હોય એટલી ચકાસી લેવી જોઇએ.
એવું પણ શક્ય છે કે, નવું સાહસ કર્યા પછી ધડીકમાં આપણે ધાર્યું હોય એમ ન પણ થાય. ઘણા લોકોના મોઢે આપણે એવું સાંભળતા હોઇએ છીએ કે, બધું બરાબર ચાલતું હતું અને મેં હાથે કરીને ઉપાધિ વહોરી લીધી. કરતો હતો એ શું ખોટું હતું કે, નવું કરવા ગયો? એક યુવાન હતો. તેને તેના કામમાં સફળતા મળી. તેણે કામનો વ્યાપ વધારવાનું નક્કી કર્યું. જોખમ લીધું. જોખમ લેતા તો લેવાઇ ગયું પણ પછી તેનો ક્યાંય મેળ પડતો નહોતો. તેના મિત્રએ કહ્યું કે, હજુ થોડુંક કામ વધારી દે. યુવાને કહ્યું કે, ના હવે મારે કોઇ જોખમ લેવું નથી. આટલું કર્યું છે એ બસ છે. હાથે કરીને મેં ઉધામા મચાવ્યા છે. આ બધું કર્યું એ પહેલા શાંતિ હતી. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, આવી વાત કેમ કરે છે? અમને તો તારા પર ગર્વ છે કે, તેં જોખમ લઇને આગળ વધવાનો પ્રયત્ન કર્યો. એક વાત યાદ રાખ, ધ્યેય જેટલું ઊંચું રાખીશ, પડકારો એટલા મોટા જ હશે. સંઘર્ષથી હાર નહીં. બનવા જોગ છે કે આ સંઘર્ષ અંતિમ હોય. બનાવ જોગ છે કે સફળતા આડે આ અંતિમ પડાવ જ હોય! આંખોમાં સપના આંજી રાખો, સપના હશે તો સફળતાની શક્યતા રહેશે. સપના સાકાર કરવામાં શક્ય છે કે, આંખે અંધારા પણ આવી જાય! જોખમ લેવામાં જરાયે ન ડરો. જેણે જોખમ લીધા છે એ જ કંઇક સિદ્ધ કરી શક્યા છે. સફળતા માટે માણસે માત્રને માત્ર નિષ્ફળતાના ડરને જ હટાવવાવનો હોય છે. સફળતા મળવાની જ છે, આપણે બસ આપણી જાત અને આપણી મહેનતને એના માટે સાબિત અને સાર્થક કરવી પડતી હોય છે!
છેલ્લો સીન :
સફળ અને નિષ્ફળ માણસમાં ફર્ક માત્રને માત્ર મહેનત અને મહેનતના અભાવનો હોય છે. સફળતા એને જ મળે છે જે સંઘર્ષથી ક્યારેય થાકતો નથી.
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 27 ફેબ્રુઆરી 2022, રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com