ખબર નથી પડતી કે આ
પ્રેમ છે કે પછી વહેમ છે?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
તને શી કમી છે, કહે તો ખરો! નજર કાં નમી છે, કહે તો ખરો!
સ્વયં ગૂંચવાઇ ગયો શીદને? રમત કઇ રમી છે, કહે તો ખરો!
-હરજીવન દાફડા
પ્રેમ, લવ, ઇશ્ક, પ્યાર, મહોબ્બત, આશિકી, માશુકી કે બીજું કોઇપણ નામ આપો, બે દિલનું મિલન એક અલૌકીક ઘટના છે. ચાર આંખો મળે છે અને બધું જ બદલાઇ જાય છે. પ્રેમમાં હોય ત્યારે દરેક માણસ પોતાનામાં જબરજસ્ત બદલાવ મહેસૂસ કરે છે. બધું જ રંગીન અને સંગીન લાગે છે. મિજાજ શાયરાના થઇ જાય છે. કવિતાઓ સૂઝે છે અને સંવેદનાઓ દૂઝે છે. પ્રેમમાં હોઇએ ત્યારે પ્રકૃતિ વધુ રળીયામણી માલૂમ થાય છે. દરેક દરેક વસ્તુ સ્પર્શે એવું માત્રને માત્ર પ્રેમમાં જ થઇ શકે. માણસ બદલાવવાની તાકાત કશામાં હોય તો એ માત્રને માત્ર પ્રેમમાં છે. એક યુવાનની આ સાવ સાચી વાત છે. એ તદ્દન બિન્ધાસ્ત અને બેફિકર હતો. બધી જ વાતોને લાઇટલી લેતો. લાઇફ હોય કે કરિયર, કોઇ વાતને ગંભીરતાથી લેવાની જ નહીં એવો તેનો સિદ્ધાંત હતો. કોલેજમાં આવ્યો એ પછી સાથે ભણતી એક છોકરી સાથે એની મુલાકાત થઇ. જિંદગી, કામ, સફળતા, સંબંધો, સંવેદનાથી માંડીને અનેક વિષયો પર બંને વાતો કરતા. જિંદગીમાં પહેલી વખત એ યુવાન તેની પ્રેમિકાએ કરેલી વાતો પર વિચારવા લાગ્યો. યુવાનને થયું કે, આ મારી સાથે શું થઇ રહ્યું છે? શું હું પ્રેમમાં છું? હું તો પ્રેમ વિશે પણ એવું જ વિચારતો હતો કે, ઠીક છે બધું, એમ કંઇ બંદા બદલવાના નથી! પ્રેમની કબુલાત હજુ થઇ નહોતી. કેમ કહેવું કે, હું તને પ્રેમ કરું છું? પ્રેમમાં સૌથી અઘરું જો કોઇ કામ હોય તો એ પ્રેમની કબુલાત છે. માત્ર ત્રણ શબ્દો આઇ લવ યુ કહેતા પહેલા કેટલા બધા વિચારો આવી જાય છે? એ ના પાડશે તો? એ મને ગલત સમજી લેશે તો? મારા મોઢે જ મારા વિશે એલફેલ બોલશે તો? તું તારી જાતને સમજે છે શું? તારી ઔકાત શું છે? પ્રેમમાં માણસ સૌથી વધુ વિચારો કરે છે. પ્રેમનો સ્વીકાર એ એવી ઘડી છે જ્યારે છોકરા અને છોકરીને એમ થાય છે કે, જાણે બધું જ મળી ગયું. જિંદગીમાં સૌથી વધુ સંતોષની અનુભૂતિ કદાચ પ્રેમનો સ્વીકાર થાય ત્યારે જ આવતી હોય છે. એક ઝનૂન પેદા થાય છે, આખી દુનિયા સામે લડી લેવાનું! એ એવી અવસ્થા હોય છે જ્યારે પ્રેમી કે પ્રેમિકા ટોપ પ્રાયોરિટીમાં આવી જાય છે. એના જ વિચારો, એના જ ખયાલો, એની જ કલ્પના, એની જ ઝંખના. એની સિવાય કશું જ નહીં! રોમાંચ અને રોમાન્સ સોળે કળાએ ખીલી જાય છે. દરેકને અમે થાય છે કે, અમે આખી જિંદગી એક-બીજાને આટલો જ પ્રેમ કરીશું. એ વાત જુદી છે કે, કાયમ એવું થતું નથી. ઊભરો શમતો હોય છે, ભરતી ઓસરતી હોય છે, સમય બદલતો હોય છે અને ધીમે ધીમે બધું જ બદલી જાય છે. એવા સમયે સમજદારીની જરૂર ઊભી થાય છે.
એક છોકરા-છોકરીની આ વાત છે. બંનેને પ્રેમ થયો. બંને વેલ ટુ ડુ ફેમિલીના હતા. મેરેજની વાત આવી તો બંનેના પરિવારે વિરોધ કર્યો. બહુ જ નમ્રતાપૂર્વક બંનેએ ઘરના લોકોને કહી દીધું કે, ગમે તે થાય અમે એક બીજાથી અલગ નથી થવાના. બંનેએ સાથે ઘર છોડ્યું અને પોતાની રીતે જિંદગી જીવવાનું નક્કી કર્યું. બંનેએ નોકરી શરૂ કરી. નાનું મકાન ભાડે રાખ્યું. આખો દિવસ કામમાં જતો. ઘર પણ સંભાળવાનું હતું. બંનેને વાસ્તવિકતાનું ભાન થયું. બંને વાત કરતા હતા કે, સહેલું નથી પણ તું સાથે છે તો કોઇ ઇશ્યૂ નથી. આપણે લડી લેશું. બંને સખત મહેનત કરતા અને પ્રેમથી રહેતા હતા. ઓછી સગવડ, વધુ મહેનત અને જે કંઇ પરિસ્થિતિ હતી એની સામે એને કોઇ ફરિયાદ નહોતી. દોઢ-બે વર્ષ પસાર થઇ ગયા. એક દિવસ અચાનક બંનેના પરિવારજનો એક સાથે ઘરે આવ્યા. તેમણે કહ્યું, અમે તો તમે જ્યારે જુદા થયા ત્યારે જ એક થઇ ગયા હતા. અમે જ નક્કી કર્યું હતું કે, જોઇએ તો ખરા, બંનેના પ્રેમમાં કેટલો દમ છે? બંનેને પાછા પરિવારમાં સમાવી લીધા અને એટલું જ કહ્યું કે, બસ આવોને આવો પ્રેમ આખી જિંદગી રાખજો. પ્રેમ હશે તો બાકી બધું તો થઇ રહેશે! પ્રેમ હંમેશા કોઇને કોઇ પરીક્ષા તો લેવાનો જ છે, પ્રેમની પરીક્ષા ત્યારે જ પાસ કરી શકાય છે જ્યારે બંને એક-બીજાની સાથે હોય! હાથ હાથમાં હોય ત્યારે જ સાથ સંપૂર્ણ બને છે.
પ્રેમ ન મળે એ જિંદગીની સૌથી મોટી કરૂણતા છે. એક છોકરીને પૂછવામાં આવ્યું કે, લાઇફનું સૌથી મોટું પેઇન કયું છે? છોકરીએ કહ્યું, તમે જેને પ્રેમ કરતા હોવ એ ન મળે એની જેવી પીડા બીજી કોઇ નથી. આખી જિંદગી મન મનાવવું પડે છે. એક બીજા સાથે કંઇ જ વાંધો ન હોય પણ કોઇ બીજા જ પરિબળોના કારણે જ્યારે સાથ છોડવો પડે ત્યારે બહુ અઘરું લાગે છે. મન સાથે બહુ સમાધાનો કરવા પડે છે. એક છોકરા-છોકરીના લવ મેરેજ થઇ શકે એમ નહોતા. બંને પ્રેમથી છૂટા પડ્યા. બંને પોતપોતાની લાઇફમાં ખુશ હતા. કોઇ કમી નહોતી. બંનેના લાઇફ પાર્ટનર પણ સારા હતા. છોકરીએ કહ્યું, કંઇ કમી નથી છતાંયે કંઇક કમી હોય એવું લાગી આવે છે. જૂની યાદો જ્યારે નજર સામે તાજી થઇ જાય છે ત્યારે આંગળીના ટેરવાંમાં જાણે એક વલોપાત સર્જાય છે. હાથની રેખાઓમાં તિરાડો પડી ગઇ હોય એવી વેદના થાય છે. એવો વિચાર આવી જાય છે કે, બધું છે, બસ એ નથી જેની ઝંખ્યો હતો, જેને શ્વાસમાં ભર્યો હતો, જેના સપના જોયા હતા અને જેના માટે પ્રાર્થનાઓ કરી હતી. પ્રાર્થના તો હજુ થઇ જાય છે કે, એ જ્યાં હોય ત્યાં અને જેની સાથે હોય એની સાથે ખુશ રહે. એને બધું જ સુખ મળે. દિલ તો ત્યાં સુધી કહે છે કે, મને જેવો વસવસો થાય છે એવો અફસોસ પણ એને ન થાય. વાસ્તવિકતા ઘણી વખત વિકરાળ બની જતી હોય છે.
પ્રેમની ભૂલ પણ અઘરી સાબિત થતી હોય છે. ક્યારેક એવું બને છે કે, પ્રેમ ઉપરથી ભરોસો જ ઉઠી જાય. નક્કી ન થઇ શકે કે, જેને હું પ્રેમ કહું છું એ પ્રેમ જ છે કે પછી મારો વહેમ છે? બે પ્રેમીઓ હતા. છોકરો પ્રેમમાં પાગલ હતો પણ છોકરી ટાઇમ પાસ કરતી હતી. છોકરી મેસેજ કરે, મીઠી મીઠી વાતો કરે, મળવા આવે અને સાથે હરેફરે પણ ખરી. છોકરાને ધીમે ધીમે ખબર પડી કે, આ તો આવું બીજા છોકરા સાથે પણ કરે છે. તેણે પ્રેમિકાને વાત કરી. પ્રેમિકાએ કહ્યું કે, મારી પર્સનલ લાઇફમાં તારે દખલ કરવાની નહીં. મારી લાઇફ મારી છે, મને ગમે એમ કરું! છોકરાએ કહ્યું કે, મને તો એવું થતું હતું કે, મારી લાઇફ તારી છે. તું તો સાવ જુદું જ માને છે. બે વ્યકિત એક થાય એ પહેલા બે લાઇફ એક થતી હોય છે. છોકરાએ બ્રેકઅપ કરી લીધું. છોકરીને કોઇ ફેર પડતો નહોતો. છોકરાને ફેર પડતો હતો. ફેર એને જ પડતો હોય છે જે ખરા જેન્યૂન હોય છે, જે કમિટેડ હોય છે, જે ઓનેસ્ટ હોય છે, જ્યારે એવી ખબર પડે કે એ તો મારી સાથે પ્રેમની રમત રમતી હતી કે રમતો હતો ત્યારે પ્રેમ સામે જ સવાલો ઊભા થાય છે. પ્રેમમાં ચીટિંગ માણસને થોડોક જડ બનાવી દે છે. સવાલ એ નથી હોતો કે, આપણે મૂરખ બન્યા, સવાલ એ હોય છે કે, એ આવો નીકળ્યો, કે એ આવી નીકળી! કોઇને પ્રેમના ભ્રમમાં રાખવો એના જેવું પાપ કદાચ બીજું કોઇ નથી!
સાચો પ્રેમ કંઇ જ નથી માંગતો પ્રેમ સિવાય. તમારી પાસે જો તમને દિલોજાનથી પ્રેમ કરનારી વ્યક્તિ છે તો તમે દુનિયાના સૌથી સુખી માણસ છો. પ્રેમને શંકા તે સંશયથી દૂર રાખો. એક-બીજાને જજ ન કરો. હશે થોડીક ખામીઓ પણ હશે પણ એ વ્યક્તિ જેવી છે એવી પોતાની છે. વ્યક્તિ જ્યારે જિંદગીનો પર્યાય બની જાય ત્યારે પ્રેમ સાર્થક બનતો હોય છે. દિલ બહુ નાજુક વસ્તુ છે, તેનું જતન કરવું પડે છે. પ્રેમ જેટલો તીવ્ર હશે, લાગણીઓ એટલી જ ઉગ્ર બની જાય છે. જરાકેય કંઇક થાય તો લાગી આવે છે. નારાજ થાય તો મનાવી લો, જિંદગી જીવાય એટલી જીવી લો કારણ કે પ્રેમ જ જિંદગીને જીવવા જેવી બનાવે છે!
છેલ્લો સીન :
માત્રને માત્ર પ્રેમમાં જ આંખોની ભાષા વાંચવાની અને ચહેરાના હાવભાવને સમજવાની ક્ષમતા છે. માણસને પવિત્ર બનાવે એ જ ખરો પ્રેમ! -કેયુ
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 13 ફેબ્રુઆરી 2022, રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com