તારા જવાથી સર્જાયેલો ખાલીપો
કેમેય ભરાતો જ નથી!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
હવે જીતવાની મજા પણ મરી ગઇ,
તું હારે છે તેથી હું જીત્યા કરું છું,
ઘણી વાર પ્રશ્ન જાગે છે મનમાં,
ખરેખર જીવું છું કે જીવ્યા કરું છું?
-કિરણકુમાર ચૌહાણ
આપણી જિંદગીમાં એક વ્યક્તિ એવી હોય છે જે આપણા સુખનું કારણ હોય છે. એનું હાસ્ય, એની હાજરી અને એની હયાતી આપણા અસ્તિત્ત્વને આકાર અને આધાર આપે છે. એ આસપાસ હોય ત્યારે બધું જ હાથવગું લાગે છે. જિંદગીના સાચા સપના એ હોય છે જે ચાર આંખોથી જોવાતા હોય છે. પોતાની વ્યક્તિનો હાથ જ્યારે હાથમાં હોય છે ત્યારે કોઇ સફરનો થાક લાગતો નથી, કોઇ કામનો ભાર લાગતો નથી અને કોઇ પડકાર અશક્ય લાગતો નથી. થઇ રહેશે, કંઇ ચિંતા ન કર, આપણે સાથે મળીને પહોંચી વળીશું, પોતાની વ્યક્તિના આવા શબ્દો જડીબુટ્ટીનું કામ કરે છે. શબ્દ તો શબ્દ જ હોય છે, એના અર્થ પણ જે હોય છે એ જ હોય છે પરંતુ એ જ્યારે પોતાની વ્યક્તિના મોઢે બોલાય છે ત્યારે એનું વજન, એની તાકાત અને એની ક્ષમતા વધી જાય છે. દરેક વ્યકિતના વાઇબ્સ હોય છે. દરેક વ્યકિતની ઔરા હોય છે. વાઇબ્સ અને ઔરાનું હવા જેવું છે. એ દેખાતા નથી, વર્તાતા હોય છે, ફીલ થતા હોય છે. આપણી વ્યક્તિ પાસે હોય એ પૂરતું છે. ક્યારેય વિચાર્યું છે કે, એવું તે શું હોય છે એ વ્યક્તિમાં કે એ આપણને સર્વસ્વ લાગવા માંડે છે? એના વગર ક્યાંય ગમે નહીં, એના વગર બધું જ અધૂરું લાગે, એના જ વિચારો આવે અને એની જ ઝંખના જાગે!
પ્રેમ ક્યારેય સમજાતો નથી. એક છોકરીની આ વાત છે. તે એક છોકરાના પ્રેમમાં પડી. આખો દિવસ એના જ વિચાર આવે રાખે. તેની એક આન્ટી હતી. આન્ટી સાથે બધી વાત શેર કરી શકાય એટલી સહજતા હતી. તેણે આન્ટીને પૂછ્યું, બાકી બધું તો ઠીક છે પણ મને એ સમજાતું નથી કે એ કેમ મારા મગજમાંથી ખસતો જ નથી? દરેકે દરેક વાતમાં એની હાજરી હોય છે. જાણે એણે મારા વિચારો પર જ કબજો જમાવી લીધો છે. એની સાથે વાતો કરવાનું મન થાય છે, એ સાથે હોય ત્યારે સમયને જાણે પાંખો લાગી જાય છે, એનું પ્રોફાઇલ પિક્ચર જોયે રાખું છું, એના સ્ટેટસ વાંચ્યે રાખું છું, એની દરેક વાત ગમે છે, એની દરેક હરકત સ્પર્શે છે. ક્યારેક મને એવો વિચાર પણ આવી જાય છે કે, મારે મારા અસ્તિત્ત્વ પર કોઇને આટલું હાવી થવા નથી દેવું તો પણ એ થઇ જાય છે. એનો ગુડનાઇટનો મેસેજ ન આવે ત્યાં સુધી ઊંઘ નથી આવતી. સવાર તો પડી ગઇ હોય છે પણ એનો ગુડ મોર્નિંગનો મેસેજ આવે પછી જ જાણે મારા દિવસનો ઉઘાડ થાય છે. નાની હતી ત્યારથી એવું નક્કી કર્યું હતું કે, મારે કોઇ વ્યસન કરવું નથી, એ સમયે મને ખબર નહોતી કે માણસનું પણ વ્યસન થઇ જતું હોય છે! બધી વાત સાંભળીને આન્ટીએ એટલું જ કહ્યું કે, કંઇ વિચાર નહીં, બધું ફીલ કર, એન્જોય કર! માણસ ઉડી શકતો નથી પણ એ જ્યારે પ્રેમમાં હોય છે ત્યારે હવામાં હોય છે, નશામાં હોય છે, પ્રેમ એક જ એવી વસ્તુ છે જે તમને સ્વર્ગની અનુભૂતિ કરાવી શકે છે. હવે મને બધું જ મળી ગયું છે એવો અહેસાસ માણસને જ્યારે પોતાનો પ્રેમ મળે છે ત્યારે જ થાય છે.
આપણને આપણી પાસે જે હોય છે એની કેટલી કદર હોય છે? માત્ર બે ઘડી એટલો વિચાર કરો કે, એ વ્યક્તિ ન હોય તો? કોણ આપણી જિંદગીમાં ક્યાં સુધી છે એની આપણને ક્યાં ખબર હોય છે? એક કપલની આ સાવ સાચી વાત છે. બંને ખૂબ પ્રેમથી રહેતા હતા. એક દિવસની વાત છે. બંને ઘરે સાથે બેસીને વેબસીરિઝ જોતા હતા. બંને મજામાં હતા. અચાનક જ હસબન્ડને હાર્ટ એટેક આવ્યો. કંઇ સમજ પડે એ પહેલા તો હસબન્ડ ફસડાઇ ગયો. પડોશમાં જ એક ડોકટર રહેતા હતા. ફોન કરીને તેમને બોલાવ્યા. ડોકટરે તપાસીને કહ્યું કે, એ હવે નથી! પત્નીનું મગજ સૂન મારી ગયું. કોઇ વ્યક્તિ આવી રીતે ચાલી જાય? અચાનક જાણે આખી જિંદગી જ લૂંટાઇ ગઇ. જાણે બધું જ ખતમ થઇ ગયું. ઘણો સમય વીતી ગયો. એ યુવતીએ કહ્યું કે, મારા મગજમાંથી એ દ્રશ્ય ખસતું જ નથી. યાદ આવે છે અને ધ્રૂજી જાવ છું. મને ખબર છે કે, હવે એ પાછો નથી આવવાનો પણ એની ગેરહાજરી મારાથી સહન નથી થતી. કેટલાંક સન્નાટા એવા હોય છે જે ક્યારેય ભરાતા નથી. જે ખાલીપો સર્જાયો છે એ તો સમયની સાથે વિસ્તરતો જ જાય છે. હાર્ટ એટેક આવ્યો ત્યાં સુધી તો એણે મારો હાથ પકડી રાખ્યો હતો. આ હાથ કાયમ માટે છૂટી જશે એની તો કલ્પના પણ નહોતી. દુનિયા ભલે એવું કહેતી હોય કે, સમય દરેક દર્દની દવા છે પણ કેટલાંક ઘાવ સમય પણ પૂરી શકતો નથી. ઉલટું ક્યારેક તો એવું લાગે છે કે, સમયની સાથે એ ઘાવ વકરતો જાય છે. એ નથી તો જાણે જિંદગીનો કોઇ મતલબ જ નથી! સવાલ થાય છે કે, કોના માટે? હસવાની મજા પણ એ હોય તો હતી, તૈયાર થવાની ખુશી પણ એ જુએ એના માટે જ હતી, કોઇ વાત એટલે યાદ રાખતી હતી કે એને કહીશ. એને વાત ન કરું ત્યાં સુધી હાશ ન થતી. હવે તો કોઇ વાત જ નથી ગમતી. આ તે કેવું પેઇન છે? ક્યારેક તો હું મારી જાત સાથે ઝઘડું છું. કહું છું કે, બહાર નીકળ આ બધામાંથી. એ હવે નથી. ક્યારેય આવવાનો નથી. તારા સુખ માટે સ્વાર્થી થઇ જા. નથી થઇ શકતી સ્વાર્થી, નથી થઇ શકતું કંઇ. બધા કહે છે, મૂવ ઓન થવું પડે છે. કેમ થવું મૂવ ઓન? નથી થવાતું મારાથી તો હું શું કરું?
એક વ્યક્તિ જાય એટલે આપણે સાવ એકલા થઇ ગયા હોય એવું કેમ લાગતું હોય છે? અમુક સવાલો એવા હોય છે જેના કોઇ જવાબ નથી હોતા. બસ ઝૂરાપો હોય છે, વલોપાત હોય છે, નિસાસા હોય છે અને કોરી ખાય એવી એકલતા હોય છે. ક્યારેય એવો વિચાર આવે છે કે, આપણી વ્યક્તિ ન હોય ત્યારે આપણી પાસે યાદ કરવા જેવું શું હોય છે? હમણાં એક ઘટના બની. એક ભાઇની પત્નીનું અવસાન થયું. પચીસ વર્ષનું બંનેનું દાંપત્ય હતું. પત્નીની વિદાયને છ મહિના થયા છતાં એ ભાઇ શોકમાંથી બહાર આવી શકતા નહોતા. તેનો મિત્ર એનો સધિયારો આપતો રહેતો. એક વખત એ ભાઇ તેની પાસે રડી પડ્યા અને કહ્યું કે, મારાથી કેટલીક વાતો ભૂલી શકાતી નથી. તેના મિત્રએ પૂછ્યું, કઇ વાત? તેણે કહ્યું, મેં મારી વાઇફને ઘણી વખત હેરાન કરી છે, ઘણી વખત એને એવું બોલ્યો છું કે એ રડી પડી હોય, એક વખત તો મેં તેના પર હાથ પણ ઉપાડી લીધો હતો. આ બધું મારાથી ભૂલાતું નથી. એક ભાર રહે છે મારા મનમાં. એવું નથી કે અમે ઝઘડતા જ રહેતા હતા, પ્રેમથી પણ રહ્યા છીએ પણ હવે એ નથી ત્યારે એનું દિલ દુભાવ્યું છે એની જ પીડા થાય છે. કાશ મેં એની સાથે આવું ન કર્યું હોત, કાશ થઇ ગયા પછી એની માફી માંગી લીધી હોત, તો મને આટલી વેદના ન થાત! મિત્રએ એને એવું કહીને સાંત્વના આપી કે, એની સાથેની જે સારી યાદો છે એને વાગોળ. ખુશીનો સમય યાદ કર. બાકીનું બધું ભૂલી જા. એ મિત્ર છૂટો પડીને ઘરે ગયો. પત્નીને બોલાવીને કહ્યું કે, બેસ તો મારી પાસે. પત્નીએ કહ્યું કે, શું વાત છે? પતિએ બે-ચાર ઘટના યાદ કરીને કહ્યું કે, એ વખતે મારાથી આવું થઇ ગયું હતું, મારાથી ન બોલવાનું બોલાઇ ગયું હતું. આઇ એમ રિઅલી સોરી. મને માફ કરજે. પત્નીએ કહ્યું કે, આવું કેમ બોલો છો? પતિએ કહ્યું કે, બસ એમ જ! કાલ ઉઠીને મને કંઇ થઇ જાય તો મારાથી થયેલી ભૂલોને યાદ ન કરતી! પત્નીએ પતિના મોઢા પર હાથ મૂકી દીધો!
માણસનો સૌથી મોટો પ્રોબ્લેમ એ હોય છે કે, એની કેટલીક વાતો ઘણું બધું છૂટી ગયા પછી જ સમજાતી હોય છે. એ એવા સમયે સમજાય છે જ્યારે એની પાસે અફસોસ કે પસ્તાવા સિવાય કંઇ બચતું નથી. જેને આ વાત પહેલાથી સમજાઇ જાય છે એની પાસે અફસોસ કરવાનું કોઇ કારણ રહેતું નથી. એક વૃદ્ધાને જ્યારે તેના સ્વર્ગસ્થ પતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે માત્ર એટલું જ કહ્યું હતું કે, અમે સરસ જિંદગી જીવ્યા છીએ. એની હાથની ભિનાશ હજુયે મારા હાથમાં વર્તાય છે, એના વાઇબ્સ હજુયે હું ઝીલી શકું છું, એની હાજરીનો ભાસ હજુયે મને થાય છે. એ યાદ આવે ત્યારે આંખો બંધ કરીને એની સરસ મજાની યાદોમાં ખોવાઇ જાવ છું. બસ એ સમયે, એ નથી તો પણ એ હોય એવો જ અહેસાસ થાય છે. છેલ્લે એક સવાલ, તમે તમારી વ્યક્તિ સાથે એ રીતે જીવો છો ખરા કે બેમાંથી એક ન હોય ત્યારે પણ એની હાજરી વર્તાય? તમારા જીવનમાં એટલી ભીનાશ છે કે એનો ભેજ આખા આયખામાં અનુભવાય? જિંદગી એવી જીવો કે અફસોસનો કોઇ અવકાશ જ ન રહે!
છેલ્લો સીન :
જિંદગી લાંબી હોય છે પણ ક્ષણો ટૂંકી હોય છે. જિંદગી ક્ષણોથી જ બનેલી હોય છે. સારા સમયમાં ક્ષણોને માણી લેતા અને નરસા સમયમાં ક્ષણોને સાચવી લેતા જેને આવડે છે એ જ જિંદગીને ખરી રીતે જીવી જાણતા હોય છે. –કેયુ.
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 23 જાન્યુઆરી 2022, રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com