માણસ દિવસેને દિવસે વધુને
વધુ એકલો પડતો જાય છે!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
મારું કોઇ નથી. કોઇને મારી કંઇ પડી જ નથી. બધા પોતપોતાની દુનિયામાં મસ્ત છે.
હું તો સાવ એકલો કે એકલી જ છું. દરેક માણસને આવું ક્યારેક થતું હોય છે.
ક્યારેક થાય એ હજુયે સમજી શકાય પણ હવે તો આવું ફીલ થવાની ફ્રિકવન્સી સતત વધતી જ જાય છે.
મોટા ભાગના માણસને એકલતા કોરી ખાય છે. બધા હોય છતાંયે એકલું કેમ લાગે છે?
હવે તો એ વાતનો પણ અભ્યાસ થઇ રહ્યો છે કે, જિંદગીની કઇ ઉંમરે માણસને એકલતા વધુ લાગે છે?
એકલતાના ઇલાજ માટે લોકો ફાંફાં મારતા ફરે છે!
———-
એકલતા માણસને ઓગાળી નાખે છે. એકેલે હે તો ક્યા ગમ હે, એવું ભલે કહેવાતું હોય પણ એકલતાની પીડા સહન ન થાય એવી હોય છે. યંગસ્ટર્સ એવા સ્ટેટસ મૂકતા રહે છે કે, બંદા તો એકલા ભલા અથવા બંદી તો અપની મોજ મેં રહેનેલાવી હૈ પણ એકલું કોઇ રહી શકતું નથી. બધા લોકોની વચ્ચે હોઇએ ત્યારે ઘણી વખત એવું થતું હોય છે કે, કોઇ શાંતિ લેવા દેતું નથી. બધું મૂકીને ક્યાંક ભાગી જવાનું મન થાય છે. ભાગી શકાતું નથી. જિંદગીમાં માણસની જરૂરિયાત કેટલી હોય છે એનું ભાન તો માણસ એકલો પડે ત્યારે જ થાય છે.
એકલતાનો અનુભવ મોટા ભાગના માણસોએ કોરોનાના સમય દરમિયાન કર્યો છે. ઘરમાં ભલે બધા હોય પણ બહારના લોકોને મળવાનું બંધ થઇ ગયું હતું. માણસ સામાજિક પ્રાણી છે. એને માણસ વગર ચાલતું નથી. એકના એક લોકો સાથે પણ માણસ સતત રહી શકતો નથી. ગમે એવો પ્રેમ હોય, ભલે એક-બીજા વગર રહેવાતું ન હોય તો પણ માણસને થોડોક ગેપ જોઇતો હોય છે. માણસની બે દુનિયા હોય છે. એક પોતાની દુનિયા અને એક બધા સાથેની દુનિયા. આ બંને દુનિયામાં માણસ અરજવર કરતો રહે છે. કાયમ માટે એક જ દુનિયા તેનાથી સહન થતી નથી. એકાંત અને એકલતામાં હાથી ઘોડાનો ફેર છે. એકાંત એ સ્વીકારેલી, સહજ અને સાત્ત્વિક સ્થિતિ છે. એકલતા આવી પડેલી પરિસ્થિતિ છે. એકલતાના ઘણા કારણો હોય છે. અમુક લોકો એવા અતડાં હોય છે કે, લોકો જ તેની નજીક જવાનું પસંદ કરતા નથી. બધા લોકો દરેક સાથે મિક્સ પણ થઇ શકતા નથી. આપણને અમુક લોકો સાથે જ ફાવે છે. આપણે જ ઘણી વખત કહેતા હોઇએ છીએ કે, ગમે તેની સાથે બેસવું કે ગમે તેની સાથે ફરવું એના કરતા તો એકલા રહેવું સારું. કંપનીની પણ એક ચોઇસ હોય છે.
આજના હાઇટેક અને સોશિયલ મીડિયાના યુગમાં માણસ વધુને વધુ એકલો પડતો જાય છે. મોબાઇલ પર મિત્રો સાથે ચેટ કે વીડિયો કોલ કર્યા બાદ પણ થોડી જ ક્ષણોમાં માણસને જાણે પોતે સાવ એકલો પડી ગયો હોય એવું લાગે છે. મોબાઇલ પર એક ટચ સાથે બધાથી જાણે કટ-ઓફ થઇ જવાય છે. માણસ મોબાઇલ પર ચોંટેલો રહે છે એનું એક કારણ એ પણ છે કે તેની પાસે બીજી કોઇ કંપની જ નથી. અત્યારના સમયની બીજી કરૂણતા એ છે કે, મિત્રોને મળીએ ત્યારે એ પણ મોબાઇલ લઇને બેઠા હોય છે. સંવાદ અને સાંનિધ્યની સમજ જ જાણે ખતમ થઇ ગઇ છે.
એકલતાનું કારણ એક-બીજા પરથી ઉઠી જતો વિશ્વાસ પણ છે. માણસ સાથે રહેતો હોય તો પણ એને એકલું લાગે છે. ભરોસો તૂટે પછી બે વ્યકિત અજાણ્યાની જેમ રહેતા હોય છે. થોડા સમય અગાઉ થયેલા એક રસપ્રદ અભ્યાસમાં એવું બહાર આવ્યું હતું કે, જેની પર પોતાના કરતા વધુ ભરોસો હોય અને એ વ્યકિત જ્યારે ચિટ કરે ત્યારે માણસને સૌથી વધુ એકલું લાગે છે. આ અભ્યાસના અંતે એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે, માણસને ત્યારે એકલું નથી લાગતું જ્યારે કોઇ તેની કેર નથી કરતું, માણસને ત્યારે સૌથી વધુ એકલું લાગે છે જ્યારે તેને જેની પાસે કેરની અપેક્ષા હોય એ કેર કરવાનું બંધ કરે. દરેક વ્યક્તિને એમ હોય છે કે, મારી વ્યક્તિ મારું ધ્યાન રાખે. પોતાની એક વ્યક્તિ જ્યારે સાથે હોય ત્યારે માણસ આખી દુનિયા સામે લડી લે છે. તું મારી સાથે છે પછી મને કોઇની પરવા નથી. મનોચિકિત્સકો તો એવી સલાહ આપે છે કે, કોઇ વ્યકિત પર ઇમોશનલી પણ એટલા ડિપેન્ડન્ટ ન થઇ જાવ કે એ દૂર જાય ત્યારે તમે ભાંગી પડો. એટલો આધાર પણ સારો નથી કે તમે નિરાધાર મહેસૂસ કરો.
કઇ ઉંમરે માણસને સૌથી વધુ એકલતા કોરી ખાય છે? બ્રિટનની રિસર્ચ ફર્મ યુગોવે હમણા બ્રિટનમાં એક ઓનલાઇન સર્વે કર્યો હતો. તેમાં એવું જણાયું હતું કે, યુવાનોને એકલતા સૌથી વધુ કોરી ખાય છે. આપણે ત્યાં આવા સર્વે ભાગ્યે જ થાય છે. આપણા દેશના યુવાનોના રિલેશન્સ કેવા છે? મિત્રો હોય છે. સોશિયલ મીડિયા પર પણ ફ્રેન્ડસની કમી હોતી નથી પણ બધા દોસ્તોને બધી વાત કહી શકાતી નથી. દર્દ, મુશ્કેલી, વેદના, પીડા, પ્રોબ્લેમ કે તકલીફ કહી શકાય એવા ફ્રેન્ડ, ફિલોસોફર કે ગાઇડ મળતા નથી. કોઇની પર ભરોસો મૂકીને વાત કરી હોય તો એ વાત કાં તો એના પેટમાં ટકતી નથી અને કાં તો એ વ્યક્તિ જ દૂર ચાલી જાય છે. પેટ છૂટી વાત કરી દીધા પછી તેના તરફથી જે હૂંફ, જે કેર અને જે લગાવની આશા હોય છે એ દેખાતા નથી. એના કારણે વાત કરી દીધા પછી હળવાશ લાગવાને બદલે એવું થાય છે કે, વાત ન કરી હોત તો સારું થાત!
માણસ ઘણું બધું પોતાનામાં ધરબીને જીવવા લાગ્યો છે. એના કારણે એ ભારેને ભારે થતો જાય છે. એક હદથી વધુ વેદના માણસ જીરવી શકતો નથી. એકલતાના કારણે ડિપ્રેશનના કેસો વધી રહ્યા છે. સવાલ એ થાય કે, એકલતાથી બચવા માટે શું કરવું? સાઇકિયાટ્રિસ્ટો કહે છે કે, એકને એક વિચારો કર્યા ન રાખો. સતત કોઇ એક જ બાબત પર વિચારતા રહેશો તો એમાંને એમાં અંદર ઉતરતા જશો અને એક તબક્કે એટલા ઊંડા ઉતરી જશો કે એમાંથી બહાર જ નહીં નીકળી શકો. વિચારોને નવી દિશા આપો. જે વિચારો તમને હતાશ કે ઉદાસ કરતા હોય એના પર વધુ વિચાર કરવાનું ટાળો. મજા ન આવતી હોય એવા સમયે ગંભીર કે કરૂણ હોય એવું કંઇ ન વાંચો કે ન જુઓ. હળવું અને મજા આવે એવું વાંચો, જુઓ કે સાંભળો. લાઇક માઇન્ડેડ લોકો સાથે જોડાયેલા રહો. કોઇ વાતે મૂંઝવણ અનુભવતા હોવ તો કોઇની સાથે શેર કરો. એકાદો એવો શોખ ડેવલપ કરો જેમાં તમે ઓતપ્રોત થઇ શકો અને તમને મજા આવે.
જિંદગીમાં ક્યારેક એવો તબક્કો આવવાનો જ છે જ્યારે એકલતા ફીલ થાય. આવા સમયને ટેકલ કરતા અને અવસાદમાંથી બહાર આવતા પણ શીખી લેવું જરૂરી છે. આપણે શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જેટલા જાગૃત હોઇએ છીએ તેટલા અવેર મેન્ટલ હેલ્થ માટે હોતા નથી. પૂરતી કસરત કરીએ, હેલ્ધી ફૂડ લઇએ એટલું જ જરૂરી છે કે સારા વિચારો કરીએ અને મનથી મજબૂત રહીએ. નક્કી કરીએ કે, ગમે તે થાય હું તૂટીશ નહીં. ખુશી, આનંદ અને મજાના કારણો શોધો અને મજામાં રહો. પોતાના માટે સમય કાઢો. બધાને ખુશ રાખવાના પ્રયાસો ન કરો. ધરાર કંઇ ન કરો. ના પાડતા પણ શીખો. જિંદગી તમારી છે, તમારી જિંદગી કોઇ ડ્રાઇવ ન કરવું જોઇએ. આપણી જિંદગીના સારથી આપણે જ છીએ અને જિંદગીની કમાન આપણા હાથમાં જ રહેવી જોઇએ. કમાન જો કોઇના કંટ્રોલમાં ગઇ તો કમાન છટકી જવાના ચાન્સિસ વધી જશે, સો સાવધાન, લવ યોર લાઇફ.
હા, એવું છે!
કેટલાંક ગીતો સાંભળીને આપણે ઇમોશનલ થઇ જઇએ છીએ. આ ઇમોશન વિશેનો એક અભ્યાસ એવું કહે છે કે, વાસ્તવમાં આપણે ગીતના કારણે નહીં પણ એ ગીત સાંભળતી વખતે આપણા દિલમાં જે વ્યક્તિ હોય તેને ગીત સાથે રિલેટ કરવાથી ઇમોશનલ થતાં હોઇએ છીએ.
(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 15 ડિસેમ્બર 2021, બુધવાર, ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com