તમે શું માનો છો?
ઘર કેવડું હોવું જોઇએ?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
—————
ઘર કેવડું હોવું જોઇએ એના વિશે દરેકની પોતાની માન્યતાઓ હોય છે.
મોટા ભાગના લોકો એવું માનતા હોય છે કે, ઘર તો મેનેજ થઇ શકે એવડું જ હોવું જોઇએ. કેવડું ઘર મેનેજ થઇ શકે એ વિશે અગેઇન બધાના પોતાના ખયાલો હોય છે.
નાના ઘરમાં આત્મીયતા વધુ રહે એવું ઘણા માને છે.
પોતે ઇચ્છે એવડું ઘર લઇ શકનાર અને ધારે એટલા માણસોનો રાખીને ઘર મેનેજ કરી શકનાર દુનિયાના સૌથી ઘનાઢ્ય વ્યક્તિ એલન મસ્ક નાનકડાં ઘરમાં રહે છે,
એલન કહે છે કે, નાના ઘરની મજા અનોખી છે. ઘર ગમે એવડું હોય,
ઘરના લોકો એક-બીજાની નજીક હોય એ મસ્ત મજાની જિંદગી માટે જરૂરી છે
—————
કોઇ પૂછે કે ઘર તારું કેવડું? મારા વ્હાલમજી બાથ ભરે એવડું! કવિ રમેશ પારેખની કલ્પનામાં વ્હાલમની બાથમાં ઘરની હૂંફ વર્ણવામાં આવી છે. ઘર વિશે દરેકનું પોતાનું એક સપનું હોય છે. સપનાનું ઘર અને જેવડું ઘર હોય એમાં સપનાનું સાકાર થવું એ પાછો અલગ વિષય છે. ઘર વિશે એવું કહેવાતું રહ્યું છે કે, ઘર એટલે ધરતીનો છેડો. ઘરમાં જેવી ઊંઘ આવે એવી ફાઇવ સ્ટાર હોટલમાં પણ નથી આવતી. જેની પાસે ઘર નથી એ આખી જિંદગી ઘર માટે ઝંખતા રહે છે. આપણા દેશ અને દુનિયામાં એવા ધનાઢ્ય લોકો છે જે પોતે ઇચ્છે એવડું ઘર લઇ કે બનાવી શકે છે. મુકેશ અંબાણી મુંબઇમાં 15 હજાર કરોડથી વધુ કિંમતના 27 માળના ભવ્ય બિલ્ડિંગ એન્ટિલિયામાં રહે છે. રેમન્ડ ગ્રૂપના ચેરમેન ગૌતમ સિંધાનિયા 6 હજાર કરોડથી વધુ કિંમતના જેકે હાઉસમાં રહે છે. કુમાર મંગલમ બિરલા 425 કરોડના જટિયા હાઉસમાં રહે છે. લિસ્ટ બહુ લાંબું છે. આ અને બીજા ઘનાઢ્યના ઘરોમાં શું શું છે એની વાતો માંડીએ તો આંખો પહોળી થયા વગર ન રહે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને એવો વિચાર આવી જ જાય કે આવડા મોટા ઘરમાં કરવાનું શું? ઘરમાં જેટલા લોકો રહેતા હોય એનાથી દસ ગણા તો કામવાળા અને સુરક્ષા કર્મચારીઓ રાખવા પડે છે.
એક તરફ માલેતુજારો ભવ્ય આવાસોમાં રહે છે તો બીજી તરફ એવા લોકો પણ છે જેને આલિશાન મકાન પોસાતા હોવા છતાં નાનકડા ઘરમાં રહેવાનું પસંદ કરે છે. હમણાંની જ વાત છે. ટેસ્લાના સ્થાપક એલન મસ્ક બોક્સબેલના ટચૂકડાં ઘરમાં રહે છે એવી વાતો વહેતી થઇ હતી. બોક્સબેલ કંપનીએ જ બ્લોગ પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, એલન મસ્કનું ઘર ટીની હાઉસ બોક્સબેલ કાસિટા છે. બોક્સબેલ કંપની નાનકડાં ફેબ્રિકેટેડ બોક્સ હાઉસ બનાવે છે. આ ઘરને ફોલ્ડ કરીને ગમે ત્યાં લઇ જઇ શકાય છે. એલન મસ્કે ખુલાસો કર્યો કે, હું બોક્સબેલ હાઉસમાં નહીં પણ ટેકસાસમાં 50 હજાર ડોલરના ઘરમાં રહું છું. પોતાના નાના ઘર વિશે એ પછી એલન મસ્કે જે વાત કરી એ વધુ મહત્વની છે. તેમણે કહ્યું કે, નાના ઘરમાં રહેવાથી વઘારે હોમલી ફીલ આવે છે. વોરેન બફેટ આજે પણ પાંચ દાયકા અગાઉ ખરીદેલા જૂના અને નાના ઘરમાં રહે છે. વોરેન બફેટના લગ્ન જીવનને પચાસ વર્ષ પૂરા થયા ત્યારે યોજેલી પાર્ટીમાં પોતાના ઘર વિશે મિસિસ વોરેન બફેટે એવું કહ્યું હતું કે, મકાનની સાઇઝ કે કોસ્ટ કરતા ઘરનું મૂલ્ય વધુ મહત્ત્વનું છે. આટલા વર્ષોમાં એક પણ દિવસ એવો નથી કે, અમે સાંજે પરિવાર સાથે મળીને ડિનર ન લીધું હોય. આ જ ઘરમાં અમે અમારા સંતાનોને ટ્યુશન આપ્યું છે. હવે અમે પૌત્ર-પૌત્રીઓને ટ્યુશન આપીએ છીએ. હેપી ફેમિલી માટે સૌથી અગત્યનું કંઇ હોય તો એ એક-બીજાને આપેલો સમય અને સ્નેહ છે.
એક કરોડપતિની આ વાત છે. એ માણસ ગરીબાઇમાંથી આગળ આવ્યો હતો. એક રૂમના ઘરમાં રહેતા હતા. મોટા થઇને ખૂબ કમાયા. મોટું ફાર્મ હાઉસ અને બંગલો લીધો. તેણે કહ્યું કે, હવે દરેકને પોતાના રૂમ છે. કોણ ક્યારે આવે છે અને ક્યાં જાય છે એની પણ કોઇને ખબર હોતી નથી. વાત કરવા માટે બધાનો સમય લેવો પડે છે. ક્યારેક સવાલ થાય છે કે, આ બધું શું કામનું? તેની સામે ઘણા અમીર પરિવારો એવા પણ છે જેમણે એવું નક્કી કર્યું છે કે, ગમે તે થાય, આપણે બધા રાતે તો સાથે જ જમીશું. હૂંફ અને આત્મીયતા વર્તાય એ જ જીવતું ઘર છે. અજાણ્યાની જેમ પોતાના ઘરમાં જ પોતાના લોકો સાથે રહેવાનો કોઇ મતલબ નથી હોતો.
ઘરની વાત નીકળે ત્યારે હજુ પણ ઘણા લોકો એવું કહે છે કે, પહેલા નાનકડા અને ઓછી સુવિધાવાળા ઘરમાં રહેતા હતા તો પણ કેટલી મજા આવતી હતી? હવે બધું છે છતાં એવું લાગે છે કે, કંઇક મિસિંગ છે. પહેલા ઘર નાના હતા અને તેમાં રહેવાવાળા વધુ હતા. હવે ઘર મોટા છે અને રહેવાવાળા માંડ ત્રણ કે ચાર છે. છોકરાઓ પોતાના રૂમમાં શું કરે છે એ મા-બાપને ખબર હોતી નથી અને મા-બાપ પોતાનામાં રચ્યા-પચ્યા હોય છે. દરેક મકાન ઘર હોતા નથી. ઘર લોકોથી બને છે. ઘરની સાચી ફિલીંગ સ્નેહ, લાગણી અને આત્મીયતાથી વર્તાય છે.
જેને પોતાના ઘરમાં સુખ અને શાંતિ ફીલ થતાં નથી એને ક્યારેય ક્યાંય સુખની અનુભૂતિ થતી નથી. આપણે ત્યા એક કહેવત છે કે, ઘરનો બળેલો ગામ બાળે. આને ઉલટાવીને એમ પણ કહી શકાય કે, ઘરનો ઠરેલો ગામ ઠારે. ઘણા ઘરો જીવતા જાગતા સ્વર્ગ જેવા હોય છે. નર્કની પણ કમી નથી. કેટલાંક ઘરોમાં પ્રવેશીએ એ સાથે જ આખું ઘર ધબકતું હોય એવું લાગે. આપણને કહેવાનું મન થાય કે, શું પોઝિટિવ વાઇબ્સ છે! સામા પક્ષે એવા પણ ઘરો હોય છે જ્યાં જઇએ કે તરત જ એમ થાય કે, અહીંથી જલદી નીકળી જઇએ. ઘરની સાથે વાસ્તુની વાતો જોડાયેલી છે. એ સાચું હશે પણ તેનાથી પણ સાચી વાત એ છે કે, જે ઘરમાં માણસો જીવંત હશે એ ઘર ધબકતું અને જીવતું જ લાગશે.
ઘરને વિશાળતા અને માનસિકતા સાથે કેટલું લાગે વળગે છે? એક જૂની વાર્તા છે. એક રાજા હતો. રાજા ભવ્ય મહેલમાં રહેતો હતો. એક દિવસ રાજાના નગરમાં રહેતો મધ્યમ વર્ગના પરિવારનો એક બાળક મહેલમાં આવ્યો. રાજાનો ભવ્ય મહેલ જોઇને બાળકે રાજાને સવાલ કર્યો. તમારું ઘર આવડું મોટું છે? આવડા ઘરની ખરેખર કંઇ જરૂર છે? બાળકની વાત સાંભળીને રાજાએ કહ્યું કે, હું રાજા છું. મારા પર આખા નગરની જવાબદારી છે. આખા નગરના લોકો મારા પરિવાર જેવા છે. મોટા પરિવારને સાચવવા અને સંભાળવા માટે મનની વિશાળતા જોઇએ. સંકૂચિતતા ન ચાલે. મોટું ઘર મને વિશાળતા બક્ષે છે. બાળકે સહજતાથી કહ્યું કે, અમે નાનકડાં ઘરમાં રહીએ છીએ છતાં મારા પિતા ઓછા ઉદાર નથી. તેનું દિલ બહુ મોટું છે. વિશાળતા કે સંકૂચિતતા તો માણસની અંદર હોય છે. નાના ઘરમાં રહેતો માણસ પણ મનથી સમૃદ્ધ હોય શકે છે.
આપણે કહીએ છીએ કે, ઘર ગમે એવડું મોટું હોય અંતે તો આપણે એક રૂમમાં અને એક નાનકડા બેડ પર જ સૂવાનું હોય છે. એક સવાલ એવો પણ થતો હોય છે કે, માણસને આખરે જોઇ જોઇને કેટલું જોઇએ? સરવાળે તો એ જ વાત આવે છે કે, ઘર કેવડું છે એ મહત્ત્વનું નથી હોતું પણ કેવું છે એ મહત્ત્વનું હોય છે. ઘરમાં રહેતા લોકો એક-બીજા સાથે કેટલા એટેચ છે, એક-બીજા પ્રત્યે કેટલો પ્રેમ છે, એક-બીજાની કેટલી ચિંતા છે, એ જ અગત્યનું હોય છે. ઘર ગમે એવડું હોય, મન મોટું હોવું જોઇએ. સુખ અને શાંતિ ઘરની સાઇઝ કે ઘરની કિંમતના મહોતાજ નથી. સાચી વાત કે નહીં?
હા, એવું છે!
એક રસપ્રદ અભ્યાસ એવું કહે છે કે, રાતે સૂતી વખતે આપણને જે વ્યકિતને યાદ કરતા હોઇએ છીએ એ આપણા સુખ અથવા દુ:ખનું કારણ હોય છે. એણે જ આપણી જિંદગીને જન્નત અથવા દોઝખ બનાવી હોય છે.
(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 24 નવેમ્બર 2021, બુધવાર, ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com