જીવલેણ બને છે હેન્ડસમ અને
બ્યુટીફૂલ દેખાવવાના ધખારા
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
એકદમ મસ્ત દેખાતા ફિલ્મ અને ટેલિવિઝનના કલાકારો યંગ એજમાં જ હાર્ટએટેકનો ભોગ બની દમ તોડી દે છે.
યંગ, એનર્જેટિક, માચોમેન દેખાવવા માટે છોકરાંવો ગાંડાની માફક કસરતો કરે છે.
બોડી બનાવવાની લાયમાં આડેધડ પ્રોટીન અને વિટામીન પેટમાં પધરાવે છે.
છોકરીઓ પણ સેક્સી અને સુંદર દેખાવવા માટે જાત જાતના અખતરા કરે છે.
યુવાનોની કસરતની ઘેલછા સાઇકિક પ્રોબ્લેમ સુધી પહોંચી ગઇ છે.
કસરત જરૂરી છે પણ એ સાથે એ પણ વિચારવાની જરૂર છે કે,
આખરે કેટલી કસરત કરવી જોઇએ?
———-
સારા સ્વાસ્થ્ય માટે કસરત ખૂબ જરૂરી છે પણ કેટલી એક્સરસાઇઝ કરવી એની સમજ પણ આવશ્યક છે. બોડી બનાવવાની ઘેલછા યુવાનોનો ભોગ બની રહી છે. માચો બનવામાં લોચો પડી જાય છે. સિક્સ પેક એબ્સ બનાવવા માટે યુવાનો આંખો મીંચીને આડેધડ પ્રોટિન અને વિટામીનના ડબાઓ ખાલી કરી રહ્યા છે. માણસનું શરીર એક હદથી વધારે કંઇ જ સહન કરી શકતું નથી. અતિ સર્વત્ર વર્જયેત. એનિથિંગ ઇન એકસેસ ઇઝ પોઇઝન. રબરને વધારે ખેંચો તો તૂટી જાય છે. શરીર શૌષ્ઠવ જાળવવું સારું છે પણ હેન્ડમ દેખાવવા માટે ગજા બહારનો વ્યાયામ જોખમી છે. છોકરાઓ હેન્ડસમ દેખાવવા કંઇ પણ કરવા લાગ્યા છે. છોકરીઓ બ્યુટીફૂલ દેખાવવા માટે જાતજાતના અખતરાઓ કરે છે. પાતળા દેખાવવા માટે ક્રેશ ડાયેટિંગ કરે છે. પાણી પણ માપી માપીને પીવે છે. શરીરને જોઇએ એ જોઇએ. ખાવા-પીવા અને કસરતની બાબતમાં દુનિયામાં રીતસરના બે ભાગ પડી ગયા છે. એક વર્ગ છે એ ખાવા-પીવામાં કંઇ જ બાકી રાખતો નથી. બીજો ગણી ગણીને ખાય છે. એક વર્ગને કસરતથી એલર્જી છે. બીજો ઓવર એક્સરસાઇઝ કરે છે. બંને એક્સટ્રીમ છે. બંને ગાંડપણ છે. બેલેન્સ રાખીને બધું કરતા હોય એવો વર્ગ નાનકડો છે.
ઉંમર ઉંમરનું કામ કરતી રહે છે. ઉંમર વધતી જાય એમ એમ યુવાન દેખાવવાનો મોહ વધતો જાય છે. હોય એનાથી વધુ સારા દેખાવવાનો મોહ હોય એમાં કંઇ જ ખોટું નથી. સારા દેખાવવા માટે વાજબી પ્રયાસો કરવામાં આવે એ પણ વાજબી છે. એ બધું મગજ પર સવાર થઇ જવું ન જોઇએ. ઉંમરના દરેક મુકામને સ્વીકારીને જીવવાનું હોય છે. દરેક એજનો એક ગ્રેસ હોય છે. ગલઢી ઘોડીને લાલ લગામ. બુઢ્ઢો ઘોડોને ચાલ બેફામ. આવું ઘણું બધું કહેવાતું રહ્યું છે. મોટી ઉંમરે સરસ રીતે તૈયાર થવું જ જોઇએ. જિંદગીને ભરપૂર જીવવી જોઇએ, એમાં ના ન જ હોય પણ મર્યાદાઓ ન ચૂકાવવી જોઇએ. માથાના સફેદ વાળને કલર કરો, ખરતા વાળને બચાવવાનો પ્રયાસ કરો, જરૂરી મેકઅપ કરો, મોઢે મુલતાનની માટી લગાવો, સૌંદર્ય માટે યોગ કરો, કુદરતની નજીક રહીને સુંદર દેખાવવાના બધા પ્રયાસો કરો પણ કરચલીઓ ન દેખાય એ માટે વધુ પડતા ડિટોક્સના ઇન્જેકશન કે સહેજ આડા દેખાતો હોઠ માટે સર્જરી કરાવતા પહેલા થોડોક વિચાર તો કરવો જ પડે.
ફિલ્મ અને એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડ સાથે જોડાયેલા યંગસ્ટર્સને સતત એવો ભય હોય છે કે, અમે સારા દેખાતા બંધ થઇ જશું તો અમારી ડિમાન્ડ ખતમ થઇ જશે, વેલ્યૂ ડાઉન થઇ જશે, ફેન ક્લબ નાની થઇ જશે, ફોલાઅર્સ ઘટી જશે, કોઇ અમારો ભાવ નહીં પૂછે અને અમે ક્યાંયના નહીં રહીએ. આ વાત સાવ ખોટી નથી. સવાલ એ છે કે, એનાથી બચવા માટે તમે કેટલા રઘવાયા થાવ છો. કન્નડ ફિલ્મના લોકપ્રિય સુપરસ્ટાર પુનિત રાજકુમાર જીમમાં એક્સરરાઇઝ કરતા હતા ત્યારે જ પડી ગયા. દવાખાને લઇ જવાયા. ડોકટરોએ પુનિતને બચાવવા માટે થાય એટલા પ્રયાસો કર્યા પણ આખરે પુનિતે દમ તોડી દીધો. પુનિતની ઉંમર હતી માત્ર 46 વર્ષ. પુનિતની પહેલા હેન્ડસમ સિદ્ધાર્થ શુકલાનું પણ મૃત્યુ થયું. સિદ્ધાર્થની ઉંમર હતી 40 વર્ષ. અભિનેત્રી મંદિરા બેદીના પતિ અને ફિલ્મ પ્રોડ્યુસર રાજ કૌશલનું અચાનક અવસાન થયું. રાજની ઉંમર હતી 49 વર્ષ. વેબ સીરિઝ બંદિશ બેન્ડિટસમાં અભિનય કરીને વાહવાહી મેળવનાર અમિત મિસ્ત્રી પણ અચાનક ચાલ્યો ગયો. અમિતની ઉંમર હતી 47 વર્ષ. ગુજરાતી ફિલ્મ મેકર અને વોઇસ આર્ટિસ્ટ આશિષ કક્કડ પણ અણધારી એક્ઝિટ લીધી. આશિષની ઉંમર હતી 49 વર્ષ. આ બધા તો હમણાના કિસ્સા છે. ઇતિહાસ પર નજર ફેરવીએ તો લાંબું લિસ્ટ બને એમ છે. જીવવા જેવડી ઉંમરે મરી જવાનું?
મુંબઇના એક જીમ ઇન્સ્ટ્રકટરે કહેલી આ વાત છે. તેણે કહ્યું કે, હવેના કલાકારોની જિંદગીમાં બે વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ હોય છે. એક એનો ફિટનેસ એક્સપર્ટ અને બીજો ડોકટર. કલાકારો ફિટનેસ એક્સપર્ટનું બધી જ વાતો માને છે. એ કહે એટલો પરસેવો પાડે છે. ડોકટરનું માનતા નથી. બોડી ચેક-અપ કરાવે છે પણ રિપોર્ટસ જોઇને જે પ્રિકોશન લેવા જોઇએ એને નજરઅંદાઝ કરે છે. કસરત કરીને એ એવું માને છે કે, પોતે ફીટ છે પણ હ્રદયની ગતિને મેઇનટેન કરી શકતા નથી. ડાયટિશિયનની સલાહ મુજબ ગણી ગણીને કેલેરી લે છે. જેટલી કેલેરી લો એટલી કેલેરી બાળો એવું સિમ્પલ લોજિક આપે છે. એ બધા ખોટા છે એવું કહેવાનો જરાય ઇરાદો નથી. એક હદથી રૂપિયા વધે, સેલિબ્રિટી સ્ટેટસ મળી જાય કે પછી ક્યાંક ક્લિક થઇ જવાય એ પછી માણસ પોતાની રીતે જીવવાનું બંધ કરીને બીજાના ઇશારે જીવતો થઇ જાય છે.
દરેકનું શરીર અલગ છે. દરેકની ફિતરત જુદી છે. એક માટેનું પ્લાન બીજાને કામ ન લાગે. હવે તો લોકો ઇન્ટરનેટ પરથી શોધી શોધીને જાતજાતના ડાયટ પ્લાન અને એક્સરસાઇઝ પોતાના પર અજમાવવા લાગ્યા છે. પોતાની જાત સાથે ચેડાં કરવા એ પોતાની જાત સાથે જ અત્યાચાર છે. કલાકારો આવું બધું કરે એ તો હજુયે ઠીક છે પણ હવે તો યંગસ્ટર્સ પણ દેખાદેખીમાં જોખમી અખતરા કરવા લાગ્યા છે. એક દિવસ કસરત ન કરે તો કેટલાંકને જાણે કોઇ પાપ થઇ ગયું હોય એવું લાગે છે. ક્યારેક કંઇક થોડુંક વધારે ખવાઇ ગયું હોય તો ગિલ્ટ થાય છે. કમરની સાઇઝમાં એક ઇંચનો વધારો થાય તો ટેન્શન થવા લાગે છે. બીએમઆઇ એટલે કે બોડી માસ ઇન્ડેક્સ મુજબ હાઇટની સાથે વેઇટ મેઇનટેન થવું જ જોઇએ. પરફેક્ટ બીએમઆઇ તો કોઇનો નહીં હોવાનો. હોય તો પણ એ સમયે સમયે બદલતો રહેવાનો છે. વજન થોડુંકેય વધે એમાં ઘણાના શ્વાસ અધ્ધર થઇ જાય છે.
હેલ્થનું ધ્યાન રાખો, કસરત કરો પણ સૌથી પહેલા પોતાના શરીરને જાણો. બીજા કરે એટલે આપણે કરવાની જરૂર નથી. પેલી કહેવત સાંભળી છેને? લાંબા વાંહે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. દરેકને એ ખબર હોવી જોઇએ કે, મારા શરીરને શું અને કેટલું માફક આવે છે? શરીર વિશે એવું પણ કહેવાય છે કે, એને તો વાળો એવું વળે. વાળવા જવામાં બેવડું ન વળી જાય એની તકેદારી રાખવાની હોય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, જીવવાની મજા આવે છે? મન મજબૂત અને પ્રફુલ્લિત હશે તો તન સ્વસ્થ અને સુંદર દેખાવાનું છે. મનને મારીને તનને સજાવવા જશો તો એની સજા ભોગવવી પડશે. ધ્યાન બધું જ રાખો. તનનો સ્ટ્રેસ મનને નબળું પાડવો જોઇએ નહીં. જરૂર હોય એટલી કસરત કરો. ખાવા-પીવામાં કેરફૂલ રહો. લાઇફ સ્ટાઇલ એવી રાખો કે જિંદગી જીવવા જેવી રહે. અત્યારનો સમય લાઇફ સ્ટાઇલ ડિસિઝનો જ છે. ડાયાબિટિસ, બ્લડ પ્રેશર, એંગ્ઝાઇટી તો એટલા કોમન થઇ ગયા છે કે ન પૂછો વાત. લોકોની શાંતિ હણાઇ ગઇ છે અને જીવવાનું સુખ અલોપ થઇ ગયું છે. નવું વર્ષ હમણાં જ ગયું છે. બીજા કોઇ રિઝોલ્યૂશન પાસ કર્યા હોય કે ન કર્યા હોય, એક રિઝોલ્યુશન પાસ કરવાની જરૂર તો છે જ કે હું મારા પર જ ત્રાસ નહીં વર્તાવું. મારાથી થાય એટલું બધું કરીશ પણ એના માટે તૂટી નહીં જાવ. આપણી વૃતિ, પ્રકૃતિ અને પ્રવૃતિના જજ આપણે જ હોવા જોઇએ. એ પણ વિચારતા રહેવું જોઇએ કે હું જે કરું છું એ વાજબી તો છેને? હું જેને જીવવાનો રસ્તો સમજું છું એ ખાડો તો નથીને? જિંદગી આપણી છે, મરજી પણ આપણી જ હોવી જોઇએ અને એ પણ શરીરની ત્રેવડ હોય એટલી જ!
હા, એવું છે!
હાસ્ય, સ્માઇલ અને લાફિંગને બેસ્ટ એક્સરસાઇઝ ગણવામાં આવે છે. હસવાથી ચહેરાના 26 મસલ્સની કસરત થાય છે. હસતા રહો, કોઇ માનસિક બીમારી નહીં થાય. હાસ્ય બેસ્ટ સૌંદર્ય પ્રસાધન છે. હસતા રહેનારે કોઇ મેક-અપ કરવો પડતો નથી. સારું જીવવા માટે સાચું હસવું બહુ જરૂરી છે.
(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 10 નવેમ્બર 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com