હું ગમે એટલું કરું તને
તો ઓછું જ લાગે છે!
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
સૈકડોં ઉમ્મીદ બાંધ રખી થી ઉસને, કોઇ ખુદા નહીં ફકત ઇન્સાન થા મૈં,
તુમ થે જમીં બસ દૌલત વાલોં કી, ઔર સબ કે હક કા આસમાન થા મેં.
-નિશાંત ‘ફિતૂરી’
સંબંધમાં અપેક્ષાઓ જેટલી ઓછી લદાયેલી હશે એટલો સંબંધ હળવો અને ગરવો રહે છે. સાવ અપેક્ષા હોય જ નહીં એવું તો બનવાનું જ નથી. અપેક્ષાઓ તો હોવાની જ છે. કોણ કોના માટે કેટલું કરે છે એનો હિસાબ પણ મંડાતો હોય છે. આપણે તો ઘણી વાર ગણતરીઓ પણ માંડતા હોઇએ છીએ કે, એ જેટલું કરે એટલું આપણે કરવાનું! સંબંધને જ્યારે ત્રાજવે તોળવાનું શરૂ થાય ત્યારે પ્રેમનું પલડું ડામાડોળ થાય છે. માવજતમાં માપ ન હોય, પ્રેમમાં હિસાબ ન હોય, લાગણીમાં ગણતરીઓ ન હોય, વાત્સલ્યમાં વહેવાર ન હોય, સ્નેહમાં સરખામણી ન હોય! માણસ બહુ ગણતરીબાજ થતો જાય છે. બધું માપી માપીને કરવા લાગ્યો છે. માપવાનું શરૂ થાય ત્યારે પામવાનું ઘટતું જાય છે.
બે પરિવારની વાત છે. એક પરિવાર સમૃદ્ધ હતો. કોઇ પણ પ્રસંગ હોય ત્યારે એ તેનાથી બને એટલું કરી છૂટે. કોઇ પણ તહેવાર હોય એને ત્યાંથી ભેટ સોગાદ આવી જ ગઇ હોય. ઘણી વખત કોઇ આપણા માટે કંઇક કરતું હોય ત્યારે આપણી પણ એની પાસે અપેક્ષાઓ બંધાઇ જતી હોય છે. એ ન કરે ત્યારે ઓછું આવી જાય છે. સમૃદ્ધ પરિવાર એક સમયે મુશ્કેલીમાં આવ્યો. વહેવારમાં એ પહોંચી શકે એમ નહોતો. એણે વ્યવહાર ઘટાડી નાખ્યો. બીજા પરિવારને થયું કે, હવે એ લોકોનો પ્રેમ ઓછો થઇ ગયો છે. એ પરિવારના પતિ-પત્ની વાત કરતા હતા. પત્નીએ કહ્યું કે, હવે એ લોકો તરફથી ખાસ કંઇ આવતું નથી. હવે એ લોકોને આપણી કદર નથી. એને બીજા મિત્રો મળી ગયા લાગે છે. બીજા સાથે હવે એને વધુ ફાવતું લાગે છે. આ વાત સાંભળીને પતિએ કહ્યું કે, તું એવું કેમ વિચારે છે? એવું પણ બનવા જોગ છે કે એ લોકોથી હવે થઇ શકતું નહીં હોય. એણે કંઇ એવું લખી થોડું આપ્યું છે કે, અમે તમારો વ્યવહાર સાચવીશું જ! એ સાંજે એ ભાઇ સામેના પરિવારને મળવા ગયા. તેણે પૂછ્યું, બધું બરાબર છેને? એ પરિવારે સાચી વાત કરી કે, હમણાં થોડા પ્રોબ્લેમ ચાલે છે. એ ભાઇએ કહ્યું કે, હું તમારા માટે શું કરી શકું? તમારી દરેક મુશ્કેલીમાં હું તમારી સાથે છું. ઘણી વખત આપણે ચિંતા કરવી જોઇએ ત્યારે આપણે માઠું લગાડતા હોઇએ છીએ. ધ્યાન રાખવાનું હોય ત્યારે મોઢું ચડાવતા હોઇએ છીએ.
અપેક્ષાઓ રાખો પણ એ અપેક્ષાઓ પૂરી ન થાય ત્યારે સ્થિતિને સમજવાનો પ્રયાસ કરો. અપેક્ષાઓ કેમ પૂરી થતી નથી? એની ત્રેવડ નથી કે એની દાનત નથી? કે પછી એની આદત જ નથી? દરેક વ્યક્તિ જુદી છે. દરેકની પ્રેમ કરવાની રીત પણ અલગ હોય છે. ઘણા લોકો કરતા હોય છે પણ સાથોસાથ જતાવતા પણ હોય છે. એ હિસાબ રાખે છે કે, મેં તારા માટે આટલું કર્યું છે. એની સામે તેં મારા માટે કેટલું કર્યું? અમુક લોકો તો એને જ પ્રેમ સમજે છે. એક પતિ પત્નીની આ વાત છે. પતિ પત્ની માટે નિયમિત રીતે ગિફ્ટ લઇ આવે. કોઇ પ્રસંગ હોય કે ન હોય, ફ્લાવર્સ અને ચોક્લેટ્સ લેતો આવે. એ એવું જ સમજતો કે, મારી પત્નીને થવું જોઇએ કે, હું તેને ખૂબ પ્રેમ કરું છું. ઘણા વ્યવહારોને આપણે પ્રેમના પ્રતીક માની લેતા હોઇએ છીએ. એક વખત પત્નીએ કહ્યું કે, આવું બધું ન કર. પ્રેમ તારા વ્યવહારમાં નહીં પણ વર્તનમાં છતો થવો જોઇએ. તું બધું કરે છે પણ તેને એ ખબર છે કે, મને શું ગમે છે? તું ડ્રાયફ્રૂટવાળી ચોકલેટ લાવે છે અને મને પ્લેન ચોક્લેટ ભાવે છે. તું ગુલાબના ફૂલ લાવે છે અને મને જરબેરા ગમે છે. તું મારા માટે બ્લૂ કલરનું બધું લાવે છે અને મારો ફેવરિટ કલર લાઇટ યલો છે. બીજી વાત, પ્રેમ કર, પ્રેમને સાબિત કરવાનો પ્રયાસ ન કર.
પ્રેમ નજાકત માંગે છે. ગિફ્ટ, ચોક્લેટ, ફ્લાવર, પરફ્યુમ બધું બરાબર છે પણ જ્યારે સાંનિધ્યની જરૂર હોય છે ત્યારે સાથે હોઇએ છીએ? એક પતિ-પત્નીની આ વાત છે. પત્નીને હિંચકો બહુ ગમતો. ઘર નાનું હતું. હિંચકો રાખી શકાય એમ નહોતો. પતિ કહેતો, મોટું ઘર લેશું એટલે તને હિંચકો લઇ આપીશ. થોડા સમય પછી નવું મોટું ઘર લીધું. પતિએ પત્નીને ગમતો હતો એવો હિંચકો લઇ આપ્યો. ઘણો સમય વીતી ગયો. પત્ની હિંચકે ઓછું બેસતી. પતિએ એક વખત કહ્યું કે, તને તો હિંચકો બહુ ગમે છેને? તું હિંચકે તો બેસતી જ નથી? પત્નીએ કહ્યું કે, મારી હિંચકાની કલ્પનામાં માત્ર હિંચકો નથી, મારી સાથે તું ઝૂલે એ છે. હિંચકાની મજા તો જ છે જો તું બાજુમાં હોય. બંનેના પગની ઠેંસ સાથે પડે તો જ હવાની લહેરખી માણવાની મજા આવે. ખબર નહીં તું ક્યારે મને સમજીશ?
આપણને પ્રેમ નથી હોતો એવું નથી હોતું, પ્રેમ તો હોય જ છે, ફર્ક માત્ર એટલો હોય છે કે આપણે આપણી રીતથી પ્રેમ કરતા હોઇએ છીએ જ્યારે પ્રેમ સામેની વ્યક્તિની રીતે કરવાનો હોય છે. મને શું ગમે એ નહીં, તને શું ગમે એ મહત્ત્વનું હોય છે. થોડુંક બદલવું પડતું હોય છે. રોમાંચની બધાની પોતાની રીત હોય છે. રોમાન્સ પણ એક કળા છે. આ એવી કળા છે જે બંનેને ફીલ થવી જોઇએ. એક પતિ પત્ની હતા. પત્નીનો બર્થ ડે હોય કે બીજું કંઇ હોય, પતિ ઉત્સાહથી બધું કરતો. પતિ ગમે એટલું કરે તો પણ પત્નીને ઓછું જ આવી જાય. દસ વસ્તુ હોય તો પણ પત્ની એવું બોલ્યા વગર ન રહે કે તેં હજુ આમ ન કર્યું. પતિએ આખરે કહ્યું કે, હું ગમે એટલું કરું પણ તોયે તને ઓછું જ લાગે છે. આપણી વ્યક્તિ આપણા માટે કંઇ કરે ત્યારે તેને થોડીક કદરની અપેક્ષા પણ હોય છે. મને ગમ્યું, મને સારું લાગ્યું, તું મારા માટે જે કરે છે એ મને ગમે છે એટલા શબ્દો જાદુઇ અસર કરતા હોય છે. પ્રેમ પણ એપ્રિશિએશન ઇચ્છતો હોય છે. પોતાની વ્યક્તિ કંઇક કરે ત્યારે એને થોડાક શબ્દોથી વધાવીએ તો એણે કરેલા તમામ પ્રયાસો લેખે લાગ્યા હોય એવું લાગે છે. મહેનત કરી હોય તો એનો થાક ઉતરી જાય છે. આપણને આપણી વ્યક્તિની કેટલી કદર હોય છે?
એક પત્ની તેના પતિ માટે બધું જ કરી છૂટતી. પતિ કોઇ દિવસ વખાણ ન કરે. એક વખત પત્નીએ પૂછ્યું, હું તારા માટે જે કંઇ કરું છું એ તને ગમે તો છેને? પતિએ પત્નીની વાતનો ઊંધો મતલબ કાઢ્યો. તેણે કહ્યું કે, તું કંઇ કરે છે તો મહેરબાની થોડી કરે છે? દરેક પત્ની એના પતિ માટે બધું કરતી હોય છે. આવા શબ્દોથી જે ઘા લાગતો હોય છે એ બીજી વખત કંઇ કરતા પહેલા માણસને વિચારતા કરી દે છે. હું ગમે એ કરું તો પણ એને ક્યાં કંઇ ફેર પડે છે. હું તૂટી જાવ તો પણ એ જરાયે રિસ્પોન્સ નહીં આપે. પ્રેમને પારખતા આવડવો જોઇએ. પ્રેમ હોય તો એક ફૂલ આખા બગીચાની ગરજ સારી દે છે, બસ એ એક ફૂલ મહેકતું હોવું જોઇએ, એની સુંગધ સ્પર્શતી હોવી જોઇએ, પાંખડીઓની નજાકતનો અહેસાસ થવો જોઇએ. પ્રેમ એ માત્રને માત્ર અનુભૂતી છે, એ કોઇ વસ્તુ કે ઘટનાનો મોહતાજ નથી. હાથ હાથમાં હોય અને આખું અસ્તિત્ત્વ છલકતું લાગે તો માનવું કે આપણો પ્રેમ સજીવન છે, ધબકતો છે, જીવતો અને જીવાતો છે.
છેલ્લો સીન :
જીવવાનું ઘટે ત્યારે જીરવવાનું શરૂ થાય છે. ભાવ ઘટે ત્યારે ભાર વધે છે. સ્નેહ શોષાઇ ત્યારે સન્નાટો સર્જાય છે. આત્મીયતા ઓસરે ત્યારે અજંપો અવતરે છે. –કેયુ.
( ‘સંદેશ’ સંસ્કાર પૂર્તિ, તા. 03 ઓકટોબર 2021, રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com
Too heart touching…i can feel your each and every words sir..you are the best…🙏🙏
Thanks. 🙂 Wishing you great life.