કુદરતે એનું સર્જન જુદી
જ માટીમાંથી કર્યું છે!
-કૃષ્ણકાંત ઉનડકટ
સીને મેં રાજ-એ-ઇશ્ક છુપાયા ન જાએગા,
યે આગ વો હૈ જિસ કો દબાયા ન જાએગા,
સુન લીજિએ કિ હૈ અભી આગાજ-એ-આશિકી,
ફિર હમ સે અપના હાલ સુનાયા ન જાએગા.
-હમીદ જાલંધરી
પડકાર છે તો પ્રયત્ન છે. મુશ્કેલી છે તો ઉકેલ છે. સમસ્યા છે તો સમાધાન છે. સવાલ છે તો જવાબ છે. મિલન છે તો વિરહ છે. તાળું છે તો ચાવી છે. કામ છે તો આરામ છે. જિંદગી એક એવું પેકેજ ડીલ છે જે બધું થોડું થોડું લઇને આવે છે. નકરું સુખ કોઇના નસીબમાં નથી હોતું. કોઇ દુ:ખ પણ પરમેનન્ટ નથી. થોડુંક હાસ્ય અને થોડાંક આંસુ, થોડીક વેદના અને થોડીક હળવાશ, થોડીક દાદ અને થોડીક ફરિયાદ, થોડીક ઝંખના અને થોડાક ઝઘડા, થોડોક પ્રેમ અને થોડોક વહેમ, થોડાક અપ્સ અને થોડાક ડાઉન્સ, થોડુંક હગ અને થોડુંક હર્ટ, થોડીક હાશ અને થોડોક ત્રાસ, થોડુંક સાંનિધ્ય અને થોડોક સંતાપ, થોડોક આનંદ અને થોડોક આઘાત, થોડુંક વ્હાલ અને થોડોક વલોપાત! કંઇ જ હન્ડ્રેડ પરસન્ટ હોતું નથી અને આમ માનો તો બધું સોએ સો ટકા હોય છે. જિંદગીએ નેગેટિવ અને પોઝિટિવનો સરવાળો છે. આપણને પ્લસ અને માઇનસ કરતા આવડવું જોઇએ. નકામું હોય એની બાદબાકી કરી નાખો અને કામનું હોય એને બચાવી રાખો. આફટર ઓલ આપણી પાસે શું છે, આપણે શેને પેમ્પર કરીએ છીએ, શું મગજમાં ભરી રાખીએ છીએ, શું પકડી રાખીએ છીએ અને શેનાથી મુક્ત થઇ જઇએ છીએ એના પર જ જિંદગીના સુખ કે દુ:ખનો આધાર રહેતો હોય છે.
જિંદગી ક્યારે કેવો ટર્ન લે એ કોઇ કહી શકતું નથી. એકધારાપણું એ જિંદગીની ફિતરત જ નથી. એને તો સતત બદલતા રહેવું જ ગમે છે. જિંદગીને કાયમ માટે કોઇ રંગ માફક આવતો નથી. એક માણસ એવો બતાવો જેણે જિંદગીમાં ક્યારેક કોઇ દુ:ખ ન ભોગવ્યું હોય. અમુકની લાઇફમાં તો જિંદગી એવા સંઘર્ષ લઇને આવે છે કે આપણું ભેજું ચકરાવે ચડી જાય. એક યુવાનની આ વાત છે. બચપણમાં પિતાનું અવસાન થયું. મજૂરી કરતા કરતા શાળાનું ભણવાનું પૂરું કર્યું. કોલેજમાં ભરવાની ફી નહોતી. એવામાં માતા ગંભીર બીમારીમાં પટકાઇ. પ્રેમમાં નિષ્ફળતા મળતા બહેને આપઘાતનો પ્રયાસ કર્યો. યુવાન દરેક પરિસ્થિતિને સાચવી લેતો. રોજ સવાર પડે અને નવી મુસીબત તેની સામે મોઢું ફાડીને ઊભી હોય. કોઇ જાતની ફરિયાદ વગર એ યુવાન સ્વસ્થ રહીને બધી સ્થિતિનો સામનો કરે. એક વખત તેના મિત્રએ પૂછ્યું, કુદરતે તને કોણ જાણે કઇ માટીમાંથી બનાવ્યો છે. એ યુવાને હસીને કહ્યું કે, માટી તો કદાચ એક જ હોતી હશે, કદાચ મારી માટીને વધુ પકાવી હશે. કુદરત જેને પીડા આપે છે ને એનામાં એ સહન કરવાની શક્તિ પહેલેથી જ મૂકી દેતો હોય છે. એને ખબર હોય છે કે, આને થોડોક વધુ મજબૂત બનાવવાનો છે એટલે એ તૂટી ન જાય.
તૂટી એ જ જાય છે જે તકલાદી હોય છે. ફૌલાદી હોય એ ફસકી જતા નથી. બહાદૂરી મિજાજમાં હોય છે. ખુમારી લોહીમાં ભળેલી હોય છે. સાયન્સ આપણા લોહીમાં કેટલા તત્ત્વો છે એ બતાવી આપે છે. આટલા શ્વેતકણ છે, આટલા રક્તકણ છે અને આટલું હિમોગ્લોબિન છે. બ્લડ રિપોર્ટ તત્ત્વો બતાવે છે, સત્ત્વો રિપોર્ટમાં આવતા નથી, એ તો વર્તાતા હોય છે. આના લોહીમાં આટલી ખાનદાની છે, આટલી ખુમારી છે, આટલી પ્રામાણિકતા છે, આટલી ઇમાનદારી છે, આટલી ફનાગીરી છે અને આટલી ઝિંદાદિલી છે એ રિપોર્ટમાં ન આવે, એ તો વર્તનમાં દેખાઇ આવે. જિંદગીનો એક રિપોર્ટ તૈયાર થતો હોય છે, એ લખાતો નથી, જીવાતો હોય છે. એ વંચાતો નથી, વ્યક્ત થતો હોય છે. આપણો રિસ્પોન્સ અને આપણું રિએકશન એ નક્કી કરે છે કે, આપણી જિંદગી કેટલી પોઝિટિવ છે અથવા તો કેટલી નેગેટિવ છે.
આપણે કોઇને કહેવાની જરૂર જ પડતી નથી કે હું કેવો છું. બધાને આપણા વિશે ખબર જ હોય છે. એ વાત જુદી છે કે, બધા આપણને આપણે જેવા હોઇએ એવું મોઢામોઢ કહેતા નથી પણ એને ખબર તો હોય જ છે કે આ માણસ કેવો છે. સારું લગાડનારાઓ જો સાચું બોલવા માંડે તો કેટલા લોકો સહન કરી શકે? આપણે કોઇને સારું લગાડતા હોઇએ ત્યારે ખરેખર આપણને તેના માટે કેટલો આદર હોય છે? ગમતા ન હોય એવા માણસો સાથે પણ માણસ સંબંધ નિભાવતો રહે છે. ઘણા માટે આપણે એવું બોલીએ છીએ કે, મારું ચાલેને તો એ માણસનું મોઢું પણ ન જોવ! આપણું ચાલતું નથી. આપણે મોઢું જોવું પડે છે અને મોઢું સંભાળવું પણ પડે છે. દાંત કચકચાવવાનું મન થાય તો પણ દાંત કાઢવા પડે છે. હાસ્યાસ્પદ લાગતા હોય એના પણ વખાણ કરવા પડે છે. એક જોક છે. એક બોસ હતા. એ જોક કહે એટલે બધા કર્મચારીઓ ખડખડાટ હસે. એક વખત બોસે એક જોક કહી. એક કર્મચારી જરાયે ન હસ્યો. બોસના ભવાં ચડી ગયા. તેણે પૂછુંયું, કેમ તું નથી હસતો? કર્મચારીએ હળવેકથી કહ્યું કે, બીજી જગ્યાએ મારી નોકરી પાક્કી થઇ ગઇ છે!
જિંદગી આખરે એવી જ રહે છે જેવી તમે એને લો છો. સારી સમજો તો સારી છે, બૂરી સમજો તો બૂરી છે. બાકી જિંદગી તો મજાની જ છે. એક વૃદ્ધ માણસ હતો. એક વખત તેના પૌત્રે એને પૂછ્યું કે, તમે આખી જિંદગી જીવી છે. જિંદગી તમને કેવી લાગી? વૃદ્ધે કહ્યું કે, જિંદગી તો સરસ જ હતી. ઘણી વખત હું થોડોક મૂરખ હતો. અત્યારે એવું થાય છે કે, ફરિયાદોમાં અને નારાજગીમાં જેટલો સમય બગાડ્યો એ બગાડવા જેવો નહોતો. વાંધા પડ્યા હતા ત્યાં સાંધા મારી લેવાની જરૂર હતી. જે વીતી ગયું છે એને તો હું બદલાવી શકતો નથી પણ હવે જે જિંદગી થોડી ઘણી બાકી રહી છે એને સાફ કરતો રહું છું. બધાને થોડો થોડો માફ કરતો રહું છું. ઘણાની માફી માંગવાનું મન થાય છે પણ હવે એ લોકો છે નહીં. એવું થાય છે કે, એ હતા ત્યારે જ એની માફી માંગી લીધી હોત તો કેટલું સારું હતું. દાદાએ પછી કહ્યું કે, દીકરા મારી જિંદગી તો પૂરી થવા આવી છે, તારી હજુ આખી જિંદગી બાકી છે. તને બસ એટલું કહેવાનું મન થાય છે કે, ગાંઠો બાંધવા બેસતો નહી. ગાંઠો બાંધીશ તો એ પહેલા એ બાંધવામાં સમય બગડશે અને પછી એ ગાંઠો છોડવામાં શક્તિ વેડફાશે. જિંદગીમાં વજન વધારતો રહીશ તો જિંદગી ભારેને ભારે જ થતી જશે. રોજ રાતે સૂવા જા ત્યારે દિવસનો જે ભાર હોય એ ઉતારી નાખજે. જે ખરાબ થયું હોય એ ભૂલી જજે અને જે યાદ રાખવા જેવું હોય એને સાથે રાખજે. છેલ્લે તો તમારે એ જ વાગોળવાનું હોય છે જે તમારા સ્મરણોમાં બચ્યું હોય છે. ખરાબ થવાનું જ છે, મુશ્કેલીઓ આવવાની જ છે, કેટલાંક સંબંધો બગડવાના પણ છે, આઘાત લાગવાના જ છે, સાથોસાથ પ્રેમ પણ મળવાનો છે, સારા લોકો પણ મળવાના છે. યાદ આવે અને આનંદ થાય એવું જ યાદ રાખજે. સ્મરણો સ્વીટ હોવા જોઇએ. મેમરી મધૂર હોવી જોઇએ. રોજે રોજ જિંદગીનું ભાથું બંધાતું હોય છે. રોજે રોજ જિંદગીમાં કંઇકને કંઇક ઉમેરાતું રહે છે. કોને સાચવવું અને કોને ભૂલવું, કોને સેવ કરવું અને કોને ડિલિટ કરવું એ શીખી લેવું કારણ કે, સુંગધ સાચવીશ તો ખુશ્બૂ આવતી રહેશે અને બદબૂ સાચવીશ તો ગૂંગળામણ થતી રહેશે. આપણી જિંદગીનું નિર્માણ આપણે જ કરવાનું હોય છે. ટાંકણા ભલે વાગે, ઘાટ સરખો ઘડાવવો જોઇએ!
છેલ્લો સીન :
જિંદગી આપણને માપતી, પરખતી અને પડકારતી રહે છે. જિંદગી જો એકસરખી જ રહેતી હોત તો જીવવાની મજા જ ન આવત! -કેયુ.
( ‘સંદેશ’ સંસ્કાર પૂર્તિ, તા. 19 સપ્ટેમ્બર 2021, રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com
One thought on “કુદરતે એનું સર્જન જુદી જ માટીમાંથી કર્યું છે! – કૃષ્ણકાંત ઉનડકટ”