નક્કી નથી થતું, સારા રહેવું
કે દુનિયા જેવા થઇ જવું?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
તપાસ્યું છે કારણ ડૂબી કેમ નૌકા? પુરાણી સ્મૃતિનું વજન નીકળે છે,
હવે ચાલ મૂંગા રહી વાત કરીએ, નિયત શબ્દની બદચલન નીકળે છે.
-અશોકપુરી ગોસ્વામી
આપણી જિંદગીમાં ઘણી વખત એવું બનતું હોય છે જે આપણી સમજની બહાર હોય છે. કોઇ માણસ બદમાશી કરે ત્યારે એવો વિચાર આવી જાય છે કે, માણસ આવું પણ કરી શકે? માત્ર થોડાક અમથા ફાયદા માટે આખેઆખો માણસ બદલી જાય છે. આપણી લાગણી સાથે રમત કરતા પહેલા એને જરાયે વિચાર નથી આવતો. જેને અંગત માનતા હોય એ અમુક સમયે એવી રમત રમે છે કે આપણી બુદ્ધિ બહેર મારી જાય. આપણને આપણી જ જાત સામે સવાલ થાય છે કે, શું હું મૂરખ છું કે મેં આવી વ્યક્તિ પર ભરોસો કર્યો? ના, આપણે મૂરખ નથી હોતા, આપણે સારા હોઇએ છીએ. આપણે ભરોસો મૂકી દઇએ છીએ.
માણસ ઘણી વખત એ ભૂલ કરતો હોય છે કે એ બધાને પોતાની જેવા સમજી લેતો હોય છે. આપણે એક વાત કહેતા અને સાંભળતા આવ્યા છીએ કે આપણે સારા તો બધા સારા. સારા લોકોને સારા માણસો જ મળે એવું જરૂરી નથી. આપણા બધાના નસીબમાં અમુક માણસો પણ લખ્યા હોય છે. એ આવે છે, થોડીક લાગણી થાય છે, સારું લાગે છે, અચાનક એ ચાલ્યા પણ જાય છે. કોઇ થોડા સમય માટે તો કોઇ લાંબા સમય માટે આપણી જિંદગીનો મહત્વનો ભાગ બનીને રહેતા હોય છે. એ જ્યારે જાય છે ત્યારે આપણમાં કશુંક મૂકતા જતા હોય છે. એ સારું પણ હોય શકે અને ખરાબ પણ હોય શકે, એ સુખ પણ આપે અને દુ:ખ પણ આપે. ઘણા લોકો જાય ત્યારે હાશ થાય છે. છૂટકારો મળ્યો હોય એવું લાગે છે. ઘણા લોકો જાય ત્યારે સાથે ઘણું બધું લેતા જાય છે. એક છોકરી હતી. તેનો એક દોસ્ત હતો. બંનેને બહુ જ સારું બનતું. છોકરાને બીજા શહેરમાં જોબ મળી. એ ચાલ્યો ગયો. છોકરીએ લખ્યું કે, એ ગયો એ સાથે કેટલું બધું લેતો ગયો? મારી સાંજ જાણે એની સાથે જ ચાલી ગઇ. સાંજના સમયે અમે મળતા હતા. સાંજને સંગાથ સાથે સંબંધ છે એ મને એ ગયો પછી જ સમજ પડી. સાંજમાં એ શૂન્યવકાશ મૂકતો ગયો. મન થાય ત્યારે મનની વાત કરી દેતી. હમણા એ યાદ આવતો હતો. ફોન કરવાનો વિચાર આવ્યો. એ તો અત્યારે ઓફિસમાં હશે. બિઝી હશે તો? ફોન કરું અને નહીં ઉપાડે તો? રહેવાયું નહીં એટલે તેણે ફોન કરી જ લીધો. છોકરીએ પૂછ્યું, વાત થઇ શકે એમ છે? તેનો દોસ્ત ખડખડાટ હસવા લાગ્યો. આ તું પૂછે છે? છોકરીએ કહ્યું, તું કામમાં હોય તો પછી વાત કરીએ એટલા ખાતર પૂછ્યું. છોકરાએ કહ્યું કે, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એટલો બિઝી ક્યારેય ન થાઉં કે તારો ફોન એવોઇડ કરવો પડે.
આપણે પણ ઘણા લોકો માટે એવું નક્કી કરીને બેઠા હોઇએ છીએ કે, હું આનું દિલ કોઇ દિવસ નહીં દુભાવું. જેના માટે એવું નક્કી કર્યું હોય એ જ્યારે આપણું દિલ દુભાવે ત્યારે દુ:ખની તીવ્રતા વધી જતી હોય છે. એક છોકરા સાથે તેના એક મિત્રએ દગો કર્યો. એને બહુ દુ:ખ થયું. મિત્રએ જે કર્યું એ એનાથી સહન થતું નહોતું. એ યુવાન એક સંત પાસે ગયો. બધી વાત કરીને તેણે કહ્યું કે, બહુ વેદના થાય છે. સંતે એને કહ્યું કે, તને ખુશી પણ એની સાથે વધુ થતી હતીને? આપણને જેની સાથે જેટલી મજા આવતી હોય એટલી જ પીડા એ દૂર જાય ત્યારે થવાની છે. દૂર હોય એની દૂરી બહુ અસર કરતી નથી.
અમુક અનુભવો થાય ત્યારે આપણને આપણા સારાપણા ઉપરથી ભરોસો ઉઠી જાય છે. આખી દુનિયા બદમાશ છે. બધા મારા સરાપણાનો ઉપયોગ જ કરે છે. સાથોસાથ એવું પણ થાય છે કે, હવે બહુ સારા રહેવું નથી. અમુક સમયે અવઢવ પણ થાય છે કે, સારા રહેવું કે પછી દુનિયા જેવા થઇ જવું. એક વખત એક યુવાનને પોતાના સ્વજનનો ખરાબ અનુભવ થયો ત્યારે એણે નક્કી કર્યું કે, હવે મારે કોઇની સાથે સારા રહેવું નથી. દુનિયા જેવી છે એવા જ થઇ જવું છે. મારે મારો જ વિચાર કરવો છે. કોઇની ફિકર કે ચિંતા કરવી જ નથી. બધા પાછળ ખેંચાઇને મને મળી શું ગયું? કોઇ જશ ન આપે તો કંઇ નહીં પણ છેતરે તો નહીં? એ યુવાન એક ફિલોસોફર પાસે ગયો. તેણે કહ્યું કે, હવેથી હું પણ દુનિયા જેવો જ થઇ જવાનો છે? ફિલોસોફરે સામો સવાલ કર્યો કે, દુનિયા કેવી છે? એક માણસનો ખરાબ અનુભવ થયો એમાં તેં આખી દુનિયાને ખરાબ, બદમાશ, લુચ્ચા અને સ્વાર્થી સમજી લીધી. બીજી વાત એ કે, કોઇ બદલે એટલે આપણે બદલી જવું? બદલવામાં પણ મહેનત કરવી પડતી હોય છે. તને દર વખતે એવું થશે કે મારે ધ્યાન રાખવાનું છે. જિંદગીની સરળતા અને સહજતા તો જ રહે જો આપણે જેવા હોઇએ એવા રહીએ.
માણસ બદલવાનો વિચાર કરતો હોય છે પણ મોટા ભાગના લોકો ગમે એ કરે તો પણ બદલી શકતા નથી. આપણે જેવા હોઇએ એવા જ રહીએ છીએ. મહેનત કરીને બદલીએ તો પણ થોડા સમયમાં આપણે હતા એવા જ થઇ જઇએ છીએ. આપણે જ એવું કહીએ છીએ કે, આપણાથી કંઇ થોડું એના જેવું થવાય છે? નથી થવાતું. આપણાથી આપણા જેવા રહેવાય એ ઘણું છે. હા, અમુક વખતે કોઇ કંઇક કરે ત્યારે પીડા થાય છે, એ થવાની જ છે. આપણે જેટલા સંવેદનશીલ હોઇએ એટલી વેદના વધુ થવાની. વેદના થવી પણ જોઇએ. વેદના પણ આપણે સજીવન હોવાની જ નિશાની છે. જડ હોય એને જ કોઇ વાતની અસર નથી થતી. ઘણા લોકો એવી સલાહ આપતા હોય છે કે, મન પર નહીં લેવાનું! આપણે પણ મન પર લેવું નથી હોતું, છતાં મન પર આવી જાય છે એનું શું? એ વ્યક્તિ મન સાથે જોડાયેલી હતી એટલે જ મનમાં લાગી આવે છે.
જિંદગી છેલ્લે તો અનુભવોનો જ સરવાળો હોય છે. જેમ જેમ જિંદગી આગળ વધતી જાય એમ એમ વધુને વધુ અનુભવો થતા રહે છે. આપણો પણ એક પ્રોબ્લેમ હોય છે. આપણે ખરાબ અનુભવોને વાગોળતા રહીએ છીએ અને સારા અનુભવોને ભૂલી જઇએ છીએ. દુનિયા આપણે ધારીએ એટલી સારી નથી, સાથો સાથ આપણે ધારીએ એટલી ખરાબ પણ નથી. આપણે એટલો જ વિચાર કરવાનો હોય છે કે, હું કેવો છું અથવા તો હું કેવી છું? મારે હું છું એવા જ રહેવું છે. બીજા જેવા થવા જઇએ ત્યારે આપણે એના જેવા તો થઇ શકતા નથી, આપણે આપણા જેવા પણ રહી શકતા નથી. દુનિયામાં બદમાશ માણસો તો ભટકાવવાના જ છે. એને બહુ યાદ નહીં રાખવાના. યાદ કરીને પણ આપણે એને આપણી નજીક રાખતા હોઇએ છીએ, એવા લોકોને તો જેટલા બને એટલા જલ્દી દૂર કરવા જ હિતાવહ છે. દુ:ખને હટાવશો તો જ સુખ માટે જગ્યા થશે.
છેલ્લો સીન :
વેદનાને પંપાળવાની આદત છોડવી પડે છે. આપણે જેને પેમ્પર કરીએ છીએ એ જ આપણી સાથે જોડાયેલું રહે છે પછી એ દુ:ખ હોય કે સુખ! -કેયુ.
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 08 ઓગસ્ટ 2021, રવિવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com