ધ્યાન રાખજે, એને આ
વાતની ખબર ન પડે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
તેરે જૈસા કોઇ મિલા હી નહીં, કૈસે મિલતા કહીં પે થા હી નહીં,
મુજ પે હો કર ગુજર ગઇ દુનિયા, મેં તેરી રાહ સે હટા હી નહીં.
– ફહમી બદાયૂની
દરેક માણસ પોતાની અંદર ઘણું બધું સંઘરીને બેઠો હોય છે. આપણા બધાની અંદર એટલો બારૂદ ભરેલો છે કે નાની સરખી દીવાસળી અડે તો પણ ઘડાકો થઇ જાય. બધાને ખાલી થવું છે પણ કોઇના પર ભરોસો બેસતો નથી. ક્યાંક પહોંચવું છે પણ કિનારો મળતો નથી. બધું કહી દેવું છે પણ ઇશારો મળતો નથી. છલકાઇ જવું છે પણ આધાર મળતો નથી. રડી લેવું છે પણ કોઇ ખભો મળતો નથી. જિંદગી ભારેને ભારે થતી જાય છે. પીડાના પડ અને થાકના થર જિંદગી પર જામતા જ જાય છે. દુનિયામાં આટલા બધા લોકો છે પણ એક એવો માણસ નથી મળતો જેને પોતાનો કહી શકાય. પોતાના માન્યા હોય એનું પોત પ્રકાશે ત્યારે પસ્તાવો થાય છે. આના ઉપર મેં ભરોસો કર્યો હતો? માણસ પણ બોદો નીકળતો હોય છે. છીછરા લોકો કંઇ સંઘરી શકતા નથી. હવે વાત કરતા પહેલા કેટલો બધો વિચાર કરવો પડે છે? આપણે હવે ઉઘડી શકતા નથી. ઉઘડવામાં ઉઘાડા પડી જવાનો ડર લાગે છે. દરેકના કોઇક સિક્રેટ હોય છે. આપણા બધાની જિંદગીમાં કંઇક એવું બનતું હોય છે જે કોઇને કહી શકાતું નથી. દુનિયા ક્યાં એટલી નિખાલસ છે કે, નિર્દોષતાને સહન કરી શકે. લોકો ચાલાકી, બદમાશી અને નાલાયકી ચલાવી લે છે પણ કોઇ જો દિલની વાત કરે તો એને ચર્ચાના ચકડોળે ચડાવી દે છે. ટ્રોલ કંઇ સોશિયલ મીડિયાની વોલ ઉપર જ નથી થતા, મોઢામોઢ ટ્રોલિંગ ચાલતું જ રહે છે. સોશિયલ મીડિયાનું ટ્રોલિંગ તો હજુ જાહેર હોય છે, આપણને ખબર પડે છે કે કોણ કેવું લખે છે કે કોણ શું વિચારે છે? ખાનગી ટ્રોલિંગ તો વધુ ખતરનાક હોય છે. આપણી મોઢે સારું બોલનારા આપણી પાછળ જ આપણું વાટતા હોય છે. મીઠું મીઠું બોલીને વાત કઢાવી લે છે પણ એ વાતનો જ હથિયાર તરીકે ઉપયોગ કરે છે.
એક છોકરીએ તેના એક દોસ્તને પોતાની અંગત વાત કરી. થોડા સમયમાં તો આખા ગ્રૂપમાં એ વાત ફરવા લાગી. એ છોકરીએ કહ્યું કે, દુ:ખ એ વાતનું નથી કે વાતો ફરવા લાગી, પીડા એની છે કે એણે મારો ભરોસો તોડ્યો. વિશ્વાસ તૂટે ત્યારે વંટોળ સર્જાય છે. પ્રોબ્લેમ એ થાય છે કે, એક વખત ભરોસો તૂટે પછી આપણે બીજા કોઇના પર ભરોસો મૂકી શકતા નથી. ઘણા લોકો એવા હોય છે કે જ્યાં સુધી સંબંધો સારા હોય ત્યાં સુધી બધું સાચવીને બેસે છે પણ જેવા સંબંધો તૂટ્યા કે વેર લેવા માટે અંગત વાતોનો ઉપયોગ કરે છે. મોબાઇલમાં સાચવી રખાયેલા સ્ક્રીનશોટ, ગેલેરીમાં સંતાડાયેલા કેટલાંક ફોટોગ્રાફ્સ કે રેકોર્ડ કરીને રાખી મૂકાયેલા કેટલાંક ફોન કોલ્સ જ્યારે વહેતા થાય છે ત્યારે મરી ગયેલા ભરોસોનું ભૂત ધૂણતું હોય એવું લાગે છે. ડિલિટ કરી દેવાયા પછી પણ ડર લાગે ત્યારે સમજવું કે, તકલાદી માણસ પર ભરોસો કરવાની આપણે ભૂલ કરી છે. તકલાદી માણસો તક જોઇને લાત મારે છે, ફૌલાદી ફૂટશે તો પણ ફરશે નહીં.
બે મિત્રો હતા. બંને વચ્ચે અમુક બાબતે ઝઘડો થઇ ગયો. દોસ્તી તૂટી. એક ફ્રેન્ડને તેના બીજા મિત્રએ કહ્યું કે, યાર તારી તમામે તમામ વાત એને ખબર છે, એવું કોઇ સિક્રેટ નથી જેની એને ખબર ન હોય, એ કંઇક કરશે તો તારું જીવવું હરામ થઇ જશે. એ મિત્ર એ હસીને કહ્યું કે, એનું પણ એક સિક્રેટ મને ખબર છે. એ સિક્રેટ રિવીલ કરવામાં મને જરાયે વાંધો નથી. બીજા મિત્રએ પૂછ્યું, એવું તે એનું શું સિક્રેટ છે? મિત્રએ કહ્યું કે, એ સિક્રેટ એવું છે કે, ગમે તે થશે તો પણ એ મારા વિશેની કોઇ વાત ક્યારેય કોઇને નહીં કહે! હું એને એટલો તો આળખું જ છું. મને જેટલો એના પર ભરોસો છે એના કરતા પણ વધુ ખાત્રી એને મારા વિશે હશે કે, હું ક્યારેય કોઇ વાત કોઇને પણ નહીં કહું. અમે ક્યા કારણોસર છૂટા પડ્યા કે અમારા વચ્ચે શું વાંધો પડ્યો એ પણ કોઇને ક્યારેય ખબર નહી પડે. અમને ગ્રેસ મેઇનટેન કરતા આવડે છે. એ વાત જુદી છે કે, બધા એવા હોતા નથી. દોસ્ત જ્યારે દુશ્મન બને ત્યારે એ વધુ ખતરનાક નીવડે છે કારણ કે એને આપણા પ્લસ અને માઇનસ બધા જ પોઇન્ટસની ખબર હોય છે.
આપણી દુખતી રગની ખબર હોય પછી પણ જે એ રગ ન દબાવે તો સમજવું કે એ માણસમાં ખાનદાનીનું તત્ત્વ અકબંધ છે. સાચો સંબંધ એ છે જે તૂટ્યા પછી પણ એક ધરી ઉપર જીવાતો રહે છે, એમાં બૂરું કરવાની તો શું બૂરું ઇચ્છવાની પણ દાનત નથી હોતી. સમયના કાળમાં અમુક સંબંધો થીજી જાય પછી એ થીજેલા જ રહે છે. એને આગળવા નહી દેવાના. ક્યારેક એ થીજેલા સંબંધો પર નજર જાય ત્યારે ટાઢક થવી જોઇએ. ઓગળી ગયેલા સંબંધો તરત જ સૂકાઇ જતા હોય છે. ઝરણાં જેવા સંબંધો લાંબી ઝીંક ઝીલી શકતા નથી, વહેતા હોય ત્યારે રળિયામણા લાગે પણ થોડોક તાપ લાગે કે તરત જ સૂકાઇ જાય છે. સાચા સંબંધો દરિયા જેવા હોય છે. ખારાશ આવી જાય પછી પણ ખૂટી જતા નથી.
આપણે આપણા લોકોથી જ કેટલું બધું છુપાવવું પડતું હોય છે? એને ખબર પડશે તો લોચો પડી જશે. એ નાની વાતને એવડું મોટું રૂપ આપી દેશે કે વાત જવા દો. હું તને એક વાત કરું છું પણ ધ્યાન રાખજે હો એને ખબર ન પડે. ઘરની અને પોતાની વ્યક્તિથી જ્યારે વાતો છુપાવવાનું શરૂ થાય ત્યારે સંબંધના પાતળા પડવાની શરૂઆત થાય છે. એક પતિ પત્નીની આ વાત છે. પત્નીને પતિની એક વાત ખબર પડી. પતિ મિત્રો સાથે ગયો હતો ત્યારે બનેલી એક ઘટના તેણે પત્નીથી છુપાવી હતી. પત્નીએ કહ્યું કે, તેં કેમ મારાથી આ વાત છુપાવી? પ્લીઝ તું મને કહે કે, તને કઇ વાતનો ડર હતો? આપણે જ જો એક-બીજાથી વાતો છુપાવવા માંડીશું તો એક બીજા સામે જ ભારે થતા જઇશું. હું આશા રાખું છું કે, આપણા સંબંધો એવા ન થઇ જાય કે એક બીજાથી કોઇ વાત છુપાવવી પડે. કોઇ વાતનો ડર નહીં રાખતો. છુપાવવાનો ભાર સંબંધોને ભરખી જતો હોય છે. વાત માફ કરવાની પણ નથી, વાત એક-બીજાને સમજવાની અને સ્વીકારવાની છે. તને ખબર છે, મને શું થાય છે? મને એવું થાય છે કે, તારે જો મારાથી કોઇ વાત છુપાવવી પડે તો એનો મતલબ એ છે કે, મારામાં કંઇક ખામી છે. હું ક્યાંક તને સમજી શકતી નથી. દાંપત્ય જીવન એટલે જીવાતું નથી કારણ કે બંને એક-બીજાથી એટલું બધું છુપાવતા હોય છે કે એક-બીજાને પૂરપૂરા ઓળખી શકતા જ નથી. કેટલા દંપતીઓ, પ્રેમીઓ કે દોસ્તો એવા હોય છે જેને એક-બીજાની બધી જ વાતો ખબર હોય છે? વ્યક્ત થવાની મજા ત્યાં જ છે જ્યાં કંઇ છુપાવવું પડતું નથી. અડધા પડધા વ્યક્ત થવામાં પણ અકળામણ થાય છે. આપણે બધી વાત કહેતા નથી, જરૂર પૂરતી વાત કરીને અટકી જઇએ છીએ. સંબંધોમાં આજે કંઇ ખૂટતું હોય તો એ છે, પારદર્શિતા. ટ્રાન્સપરન્સી નથી હોતી ત્યાં ટેન્શન રહેવાનું જ છે. એક-બીજાને અંદરથી આખેઆખા ઓળખતા હોય એની પાસે કંઇ છુપાવવાની જરૂર જ ક્યાં રહેતી હોય છે? જિંદગીમાં એકાદ-બે સંબંધ એવા રાખજો જેને સમયનો કાટ ન લાગે, જ્યાં વ્યક્ત થઇ શકાય. જજ ન કરે એ જ સજ્જ સંબંધ હોય છે!
છેલ્લો સીન :
જિંદગીની સૌથી મોટી કરૂણતા એ જ હોય છે કે, જેને સમજવાનું હોય છે એ જ સમજતા હોતા નથી. –કેયુ.
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 04 જુલાઇ 2021, રવિવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com