જે થયું એ તારા
કારણે જ થયું છે
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
મેરે સાથ તુમ ભી દુઆ કરો યૂં કિસી કે હક મેં બૂરા ન હો,
કહીં ઔર હો ન યે હાદસા કોઇ રાસ્તે મેં જુદા ન હો,
વો ફરિશ્તે આપ હી ઢૂંઢિયે કહાનિયોં કી કિતાબ મેં,
જો બુરા કહે ન બુરા સુને, કોઇ શખ્સ ઉન સે ખફા ન હો.
– બશીર બદ્ર
માણસ આખી જિંદગી જિંદગીને કંટ્રોલ કરવા મથતો રહે છે. જિંદગી પૂરી થઇ જાય છે પણ કંટ્રોલમાં આવતી નથી. જિંદગીને બાંધી શકાતી નથી. જિંદગીને તમે સાવ છુટ્ટી પણ ન મૂકી શકો. એક યુવાન સંત પાસે ગયો. સંતને સવાલ કર્યો કે, દુનિયામાં એવી કઇ બે બાબતો છે જે માણસના કંટ્રોલમાં નથી. યુવાનને એમ હતું કે, સંત પોતાના પ્રશ્નનો જવાબ એવો આપશે કે, જન્મ અને મૃત્યુ. આ બે વસ્તુ માણસના હાથમાં નથી. સંતે સાવ જુદો જ જવાબ આપ્યો. સંતે કહ્યું કે, જે બે વસ્તુ આપણા હાથમાં નથી એ છે, જિંદગી અને સંબંધો. આ બંને ક્યારેય આપણે ધાર્યું હોય એમ ચાલતા જ નથી. ગમે ત્યારે ટર્ન લઇ લે છે. આપણે બધાએ જિંદગીને સરસ રીતે જ જીવવી હોય છે પણ જિંદગી સરખું જીવવા દે તોને? સંબંધો પણ સાચવવા જ હોય છે પણ સામેની વ્યક્તિ સરખી ચાલે તોને? બધું આપણી નજર સામે થતું હોય છે અને આપણે કંઇ જ કરી શકતા નથી. માંડ એવું લાગે કે, જિંદગી હવે સરસ જાય છે અને સંબંધો હવે સ્થિર છે ત્યાં જ કંઇક એવો ઝંઝાવાત સર્જાય છે કે, બધું ઊંધું-ચત્તું થઇ જાય છે. ક્યારેક ગુસ્સો આવે છે કે, આવું થોડું હોય? ક્યારેક સવાલ થાય છે કે, આમાં મારો વાંક શું હતો? જિંદગીમાં અમુક તબક્કે ફરિયાદો કરવાથી કોઇ ફેર પડતો નથી અને અફસોસ કરવાનો કોઇ અર્થ હોતો નથી!
જે સંબંધો ઉપર આંખો મીંચીને ભરોસો મૂક્યો હોય એ ક્યારેક પ્રચંડ ધડાકા સાથે તૂટે છે. એક વૈજ્ઞાનિક હતો. એ પરમાણુ હથિયારો પર કામ કરતો હતો. દુનિયાનું સૌથી ખતરનાક ન્યૂક્લિયર વેપન તેને બનાવવું હતું. એક વખત તેના ફ્રેન્ડે તેને સવાલ કર્યો. તું સૌથી ખતરનાક હથિયાર બનાવી શકીશ? વૈજ્ઞાનિકે કહ્યું, ના! સૌથી ખતરનાક હથિયાર એ નથી જેનાથી અસંખ્ય માણસો મરે છે, સૌથી ખતરનાક હથિયાર એ છે જેનાથી દિલ તૂટે છે. દિલ તૂટે ત્યારે માણસનું આખું અસ્તિત્ત્વ ખળભળી જાય છે. જીવતો જાગતો માણસ મરેલા માણસ કરતા પણ વધુ નિર્જીવ થઇ જાય છે. સૌથી અઘરી અને આકરી વેદના શ્વાસ ખૂટે ત્યારે નહીં પણ દિલ તૂટે ત્યારે થાય છે. બોંબ ફેંકાય ત્યારે ધડાકો થાય છે, ધૂમાડોનું વાદળ ઉઠે છે, વિનાશ વેરાય છે અને એ બધું દેખાય પણ છે. દિલ તૂટે ત્યારે એનાથી પણ વધારે થાય છે, એક નહીં અનેક ઘડાકાઓ થાય છે, દરેક ક્ષણે વેદનાના વાદળો ઉમટે છે, આખું અસ્તિત્ત્વ તરડાઇ જાય છે, બધું થાય છે તો પણ કંઇ દેખાતું નથી. માત્ર અનુભવાય છે. એ વેદના બધાને સમજાતી નથી. જે એમાંથી પાસ થતું હોય કે થયું હોય એને જ ખબર હોય છે કે, એ પીડા કેટલી અસહ્ય હોય છે.
ક્યારેક કંઇક બને છે ત્યારે એવો સવાલ જાગે છે કે, કોના કારણે થયું? વાંક કોનો હતો? વાંક શોધી લેવો બહુ સહેલો હોય છે. કોઇના વાંક આપણને તરત જ મળી જાય છે. એક પતિ-પત્ની હતા. લગ્નના થોડા સમયમાં જ બંનેને સમજાઇ ગયું કે, આપણું ચાલવાનું નથી. પત્ની સમજુ હતી. તેણે નક્કી કર્યું કે, કોઇપણ જાતની માથાકૂટ વગર પ્રેમથી છૂટું પડી જવું. તેણે સીધી પતિને જ વાત કરી કે, મને નથી લાગતું કે આપણે બંને સાથે રહી શકીએ. બહેતર એ છે કે, છૂટા પડી જઇએ. પતિએ કહ્યું કે, એવું કઇ થોડું ચાલે. લગ્ન કરીને બધાની હાજરીમાં તને લાવ્યો હતો, હવે બધાને ભેગા કરીને જ તેને છૂટી કરીશ. આ જે કંઇ થયું છે, એ તારા કારણે જ થયું છે. પત્નીએ કહ્યું કે, ગમે તેના કારણે થયું હોય, થયું છે એ હકીકત છે. મને દોષ આપે તો પણ વાંધો નથી. તમાશા અને તાયફા કરવાથી કોઇ ફાયદો નથી. બધાને ભેગા કરીને છેલ્લે તો તારે એ સાબિત કરવું છેને કે તારો કોઇ વાંક નથી? હું જ તેને સર્ટિફિકેટ આપી દઉં છું કે, આમા તારો કોઇ વાંક જ નથી. વાંક મારો છે, બસ. આટલી પીડા ઓછી ભોગવી છે કે, હવે એક-બીજાનો વાંક શોધવાની વ્યથા વેઠવી છે? લોકોને આમેય ક્યાં કંઇ ફેર પડતો હોય છે? લોકો તો ખેલ જોશે, સહાનુભૂતિ દેખાડવાનો પ્રયાસ કરશે, અંદરથી મજા લેશે. મનમાંને મનમાં એવું બોલશે કે, બંને આ જ લાગના હતા! લોકો જ્યારે સહાનુભૂતિ દાખવતા હોય છે, સાંત્વના પાઠવતા હોય છે, દયા ખાતા હોય છે ત્યારે અંદરખાને એ આપણને બિચારા જ સમજી લેતા હોય છે. ઘણા લોકોને મસીહા કે એન્જલ બનાવામાં પણ સેડેસ્ટિક પ્લેઝર મળતું હોય છે. હું હતો તો એનું બધું પાછું ગોઠવાઇ ગયું. હું ન હોત તો એનો કોઇ મેળ જ પડવાનો નહોતો. આજે એ જે કંઇ છે એ મારા થકી છે. હું ન હોત તો એની હાલત જ ખરાબ થઇ ગઇ હોત! આવું વિચારનારા મસીહા કે એન્જલ હોતો નથી. સાચા મસીહા અને એન્જલ તો ચમત્કાર સર્જીને ગૂમ થઇ જાય છે અને કોઇને અણસાર સુદ્ધાં આવવા દેતા નથી! જતાવવાવાળા ક્યારે કોઇનું દિલ જીતી શકતા નથી. ઘણા લોકો દેખાવ ઠારવાનો કરે છે પણ કામ સળગાવવાનું કરતા હોય છે. અમુક ફૂંક આગ ઠારવા માટેની હોય છે, અમુક ફૂંક આગ પેટાવવાની હોય છે. ફૂંક કેવી છે એના પરથી જ એ નક્કી થાય છે કે, જે ફૂંક મારે છે એની દાનત કેવી છે? ઘણી ફૂંક ફેક હોય છે, ફેક ફૂંકની ફિતરત ધરાવનારાઓ ફરિશ્તા બનવાની ફિરાકમાં જ ફરતા હોય છે, એ ફરિશ્તા હોતા નથી!
વાંક શોધવામાં જે લોકો વ્યસ્ત રહે છે એ વમળોમાં જ અટવાયેલા રહે છે. વમળો માંડ શાંત થાય છે ત્યાં એ નવો પથરો ફેંકે છે. નવો વાંક શોધે છે અને પાછા વમળો સર્જે છે. ઉત્ત્પાતથી મુક્તિ ન મેળવો ત્યાં સુધી સનેપાત શાંત થતો નથી. પોતાની અંદર લાગેલી આગ પોતાના હાથથી જ જે ઠારી શકે છે એ માણસ સમજુ, ડાહ્યો અને જ્ઞાની છે. બીજો માણસ આવશે અને આગ ઠારી દેશે એની રાહ જોવાવાળા સળગતા જ રહે છે. પ્રેમ સાચો હતો કે ખોટો એ ઘણી વખત એના પરથી પણ નક્કી થતું હોય છે કે, આપણે એ પ્રેમને કેવી રીતે યાદ કરીએ છીએ. એક પ્રેમી અને પ્રેમિકા જુદા પડતા હતા. બંનેને એક વાત સમજાઇ ગઇ હતી કે, આપણું સાથે રહેવું શક્ય બને એમ નથી. બંને છેલ્લીવાર મળ્યા. પ્રેમિકાએ કહ્યું, જે કંઇ થયું એ મારા કારણે થયુંને? પ્રેમીએ કહ્યું કે, ના. દરેક વખતે કારણો શોધવાની માથાકૂટમાં પણ ન પડવું જોઇએ. સમય, સંજોગ, નસીબને દોષ દઇને પણ શું મળવાનું છે? કોઇ નારાજગી વગર છૂટા પડીએ છીએ એ જ મહત્વનું છે. જતી વખતે પ્રેમિકાએ ગિફ્ટમાં આપેલી વોચ પ્રેમીને પાછી આપી. પ્રેમી હળવેકથી બોલ્યો, ઘડિયાળ પાછી આપી દઇશ પણ સમય? જે સમય આપણે સાથે વિતાવ્યો છે એને જ્યાં છે ત્યાં જ રહેવા દેજે. એ સમય યાદ આવે ત્યારે ભગવાનનો આભાર માનજે કે જિંદગીમાં એક એવી વ્યક્તિ મળી હતી જેની સાથે જેટલો સમય વિત્યો એ જિંદગીનો શ્રેષ્ઠ સમય હતો. તારી સાથેની સુંદર ક્ષણોની યાદોને હું જતનપૂર્વક સાચવી રાખીશ. તું યાદ આવશે ત્યારે હંમેશાં તારા સુખની કામના કરીશ. જુદા પડવાનું કોઇ કારણ મારે જોઇતું જ નથી, કોઇ કારણ શોધવું જ નથી! જે જીવાયું છે એ ઉમદા હતું. આટલું જ લખ્યું હશે તકદીરમાં. જેટલું નથી લખ્યું એના કરતા જેટલું લખ્યું હતું એને યાદ ન કરું! દરેક એન્ડ સુખદ જ હોય એવું જરૂરી નથી, જે એન્ડ છે એને આપણે કેવી રીતે વાગોળીએ છીએ એના પરથી આપણી સંવેદના, સાત્ત્વિકતા અને માનસિકતા છતી થતી હોય છે.
છેલ્લો સીન :
તમે ગમે એટલું સારું કરશો તો પણ જેને તમારા વાંક શોધવા છે એ શોધી જ કાઢશે. અફસોસ કે પસ્તાવો પણ એના માટે જ કરવો જે એને લાયક હોય. –કેયુ.
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 27 જૂન 2021, રવિવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com