બધાને ખુશ રાખવા જઇશ
તો તું દુ:ખી જ થઇશ!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
છું છલોછલ પળ જરા થઇ જઇશ ખળખળ જરા,
અર્થ શું પ્રેમનો? જળ અને મૃગજળ જરા,
કંઇક ફળ એનુંય છે થા કદી નિષ્ફળ જરા,
યાદ મારી પહોંચે ના શોધ એવું સ્થળ જરા.
-પંકજ વખારિયા
દરેક માણસને એવું હોય છે કે, દુનિયા તેને સારા માણસ તરીકે ઓળખે. આપણે બધા બીજાને સારું લગાડવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોઇએ છીએ. લોકો આપણાથી ખુશ રહે, આપણા વખાણ કરે, આપણું સારું બોલે એવી દરેકની ઇચ્છા હોય છે. કેટલાંક લોકો તો પોતાની પરવા કર્યા વગર પણ બીજા માટે કંઇકને કંઇક કરતા રહે છે. આપણે બધાનું સારું કરતા હોઇએ અને સારું ઇચ્છતા હોઇએ છતા પણ કોઇ આપણાથી નારાજ થાય કે આપણા વિશે ખરાબ બોલે ત્યારે આપણને લાગી આવે છે. થોડાક સવાલો ઉઠે છે. હું તો કોઇનું ખરાબ વિચારતો નથી, મારાથી બને એટલું બધાનું સારું કરું છું, દુશ્મન વિશે પણ ક્યારેય ખરાબ વિચાર કર્યો નથી, તો પણ લોકો મારા વિશે ઘસાતું બોલે છે? એવું થવાનું છે. એક વાત યાદ રાખવા જેવી છે કે, આપણે જેવા હોઇએ એવી દુનિયા ક્યારેય હોવાની નહીં. દુનિયાના લોકોમાં એક અજબ પ્રકારનું મિશ્રણ છે. બધા સારા નહીં હોવાના. બધા ખરાબ પણ નહીં હોવાના. આ એક એવું પેકેજ છે જેમાં સારા, ખરાબ, ડાહ્યા, ભેજાગેપ, સ્વાર્થી, તકવાદી, બદમાશ, ઉદાર, ઝિંદાદિલ, મૂફિલસ, જ્ઞાની, સમજુ સહિત અનેક પ્રકારના લોકો હોવાના છે. ક્યારેક આપણને એવા લોકોનો ભેટો થઇ જાય છે જેની આપણે કોઇ દિવસ કલ્પના પણ કરી હોતી નથી. અનુભવો થાય પછી એવો વિચાર આવી જાય કે, મારી જિંદગીમાં આ વ્યક્તિ ક્યાંથી આવી ગઇ? કયા ભવનું લેણું માંગતી હશે? દરેક વ્યક્તિ ઘડીકમાં ઓળખાતી નથી. સમય આવ્યે માણસ પરખાતો હોય છે. સારા સમયમાં બધા સારા જ હોય છે. ખરાબ સમયમાં જે સારા રહે છે એ જ ખરેખર સારા હોય છે. માણસ મોકા જોતો હોય છે. મનમાં એવું વિચારતો હોય છે કે, મારો મેળ ખાવા દેને! જ્યારે એને મોકો મળે, જ્યારે એનો મેળ પડે અને જ્યારે બોલ એના કોટમાં હોય ત્યારે એ કેવું વર્તન કરે છે તેના પરથી જ તેની ઓરિજનાલિટી પ્રગટ થતી હોય છે. અમુક લોકો સમય બદલે એમ રંગ બદલતા હોય છે. અમુક લોકોનો રંગ એકદમ પાક્કો હોય છે. ગમે એવું વાતાવરણ એનો રંગ ઉતારી શકતું નથી કે ઝાંખો પાડી શકતું નથી.
આપણે એવું ઇચ્છતા હોઇએ છીએ કે, હું જેવો છું એવા જ લોકો મને મળે. હું વિચારું છું એવું વિચારે. હું કરું છું એવું કરે. મને ગમતું હોય એવું જ એને પણ ગમે. હું જેનાથી છેટો રહું એનાથી એ પણ છેટા રહે. આવું ક્યારેય થવાનું નથી. આપણે એ નક્કી કરી શકીએ કે, આપણે કેવા રહેવું છે. આપણે એ નક્કી કરી ન શકીએ કે, કોણે કેવા રહેવું જોઇએ. આપણે કોઇને સતત ખુશ રાખવા મથતા હોઇએ તો પણ એ ખુશ થઇ જાય કે એ ખુશ રહે એ જરૂરી નથી. એક છોકરીની આ વાત છે. તે મેરેજ કરીને સાસરે ગઇ. સાસરામાં પગ મૂકતા પહેલા જ તેણે વિચાર્યું હતું કે, હું બધા સાથે સારી રીતે રહીશ. કોઇનું દિલ નહીં દુભાવું. કોઇને હર્ટ નહીં કરું. સમય પસાર થતો ગયો. ધીમે ધીમે તેને ખબર પડી કે, સાસરા પક્ષના બધા લોકો તો તેના વિશે જાતજાતની વાતો કરે છે. એવું બોલે છે કે, એ તો બધાને ઇમ્પ્રેસ કરવાના પ્રયાસો કરે છે. એવું વર્તન કરે છે જાણે એને એકને જ બધી ખબર પડે છે. નવી નવી છે એટલે બધાની નજરમાં છવાઇ જવા માંગે છે. એ છોકરીને એવો વિચાર આવ્યો કે, આ તો હું જેમ જેમ સારી થવા જાવ છું એમ એમ બધા મારું ખરાબ બોલે છે. એક વખત તેણે તેના સાસુને જ પૂછ્યું કે, હું બધા સાથે રાકી રીતે રહું છું તો પણ કેમ મારી સથે આવું થાય છે? સાસુએ કહ્યું કે, સારા હોવાની અને સાર રહેવાની પણ કિંમત ચૂકવવી પડતી હોય છે. અમુક લોકો એવો હોય છે જેના માટે આપણે ગમે એટલું કરીએ તો પણ એ આપણામાં કોઇને કોઇ પ્રોબ્લેમ જ શોધતા રહેવાના છે. એક વાત યાદ રાખ. તું જેવી છે એવી રહે, કોણ કેવા છે એની બહુ ચિંતા ન કરી. આપણું કામ બીજાને માપવાનું નથી. આપણું કામ આપણે હોઇએ એવા રહેવાનું છે. જેને વાંક જ કાઢવા હોય, જેને વાંધા જ શોધવા હોય, જેને વાંકુ જ બોલવું હોય, એ એવું જ કરવાના. લીમડા પાસેથી આપણે કેરીની અપેક્ષા ન રાખી શકીએ.
માણસ ગમે એવો સારો, સક્ષમ કે શક્તિશાળી હોય એ દરેક માણસને ક્યારેય ખુશ રાખી શકવાનો નથી. એનું કારણ એ છે કે, સામેવાળા માણસની પ્રકૃતિ જો ખુશ થવાની કે ખુશ રહેવાની જ ન હોય તો આપણે કંઇ ન કરી શકીએ. આપણે ખુશ પણ એને જ કરી શકીએ જેને ખુશ થવું હોય. એક યુવાનની આ વાત છે. એ હંમેશા પોતાના ગૃપમાં બધાને ખુશ રાખવાના પ્રયાસો કરે. બધાના કામ કરી આપે. થયું એવું કે, ધીમે ધીમે બધા તેને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા લાગ્યા. કંઇ કામ હોય તો એને જ સોંપે. કામ પૂરું ન થાય કે સારું ન થાય તો એને ખખડાવે. હદ તો ત્યારે થઇ જ્યારે એને એવું કહેવામાં આવ્યું કે, તને કંઇ ખબર પડતી નથી. તારી ચાંચ જૂબતી ન હોય ત્યાં માથું ન માર. એક વખત એ યુવાન એક સંત પાસે ગયો. સંતને તેણે કહ્યું કે, હું બધાને ખુશ રાખવાના પ્રયાસો કરું છું પણ બધા મને તો દુ:ખ જ આપે છે. સંતે કહ્યું કે, સૌથી પહેલા તો તું બધાને ખુશ રાખવાના પ્રયાસ છોડી દે. મારો કહેવાનો મતલબ જરાયે એવો નથી કે, તું બધાથી મોઢું ફેરવી લે કે બધાથી સંબંધ કાપી નાખ, સંબંધ બધા સાથે રાખ, માત્ર એક વાત યાદ રાખ કે, સંબંધમાં પણ સંયમની જરૂર પડે છે. દર્ક વસ્તુનો એક કિનારો હોય છે. કિનારા બાંધવા પડતા હોય છે. મર્યાદાઓ નક્કી કરવી પડતી હોય છે. સંબંધમાં એ પણ જરૂરી છે કે, સામેની વ્યકિત એની મર્યાદામાં રહે. બધાને ખુશ કરવાનો પ્રયાસ એ દુ:ખી થવાની શરૂઆત છે. ખુશ તો ભગવાન પણ બધાને કરી શક્યા નથી. આપણે તો માણસ છીએ.
એક સરસ મજાનું સુભાષિત છે. તું એટલો કડવો ન થજે કે લોકો તને થૂંકી નાખે. તું એટલો મીઠો પણ ન થજે કે લોકો તને ચાવી જાય. ગતિ કોઇપણ તરફની હોય, અતિ હંમેશા અઘરું પડતું હોય છે. સંબંધમાં ક્યારેક ગેરસમજ, મતભેદ કે માથાકૂટ થવાની જ છે, એની પણ એક ફ્રિકવન્સી હોવી જોઇએ, એક હદ કરતા વધે ત્યારે સાવચેત થઇ જવું પડે છે. સંબંધમાં બાંધછોડ કરવી પડતી હોય છે, સંબંધ બચાવવા કે સાચવવા માટે બાંધછોડ કરવી પણ જોઇએ. ધ્યાન માત્ર એટલું રાખવાનું કે દરેક વખતે આપણે જ છોડવાનું ન હોય. જતું કરવામાં વાંધો નથી પણ એટલુંયે જતું ન કરવું જોઇએ કે આપણું પોતાનું કોઇ વજૂદ, કોઇ વજન કે કોઇ અસ્તિત્ત્વ ન રહે. પ્રેમ હોય કે પછી કોઇપણ સંબધ હોય, એ બંને પક્ષે હોવો જોઇએ. એક પક્ષે થોડોક વધુ હોય કે થોડોક ઓછો હોય તો હજુ પણ વાંધો નહીં પણ હોવો તો જોઇએ જ. સંબંધના બંને છેડા સજીવન હોય તો જ સંબંધ ધબકતો રહે છે. સંબંધને ધરાર પકડી રાખવાની પણ કોઇ જરૂર હોતી નથી. જેને મુક્ત થવું હોય એને મુક્ત થવા દેવા અને જ્યાંથી મુક્તિ મેળવવા જેવી હાય ત્યાં મુક્તિ મેળવી લેવી પણ અમુક તબક્કે જરૂરી બનતું હોય છે. ખુશી અને સુખી એને રાખો જેને તમારી ખુશી અને તમારા સુખની પરવા અને કદર છે. એ લોકો માટે બધું જ કરી છૂટો. આપણું પોતાનું પણ એક ગૌરવ હોય છે, એ જોખમાવું ન જોઇએ. આપણો ગ્રેસ જળવાવો જોઇએ, એમાં ક્યારેય કોઇ કોમ્પ્રોમાઇઝ નહી કરવાનું!
છેલ્લો સીન :
બીજાની નજરમાં ચડવા જતા આપણે આપણી નજરમાંથી જ ઉતરી ન જઇએ એની તકેદારી રીખવી જોઇએ. –કેયુ.
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા.18 એપ્રિલ, 2021, રવિવાર.’ ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com