તને શું લાગે છે, હું જે
કરું એ બરાબર છે ને?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
શુષ્ક મારી લાગણીમાં આશ પણ છે,
મારી અંદર ક્યાંક તો ભીનાશ પણ છે,
દૂર જવા રોજ હું મથતો રહું છું,
આમ તો તારા પર વિશ્વાસ પણ છે.
–પારસ હેમાણી
આપણા બધાની જિંદગીમાં ક્યારેક એવો સમય આવતો હોય છે, જ્યારે આપણને આપણા નિર્ણયો સામે જ સવાલ થાય. અવઢવ અને અસમંજસની સ્થિતિ ક્યારેક તો પેદા થવાની જ છે. હું જે કરું છું એ બરાબર છે ને? હું રાઇટ ટ્રેક પર છું ને? મારું પગલું ખોટું કે ઉતાવળિયું નથી ને? કોઇ મહત્ત્વનો નિર્ણય કરતી વખતે આપણે ઘણું બધું દાવ પર લગાવતાં હોઇએ છીએ. ક્યારેક કરિયરનો સવાલ હોય છે, તો ક્યારેક મોટી મૂડીનો પ્રશ્ન હોય છે. આવા સમયે આપણે આપણી નજીકની વ્યક્તિના સહારે જઇએ છીએ. આપણને સંમતિ જોઇતી હોય છે. આપણા ડીસિઝનનું એન્ડોર્સમેન્ટ જોઇતું હોય છે. આવા સમયે આપણે કોની સલાહ લઇએ છીએ, કોનું માર્ગદર્શન મેળવીએ છીએ, કોને પૂછીએ છીએ એ મહત્ત્વનું બની જાય છે.
દુનિયામાં બે પ્રકારનાં લોકો હોય છે. એક જેને દરેક વાતમાં શંકા જાય છે. તેઓને દરેક વાતમાં ખરાબ વિચાર પહેલો આવે છે. બીજા પ્રકારના લોકો દાવ ખેલી લેવામાં માને છે. થઇ–થઇને શું થઇ જવાનું છે? જિંદગી થોડી હારી જવાનાં છીએ? જોખમ લીધા વગર કોઇ સફળ થયું નથી! એક યુવાન નવો બિઝનેસ શરૂ કરવા જઇ રહ્યો હતો. તેણે એક વડીલની સલાહ લીધી. વડીલે કહ્યું કે, ‘થિંક ઓફ ધ વર્સ્ટ. ખરાબમાં ખરાબ શું થવાનું છે? એનો અર્થ જરાયે એવો નથી કે, બધું ખરાબ થવાનું છે. માણસે એ પણ વિચારવું જોઇએ કે, સારામાં સારું શું થવાનું છે?’ એક માછીમાર હતો. તેના દીકરાને એક દિવસ તેણે કહ્યું કે, ‘તું મારી સાથે માછીમારી કરવા બહુ આવ્યો. હવે તારે તારી રીતે માછીમારી કરવા જવાનું છે.’ છોકરાને ડર લાગતો હતો. એ હોડીને દરિયામાં ઝૂકાવી જ શકતો નહોતો. પિતાએ પૂછ્યું, ‘શેનો ડર લાગે છે?’ દીકરાએ કહ્યું, ‘જાળ ફેંક્યા પછી માછલીઓ નહીં પકડાય તો?’ પિતાએ કહ્યું, ‘શા માટે નહીં પકડાય? પકડાશે જ! તારી જાત પર ભરોસો રાખ! આમ છતાં જો ન પકડાય તો બીજા દિવસે ફરી વખત પ્રયત્ન કરજે.’ દીકરાએ બીજો ભય વ્યક્ત કર્યો, ‘હોડી ઊંધી વળી જશે તો?’ પિતાએ કહ્યું કે, ‘તો તરીને કાંઠે આવી જજે. એક વાત યાદ રાખ, જ્યાં સુધી તું દરિયામાં ઝૂકાવીશ નહીં, ત્યાં સુધી કંઇ હાથ લાગવાનું નથી એ નક્કી છે. હવે થોડુંક જુદી રીતે પણ વિચાર! માછલીઓ મળવાની જ છે, હોડી ડૂબવાની જ નથી, મને સફળતા મળવાની જ છે. એવો વિચાર કર કે, મારા પિતા કરતાં પણ વધુ માછલીઓ પકડીશ. દરિયો એને જ કંઇક આપે છે, જે એની સાથે બાથ ભીડે છે. પ્રકૃતિ એને મદદ કરે જ છે, જેનામાં કંઇક કરી છૂટવાની તમન્ના હોય છે.’
આપણે કોઇની સલાહ લીધી હોય કે ન લીધી હોય, છેલ્લે તો જે પરિણામ આવે એના માટે આપણે જ જવાબદાર હોઇએ છીએ. એક યુવાન પોતાના સાહસમાં નિષ્ફળ ગયો. તેનાથી પોતાની નિષ્ફળતા સહન ન થઇ. માણસ નિષ્ફળ જાય એટલે દોષનો ટોપલો ઢોળવા માટે એ કોઇ માથા જ શોધતો હોય છે. આ યુવાને પણ એવું જ કર્યું. તેણે કહ્યું કે, ‘મારા સલાહકારો જ ખોટા હતા. બધાએ મને ઊંધા રવાડે ચડાવ્યો. સાચી સલાહ જ ન આપી.’ આ વાત સાંભળીને એક સ્વજને તેને કહ્યું કે, ‘માત્ર કોઇની સલાહ લેવી એ પૂરતું નથી. કોની સલાહ માનવી, કોની સલાહ અવગણવી, એ પણ આપણે નક્કી કરવાનું હોય છે.’ દરેક માણસ પોતાની વિચારક્ષમતા અને સમજણશક્તિના આધારે સલાહ આપતો હોય છે. એ એની જગ્યાએ કદાચ સાચો પણ હોય છે, આપણે એ નક્કી કરવાનું હોય છે કે, આપણે એની જગ્યાએ જવું છે કે આપણે આપણી જગ્યાએ રહેવું છે?
એક યુવાન પોતાના બિઝનેસમાં સફળ થયો. તેને એક વખત સફળતાનું કારણ પૂછવામાં આવ્યું. તેણે કહ્યું કે, ‘બિઝનેસ શરૂ કરતાં પહેલાં મેં ઘણા લોકોની સલાહ લીધી હતી. છેલ્લે મેં કોઇની સલાહ માની નહોતી અને મને જે યોગ્ય, વ્યાજબી અને કરવા જેવું લાગ્યું એ જ મેં કર્યું.’ જિંદગીના અમુક તબક્કે આપણે નક્કી કરવું પડતું હોય છે કે, કોઇએ ચીંધેલા રસ્તે ચાલવું છે? કોઇએ બનાવેલા માર્ગે આગળ વધવું છે? કે પછી આપણે કોઇ નવો રસ્તો બનાવવો છે? લોકોને તૈયાર રસ્તે જવું વધુ ફાવતું હોય છે, કારણ કે એ બહુ આસાન હોય છે. પોતાની કેડી પોતે જ કંડારીને આગળ વધવાનું કામ થોડુંક અઘરું હશે, પણ નોંધ તો નવા ચીલા ચાતરનારની જ લેવાતી હોય છે.
આપણી સફળતા અને નિષ્ફળતાનો આધાર એના પર પણ રહે છે કે, આપણે કેવા લોકો વચ્ચે રહીએ છીએ? આપણું ગ્રૂપ કેવું છે? આપણી નજીક જે લોકો છે એ કેવું વિચારે છે? છોડને ઊગવા માટે પ્રકાશની જરૂર પડે છે. પાંજરાની અંદર હોઇએ તો પાંખો ગમે એટલી મજબૂત હોય તો પણ કંઇ ફેર પડતો નથી. આપણે એવા ઘણા લોકોને જોયા હોય છે, જે વાતો ઊંચી ઊંચી કરતા હોય છે, પણ કોઇ કામ શરૂ જ નથી કરતાં. એક છોકરીએ નવું કામ કર્યું. થોડુંક આગળ વધ્યું અને કામ પાર પડી જશે એવો વિશ્વાસ બેઠો ત્યારે એણે પોતાનાં ફ્રેન્ડ્સને બધી વાત કરી. એક મિત્રએ કહ્યું, ‘તેં તો ખબર પણ ન પડવા દીધી?’ આ વાત સાંભળીને છોકરીએ કહ્યું, ‘તો શું હું ઢંઢેરો પીટું? મને વિચાર આવ્યો, મેં અમલમાં મૂક્યો, એવું લાગ્યું કે થઇ શકશે, પછી બધાને વાત કરી. પહેલાં મને તો કોન્ફિડન્સ આવી જાય કે હું કરી શકીશ, પછી બધાને વાત કરું!’ બીજા એક મિત્રે કહ્યું, ‘તેં સારું કર્યું કે કોઇને પૂછ્યું નહીં. મને પૂછ્યું હોત તો કદાચ મેં ના પાડી હોત કે આવા કામમાં સમય અને શક્તિ ન વેડફાય! તેં સારું કર્યું છે. તારામાં ગજબની હિંમત છે, તારું કામ ચાલુ રાખજે!’
આપણા વિકાસ માટે આપણે આપણી આજુબાજુના લોકો પર પણ નજર રાખવી પડતી હોય છે. એ આપણને ડિસ્કરેજ નથી કરતાં ને? ઘણી વખત આપણી નજીકના લોકો બોલે નહીં, તો પણ એની અસર આપણામાં આવતી હોય છે. વ્યક્તિના વાઇબ્સ પણ અસર કરે છે. પાંચ યુવાનોનું એક ગ્રૂપ હતું. અમુક વર્ષો પછી પાંચેય ભેગા થયા. બધાએ પોતપોતાની વાત કરી. છેલ્લે એક મિત્રે કહ્યું કે, ‘આપણા બધા માટે સૌથી વધુ ખુશીની વાત એ છે કે, આપણે બધા આપણા ક્ષેત્રમાં ટોપ પર છીએ.’ આ વાત સાંભળીને બીજા મિત્રે કહ્યું, ‘તેનું કારણ એ છે કે આપણે હંમેશાં એકબીજાને એન્કરેજ કર્યાં છે. આપણે ક્યારેય કોઇને નબળા પડવા દીધા નથી. ક્યારેય કોઇને ઉતારી પાડ્યા નથી. ક્યારેય કોઇની ભૂલ શોધી નથી. ઊલ્ટું, કોઇ જરાયે હતાશ થયું હોય તો એને પ્રોત્સાહન આપ્યું છે. આપણને બધાંને ઘણી વખત કોઇક આધાર જોઇતો હોય છે. આધાર મેળવતાં પહેલાં એટલું ચેક કરી લેવાનું કે એ બટકણો નથી ને? ક્ષમતા અને શક્તિ કેળવવી પડતી હોય છે, બીજાની સલાહ લો કે ન લો, પોતાની જાત ઉપર શ્રદ્ધા રાખજો. જે જાત ઉપર શ્રદ્ધા ગુમાવે છે એના હાથ ખાલી જ રહે છે!
છેલ્લો સીન :
કોઇની સલાહ માંગવામાં કશું ખોટું નથી. ધ્યાન એ જ રાખવાનું કે, એ માણસ સલાહ આપવાની કક્ષા તો ધરાવે છે ને? રંગ વિશ જાણવું હોય તો મોરને પૂછો, કાગડાને પૂછશો તો એ કાળો રંગ જ કહેશે! –કેયુ
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 03 માર્ચ 2021, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com
Hello sir.. Your article is amazing.. it’s inspiring too. Thank you so much for sharing these great articles with us
Thank you