ગૃહિણીને સેલેરી આપવાની વાત! કેટલી વાજબી? કેટલી વાહિયાત? : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

ગૃહિણીને સેલેરી આપવાની વાત!

કેટલી વાજબી? કેટલી વાહિયાત?

દૂરબીનકૃષ્ણકાંત ઉનડકટ

*****

ફિલ્મ સ્ટારમાંથી રાજકારણી બનેલા કમલ હાસને

હાઉસવાઇફને સેલેરી આપવાની વાત કરતા કંગના રનૌતે

તેમનો ઉધડો લીધો છે. હોમમેકર ઉપર

કોઇ પ્રાઇઝ ટેગ લગાડો

*****

કેટલીક સંવેદનાઓ અમૂલ્ય હોય છે. ઘર સંભાળનારી

સ્ત્રીના કામનું મૂલ્ય નક્કી કરવું એમનું અપમાન છે.

સાચી વાત કે નહીં?

*****

આપણા દેશમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે તો થવા જેવી સરખામણીઓ થતી રહે છે, સાથોસાથ હાઉસ વાઇફ અને વર્કિંગ વુમન વચ્ચે પણ ઓછી કમ્પેરિઝન નથી થતી! જે સ્ત્રી નોકરી કરતી નથી અને આખો દિવસ ઘરે રહીને ઘર સંભાળે છે, એના કામનું મૂલ્ય કેટલું ગણાય? ઘરે કામવાળી કામ કરવા આવતી હોય અને એને કચરાપોતા અને વાસણ સાફ કરવાના જેટલા રૂપિયા આપીએ એટલું કામ જો ઘરવાળી કરે તો એની કિંમત એટલી ગણાય? ઘરે રસોઇયો રાખ્યો હોય અને એને જેટલો પગાર આપતા હોઇએ એટલું મૂલ્ય જો ઘરની સ્ત્રી જમવાનું બનાવે તો ગણી શકાય? બિલકુલ નહીં! ઘરવાળી ઘરવાળી છે અને કામવાળી કામવાળી છે. કામવાળી સ્ત્રી પણ સન્માનનીય છે, મહેનત કરીને પેટિયું રળે છે પણ એની સરખામણી ઘરની સ્ત્રી સાથે કરવી અને બંનેના કામનું મૂલ્ય સરખું આંકવું બિલકુલ ગેરવાજબી વાત છે.

ફિલ્મ સ્ટારમાંથી રાજકારણી બનેલા કમલ હાસન આજકાલ તમિલનાડુમાં આવનારી વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ કરે છે. કમલ હાસને એવું કહ્યું કે, જો એની સરકાર આવશે તો હાઉસવાઇફને સેલેરી આપશે. વાતે વિવાદ સર્જ્યો છે. કમલ હાસને જે વાત કરી એને કોંગ્રેસના નેતા શશી થરૂરે વળી ટેકો આપ્યો. શશી થરૂરે કહ્યું કે, રાજ્ય સરકાર ગૃહિણીઓને માસિક ભથ્થું આપે. તેનાથી ગૃહિણીઓની સેવાને ઓળખ મળશે, તેને આર્થિક લાભ મળશે અને તે સશક્ત અને સ્વાયત્ત બનશે. તેની સામે કંગના રનૌતે કહ્યું કે, આપણે આપણા સ્વજનો માટે જે કરીએ છીએ એની કિંમત લગાવવી જોઇએ. કંગનાએ કહ્યું કે, સ્ત્રી પોતાની ઘરની રાણી છે. દરેક વાતને વ્યાપારની નજરથી જોવાનું બંધ કરો. મહિલાઓને વેતન નહીં, પ્રેમ, સન્માન અને પોતાની વ્યક્તિ જોઇતી હોય છે. કંગનાની વાત પછી શશી થરૂરે યુટર્ન લીધો. તેમણે કહ્યું કે, હું કંગનાની વાત સાથે સંમત છું. ગૃહિણીની લાઇફમાં એવી ઘણી ઘટનાઓ હોય છે જેની કોઇ કિંમત નથી હોતી. મેં જે વાત કરી ગૃહિણીઓના સન્માનની હતી. હું તો દરેક ભારતીય સ્ત્રીને તમારા જેટલી શક્તિશાળી જોવા ઇચ્છું છું.

કચરાપોતા, વાસણ, રસોઇ તો ઠીક છે, મધરહૂડ અને પેરેન્ટિંગનું મૂલ્ય કઇ રીતે નક્કી કરી શકાય? પહેલી વાત તો છે કે, આવું મૂલ્ય નક્કી કરવાની વાત વાજબી નથી. આપણે ત્યાં સ્ત્રી જ્યારે લગ્ન કરીને પોતાને સાસરે આવે છે ત્યારે એને ઘરની લક્ષ્મી ગણવામાં આવે છે. કાયદાકીય રીતે પણ સ્ત્રી ઘરમાં પૂરેપૂરી હિસ્સેદાર છે. હજુ હમણા સુપ્રીમ કોર્ટે અકસ્માતના એક કેસમાં એવું કહ્યું કે, ઘરમાં રહેનારી મહિલાઓના કામનું મૂલ્ય ઓછું આંકવાની માનસિકતા બદલવાની જરૂર છે. આખો કિસ્સો એવો હતો કે, એક પતિપત્નીનું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું. એના વળતરનો દાવો મૂકવામાં આવ્યો. નોકરી કરતા પતિના મોત પેટે વધુ વળતર માંગવામાં આવ્યું અને પત્નીના મોત પેટે ઓછું! એનું કારણ હતું કે, પત્ની હાઉસવાઇફ હતી. અદાલતે કેસના ચૂકાદામાં એવું કહ્યું કે, ભલે સ્ત્રી હાઉસવાઇફ હોય પણ એનું મૂલ્ય ઓછું આંકવું કે એને ઓછું વળતર આપવું વાત બિલકુલ અયોગ્ય છે. જસ્ટિસ રમણે કહ્યું કે, ગૃહિણીઓ નોકરી નથી કરતી કે ઘરમાં આર્થિક મદદ નથી આપતી માનસિકતા બદલવાની જરૂર છે.

હમણા સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા એક રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, હાઉસવાઇફ દરરોજ સરેરાશ 299 મિનિટ ઘરનું કામ કરે છે. ઘરની સ્ત્રી જમવાનું બનાવે છે, ઘર માટે અનાજ, શાકભાજી અને બીજી ચીજવસ્તુઓની ખરીદી કરે છે. બધું સાફ કરે છે, ઘર વ્યવસ્થિત રાખે છે. બાળકો અને ઘરના વડીલોની સંભાળ લે છે. પરિવાર સાથે સબંધો રાખે છે. ઘરની ઇજ્જત સાચવે છે અને સૌથી મોટી વાત તો કે, ઘરને જીવતું રાખે છે. ઘરની સ્ત્રી ઘર સાથે માત્ર શ્રમથી નહીં, મન અને દિલથી જોડાયેલી હોય છે. એનું કોઇ મૂલ્ય હોય! આવી બધી ગણતરીઓ કરવી જોઇએ. આવું ચાલ્યું તો કાલે ઊઠીને સેક્સની કિંમત ગણવાની પણ કોઇક વાત કરશે! ઘર સાથે સ્ત્રી જીવથી જોડાયેલી હોય છે, ઘરના કણેકણમાં એનો આત્મા વસેલો હોય છે. માતા અને સંતાન કે પતિપત્નીના સંબંધો અલૌકિક છે. કાલે ઊઠીને છોકરો માને એવું કહે કે, તેં મને જન્મ આપ્યો અને મોટો કર્યો એના તને કેટલા રૂપિયા ગણી આપું તો? છોકરાનું ધ્યાન રાખવા ઘણા લોકો આયા રાખે છે. મા માવજત કરે એનું મૂલ્ય આયા જેટલું ગણવામાં આવે તો? આવી બધી વાતો અને સરખામણીઓ કરીએ ત્યારે આપણા મગજની નસો તંગ થવા લાગે છે. એવું કહેવાનું મન થઇ આવે કે, મહેરબાની કરીને આવી સરખામણી કરવાનું બંધ કરો!

એક બીજી વાત પણ સમજવા જેવી છે. જે વર્કિંગ વૂમન છે, જોબ કરે છે, મહિલાઓ પણ ઘરે આવીને નવરી બેઠી નથી રહેતી. પણ જ્યારે કામ પર જાય છે પહેલા ઘરનું બધું કરીને જાય છે અને ઘરે આવીને પાછી કામે વળગી જાય છે. મહિલાઓ કામ કરતી થઇ પછી તો એમના પર બમણી જવાબદારીઓ આવી ગઇ છે. પુરૂષનું કામ મોટા ભાગે પ્રાચીન સમયથી ચાલ્યું આવે છે રહ્યું છે. હાઉસવાઇફ માટે જરૂરી તેના કામનું વેતન નહીં પણ તેની ઇમેજ જાળવવાનું છે. હાઉસવાઇફને એમ કહેવામાં આવે કે, તું કંઇ નથી કરતી? એનું એને લાગી આવે છે. સમાજમાં સુધારો કરવો હોય તો મેન્ટાલિટી દૂર કરવાની જરૂર છે કે જે સ્ત્રી કમાતી નથી જરાય ઓછી આવડતવાળી કે નીચી છે. ગૃહિણી હોમ મેકર છે. ગૃહિણી છે જે મકાનને ઘર બનાવે છે. સ્ત્રીઓ રગે રગથી ઘર સાથે ઓતપ્રોત હોય છે એટલે ઘર ધબકતું લાગે છે.

————————

પેશ-એ-ખિદમત

અગર યૂં હી યે દિલ સતાતા રહેગા,

તો ઇક દિન મેરા જી હી જાતા રહેગા,

ખફા હો કે એ ‘દર્દ’ કર તો ચલા તૂ,

કહાં તક ગમ અપના છુપાતા રહેગા.

-ખ્વાજા મીર દર્દ

( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 17 જાન્યુઆરી 2021, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *