તું એમ માને છે કે
તારા વગર નહીં ચાલે?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
વારાફરતી વારામાંથી નીકળવું છે,
મારે આ જન્મારામાંથી નીકળવું છે,
અજવાળાંના સ્વામી થોડો ટેકો કરજે,
ભીતરના અંધારામાંથી નીકળવું છે.
–હરજીવન દાફડા
સંબંધ ગજબની ચીજ છે. સંબંધ ઘણી વખત સમજાતો નથી. કોઇ એટલું વહાલું કેવી રીતે લાગવા માંડે કે એના વગર મજા જ ન આવે? ક્યાંય જઇએ ત્યારે થાય કે એ અહીંયા હોય તો કેવી મજા આવે? સંબંધમાં હાજરી અને ગેરહાજરીનો મતલબ જ બદલાઇ જાય છે. જેના પ્રત્યે લગાવ હોય એ હાજર ન હોય તો પણ એવું જ લાગે છે કે એ સાથે છે. દૂર હોય તો પણ લાગે કે પાસે છે. હવામાં હાજરી વર્તાતી હોય છે. સાથે ન હોય તો પણ સાંનિધ્યનો અનુભવ થતો હોય છે. પ્રેમ ન હોય ત્યારે હાજર હોય તો પણ એની અસર વર્તાતી નથી. સામે હોય તો પણ ગેરહાજર હોય એવું લાગે છે. એ હોય કે ન હોય, તેનાથી કોઇ ફેર પડતો નથી. ઘણા લોકોને જોઇએ ત્યાં જ એવું લાગે કે, છે તો સાથે પણ બહુ દૂર હોય એવું ફીલ થાય છે. એક સોફા પર બેઠેલા બે વ્યક્તિ પણ જોજનો દૂર હોઇ શકે છે અને સાત સમંદર પાર હોય એ પણ ક્યારેક સાવ નજીક હોય એવું લાગે છે. દિલને ડિસ્ટન્સ નથી નડતું. નજર ન પહોંચે ત્યાં પણ નજાકત પહોંચી જતી હોય છે. મનથી મનનું એક જોડાણ હોય છે. વેવ્ઝ માત્ર ઝીલાતા હોતા નથી, જીવાતાં પણ હોય છે.
એક પ્રેમી અને પ્રેમિકા હતાં. પ્રેમિકાને વધુ સ્ટડી માટે વિદેશ જવાનું થયું. પ્રેમીને કહ્યું કે, ‘મારે જવું છે.’ પ્રેમીએ કહ્યું કે, ‘ખુશીથી જા. હું તારી રાહ જોઇશ. નો ડિસ્ટન્સ રિલેશન આપણે જીવ્યાં છીએ, લોંગ ડિસ્ટન્સ રિલેશન પણ એટલી જ ઉત્કટતાથી જીવીશું.’ દૂર ગયા પછી પણ બંનેના પ્રેમમાં તસુભાર ફેર ન પડ્યો. વિદેશમાં એ છોકરીને સાથે ભણતા એક છોકરા સાથે દોસ્તી થઇ. એ છોકરાએ એક વખત છોકરીને પૂછ્યું, ‘તારો પ્રેમી ત્યાં કોઇ બીજી છોકરીના પ્રેમમાં નહીં પડી જાય, એની શું ખાતરી છે?’ છોકરીએ કહ્યું, ‘આ દુનિયામાં ખાતરી તો કોની છે? શેનીયે ખાતરી નથી! જિંદગીની પણ ક્યાં ખાતરી છે? થોડી જ વારમાં શું થવાનું છે એની પણ કોઇ ગેરન્ટી નથી, છતાં હું એના વિશે કહીશ કે મને એના પર ભરોસો છે. ખાતરી અને ભરોસામાં બહુ મોટો ફેર છે. ખાતરી આપવી પડે છે અને ભરોસો કેળવવો પડે છે! અમારા બંનેની વેવલેન્થ પાવરફુલ છે. મને એના અવાજના રણકા ઉપરથી સમજાઇ જાય છે કે એની ઉત્કટતા એવી ને એવી છે કે નહીં? ભરતી આવે એની જેને સમજ હોય ને એ ઓટને પણ સારી રીતે ઓળખી જતાં હોય છે! મને એની માથે ભરોસો છે એનું કારણ એ પણ છે કે એને પણ મારા પર પૂરેપૂરો ભરોસો છે. એને ક્યારેય એવો વિચાર જ ન આવે કે હું તેની નથી! શ્રદ્ધા પાસે શંકા પાતળી પડી જતી હોય છે. શંકા સંબંધને ખોખલો કરી નાખે છે. મને ખબર છે કે એને મારા વગર ચાલવાનું નથી અને એને પણ ખબર છે કે હું એના વગર રહી શકવાની નથી!’
દરેક માણસની લાઇફમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ એવી હોય છે, જેના વગર જિંદગી અધૂરી લાગે. દુનિયામાં એવું કહેવાતું રહ્યું છે કે, કોઇના વગર કંઇ અટકતું નથી. સાચી વાત છે. બધું જ ચાલતું રહેવાનું છે. જે લોકો એવું માનતા હતા કે મારા વગર નહીં ચાલે એવા લોકોથી કબ્રસ્તાનો ભર્યા છે. દરેક વગર ચાલ્યું છે. ઘડિયાળ બંધ પડી જાય તો પણ સમય રોકાતો નથી. એક યુવાને પાર્ટી એરેન્જ કરી. તેના મિત્રને ઇન્વિટેશન આપ્યું. મિત્રએ આવવાની ના પાડી. પાર્ટી અરેન્જ કરી હતી એ મિત્ર ગુસ્સે થયો. તેણે એમ કહ્યું કે, ‘તું એમ માને છે કે તારા વગર નહીં ચાલે? તું આવે કે ન આવે તેનાથી કોઇ ફેર પડવાનો નથી!’ મિત્રએ કહ્યું, ‘તારી વાત સાચી છે. મારા ન આવવાથી કોઇ ફેર પડવાનો નથી. ફેર પડવાનો હોત તો હું ચોક્કસ આવ્યો હોત. તમારી ગેરહાજરીની જ્યાં નોંધ લેવાવાની ન હોય ત્યાં હાજરી આપતાં પહેલાં વિચારવું જોઇએ.’ આપણે બધાંને એમ થાય કે હું હોઉં કે ન હોઉં, કોને ફેર પડવાનો છે? કોણ મને યાદ કરવાનું છે?’
એક કાર્યક્રમ ચાલતો હતા. ઘણા બધા લોકો હતા. એક છોકરીએ તેના મિત્રને વીડિયો કોલ કર્યા. કાર્યક્રમ બતાવ્યો. એ પછી કહ્યું કે, ‘તને મિસ કરું છું.’ તેના મિત્રએ કહ્યું, ‘અત્યારે કાર્યક્રમ એન્જોય કર ને. આ વાત તો તું પછી પણ કરી શકી હોત!’ તેની મિત્રએ કહ્યું, ‘પણ તું અત્યારે મિસ થાય છે એનું શું? તું કહેતો હતો કે હું નહીં આવું તો કંઇ ફેર પડવાનો નથી. મારે તને એટલું જ કહેવું છે કે, બીજા કોઇને ફેર પડે કે ન પડે, મને ફેર પડે છે! મને તારા વગર ખાલીપો લાગે છે. મને એમ થાય છે કે, તું અહીં હોત તો મારા માટે આ કાર્યક્રમ વધુ રંગીન હોત!’
જે વ્યક્તિને આપણાથી ફેર પડતો હોય તેના માટે તમે હાજર હોવ છો? તમારા વગર કોઇ એકલતા અનુભવે છે? તમારી કોઇ રાહ જુએ છે? એવી વ્યક્તિનો આદર કરજો. આવા લોકો બહુ ઓછા હોય છે. આપણને પણ કોઇની ઝંખના હોય છે. એક સાવ સાચી ઘટના છે. ત્રણ કપલનું એક ગ્રુપ હતું. એક વખત એક ટ્રિપ પર જવાનું નક્કી થયું. એક પતિ-પત્નીમાંથી પતિને રજા ન મળી. પત્નીએ બીજા બે કપલને ના પાડી કે અમારાંથી નહીં અવાય. બીજા બે કપલે એને કહ્યું કે, ‘તારા હસબન્ડને રજા નથી મળી, તું તો આવી શકે એમ છે ને? તું આવ!’ બહુ ના પાડી છતાંયે બે કપલે એને ધરાર સાથે લીધી. એ યુવતી ટ્રિપને એન્જોય જ કરી શકતી નહોતી. તેના પતિ વગર તેને મજા જ આવતી નહોતી. બે દિવસની ટ્રિપ પૂરી થઇ. છૂટા પડતી વખતે એક કપલની વાઇફે એ યુવતીને સોરી કહ્યું. તેણે કહ્યું કે, ‘યાર, એવું લાગે છે કે તને ધરાર સાથે લઇને અમે પાપ કર્યું. તું એના વગર જરાયે એન્જોય કરી ન શકી.’ પેલી યુવતીએ કહ્યું, ‘હા યાર, હું એના વગર એન્જોય કરી શકતી નથી! મેં પ્રયત્ન કર્યાં પણ હું ન કરી શકી. મને દરેક મજામાં, દરેક સુખમાં અને દરેક ખુશીમાં એ જોઇએ છે. એના વગર બધું અધૂરું જ લાગે છે.’ તેની ફ્રેન્ડે પૂછ્યું, ‘કેવી સારી વાત છે! મને તો ક્યારેક સાથે હોઇએ ત્યારે ઘણા સવાલો થાય છે કે અમે એકબીજાની હાજરી કેટલી એન્જોય કરીએ છીએ?’
આત્મીયતા હોય તો જ અસાંગરો લાગે. કોઇની ગેરહાજરી આપણને અંદરથી શોષતી હોય છે. ટેક્નોલોજીએ હવે અસાંગરાની ઇન્ટેન્સિટી ઓછી કરી નાખી છે. દુનિયાના કોઇ પણ ખૂણે હોય તો પણ આપણે એનું મોંઢું જોઇ શકીએ છીએ. એક વખતે આવી વાત મિત્રોમાં થતી હતી. આ વાત સાંભળીને એક યુવતીએ કહ્યું, ‘સાચી વાત છે, હવે મોબાઇલના કારણે અસાંગરો નથી લાગતો, પણ આઘાત લાગવાનું પ્રમાણ વધતું જાય છે. આપણે યાદ કરતાં હોઇએ, મિસ કરતાં હોઇએ અને ફોન કે વીડિયો કોલ કરીએ ત્યારે સામેથી જે રણકાની અપેક્ષા હોય એ ન સાંભળવા મળે ત્યારે એવું થાય છે કે, ફોન ન કર્યો હોત તો સારું હતું!’ ઉત્કટતા જો બંને તરફ સરખી ન હોય તો અધૂરપ લાગે છે. તમારી વ્યક્તિ તમને ફોન કે મેસેજ કરે ત્યારે તેને જવાબ આપવાની તમારી તત્પરતા કેવી હોય છે? તમારાથી જેને ફેર પડતો હોય એનું જતન કરજો અને તમારી જાતને નસીબદાર સમજજો કે કોઇ એવું છે, જેને તમારાથી ફેર પડે છે. એને તમારા વગર નથી ચાલતું. આપણી હાજરી અને આપણી હયાતી બહુ ઓછા લોકો માટે એના જીવવાનું કારણ હોય છે! સંબંધની કદર એટલે આપણને જે પ્રેમ કરે છે એની ઓળખ!
છેલ્લો સીન :
દુનિયા સાથેના સંબંધો નિભાવવામાં આપણા અંગત સંબંધો દાવ પર ન લાગી જાય એની સાવચેતી રાખવી જોઇએ. આપણી જેને ફિકર હોય છે, એની ચિંતા આપણને કેટલી હોય છે? –કેયુ
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 06 જાન્યુઆરી 2021, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com