તને ગમે એવું કરવાની
મને બહુ મજા આવે છે
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
ને ઉપરથી તું સરળતાથી અહીં મળતો નથી,
ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભુલાતો નથી?
-ગૌરાંગ ઠાકર
આપણી વ્યક્તિનો હસતો ચહેરો આપણને હળવાશ આપતો હોય છે. હાસ્ય બે વ્યક્તિ એકબીજાની સૌથી વધુ સમીપ હોવાનો સૌથી મોટો પુરાવો છે. આપણી વ્યક્તિને હસતી, ખુશ કે મજામાં રાખવા માટે આપણે કેટલું બધું કરતાં હોઇએ છીએ? આપણી વ્યક્તિનું હાસ્ય આપણા માટે સુખનું કારણ હોય છે. પોતાની વ્યક્તિ મજામાં હોય ત્યારે આપણને આપોઆપ મજા આવતી હોય છે. આમ કરીશ તો એને ગમશે, આ એનું ફેવરિટ છે, આ કલર એનો મનગમતો છે, આ ગીત એને પસંદ છે. પ્રેમ નાની નાની વાતોને મહાન બનાવી દે છે. પ્રેમ સૂક્ષ્મ છે. પ્રેમની અનુભૂતિ સનાતન છે. એક બુંદમાં આખા દરિયાનો અહેસાસ માત્ર પ્રેમ જ આપી શકે. પોતાની વ્યક્તિની દરેક વાત ગમે. પોતાની વ્યક્તિનું દરેક વર્તન સ્પર્શે. દરેક અદા મોહક લાગે. પ્રેમમાં હોઇએ ત્યારે શૃંગારની કોઇ જરૂર હોતી નથી. પ્રેમ હોય ત્યારે દૃષ્ટિમાં જ સૌંદર્ય અંજાઇ જતું હોય છે. શબ્દોમાં એક લય વર્તાય છે. વાતોમાં અનોખી અનુભૂતિ થાય છે. હાસ્યમાં સંગીત સંભળાય છે. ચાલમાં માદકતા લાગે છે અને વહાલમાં વ્યાપકતા વર્તાય છે. આખું જગત રમણીય લાગે એવી ફીલિંગ માત્ર ને માત્ર પ્રેમ જ આપી શકે.
પ્રેમ અને દાંપત્ય માટે એ જરૂરી છે કે સંવેદના સજીવ રહે. પ્રેમ તાજો રહેવો જોઇએ. રોજ આપણે નવા શ્વાસ ભરીએ છીએ. સાંનિધ્ય જ્યારે રૂટિન થઇ જાય ત્યારે અળખામણું લાગવા માંડે છે. આઇ લવ યુ પહેલી વખત કહેવાય ત્યારે જે ઉત્કટતા હોય એવી જ ઉષ્મા બીજી વાર, બે હજારમી વાર કે છેલ્લી વારમાં હોવી જોઇએ. પ્રેમનું પોત પાતળું પડે તો ઝંખના જર્જરીત થઇ જાય છે. સમયની સાથે પ્રેમ પાકટ થવો જોઇએ. સમયની સાથે પ્રેમ ખીલવો જોઇએ. પ્રેમ મુરઝાઇ જાય તો મુંઝારો જ થવાનો છે. એક પ્રેમી અને પ્રેમિકા દરરોજ બગીચામાં બેસવા જતાં. બગીચામાં બેઠાં હોય ત્યારે રોજ તેમને એક દૃશ્ય જોવા મળે. એક વયોવૃદ્ધ દંપતી એકબીજાંનો હાથ ઝાલીને ધીમે ધીમે બગીચામાં પ્રવેશ કરે. બંને એક બાંકડા પર બેસે. વાતો ઓછી થાય, પણ વહાલ વરસતું લાગે. ચાલીને આવવાનો થાક ઊતરે એટલે દાદા ઊભા થાય. છોડ પરથી ખરી ગયેલું ફૂલ શોધીને ઉપાડે. દાદા ફૂલ ઉપાડતા હોય, ત્યારે દાદીનાં મનમાં ધ્રાસ્કો પડે. ફૂલ લેતી વખતે વાંકા વળવામાં એને ક્યાંક પ્રોબ્લેમ ન થઇ જાય. દાદા આવીને ફૂલ આપે. ફૂલ લેતી વખતે દાદીની આંખોમાં ચમક આવી જાય. એક હાથમાં ફૂલ હોય અને બીજો હાથ એના હાથમાં હોય ત્યારે હાથમાં પડી ગયેલી કરચલીઓમાં મખમલી મહેક ફૂટી નીકળે. યંગ કપલ એક વખત આ વૃદ્ધ દંપતી પાસે ગયું. બંનેએ પૂછ્યું, ‘આટલો પ્રેમ કેવી રીતે જળવાઇ રહ્યો છે?’ વૃદ્ધ દંપતીએ કહ્યું, ‘અમે વૃદ્ધ થયાં છીએ, પણ અમે અમારા રોમાંચ અને રોમાન્સને બુઢ્ઢો થવા દીધો નથી. ઉંમરની અસર શરીરને થાય છે, મનને નહીં. મનને તો તમારે જેવડું રાખવું હોય એવડું રહે. બુઢ્ઢા થવાને તમે ન રોકી શકો, બુઠ્ઠા થવાને ચોક્કસ રોકી શકો. સંગાથમાં એવી શક્તિ છે કે એક સમય પછી આઇ લવ યુ કહેવાની પણ જરૂર પડતી નથી, એ કહ્યા વગર જ અનુભવાય છે. તમે બંને જેમ અમને દરરોજ જુઓ છો, એમ જ અમે પણ તમને દરરોજ જોતાં હતાં. એક વખત તમને બંનેને જોઇને મેં મારી પત્નીને કહ્યું કે, આપણે એમનાં જેવડાં હતાં ત્યારે આમ જ મળતાં હતાં! આ વાત સાંભળીને પત્નીએ મને કહ્યું કે, આપણે આજે પણ એવી જ રીતે મળીએ છીએ. તમે બંને બસ, રોમાંચ અને રોમાન્સને મરવા નહીં દેતાં. ઉત્કૃષ્ઠ રહેવા માટે ઉત્કટ રહેવું જરૂરી છે. રોજ નવી શરૂઆત કરજો. ઝઘડા, વાંધા, મતભેદ અને નારાજગીને ભૂલતાં શીખજો. ગઇ કાલનો બેગેજ ભેગો ન રાખતાં. દાંપત્ય એટલે રોજેરોજ એક જ વ્યક્તિના પ્રેમમાં પડવાની અને પ્રેમ કરવાની દાનત, ચીવટ અને ધગશ. એક વ્યક્તિમાં આખું જગત વર્તાય ત્યારે એકલું લાગતું નથી. બધું જ ભર્યુંભર્યું, છલોછલ અને તરબતર રહે છે.’
પોતાની વ્યક્તિને ખુશ રાખવા માટે પોતે પણ ખુશ રહેવું જરૂરી છે. આપણે બીજાનો દીવો તો જ પ્રગટાવી શકીએ, જો આપણો દીવો પ્રજ્વલિત હોય. અંધારું અંધારાને દૂર ન કરી શકે. એક યુવાનની આ વાત છે. પત્નીને એ ખૂબ જ પ્રેમ કરે. પત્ની માટે કંઇક ને કંઇક કરતો રહે. એક વખત પત્નીએ પૂછ્યું, ‘તું મારા માટે આટલું બધું શા માટે કરે છે?’ પતિએ કહ્યું, ‘તને ગમે એવું કરવાની મને બહુ મજા આવે છે.’ પત્નીએ કહ્યું, ‘હા, મને એની ખબર છે. તું કરે છે એ મને ગમે પણ છે. સવાલ એ છે કે, તું મજામાં છે? તું તો કોઇને કોઇ ચિંતામાં જ હોય છે. તું મારા માટે કંઇક કરે ત્યારે તને એવી ઇચ્છા હોય છે ને કે હું ખુશ થાઉં, મને ગમે. મને પણ એવી જ ઇચ્છા હોય છે. હું તારા માટે કંઇ કરું ત્યારે મને કેમ તારામાં એ ખુશી, એ રાજીપો, એ આનંદ નથી વર્તાતો? તું તો બીજી ચિંતાઓમાં હોય છે. તારા કામ, તારી કરિયર અને તારી સફળતાના ટેન્શનમાં તું એટલો ખોવાયેલો હોય છે કે ક્યારેક મને જ નથી મળતો!
તું ખુશ હોઇશ તો જ હું ખુશ રહી શકીશ. સાચું કહું, મને તો ક્યારેક ડર લાગે છે કે તારા ટેન્શનમાં તું ધીમે ધીમે ક્યાંક પ્રેમ કરવાનું પણ ભૂલી ન જાય! પ્રેમ કરવા માટે પોતાનામાં પ્રેમ હોવો જોઇએ. તારામાં જો પ્રેમ સુકાઇ ગયો, તો તું ક્યાંથી આપી શકવાનો?’ આપણે જેવાં હોઇએ એવું જ આપણને વર્તાતું હોય છે. એક સંત હતા. એક વખત તેઓ એક ગામથી બીજે ગામ જતા હતા. ધૂળિયા રસ્તાઓ ઉપર લોકોનાં પગલાં પડેલા હતા. એક જગ્યાએ એકસાથે ઘણાબધા પગલાંઓ આડાઅવળા પડેલા હતા. સંતને વિચાર આવ્યો કે, અહીં શું થયું હશે? સંતને થયું કે, ચલો અહીંથી જે નીકળે એને જ પૂછી જોઉં કે અહીં શું થયું હશે? થોડી વારમાં સિપાઇઓ એક કેદીને લઇને નીકળ્યા. સંતે કેદીને પૂછ્યું કે, ‘અહીં શું થયું હશે?’ કેદીએ કહ્યું, ‘મારા જેવા કોઇ કેદીએ સિપાઇઓના હાથમાંથી છટકીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હશે, એ વખતની ઝપાઝપીના આ પગલાં છે.’ થોડી વારમાં એક બાળક નીકળ્યું. બાળકને પૂછ્યું, તો એણે જવાબ આપ્યો કે, ‘બીજું શું હોય? અહીં મારા જેવા છોકરાંવ રમતાં હશે.’ એ પછી એક નૃત્યાંગના ત્યાંથી નીકળી. સંતે એને એવો જ સવાલ કર્યો કે, ‘અહીં શું થયું હશે?’ પગલાં જોઇને નૃત્યાંગનાએ કહ્યું કે, ‘અહીં તો કોઇ નૃત્યાંગનાએ વહેલી સવારે ઊગતા સૂરજને અર્ધ્ય આપતાં આપતાં નૃત્ય કર્યું હોય એવું લાગે છે.’ નૃત્યાંગનાએ પછી સંતને સવાલ કર્યો, ‘તમે કેમ બધાંને આવો સવાલ કરો છો?’ સંતે કહ્યું, ‘સત્યના સાક્ષાત્કાર માટે! તમને બહારનું તો જ સુંદર દેખાય, જો તમારી અંદર સુંદરતા પડેલી હોય! માણસ જ પોતાનું સ્વર્ગ અને નર્ક પેદા કરે છે. પ્રેમ પણ તમારી અંદર ન હોય તો તમે પ્રેમ આપી ન શકો!’
હવે બીજી એક વાત. તમે ખુશ, રાજી અને મજામાં રહો એના માટે કોણ શું કરે છે? તમને એની કેટલી કદર છે? કોઇના પ્રેમનો પડઘો તમે પાડી શકો છો? એક યુવતીએ કહેલી આ વાત છે. તેણે કહ્યું કે, ‘હવે મેં એના માટે કંઇ કરવાનું બંધ કર્યું છે. એને કંઇ ફેર જ પડતો નથી!’ આપણા પ્રતિભાવ અને પ્રતિસાદની પણ આપણી વ્યક્તિ ઉપર અસર થતી હોય છે. ઘણા લોકો સરપ્રાઇઝનું પણ સૂરસૂરીયું કરી નાખતાં હોય છે. આપણી વ્યક્તિએ આપણને સરપ્રાઇઝ આપવા માટે આપણને અણસાર ન આવે એવી રીતે કેટલું બધું કર્યું હોય અને આપણને જરાયે ફેર ન પડે, ત્યારે આપણી વ્યક્તિને જ મહેનત માથે પડી હોય એવું લાગે છે. આશ્ચર્ય ન દેખાય ત્યારે આઘાત લાગે છે. પ્રેમને પારખતાં આવડે તો જ પ્રેમને માણતાં આવડે. પ્રેમ જેટલો સજીવન અને સબળ હશે, એટલી જ જિંદગી જીવવા જેવી લાગશે!
છેલ્લો સીન :
કરગરીને માંગવો પડે કે મહેનત કરીને આપવો પડે એ પ્રેમ લાંબો ટકતો નથી. સહજ અને સતત વહેતો સ્નેહ જ સંગાથને સંપૂર્ણતા બક્ષે! -કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 09 ડિસેમ્બર 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com