અમુક સંબંધો તૂટ્યા પછી
પણ છૂટતા હોતા નથી!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
પાગલોની જેમ ઓલ્યાં ચાહનારાં ક્યાં ગયાં?
હોય જો તમને ખબર તો આપવા અનુરોધ છે,
હોય તૈયારી તમારી રોજ એને સિંચવાની,
એ જ શરતે લાગણીને વાવવા અનુરોધ છે.
-કિશોર જિકાદરા
સંબંધોને સુખનો આધાર ગણવામાં આવે છે. જેના સંબંધો સજીવન છે એ માણસ નસીબદાર છે. માણસ સંબંધ વગર જીવી ન શકે. માણસને માણસની જરૂર પડે છે. માણસને બધા વગર ચાલે પણ માણસ વગર ચાલતું નથી. આપણને સૌને કોઇક જોઇતું હોય છે. વાત કરવા માટે, વ્યક્ત થવા માટે, હળવા થવા માટે, ખાલી થવા માટે, ઊભરો ઠાલવવા માટે! આપણે ક્યારેક ભરાઇ જઇએ છીએ, માણસે પણ ખાલી થવું પડતું હોય છે. ગળામાં ભરાઇ ગયેલો ડૂમો વાંસામાં ફરતા હાથથી જ ઓગળતો હોય છે. માણસ ક્યારેક શોષાઇ જાય છે, ક્યારેક છલકાઇ જાય છે, ક્યારેક અટકી જાય છે, ક્યારેક ભટકી જાય છે! આવી દરેક ઘટના વખતે કોઇ સાથ અને કોઇ હાથની જરૂર પડે છે. ગબડી પડીએ તેમ હોઇએ ત્યારે એ હાથ રોકી રાખે છે અને અટકી પડ્યાં હોઇએ ત્યારે એ હાથ થોડોક ધક્કો મારીને આગળ વધારે છે. વિચારે ચડી ગયા હોઇએ ત્યારે કોઇ આપણને ઝંઝોળીને પૂછે છે કે, ‘ઓયે, ક્યાં છે તું?’ આવા હાથ આપણને પાછા આપણા સુધી લઇ આવે છે.
સંબંધો આપણી હયાતી પર હસ્તાક્ષર કરતાં રહે છે. સંબંધો જીવવાનું કારણ હોય છે. આપણા દરેકની જિંદગીમાં કોઇક એવું હોય છે, જેના માટે આપણે જીવતાં હોઇએ છીએ. હાજરી વખતે તો ઠીક છે, ગેરહાજરી વખતના વિચારો પણ આવી જતાં હોય છે. હું નહીં હોઉં તો એનું શું થશે? આપણે પણ કોઇનો આધાર હોઇએ છીએ. આપણા આધારે પણ કોઇ ટકી રહેતું હોય છે. આપણો ફોન બંધ મળે કે નો રિપ્લાય થાય તો પણ કોઇના શ્વાસ અદ્ધર થઇ જાય છે. એક પ્રેમી-પ્રેમિકાની આ વાત છે. પ્રેમિકા એના પ્રેમીને સતત ફોન કરતી હતી. દરેક વખતે ફોન નોરિપ્લાય થતો હતો. પ્રેમિકાનો જીવ તાળવે ચોંટી ગયો. આવું તો ક્યારેય ન બને! મારો ફોન તો એ કોઇ પણ સંજોગોમાં ઉપાડે જ! નક્કી કંઇ અજુગતું થયું હોવું જોઇએ. એનાથી રહેવાતું નહોતું! શું કરું? આખરે પ્રેમિકાએ પ્રેમીની બહેનને ફોન લગાડ્યો. પૂછ્યું કે, એ ક્યાં છે? પ્રેમીની બહેને કહ્યું કે, ‘એ તો ઘરમાં જ છે! ઊભી રહે, હું ચેક કરું છું.’ બહેન ભાઇના રૂમમાં ગઇ તો ભાઇ સૂતો હતો. તેણે ભાઇને ઉઠાડીને કહ્યું કે, ‘ફોન કેમ નથી ઉપાડતો?’ ભાઇએ સફાળા જાગીને જોયું તો ફોન સાયલન્ટ મોડમાં હતો! પ્રેમિકાના દસ મિસ્ડ કોલ હતા! એને ખબર જ નહોતી કે, ફોન કેવી રીતે અને ક્યારે સાયલન્ટ થઇ ગયો હતો! પ્રેમિકાએ પ્રેમીને કહ્યું કે, ‘હું તો ગભરાઇ ગઇ હતી. કેવા કેવા વિચારો આવી ગયા થોડી જ ક્ષણોમાં!’ પ્રેમીએ પૂછ્યું, ‘કેવા વિચારો આવ્યા હતા?’ પ્રેમિકાએ કહ્યું, ‘એવા વિચારો કે તને કંઇ થઇ ગયું તો નહીં હોય ને?’ પ્રેમીએ પૂછ્યું, ‘કંઇ થઇ ગયું હોય તો?’ પ્રેમિકાએ કહ્યું, ‘પ્લીઝ એવું નહીં બોલ!’
પોતાની વ્યક્તિને કંઇ થઇ જાય તો? એ વાત સાવ સાચી છે કે, કોઇ કોઇના વગર મરી જતું નથી, પણ જીવાતું હોય છે એ ક્યાં જિંદગી જેવું હોય છે? એક પ્રેમી-પ્રેમિકા હતાં. પ્રેમિકા ક્યાંય પણ જવાનું હોય ત્યારે એક જ વાત કહેતી કે, ‘તું જાય ત્યારે મને લેતો જજે!’ પ્રેમીએ એક વાર મજાકમાં કહ્યું કે, ‘ઉપર જઇશ ત્યારે?’ પ્રેમિકાની આંખો છલકાઇ ગઇ.
એ બોલી કે, ‘મારે તારી પહેલાં જવું છે. તું મને લેવા નહીં, મૂકવા આવજે!’ ક્યારેક મજાક-મજાકમાં થઇ જતાં સંવાદો પણ કેવા અઘરા લાગતાં હોય છે! એટલે જ એવું કહેવાનું મન થઇ આવે કે, જ્યારે પોતાની વ્યક્તિ સાથે ઝઘડો થાય, નારાજગી હોય ત્યારે માત્ર એટલો વિચાર કરજો કે, એ ન હોય તો? એને પૂછો જેની પાસે ઝઘડવાવાળું કોઇ નથી, મનાવવાવાળું કોઇ નથી, છાનું રાખવાવાળું કોઇ નથી!
જિંદગીના અમુક સંબંધો અલ્પજીવી હોય છે. લાઇફટાઇમ તો જિંદગીમાં ક્યાં કશું જ હોય છે? સંબંધોનું પણ એક આયુષ્ય હોય છે. અમુક સંબંધો ટૂંકું આયખું લઇને જ આવતા હોય છે. આ નાનકડા સમયમાં પણ કેટલું બધું જીવાયું હોય છે? જિંદગીનો અમુક સમય છલોછલ અને તરબતર રહેતો હોય છે. એ બેસ્ટ ટાઇમ આપણે કોઇની સાથે જીવ્યો હોય છે. તું હતો ત્યારે જિંદગી જીવવા જેવી હતી કે તું હતી એ જ જિંદગીનો શ્રેષ્ઠ સમય હતો. અત્યારે તમારી સાથે છે એના વિશે તમને એવું ફીલ થાય છે કે, અત્યારે બેસ્ટ સમય છે? આપણને મોટા ભાગે જ્યારે જે હોય છે, એની કદર, કિંમત કે સમજ નથી રહેતી, એ ન હોય ત્યારે જ આપણને ભાન થાય છે કે એ જિંદગીમાં કેટલી કે કેટલો મહત્ત્વનો હતો!
એક પ્રેમી-પ્રેમિકા જુદાં પડી ગયાં. સાથે રહી શકાય એમ નહોતું એટલે બંને પ્રેમથી જુદાં પડ્યાં હતાં. લાંબા સમય પછી બંને અનાયાસે ભેગાં થઇ ગયાં. બંને બહુ પ્રેમથી મળ્યાં. પ્રેમિકાએ હસતાં હસતાં પૂછ્યું, ‘શું ફેર લાગ્યો હતો મારા ગયા પછી?’ પ્રેમીએ પહેલાં તો કહ્યું કે, ‘શું ફેર લાગ્યો હતો એવું ન પૂછ, શું ફેર લાગે છે એ પૂછ!’ પ્રેમીએ પછી કહ્યું કે, ‘તારી સાથેની અને તારા વગરની જિંદગીમાં બસ પરપોટા અને ફરફોલાં જેટલો ફેર છે! પરપોટાની નજાકત ફરફોલાંની વેદના જેવી બની ગઇ! હા, તું કંઇ મારું દિલ તોડીને નહોતી ગઇ, મને એ પણ ખબર જ હતી કે તારા મોઢે તો મારા માટે પ્રાર્થનાઓ જ હશે, પણ આ દિલનું શું કરવું? હું પણ એવું જ વિચારતો હતો કે તારી સાથેની સારી યાદોને જ વાગોળવી. એ પછી જ સમજાય કે સારી યાદો કદાચ વધુ પીડા આપે છે! સુખ યાદ આવી જાય એનું પણ દુ:ખ થઇ આવતું હોય છે! સંબંધો તૂટ્યા પછી પણ ક્યાં છૂટતા હોય છે? તારું નામ નોટબુકના પાનાં પર લખ્યું હતું. એ પાનું ફાડીને ફેંકી દીધું, પણ નીચેના પાનાં પર તારા નામની સળ પડી આવી હતી, એનું શું?’
એક પતિ-પત્નીની આ વાત છે. બંને પ્રેમથી રહેતાં હતાં. અમુક સમયે બંને વચ્ચે ઝઘડાઓ થતાં. પત્નીને ડાયરી લખવાની આદત હતી. પતિ સાથે જ્યારે પણ ઝઘડો થાય ત્યારે એ બધો જ રોષ ડાયરીમાં લખીને ઠાલવી દેતી. થોડા વર્ષો પછી એક અકસ્માતમાં પતિનું મૃત્યુ થયું. પતિની સારી વાતો પણ એણે ડાયરીમાં લખી હતી. પતિની યાદ આવતી ત્યારે એ ડાયરી વાંચવા બેસી જતી! ડાયરી વાંચતાં વાંચતાં એ પાનાં આવ્યાં જેમાં તેણે પતિ સાથે ઝઘડો થયો હોય એ વખતે લખ્યા હતા. એને થયું, ‘કેટલો બધો રોષ હતો, કેટલો બધો ગુસ્સો હતો! શબ્દે શબ્દમાં નારાજગી હતી! એ રડવા લાગી! તેણે નક્કી કર્યું કે, આ યાદો મારે નથી રાખવી. તેણે તરત ડાયરીના એ પાનાં ફાડી નાખ્યા! એ પછી એને એટલો જ વિચાર આવી ગયો કે, કાશ, એ સમયને જ મેં આવવા દીધો ન હોત તો કેવું સારું હતું? કોણ ક્યાં સુધી સાથે છે એ કહેવું અઘરું છે એટલે જ સાથે છે એની સાથે જીવી લો. અફસોસ ન થાય એ માટે જિંદગીના દરેક અવસરને માણી લો!
છેલ્લો સીન :
જે વ્યક્તિ આપણા સુખનું કારણ હોય એને દુ:ખી કરવી એ પણ એક પ્રકારની બેવફાઇ જ છે! -કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 25 નવેમ્બર 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ) kkantu@gmail.com