તું સાચું જ બોલ, તને
ખોટું બોલવાની આદત નથી!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
આ ક્ષણો હાથથી નીકળી જાય છે,
હાથમાં કેટલું ચીતરી જાય છે,
રોજ બેસે બધા ભાર લઇને અહીં,
જિંદગી એટલે હાંફતી જાય છે.
-પારસ હેમાણી
જિંદગીને આપણી પરીક્ષા લેવામાં ઘણી વખત મજા આવતી હોય છે. જિંદગી વારેવારે આપણી સામે એવી સિચ્યુએશન ક્રિએટ કરતી હોય છે, જેનાથી આપણને મૂંઝવણ થાય કે હવે શું કરવું? ટુ બી ઓર નોટ ટુ બી? કરવું કે ન કરવું? હા પાડવી કે ના પાડવી? આ તરફ જવું કે પેલી તરફ જવું? આને સાથ આપવો કે પેલાને સાથ આપવો? આ વાતમાં પડવું કે ન પડવું? આવો સવાલ ક્યારેક બોલવા માટે પણ થાય છે. સાચું બોલવું કે ખોટું બોલવું? આપણે ત્યાં ખોટા બોલનારા વિશે બહુ વાતો થાય છે, કદાચ એવું એટલા માટે છે કે દરેક માણસ ક્યારેક ને ક્યારેક ખોટું બોલ્યો જ હોય છે. સાચાબોલા લોકો વિશે આપણે બહુ ઓછી વાત, ચર્ચા કે ચિંતન કરીએ છીએ.
જે લોકોને ખોટું બોલવાની આદત ન હોય, એણે ખોટું બોલવું ન જોઇએ. એનું કારણ એ છે કે એ તરત પકડાઇ જાય છે. સાત્વિકતાનું પણ એક સત હોય છે. સત્યનો પણ એક પ્રભાવ હોય છે. સંસ્કારોનું પણ એક તેજ હોય છે. આપણું સત, આપણો પ્રભાવ અને આપણું તેજ, આપણી વાણી અને આપણા વર્તનમાં વર્તાતું હોય છે. એ જરાકેય ઝાંખું પડે કે તરત પરખાઇ આવતું હોય છે. જે દરરોજ સત્યના સહારે જ જીવતા હોય છે એને અસત્યનો આશરો સદતો નથી. સત્યનો રસ્તો કદાચ ખરબચડો હશે, પણ એ રસ્તે જેને ફાવી ગયું હોય છે એને અસત્યના એક્સપ્રેસ-વે પર મજા નથી આવતી. દુનિયામાં એવા લોકો પણ છે, જે પોતાના સત્ય સાથે ખુમારીથી જીવી લે છે.
માણસ ખોટું ક્યારે બોલે છે? એને ફાયદો હોય છે ત્યારે? ના. એવું નથી હોતું. જેને ખોટું બોલવાની આદત હોય છે એ દરેક સ્થિતિમાં અને દરેક સંજોગમાં ખોટું બોલી શકે છે. એને ખોટું બોલવાથી કંઇ ફેર જ પડતો નથી. જેને સત્ય અને અસત્યમાં કોઇ ભેદ વર્તાતો નથી, જેને સાચા અને ખોટાથી કોઇ ફેર પડતો નથી, એવા લોકો ભરોસાપાત્ર હોતા નથી. માણસે ક્યારેક ખોટું બોલવું પડે છે. અમુક પરિસ્થિતિ જ એવી ઊભી થાય છે કે, આપણી પાસે ખોટું બોલવા સિવાય કોઇ રસ્તો હોતો નથી. આવા સંજોગોમાં પણ સત્યને જ પકડી રાખનારા લોકો દુનિયામાં પડ્યા હોય છે. જે થવું હોય એ થાય, જેને જેવું લાગવું હોય એવું લાગે, મને ફાયદો થાય કે નુકસાન પણ હું ખોટું તો નહીં જ બોલું. આમ છતાં ક્યારેક ખોટું બોલવું પડે તો આપણને શું થાય છે? ખોટું બોલ્યા પછી તમારું દિલ ન દુભાય તો સમજજો કે મારી સંવેદનાને કાટ લાગી ગયો છે.
એક છોકરીની આ વાત છે. નાની હતી ત્યારે તેનાં મા-બાપ તેને શીખવાડતાં કે ક્યારેય ખોટું નહીં બોલવાનું! એક વખત દીકરીએ પિતાને પૂછ્યું કે, ‘ખોટું શા માટે નહીં બોલવાનું? ખોટું બોલીએ તો શું થાય?’ પિતાએ કહ્યું કે, ‘દીકરા દરેક માણસની પોતાની જાત સાથેની એક ઈમાનદારી હોય છે. સત્ય છે એ પોતાની જાત સાથેની પ્રામાણિકતા છે. જે પોતાની સાથે ઈમાનદાર હોતા નથી એ બીજા સાથે ક્યારેય પ્રામાણિક રહી શકતા નથી. માણસની સૌથી મોટી જવાબદારી પોતાની જાત પ્રત્યે હોય છે. એક વખત દીકરીએ સંતાઇને ફ્રીજમાંથી ચોકલેટ લઇને ખાઇ લીધી. પિતાને ખબર પડી ગઇ. પિતાએ દીકરીને પૂછ્યું, ‘આમાંથી ચોકલેટ તેં ખાધી છે?’ દીકરીને થયું કે, શું જવાબ આપું? હા પાડું કે ના પાડું? તેને પપ્પાની વાત યાદ આવી ગઇ કે, ખોટું ન બોલાય. દીકરીએ કહી દીધું કે, ‘હા, મેં જ ચોકલેટ ખાધી છે.’ પપ્પાને ખુશી થઇ કે દીકરી સાચું બોલી ગઇ. પપ્પાએ કહ્યું, ‘તું એટલે સાચું બોલીને કે તારે મને છેતરવો નહોતો?’ દીકરીએ કહ્યું, ‘ના પપ્પા, હું એટલે સાચું બોલી નહોતી, મેં એટલે સાચું કહ્યું કે મારે મારી જાતને છેતરવી નહોતી! મેં તમને છેતર્યા હોત તો કદાચ તમે મને માફ કરી દીધી હોત, પણ શું હું મારી જાતને માફ કરી શકી હોત?’ પોતાની જાતને માફ ન કરી શકાય એવી સ્થિતિ બહુ પીડાદાયક હોય છે. માણસે એવું ક્યારેય ન કરવું જોઇએ કે એ પોતાને જ માફ ન કરી શકે! આપણાથી એવું થાય કે આપણે આપણને જ માફ ન કરી શકીએ ત્યારે એક ભાર સાથે જીવવું પડે છે. એવા ભારને વેંઢારવો અઘરો હોય છે.
એક છોકરી હતી. સાચું બોલવાના સંસ્કાર તેને ગળથૂથીમાં મળ્યા હતા. ગમે તે થાય તો પણ એ સાચું બોલવાનો જ આગ્રહ રાખતી. એ છોકરી મોટી થઇ. કોલેજમાં હતી ત્યારે તેને એક છોકરા સાથે પ્રેમ થયો, કોલેજ પૂરી થઇ. છોકરો સારી જોબ પર લાગી ગયો. આખરે છોકરીએ ઘરે વાત કરી. પિતાને કહ્યું કે, ‘મને આ છોકરો ગમે છે.’ પિતાએ ચોખ્ખી ના પાડી દીધી, ‘એની જ્ઞાતિ અલગ છે. એનું સ્ટેટસ પણ આપણા લેવલનું નથી. તારે બેમાંથી એકની પસંદગી કરવાની રહેશે. કાં તો એ અને કાં તો અમે!’ દીકરીએ તરત જ જવાબ આપ્યો, ‘પસંદગીનો સવાલ જ નથી. મારે તમને દુ:ખી કરીને કંઇ કરવું નથી.’ પિતાને હાશ થઇ. થોડાક દિવસો ગયા. દીકરી અપસેટ રહેતી હતી. પિતાએ એક દિવસે તેને પૂછ્યું, ‘તું ઓકે છે ને? ખુશ છે ને?’ દીકરીએ કહ્યું, ‘હા, પપ્પા આઇ એમ ઓકે.’ પિતાએ દીકરીને ગળે વળગાડીને કહ્યું કે, ‘બેટા, જેને ખોટું બોલવાની આદત, ફાવટ કે આવડત ન હોય એણે ખોટું ન બોલવું જોઇએ. તું સાચું જ બોલ, તને ખોટું બોલવાની આદત નથી!’
પિતાએ દીકરીને પ્રેમી સાથે મેરેજ કરવાની હા પાડી દીધી. પિતાએ કહ્યું કે, ‘મેં જ્યારે તને ના પાડી હતી ત્યારે તેં કહ્યું હતું કે, મારે તમને દુ:ખી નથી કરવા. એ પછી મને સવાલ થયો કે, હું તને દુ:ખી કરું છું એનું શું? મારે પણ તને ક્યાં કોઇ દિવસ દુ:ખી કરવી હોય છે? તું સુખી રહે, ખુશ રહે એ માટે આખી જિંદગી બધું કર્યું છે. મને થયું કે, ‘તારું સુખ મારા માટે દુ:ખ કેવી રીતે હોઇ શકે?’ સાચો સંબંધ, સાચો પ્રેમ, સાચી લાગણી અને ખરી આત્મીયતા એ જ છે કે, તમે તમારી વહાલી વ્યક્તિના સુખમાં જ સુખ અનુભવો. સુખ માટે પણ સ્વાર્થી થવું ન જોઇએ!
માણસ સત્ય, અસત્ય અને અર્ધસત્ય વચ્ચે ઝૂલતો રહે છે. પોતે ખોટું કેમ બોલ્યો એના માટે માણસ પાસે દલીલ હોય છે. પોતાના બચાવ માટે માણસ તર્ક, દલીલ કે બહાનું શોધી લે છે. આપણે ઘણીવખત કહીએ છીએ કે, હું નગ્ન સત્ય કહું છું. સત્ય નગ્ન હોય? સત્ય તો ખુદ એક આભૂષણ છે. સત્યને કોઈ આવરણની જરૂર જ નથી. સત્ય જેવું સુંદર તો કશું છે જ નહીં. આપણે સત્ય બોલીએ ત્યારે જ સૌથી વધુ સુંદર, શ્રેષ્ઠ અને પોતાની જાત સાથે પ્રામાણિક હોઈએ છીએ. ટેક્નોલોજીએ અસત્યને વધુ ઈઝી અને હાથવગું બનાવી દીધું છે. મોબાઈલ ઉપર આપણે કેટલી વખત ખોટું બોલીએ છીએ? એક ભાઈ ઘરે લાંબા થઈને બેઠા હતા. એ સમયે જ તેને ઓફિસમાંથી ફોન આવ્યો. તેણે કહ્યું કે હું બિઝી છું. આ વાત પતી પછી દીકરાએ કહ્યું કે, તમે કેમ ખોટું બોલ્યા? પિતાએ કહ્યું, મારે ફેમિલી સાથે, તારી સાથે ટાઈમ સ્પેન્ટ કરવો છે. દીકરાએ કહ્યું, સાચું બોલી ગયા હોત તો શું ફેર પડત? તમારી વાત પરથી એણે તો અંદાજ બાંધી જ લીધો હશે કે તમે ખોટું બોલો છો. તમે કહી દીધું હોત કે, ફેમિલી સાથે સમય વિતાવવો છે તો કદાચ તમે ઓનેસ્ટ લાગત! એની સાથે તો ઠીક છે, તમે તો તમારી જાત સાથે પણ ઓનેસ્ટ ન રહ્યા! જેને ખોટું બોલવાની આદત હોય છે એ માણસ ક્યારેય પોતાની જાત સાથે પ્રામાણિક નથી હોતો. ખોટાને બદલે સાચું બોલીએ ત્યારે કોઈ આભ ફાટી પડતું હોતું નથી. કોને કેવું લાગશે એ વિચારીને આપણે ઘણીવખત ખોટું બોલી દઈએ છીએ, એ સમયે એવો વિચાર નથી આવતો કે આ મને કેવું લાગે છે? અસત્યને જો ન રોકીએ તો એ ધીરે ધીરે આદત બની જાય છે.
સત્યને ક્યારેય હાર કે જીતના ત્રાજવે પણ ચડાવવું ન જોઇએ. એક યુવાન પોતાની વાતમાં સાચો પડ્યો. તેણે કહ્યું કે, ‘મારું સત્ય જીત્યું!’ આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું, ‘તારું સત્ય સત્ય હતું એટલે જ જીત્યું. સત્ય હારતું કે જીતતું નથી, સત્ય હંમેશાં જીતે છે.’ સત્યને કોઇ કસોટીએ ચડાવવાની પણ જરૂર હોતી નથી. માણસે બીજા પાસે સારા કે સાચા રહેવા માટે જ સત્ય બોલવાની જરૂર નથી. સૌથી મોટી જરૂર પોતાનાં માટે હોય છે. હું સાચો છું એ અનુભૂતિ જ જિંદગી માટે સૌથી વધુ જરૂરી છે. દુનિયાને સારું લગાડવા માટે આપણે કેટલું બધું કરીએ છીએ? આપણે આપણા માટે કેટલું કરીએ છીએ? બહારથી જે કરીએ એ કેવું છે એ વહેલું કે મોડું વર્તાઇ આવતું હોય છે, જે અંદર હોય છે એ એવું ને એવું જ રહે છે અને એ જ બહાર આવી જાય છે. આપણે અંદરથી સારા અને સાચા હોઇએ તો, આપણે બહાર સારા અને સાચા સાબિત થવા માટે પ્રયાસ કે મહેનત કરવા પડતા નથી! પોત હોય એ પ્રગટ થઇ જ જતું હોય છે!
છેલ્લો સીન :
જે અંદરથી સારા છે એને પોતાના સૌંદર્યને નીરખવા માટે અરીસાની જરૂર પડતી નથી. -કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 28 ઓકટોબર 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com