તારે ખોટું બોલવું ન પડે એટલે કંઇ પૂછતો નથી! -ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તારે ખોટું બોલવું ન પડે

એટલે કંઇ પૂછતો નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મૈં સચ કહૂંગી મગર ફિર ભી હાર જાઉંગી,

વો જૂઠ બોલેગા ઔર લાજવાબ કર દેગા.

-પરવીન શાકિર

દુનિયામાં કોઇ એવો માણસ હશે, જે ક્યારેય ખોટું બોલ્યો ન હોય? હજી સુધી તો આવો કોઇ માણસ મળ્યો નથી! દુનિયાના કોઇ માણસે આજ સુધીમાં એવો દાવો પણ કર્યો નથી કે, ‘હું મારી જિંદગીમાં ક્યારેય ખોટું બોલ્યો નથી!’ ઘણા લોકોના મોઢે આપણે એવું સાંભળીએ છીએ કે, ‘હું ખોટું બોલતો નથી.’ એક માણસ સંત પાસે ગયો. તેણે સંતને કહ્યું કે, ‘હું ખોટું બોલતો નથી!’ સંતે કહ્યું કે, ‘તું જે બોલ્યો એ જ ખોટું છે! હા, તું ખોટું બોલવાનું બને ત્યાં સુધી ટાળતો હોઇશ. શક્ય હોય ત્યાં સુધી સાચું જ બોલતો હોઇશ, પણ હું ખોટું બોલતો નથી, એ દાવો વધુ પડતો છે!’ બાય ધ વે, તમે તમારા દિલ પર હાથ મૂકીને કહો, તમે ખોટું નથી બોલતા! આપણે ફટ દઇને હા કે ના નથી કહેતાં. આપણે આવા સવાલના પણ ડિપ્લોમેટિક જવાબ આપીએ છીએ, ‘શક્ય હોય ત્યાં સુધી તો નથી જ બોલતો!’ કોઇ વળી એવું કહે છે કે, ‘કોઇનું દિલ ન દુભાય એ માટે ક્યારેક ખોટું બોલી લઉં છું.’ સત્ય અને અસત્ય પણ હવે ટકાવારીમાં ગણાવા લાગ્યું છે. સો ટકા સત્ય કોઇ નથી બોલતું. હન્ડ્રેડ પર્સન્ટ અસત્ય પણ કોઇ નથી બોલતું! તમારી ટકાવારી કેટલી છે? અદાલતમાં ગીતા પર હાથ રાખીને સૌથી વધુ ખોટું બોલાય છે. એક માન્યતા એવી છે કે, મરતો માણસ ખોટું બોલતો નથી. જે માણસ આખો જન્મારો ખોટું જ બોલ્યો હોય, એ છેલ્લે સાચું જ બોલે એની કોઇ ગેરંટી હોતી નથી. એવું પણ બને કે આખી જિંદગી સાચું બોલ્યો હોય એ છેલ્લા સમયમાં ખોટું બોલે! બુદ્ધિ ક્યારે બગડે એનું કંઇ નક્કી હોતું નથી. મોટી વાત તો દૂરની છે, લોકો તો નાની નાની વાતમાં પણ બિનધાસ્ત ખોટું બોલે છે!

એક યુવાનની આ વાત છે. તેણે એક વખત કહ્યું કે, ‘મારી વાત કોઇ ગંભીરતાથી લેતું નથી!’ આ યુવાનને એક વખત એક વડીલે કહ્યું કે, ‘તું તારી વાત ગંભીરતાથી કરે છે ખરો? તું ગંભીરતાથી નહીં કહે તો કોઇ તારી વાત ક્યાંથી ગંભીરતાથી લેવાના?’ આપણી વાતનું વજૂદ આપણે પેદા કરવું પડતું હોય છે. એ માત્ર બોલવાથી નથી થતું, આચરણથી થાય છે. એક યુવાનને ખોટું બોલવાની આદત હતી. એનાં માતા-પિતા એને કહી-કહીને થાકી ગયાં કે, ‘ખોટું બોલવું એ સારી વાત નથી. ખોટું ન બોલાય.’ છોકરાને મા-બાપની વાતથી કોઇ ફેર પડતો નહીં. મા-બાપ આખરે કંટાળીને દીકરાને એક સંત પાસે લઇ ગયા. સંતને બધી વાત કરી. સંતે છોકરાને પૂછ્યું, ‘તું ખોટું બોલતાં ક્યાંથી શીખ્યો?’ છોકરાએ જવાબ આપ્યો, ‘મારાં મા-બાપ પાસેથી!’ સંતે બીજો સવાલ કર્યો કે, ‘તારાં મા-બાપ તો તને હંમેશાં એવું કહેતાં રહે છે કે ખોટું ન બોલાય!’ છોકરાએ કહ્યું, ‘હા, એ એવું કહે તો છે, પણ એવું પોતે કરતાં નથી! ઘરની બેલ વાગે ત્યારે પિતા મને કહે છે કે, તું જા તો, જે હોય એને કહી દેજે કે, પપ્પા ઘરે નથી! ઘરમાં લાંબા થઇને પડ્યા હોય તો પણ મોબાઇલ પર એવું કહે છે કે, મીટિંગમાં છું, બહુ બિઝી છું. ફ્રીઝમાં પાંચ લિટર દૂધ પડ્યું હોય અને પડોશમાં રહેતાં બહેન એક કપ દૂધ લેવા આવે ત્યારે મારી મા એવું કહી દે છે કે, ઘરમાં દૂધનું ટીપુંય નથી! ઘણી વખત તો મને એવાય અનુભવો થયા કે મારી મા મારા પપ્પાના મોઢે અને મારા પપ્પા મારી મમ્મીની સામે ખોટું બોલ્યાં હોય! એ બંને મને સાચું બોલવાનું કહે એ કેટલું વ્યાજબી છે? એની પાસેથી જ મને એવું શીખવા મળ્યું છે કે, બોલવાનું કંઇક અને કરવાનું કંઇક! જો એ બંને ખોટું બોલતાં ન હોત તો એણે મને કહેવાની પણ જરૂર નહોતી કે ખોટું ન બોલાય.’ આપણે જે બોલીએ છીએ એમાં તો જ અસર પેદા થાય, જો આપણે એવું કરતાં હોઇએ, એવું જીવતાં હોઇએ! ઘણા લોકો અસત્યને એટલું બધું મઢીને કહે છે કે પહેલી નજરે એ સાચું લાગી જાય! સાચી વાત એ છે કે, અસત્યને તમે ગમે તેવું મઢશો, તો પણ એનો ગિલેટ વહેલો કે મોડો ઊતરી જ જવાનો છે! સત્ય સત્ય છે, એને કોઇ આવરણની જરૂર નથી!

સત્યનો એક રણકો હોય છે. અસત્ય કર્કશ હોય છે. ગમે એટલી મીઠી રીતે કરો પણ જ્યારે અસત્ય છતું થાય છે, ત્યારે એ વેદના આપે છે. અંગત વ્યક્તિ સૌથી વધુ આપણા અસત્યથી હર્ટ થાય છે. ‘તું મારી સામે ખોટું બોલ્યો? તેં મારાથી સત્ય છુપાવ્યું? તું મારી સામે ખોટું બોલી?’ આપણે ઘણી વખત એવું પણ કહેતાં હોઇએ છીએ કે, ‘તેં ખોટું કહ્યું એના કરતાં તો તું સાચું બોલ્યો હોત, તો મને ઓછું દુ:ખ થાત’ ખરેખર? મોટા ભાગે તો આપણે સત્યને આવવા ન દઇએ ત્યારે જ અસત્યને ઘુસાડવાનો પ્રયાસ થતો હોય છે. આપણી વ્યક્તિને ખોટું બોલતી રોકવા માટે એને સાચું બોલવાની મોકળાશ આપવી એ પણ નાની-સૂની વાત નથી.

ખોટું બોલનારી વ્યક્તિ ઓળખાઇ જતી હોય છે. આપણી વ્યક્તિ તો આપણને ફટ દઇને પકડી પાડે છે. એક પતિએ એની પત્નીને કંઇ પણ પૂછવાનું બંધ કરી દીધું. એક વાર પત્નીએ પૂછ્યું કે, ‘તું કેમ કંઇ પૂછતો નથી?’ પતિએ કહ્યું, ‘તારે ખોટું બોલવું ન પડે એટલે હવે કંઇ પૂછતો નથી! એટલે પણ નથી પૂછતો કે, હવે તું સાચું બોલીશ ને તો પણ એવું જ લાગશે કે, તું ખોટું બોલે છે.’ શ્રદ્ધા ઊઠી જાય ત્યારે શંકા પેદા થાય છે. પ્રેમ, લાગણી, સ્નેહ, આત્મીયતા, દાંપત્ય અને બીજું ઘણુંબધું સત્યના આધારે ટકી રહેતું હોય છે. સત્યનું એક સત હોય છે. એ સત સતત જીવાવું જોઇએ. આપણે આપણી વ્યક્તિ પાસે જો સત્યની અપેક્ષા રાખતાં હોઇએ, તો એ પણ જરૂરી છે કે, આપણે પોતે પણ સાચા હોઇએ. સરવાળે આપણને એ જ મળે છે જે આપણે આપીએ છીએ અને જે આપણી પાસે હોય છે!

છેલ્લો સીન :

શબ્દોનું પણ વજન પડતું હોય છે. અસત્ય શબ્દોને ખોખલા બનાવી દે છે.           –કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 19 ઓગસ્ટ 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *