તું છે તો જિંદગી
જીવવા જેવી લાગે છે
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
સબ્ર તો દેખો આંખ મેં દરિયા રખ્ખા હૈ,
ફિર ભી હમને ખુદ કો પ્યાસા રખ્ખા હૈ,
કહતા હૈ ઉસ પાર સે કોઇ આયેગા,
બીચ મેં લેકિન આગ કા દરિયા રખ્ખા હૈ.
-મંજર ભોપાલી
તું મારા માટે જિંદગી જીવવાનું જીવતું-જાગતું કારણ છે. ક્યારેક મને સવાલ થાય છે કે, મારી જિંદગીમાં તું ન હોત તો જિંદગી કેવી બોરિંગ અને અઘરી હોત! આવો વિચાર આવે પછી તરત જ એવો વિચાર કરું છું કે, તું છે જ, તો પછી હું તું ન હોત તો શું થાત એવો વિચાર શા માટે કરું છું? તું છે, મારા સારા નસીબનું એક મોટું કારણ તું જ છે. તને જોઇને જ એમ થાય છે કે, મારા નસીબ સારા છે, લકી હોવું એટલે ધનવાન હોવું, નસીબદાર હોવું એટલે ઊંચા હોદ્દા પર હોવું, કિસ્મતવાળા હોવું એટલે સેલિબ્રિટી હોવું એવું નથી, લકી હોવું એટલે એવી વ્યક્તિનું સાથે હોવું જેની સાથે જિંદગી હળવી લાગે. જેની સાથે કોઇ ભાર ન હોય, જેનાથી કંઇ છેટું ન લાગે, જેની સાથે વાત કરવા માટે ભૂમિકા ન બાંધવી પડે, જેને કોઇ પણ વાત કરતાં પહેલાં કોઇ વિચાર ન કરવો પડે, જે આપણી સાથે કોઇ કારણ વગર અને સાવ વાહિયાત વાત પર પણ હસી શકે, જે આપણી આંખોમાં બાઝેલા ભેજને મહેસૂસ કરી શકે, જે મૌનની ભાષા પણ સમજી શકે, જે મૌનમાં જવાબ પણ આપી શકે એવી વ્યક્તિ. આવી વ્યક્તિઓના ટોળાં ન હોય, એવાં તો બે-ચાર જ હોય! આવી વાત સાંભળીને એક મિત્રએ તેના મિત્રને સવાલ કર્યો, ‘આવા લોકોનું હવે કોઇ અસ્તિત્વ રહ્યું છે ખરું? આવી વાતો માત્ર ફિલ્મો અને વાર્તામાં જોવા, સાંભળવા અને વાંચવા મળે છે! હવે તો એવા અનુભવો થાય છે કે, સંવેદનાઓનું પડીકું બાંધીને દિલના અજાણ્યા ખૂણામાં સંઘરી દઇએ. મન તો એવું થાય જ છે કે, બસ એવી એક વ્યક્તિ હોય જેને આવી લાગણીઓ મહેસૂસ થાય. જેને આપણી પરવા હોય, જેને આપણાથી ફેર પડે! આવી વ્યક્તિને શોધવી ક્યાંથી?’ આ સવાલ સાંભળીને તેના મિત્રએ કહ્યું, ‘તું એવો છે ખરો, જેને તમામ અહેસાસ થાય? તેં કોઇને એટલા ફીલ કર્યાં છે? હવે તો સંબંધોમાં પણ આપણે કંઇ ‘ફીલ’ કરતાં નથી, પણ ‘ડીલ’ કરતાં હોઇએ છીએ!’
આપણી જિંદગીમાં આપણને બે-ચાર એવી વ્યક્તિ મળી જ હોય છે જે પોતાની લાગે, જેના માટે કંઇ પણ કરવાનું મન થાય. એ પ્રેમી હોય, દોસ્ત હોય કે બીજો કોઇ પણ સંબંધ હોય, એ આપણને આકર્ષતો રહે છે. એ હોય છે ત્યારે એવું જ લાગે છે કે જિંદગીમાં બધું જ છે. માત્ર ને માત્ર એક અંગત વ્યક્તિથી જ એવું લાગ કે, જિંદગીમાં કંઇ ખૂટતું નથી. જેની પાસે બધું જ છે, પણ કોઇ પોતાની વ્યક્તિ નથી એને પૂછજો તો એવું જ કહેશે કે, બધું છે છતાં કંઇક ખૂટે છે. એક પતિ-પત્નીની આ વાત છે. બંને પાસે બધું જ હતું. જિંદગી સરસ જતી હતી. એક અકસ્માતમાં પત્નીનું મોત થયું. આ ઘટના પછી તેના પતિએ કહ્યું કે, ‘હવે કંઇ જ ગમતું નથી. આખું ઘર ખાવા દોડે છે. એ ગઇ એ સાથે ઘરમાંથી પણ જાણે જીવી ઊડી ગયો.’
આપણી પાસે આપણી જિંદગીને જીવતી રાખનાર વ્યક્તિ હોય જ છે! આપણને એની કેટલી કદર હોય છે? હોય ત્યારે આપણને એની કોઇ કદર નથી હોતી, ન હોય ત્યારે એનું મૂલ્ય સમજાતું હોય છે. એક પતિ-પત્નીની સાવ સાચી વાત છે. કોલેજમાં હતાં ત્યારે બંનેને પ્રેમ થયો. બંને શરૂશરૂમાં તો સરસ રીતે જીવતાં હતાં. બાદમાં બંને પોતપોતાનાં કામમાં બિઝી થતાં ગયાં. ધીમે ધીમે વાતો કરવાનું પણ ઓછું થઇ ગયું. પત્નીને આ વાત સમજાઇ. તેણે કામ ઓછું કરી નાખ્યું. પતિને સમય આપવાનું નક્કી કર્યું. એને તો સમય આપવો હતો, પણ પતિ પાસેય સમય હોવો જોઇએ ને? સમય પણ ખાલી આપવાથી મેળ નથી પડતો, સામેથી પણ સમય મળવો જોઇએ. પતિ સમય આપતો નહોતો. એક દિવસ પત્નીએ બહુ શાંતિથી ડિવોર્સની માંગણી કરી. બંને ઝઘડે એવા હતાં નહીં. થોડીક વાતચીત પછી બંનેના ડિવોર્સ થઇ ગયા. છએક મહિનાનો સમય વીતી ગયો. એક દિવસ પતિ તેની પત્નીને મળવા ગયો. તેણે કહ્યું કે, ‘મારે વાત કરવી છે. તું ગઇ એ પછી થોડો સમય એવું લાગતું હતું કે ભલે ગઇ. હવે હું શાંતિથી કામ કરી શકીશ. થોડા દિવસમાં જ મને એવું લાગવા માંડ્યું કે, હું ખોટો હતો. ઘરે જાઉં ત્યારે મહારાજે ટેબલ પર જમવાનું ગોઠવી રાખ્યું હોય છે, પણ કોઇ આગ્રહ કરીને ખવડાવનારું નથી. જો આ મેં બનાવ્યું છે. ચાખ તો, કેવું છે? એવો સવાલ કરનારું નથી. ઘરે આવીને ઓફિસની વાત કરવાનું મન થાય છે, પણ કોની સાથે વાત કરું? સાચું કહું, આજે મને પ્રમોશન મળ્યું. અગાઉ જ્યારે પ્રમોશન મળ્યું ત્યારે દોડીને ઘરે આવ્યો હતો અને તને વળગીને આ ન્યૂઝ આપ્યા હતા. આપણે મારું પ્રમોશન સેલિબ્રેટ કર્યું હતું. આજે ઘરે જઇને હું રડ્યો હતો. એ પછી મને સમજાયું કે, જિંદગીનો ખરો મતલબ તું છે! તું હતી ત્યારે મને કંઇ સમજાતું જ નહોતું. તું નથી તો હવે બધું સમજાય છે.’ આપણે સૌ જ્યારે કંઇક છૂટી જાય ત્યારે જ કેમ ભાનમાં આવતાં હોઇએ છીએ? હોય છે એને આપણે કેમ ઇમ્પોર્ટન્સ આપતાં નથી?
આપણી સાથે જે હોય છે એ માત્ર આપણી સાથે જ નથી હોતા! આપણા માટે જીવતા પણ હોય છે. આપણને છીંક આવે અને ખમ્મા કહેવાવાળા કોઇ હોય એનાથી બહુ મોટો ફેર પડતો હોય છે! ઉધરસ ચડે ત્યારે દોડીને પાણી લઇ આવનાર આપણી જિંદગીની તરસને બુઝાવતાં હોય છે. આવું થાય ત્યારે કોઇ ન હોય તો આપણે કંઇ મરી નથી જવાનાં, પણ એ હોય તો જીવી જવાનાં છીએ એ વાત નક્કી હોય છે! તમારી વ્યક્તિને પ્રેમ કરો, સાથોસાથ એટલું યાદ રાખજો કે સંપૂર્ણ હોય એવી અપેક્ષા ન રાખશો, કંઇક તો ખામી હોવાની જ છે. સંપૂર્ણ તો આપણે પણ ક્યાં છીએ? આપણે સંપૂર્ણ નથી, તો પણ એ આપણને પ્રેમ કરે જ છે ને?
છેલ્લો સીન :
ક્યારેક સંબંધને આપણે એ હદે બગડવા દઇએ છીએ કે, એ વ્યક્તિ યાદ આવતી હોય અને આપણે એને કહી પણ નથી શકતાં કે, તું બહુ યાદ આવે છે! –કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 12 ઓગસ્ટ 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ) kkantu@gmail.com