તમે આ નવા વર્ષે કોઇ
રિઝોલ્યુશન પાસ કરવાના છો?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
રિઝોલ્યુશનની બ્યૂટી એ છે કે, આપણને આપણામાં જ કંઇક
સુધારવાનું કે બદલવાનું મન થાય છે. મતલબ કે, હજુ
આપણને આપણામાં થોડીક શ્રદ્ધા બચી છે
આપણને બધાને ખબર છે કે, રિઝોલ્યુશન લાંબાં ટકતાં નથી,
પણ થોડા સમય માટે ટકે તો પણ શું વાંધો છે?
ન્યૂ યર 2020નું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે. નવા વર્ષમાં તારીખિયા સિવાય શું બદલવાનું છે? આમ તો બીજું કંઇ બદલવાનું નથી, સિવાય કે આપણે કોઇ રિઝોલ્યુશન પાસ કરીએ. આપણને એવા વિચારો તો આવતા જ રહેતા હોય છે કે, આમ કરવું છે અથવા આમ નથી કરવું. જેને કોઇ નિર્ણય કરવો હોય એ તો ગમે ત્યારે કરી લેતા હોય છે, એના માટે કંઇ ચોઘડિયાં જોવાનાં ન હોય. જોકે, મોટા ભાગના લોકો કોઇ સારા મોકાની રાહ જોતા હોય છે. નવા વર્ષ જેવો બીજો બેસ્ટ મોકો કયો હોય? બાય ધ વે, તમે આ વર્ષે કોઇ રિઝોલ્યુશન પાસ કરવાનું નક્કી કર્યું છે? જો હા હોય તો એ વિચારજો કે, આ રિઝોલ્યુશન કેટલામી વખત પાસ કરી રહ્યા છો? પેલી હળવી વાત સાંભળી છેને? કોણ કહે છે સિગારેટ છોડવી અઘરી છે? મેં કેટલીય વાર છોડી છે!
રિઝોલ્યુશન વિશે સૌથી વધુ જો કોઇ વાત થતી હોય તો એ એવી છે કે, રિઝોલ્યુશન લાંબાં ટકતાં નથી. એક યુવાને તેના મિત્રને કહ્યું કે, મેં એક રિઝોલ્યુશન પાસ કર્યું છે કે, હું કોઇ દિવસ કોઇ રિઝોલ્યુશન પાસ કરીશ નહીં. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, એવું કેમ? તો એણે કહ્યું કે, કોઇ રિઝોલ્યુશન લાંબાં ટકતાં નથી. આ જવાબ સાંભળી તેના મિત્રએ વળતો સવાલ કર્યો, લાંબાં ન ટકે તો કંઇ નહીં, ટૂંકાં ટકે તો પણ શું પ્રોબ્લેમ છે? કંઇ ન કરવા કરતાં જેટલું થાય એટલું કરવાનું! આપણા ગળે ક્યાં કોઇએ છરી મૂકી છે કે, રિઝોલ્યુશન નહીં પાળે તો ગળું વાઢી નાખીશ. કદાચ કોઇ રિઝોલ્યુશન ટકી પણ જાય. ચાન્સ તો લેવો જ જોઇએ. આપણે ક્યાં કંઇ ગુમાવવાનું છે?
રિઝોલ્યુશનની સૌથી મોટી બ્યૂટી શું છે એ ખબર છે? રિઝોલ્યુશન આપણને આપણામાં કંઇક સુધારવા માટે ચાન્સ આપે છે. આપણે એટલું તો વિચારીએ છીએ કે, મારે મારામાં આ બદલાવ કરવો છે. એનો એક મતલબ એવો પણ થઇ શકે કે, આપણે આપણી કોઇ ખામી, કોઇ આદત કે કોઇ દાનતથી વાકેફ છીએ અને એનાથી મુક્તિ પણ ઇચ્છીએ છીએ. પોતાનામાં પરિવર્તન કરવાનો વિચાર પણ કંઇ નાનીસૂની વાત નથી. એ છે ત્યાં સુધી આપણે છીએ એના કરતાં બહેતર થવાની શક્યતાઓ રહે છે. જે નક્કી કરી લે કે, હવે કંઇ કરવું જ નથી એનામાં કોઇ કંઇ સુધારો કે વધારો કરી ન શકે. જે માણસને પોતાની ખામીઓની ખબર છે એ જ એને દૂર કરી શકે છે. જેને પોતાનો કોઇ દોષ જ ન દેખાતો હોય એનામાં કોઇ નયા ભારનો ચેન્જ લાવી ન શકે.
તમે વિચારજો કે તમારામાં બદલવા જેવું શું છે? શું છે જે તમને શાંતિથી જીવવા દેતું નથી? કઇ વાત, કઇ ઘટના, કઇ વ્યક્તિ તમને ચેન લેવા દેતી નથી? શું એનાથી મુક્તિ શક્ય નથી? એક મનોચિકિત્સકે કહેલી આ વાત છે. લોકો અંદર ને અંદર ઘૂંટાયા રાખે છે. એક વલોપાત સતત ચાલતો રહે છે. એ લોકોને સાજા અને સારા થવા માટે માત્ર ને માત્ર વિચારોને જ થોડાક બદલવાના હોય છે. આપણે એ જ કરી શકતા નથી. જે વિચાર આપણને ડિસ્ટર્બ કરતો હોય એને ખંખેરીને સારા વિચારને આવવા દેવો જોઇએ. સાવ સિમ્પલ રેમેડી છે. નવા વર્ષમાં વિચાર ઉપર થોડોક વિચાર કરજો. આખા દિવસમાં મને કેવા વિચારો આવ્યા છે? એ વિચારોથી મારી જિંદગીમાં શું ફેર પડ્યો? મારામાં નેગેટિવિટી વધી? પોઝિટિવિટી વધી કે ઘટી? જે વિચાર અપસેટ કરે એવા હોય એ ફરીથી ન કરવાનો નિર્ણય કરો, જિંદગીમાં બહુ મોટો ફેર પડી જશે.
જેને કંઇ છોડવું છે એ કોઇ ને કોઇ રસ્તો શોધી લેતા હોય છે. એક મિત્રએ કહેલી અને કરેલી આ સાવ સાચી વાત છે. એને સ્મોકિંગની આદત હતી. એક દિવસ એણે સ્મોકિંગ છોડી દીધું. તેને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેં કઇ રીતે સ્મોકિંગ છોડ્યું? તેણે જવાબ આપ્યો કે, જાત સાથે ચીટિંગ કરીને! હું મારી જાતને છેતરતો. એક ઝાટકે સિગારેટ છોડી શકું એમ નહોતો. મને સિગારેટ પીવાનું મન થાય ત્યારે હું મારી જાતને કહેતો કે, હમણાં રહેવા દે, પછી પીજે. તેં ક્યાં સાવ છોડી દીધી છે? પીવાની જ છે ને, તો પછી પીજે. એકદમ ન રહેવાતું હોય ત્યારે ક્યારેક એકાદી સિગારેટ પી પણ લેતો. બને ત્યાં સુધી જાતને છેતરવાનું ચાલુ રાખતો. આ રીતે ધીમે ધીમે સિગારેટ ઓછી થતી ગઇ અને પછી એક દિવસ છૂટી ગઇ. વ્યસન છોડવા એની આ સેલ્ફ ચીટિંગ થેરાપી હતી. રીત ભલે ગમે તે હોય, સાચી વાત એ હતી કે, એને સિગારેટ છોડવી હતી. આપણે બસ નક્કી કરવાનું હોય છે કે, આમ કરવું છે પછી એના માટે ભલે ગમે તે રીત અપનાવો.
સુખી જિંદગી માટે થોડાંક સીધાં અને સરળ રિઝોલ્યુશનો પણ છે. થોડુંક હસવાનું વધારી દો, યાદ રાખવા જેવું ન હોય એને ભૂલવાનું શરૂ કરો, માફ કરવાની આદત કેળવો, પોતાની વ્યક્તિને પ્રેમ કરવાનું નક્કી કરો, મગજને થોડીક વાર બ્લેન્ક રાખી આરામ આપો, બધું દિલ પર ન લો. નક્કી કરો કે, જિંદગી સુંદર છે, હું જીવવાનું શરૂ કરું એટલી જ વાર છે. હેપી 2020.
પેશ-એ-ખિદમત
હર કદમ પર હમ સમઝતે થે કિ મંઝિલ આ ગઇ,
હર કદમ પર ઇક નઇ દરપેશ મુશ્કિલ આ ગઇ,
ટૂટતે જાતે હૈં રિશ્તે જોડતા જાતા હૂં મૈં,
ઇક મુશ્કિલ કમ હુઇ ઔર એક મુશ્કિલ આ ગઇ.
– હફીઝ હોશિયારપુરી
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 29 ડિસેમ્બર 2019, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)